રીંગણ નો ઓળો – ઠંડી ધીરે ધીરે ઓછી થઇ રહી છે બનાવો સીઝનનો છેલ્લો છેલ્લો ઓળો અને પરિવાર સાથે આનંદ ઉઠાવો…

પહેલા ના સમય માં બધા ચૂલા પર શેકેલા રીંગણ નો ઓળો બનાવતા જ્યારે આજ ના સમય માં લોકો ખેતર માં કે ફાર્મમાં જઇ ને ચૂલા માં બનાવેલા ઓળા ની મિજબાની કરતા થઈ ગયા છે. અલગ અલગ રાજ્ય માં બનતા રીંગણ ના ઓળા નો ટેસ્ટ અને રેસિપી થોડી અલગ હોય છે.

આજે હું રીંગણ ના ઓળા ની રેસીપી લઇ ને આવી છું.. જે ટ્રેડિશનલ રેસિપી કરતા થોડી અલગ છે. શિયાળા માં રીંગણ નો ઉપયોગ બને એટલો વધુ કરવો જોઈએ. અત્યારે માર્કેટ માં બે અલગ અલગ પ્રકાર ના ઓળા માટે ના રીંગણ જોવા મળે છે.. મેં ગુલાબી ભુટ્ટા નો ઉપયોગ કર્યો છે.

સામગ્રી:-

3 મોટા ગુલાબી રીંગણ

1 ઝીણી સમારેલી મીડીયમ ડુંગળી

1 ઝીણું સમારેલું મીડીયમ ટામેટું

2-3 ઝીણી સમારેલી લીલી ડુંગળી

5-7 ઝીણું સમારેલું લીલું લસણ

7-8 કળી લસણ ની પેસ્ટ

1/2 ચમચી આદુ મરચા ની પેસ્ટ

2 ચમચા તેલ

1/2 ચમચી જીરું

ચપટી હિંગ

1 ચમચી મરચું

1/4 ચમચી હળદર

1 ચમચી ધાણાજીરું

મીઠું સ્વાદ અનુસાર

1/4 ચમચી ગરમ મસાલો

રીત:-
સૌ પ્રથમ રીંગણ ને ધોઈ ને સાફ કરી લો . રીંગણની સાઈડ માં ઉભા કટ કરી લો. જેથી અંદર ખરાબ હોય તો તરત દેખાય .. હવે રીંગણ ઉપર તેલ લગાવી ને ધીમી આંચ પર બધી બાજુ થી રીંગણ બરાબર શેકાય ત્યાં સુધી ગેસ પર શેકી લો.

સહેજ ઠંડા થાય એટલે ઉપર ની છાલ નીકળી લો અને ચમચી કે ચપ્પુ ની મદદ થી રીંગણ ને ક્રશ કરી લો.

એક કડાઈ માં તેલ મૂકી ગરમ થાય એટલે તેમાં જીરું , હિંગ અને હળદર ઉમેરો.ત્યારબાદ તેમાં લસણ ની પેસ્ટ અને લીલું લસણ ઉમેરી ને સાંતળી લો. હવે લીલી ડુંગળી અને ઝીણી સમારેલી સૂકી ડુંગળી ઉમેરી ને મધ્યમ આંચ પર સાંતળો. આદુ- મરચાં ની પેસ્ટ અને ટામેટા ઉમેરી ને તેલ છૂટું પડે ત્યાં સુધી સાંતળો.હવે તેમાં મીઠું , લાલ મરચું , ધાણાજીરું અને ગરમ મસાલો ઉમેરી ને 1 મિનિટ માટે સાંતળી લો . હવે ક્રશ કરેલા રીંગણ ઉમેરી ને ધીમી આંચ પર 2 -3 મિનિટ સુધી ઓળો થવા દો. કોથમીર થી ગાર્નિશ કરી ને ગરમ રોટલા જોડે સર્વ કરો…

નોંધ:-

ઓળો માટે ના રીંગણ ફ્રેશ અને વજન માં હલકા હોય તેવા પસંદ કરવા જેથી તેમાં બીજ બહુ ના હોય…
તમે તમારી પસંદ મુજબ તીખાશ વધુ કે ઓછી કરી શકો છો.
ટામેટાં ઉમેરવાથી ઓળા નો સ્વાદ ખૂબ સરસ આવે છે.
તમે ઇચ્છો તો માત્ર લીલો મસાલો પણ કરી શકો છો..

રસોઈની રાણી : જલ્પા મિસ્ત્રી