રમા – એક ઘરની શાંતિ ભંગ કરવા સોસાયટીની સ્ત્રીઓ કઈ હદ સુધી જાય છે વાંચો…

રમા કોઈ ગીતની કડી ગણગણતી પોતાના ઘરનું કામ કરી રહી હતી. તે ઘરને સજાવતી રહેતી.. ઘરની દરેક વસ્તુ, વ્યવસ્થિત કરીને એવી રીતે રાખે, કે જેને જ્યારે જે જોઈતું હોય તે તરત જ મળી રહે. અને તેથી જ તો રમાનો આખો દિવસ ઘરના કામમાં જ પસાર થઇ જાય, સવારે ઊઠીને જેઠ-જેઠાણી પ્રશાંતભાઈ અને સરયૂબહેન તથા પોતાનો પતિ તુષાર, ત્રણે માટે બપોરનું ટિફિન બનાવે. વળી, ઘરમાં એક મોટું કામ વધારનાર એક બબલુ હતું જેઠાણીનો બાબો !! એ બાબા બંટી માટે ગરમ દૂધ.વળી તેને હૂંફાળું બનાવવું, તેમાં બદામ પિસ્તાંના પીસ કરી નાખવા અને તે દૂધ બંટીને ફોસલાવી-પટાવી પીવડાવવું… ઘરના બાકી બધા તો ઉતાવળમાં હોય, કેમકે, ત્રણેય સર્વિસ કરે છે. બંટીને સ્કૂલ બસ બેડવા આવે, પછી, પેલા ત્રણેય.. બધા જતા રહે પછી પાછળ રમા એકલી જ રહે. આ મકાનમાં હમણાં થોડા વખતથી જ તેઓ રહેવા આવ્યા છે,..અને રમાને ઘરનું કામ કરવાની આદત છે, તે આનંદથી બધું જ કામ કરતી રહે છે. બધા જતા રહે પછી રમા ઘરની બધી વસ્તુઓ લૂછીને વ્યવસ્થિત રાખે, કચરા-પોતા કરે, બધાના કપડાં ધૂએ, આ બધુ થઈ જાય… ત્યાં તો.

બંટીને સ્કૂલેથી આવવાનો સમય થઈ જાય તેને સ્ટેન્ડથી લઈ આવે, તેને સ્કૂલ ડ્રેસ બદલાવી ફ્રેશ કરી, જમાડે, વળી બંટી, એમનેમ થોડો જમે ?? તેને વાર્તા કહેતા કહેતા જમાડવાની રમાએ જ ટેવ પાડી હતી. પછી તેને સુવડાવી દે. ત્યાર પછી રમા સુકાયેલા કપડાં લઇ તેને ઘડી કરે, કપડાંને ઇસ્ત્રી કરવાની હોય તે જુદા કાઢે, ઈસ્ત્રી કરે, બંટી ઊઠે ત્યારે તેને લેશન કરાવે, અને… તેને રમવા મોકલે.. અને પોતે હવે પછી સાંજની રસોઈ માટે તૈયારી કરે !! તેઓ આ નવા મકાનમાં હમણાં-હમણાં રહેવા આવ્યા હતા.અહીંની બધી પડોસણ રોજ શેરીમાં ચાર પાંચ વાગ્યાથી બેસી જાય.. તે સાંજ સુધી બેસે. ગામગપાટા મારે !! તેઓ રોજ આસપાસની વાતો કરે ! તેમાંય, રમા, તુષાર અને તેના જેઠ-જેઠાણી અહીં રહેવા આવ્યા પછી લગભગ દરરોજ તેમની વાતોનો વિષય, ‘રમા’ જ રહેતી. કોઈ કહેતું.. “ઘરનું કામ જ કર્યા કરે છે !!!” “જેઠાણી તો અપ-ટૂ-ડેટ થઈ ફર્યા કરે છે !! તેને રોજ તૈયાર જમવાનું મળ્યા કરે !!”

“કોઈને જેઠાણીની ઈર્ષા થતી ” “તો કોઈ , રમાની દયા ખાતું !!” પણ, વાત તો એક જ…, “આખો થી કામ કરે છે !! મારી બાઈ !!, થાકતી નહિ હોય ???” “જેઠાણીને તો ભારે જલસા !!” બીજી કહે, “સાવ મૂરખ છે આ બાઈ !! બધો કામનો ઢસરડો આ જ કર્યા કરે છે !!” ઈ,બટકબોલી તો બોલી પણ ખરી, “એને અહી આપણી મંડળીમાં સાથે બેસવા લઈ આવો, તો હું તેને સમજાવી દઉં, કે આવું ગધ્ધાવૈતરું કેમ કરીને દુર કરાય ???” મંડળની,બધી મહિલાઓએ સુર પુરાવ્યો… “સાચી વાત છે અને કોઈકે સમજાવી તો પડશે જ !!” એક વખત રમા સહેજ બહાર ફળિયામાં નીકળી… અને ..ત્યાં જ આ મંડળે, તેને ઝડપી લીધી!! “આવોને બેન!!, અમારી સાથે બેસો તો ખરા !!”

બીજી બોલી, ” કેમ, તમને અમારી કંપની,ના ગમે ???” રમા ત્યાં આવીને ઊભી રહી.. બોલી..” ના !, ના !, સાવ એવું તો નથી !!” પણ, ત્યાં કોઈએ સુર પુરાવ્યો… બિચારી !! નવરી થાય મંડળમાં બેસવા આવે ને ??” “અરે !, બેન, તું આખો દિવસ કામ કરતી રહે છે.. તારી જેઠાણીને તો વાંકી વળતા ય જોતા નથી !!..” બીજી બોલી, ” કેમ ?? એ નોકરી કરવા જાય છે એટલે ??” રમા કઈ જવાબ આપે તે પહેલા, ત્રીજી બોલી, ” મારી જેઠાણી યે નોકરી કરે છે !! પણ, ઘરનું કામ કરે નહી, એ ન ચાલે હો !! એને ય, કરવું પડે ઘરનું કામકાજ ! એક ટાઇમની રસોઈ હું કરું તો બીજા ટાઇમની, તેણે કરવી પડે !!

પહેલી બોલી, ” તું સાવ ભોળી છે ! મારી બાઈ !! જેઠાણીને ય કામ કરવા દેવાય !! તું તારી જાતને જેઠાણી સાથે સરખામણી તો કર !! એ કેવી ફુલફટાક થઈ ને ફરે છે ને તું ?? તારી જાત સામે તો જો !!’ વળી, કોઈ બેન બોલી, “.. તું, તારી જેઠાણીની બરોબરી કેમ કરતી નથી ??” રમા બોલી ઉઠી, ” એક વાત કહું ?? તમારા બધા જ પ્રશ્નોના જવાબ, એક વાર્તામાં છે ! “તેમ કહેતા તે બેસી પડી… રમા બોલી, “નાના ગામમાં, એક યુવાન દીકરી અને તેના મા-બાપ રહેતા હતા. આર્થિક સ્થિતિ સાવ, સાધારણ હતી. એની પાસે..કોઈ ખાસ આધાર કહી શકાય તેવુ કાંઈ નહોતું. થોડી ઘણી જમીન,પણ વધુ ઉપજ ન થાય. વરસાદના આધારે એ ખેતી હતી. અને આમાંથી આખા વર્ષનો ગાડું ગબડતું.

એ છોકરીના પિતા એક જીવલેણ બીમારીનો ભોગ બન્યા. દવા-દારૂ કરાવવામાં જમીન વેચવી પડી અને છતાં તેના પિતાજી બચી ન શક્યા !! માં- દીકરી બે જ રહ્યા !! અને ગામડામાં રહીને કામ પણ શું કરે ??? તેઓ બાજુના શહેરમાં આવ્યા. ભાડે મકાન રાખી રહેવા લાગ્યા.. અને કામ શોધવા લાગ્યા.પાડોશમાં જ એક ભાઈ અને તેની પત્ની એક નાનકડા બાબા સાથે રહેતા હતા. બન્ને નોકરિયાત હતાં. બહેન રોજ ઘરનું કામ પતાવી નોકરીએ જાય અને તેના પતિ પણ ઘરના કામકાજ કરાવવામાં મદદ કરે અને વારાફરતી બંને બાબાનું ધ્યાન રાખે.

તે ભાઈનો એક નાનો ભાઈ હતો. તે દૂરના શહેરમાં ભણતો હતો. આ પતિ-પત્નીને સમયની ઘણી ખેંચ રહેતી. તેઓ કોઈ ઘરનું કામ કરી શકે અને તેના બાબાને પણ સાચવે તેવી વ્યક્તિની શોધમાં હતા. આ લોકો તેમની બાજુમાં રહેવા આવ્યા..હવે, એક વખત એવું બન્યું કે… નાનો ભાઈ, રાતની મોડી બસમાં ઘરે આવ્યો અને દરવાજો ખખડાવ્યો..પણ, ત્યારે સેલફોન ન્હોતા.. ભાઈભાભીની ઊંઘ ન ઊડી.., હવે કરવું શું ?? નાનાભાઈ એ તો ફળિયાના દરવાજા પર ચડી અંદર આવવાની કોશિષ કરી,. અને એ બાજુવાળી છોકરી,… “ચોર,…! ચોર…! ” બૂમો પાડતી, આવી … ને.. એ છોકરો, કઈ સમજે કે બોલે … એ પહેલાં જ એણે, છોકરાનો પગ ખેંચીને નીચે પાડ્યો…

ને આ અવાજથી આજુબાજુના લોકો આવી ગયા.. અને… જોયા વગર એ પણ માંડ્યા .. ધબેડવા.. !! નાના ભાઈને !! અને.. આ શોરબકોરથી, જાગી ગયેલા, ભાઈભાભીએ પોતાના ભાઈને છોડાવ્યો.. અને નાનો ભાઈ તો… સીધો .. મારવા જ દોડ્યો .. પેલી છોકરીને !! “ચિબાવલી …..!! તારે લીધે જ થયું આ બધું…!! ઉપલો માળ, ખાલી છે…??” ભાઈભાભીએ માંડ માંડ એને રોક્યો, એને ખેંચીને અંદર લઈ ગયા. બીજે દિવસે, ભાભી, તે છોકરીને મળવા, માફી માંગવા આવ્યા !! તે માં દીકરીની બધી પૂછપરછ કરી અને પોતાની મુશ્કેલી જણાવી. તેમની દીકરીને ઘરનું કામ તથા બાબાનું ધ્યાન રાખવાનું જણાવ્યું બદલામાં સારો પગાર આપવાનું નક્કી કર્યું.

…. અને આ મા દિકરી પણ નિરાધાર હતા. શહેર પણ તેમના માટે અજાણ્યુ હતું …અને કામ પણ જોઈતું હતું …તે સામેથી મળી ગયું !! બીજે દિવસે પેલો નાનો ભાઈ તો જતો રહ્યો !! પણ, તે દિવસથી તે યુવાન છોકરી, આ ઘરનું કામ કરવા લાગી. કામવાળીની જેમ નહીં, પરંતુ ઘરની એક વ્યક્તિ કામ કરે તેવી લાગણીથી કામ કરતી. નાના બાબા નું ધ્યાન એવું રાખતી જાણે તેની સગી માસી કેમ હોય!! તેને પતિ-પત્ની બંનેના દિલ જીતી લીધા. ધીમે-ધીમે તે રસોઈ પણ કરવા લાગી .ઘરનું બધું જ કામ પોતાને હસ્તક લઈ લીધું. બાબાની મમ્મી ખૂબ જ ખુશ હતી. તેના પપ્પા પણ, બધું સરસ ગોઠવાઈ ગયું તેથી રાજી થયા. પતિ-પત્ની બંનેને તે છોકરીથી ખૂબ સંતોષ હતો.

એક વખત પહેલાં બહેનને રવિવાર હોવાથી નોકરીમાં રજા હતી છોકરી તેમના વાળમાં તેલ નાખી દેતી હતી. બંને વાતો કરતાં હતા. એવામાં તે બહેને છોકરીના હાથ પકડી લેતાં કહ્યું, ” તું ખરેખર ગયા જન્મમાં મારી બેન જ હોઈશ !! નહીંતર આ જમાનામાં આવો સ્નેહ !! આટલી કાળજી !! કોઈને કેવી રીતે મળે ?? આ ઘર પર સદાય તારું ઋણ રહેશે !! મને તું એવી વહાલી લાગે છે કે તને મારી પાસે જ રાખી લઉં !!!” એ છોકરી બોલી, ” હું તો અહીં રહીને તમારું કામ કરવાની છું !!” બહેન કહેવા લાગ્યા, ” કેટલા દિવસ ??? એક દિવસ તો તારે પરણીને સાસરે જતું રહેવું પડશે અને વળી પાછી હું એકલી…!” કહેતાં કહેતાં તે ઉદાસ થઈ ગયા. નાના ભાઈનો અભ્યાસ પૂરો થતાં તે ઘરે આવ્યો.તે યોગ્ય નોકરી ની તલાશ કરતો હતો. થોડીવાર માટે ઘરની બહાર જાય. પછી તે ફ્રી હોવાથી ઘરે રહેતો. બાબા સાથે રમતો. પણ તેની નજર આ છોકરી પર રહેતી. શરૂ શરૂમાં તો તે એને ખૂબ હેરાન કરતો. આવું શાક ન હોય, ને બનાવતા નથી આવડતું.. !! આમ.. ને… તેમ…”

પેલી છોકરી, હવે, કશું બોલતી નહિ. ધીમેધીમે…તે છોકરીની રહેણી-કહેણી, બોલચાલ અને કામકાજ કરવાની રીત,તેનો દેખાવ, સ્વભાવ આ બધાથી તે ખૂબ પ્રભાવિત થઈ ગયો…. પણ તે યુવાન મનમાં મૂંઝાતો હતો. તેણે તે છોકરી અને પોતાની વચ્ચે મૌનની મર્યાદા બાંધી લીધી. હવે, તે એ છોકરીને અજાણપણે ચાહવા લાગ્યો હતો. પણ તેણે પોતાના મન પર કાબુ રાખ્યો હતો. જેમ જેમ તે પોતાના દિલ પર લગામ રાખતો હતો. તેમ તેમ તેનું મન વધુ ને વધુ એ છોકરીને આસપાસ રહેવા લાગ્યું !! તે મોટાભાઈને પિતા સમાન માનતો ભાભીને મા સમાન ગણતો હતો. તેના ભાઈ ભાભી પણ એના પર સગા દીકરા જેવો જ પ્રેમ વરસાવતાં. યુવાન પોતાના દિલની વાત કરતાં મૂંઝવણ અનુભવતો હતો. તેને લાગતું હતું કે હું આ છોકરી, એક કામવાળીને પસંદ કરું છું તે વાત તો મારા ભાઈ ભાભી જાણશે તો તેઓ દુઃખી થઈ જશે કે મારી પસંદગી એક ….?” ઘરમાં રહેવું અને દિલ પર કાબૂ રાખવો તે બંને એકસાથે તેના માટે મુશ્કેલ હતું.

દિલની વાત જીભ પર આવી જાય તે પહેલાં તેણે આ ઘર છોડવાનો નિર્ણય કર્યો. તેણે નક્કી કર્યું કે મારે નોકરી શોધવી જ છે તો હું બીજા શહેરમાં શોધી લઈશ. તે જ રાત્રે તેણે તેના ભાઈ-ભાભીને પોતાનો નિર્ણય જણાવી દીધો. ભાઈ ભાભી એ તેને ખૂબ સમજાવ્યો કે આ શહેરમાં જ તેને નોકરી મળે છે તો આપણે બધા સાથે રહી શકીએ !! અમે, તો તું ક્યારે સેટલ થશે અને ક્યારે આપણે બધા સાથે રહીએ તેની રાહ જોવામાં આટલા વર્ષો મહામુશ્કેલીથી વિતાવ્યા છે !! હવે અમને તારા વગર નથી રહેવું !! તું પણ આ દિવસ માટે તડપતો હતો !! અને હવે તને એકાએક શું થઈ ગયું ???” પણ યુવાન કશો જવાબ આપ્યા વગર ચૂપચાપ બીજા દિવસે બીજા શહેરમાં જતો રહ્યો. આ બનાવથી તેના ભાઈ ખૂબ ચિંતામાં રહેતા અને ભાભી તો રડતા જ રહેતા ચિંતામાં અને મૂંઝવણમાં ભાઈ ની તબિયત બગડી ગઈ. ચિંતાને લીધે તેમનું બીપી વધી ગયું …એમણે પોતાનો પ્રોબ્લેમ, કોઈને ન કહેતા મનમાં ને મનમાં… દાબી રાખ્યો !!

એક દિવસ, એમને એટેક આવ્યો …અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા !! ભાભીએ બાજુના શહેરમાં ગયેલા તેના દિયરને ફોન કરી આ વાત જણાવી અને તાબડતોબ આવવા જણાવ્યું. તો તે પણ આ વાત સાંભળતા તરત જ હોસ્પિટલ એ ભાઈ પાસે આવી પહોંચ્યો !! નાનાભાઈને આવેલો જોઈ,તેના ભાઈ ના મુખ પર પ્રસન્નતા છવાય ગઈ !! તે યુવાન કહેવા લાગ્યો, ” ભાઈ !!,તમને શું થઈ ગયું ??? ” તેનો હાથ પકડી લેતાં તેના ભાઈ બોલ્યા, ” હવે મને સારું થઈ જશે!! તું જ મારી દવા છે !! તું હવે ક્યાંય ન જતો !!”

તે યુવાન તેના ભાઇના આંસુ લૂછતાં બોલ્યો, ” હવે, તમને છોડીને ક્યાંય નહીં જાવ !! બસ ?? કોઈ ચિંતા ન કરશો ! હવે હું તમારી પાસે જ રહીશ !’ ભાભીએ પણ, ભીની આંખે, તેના માથા પર હાથ ફેરવ્યો. ત્રણેય ખુશ હતા, ત્યાં પેલી છોકરી આવી, અને બોલી, ‘ ચાલો હવે !!આ ટિફિનને ન્યાય આપો !!તેને ખાલી થવાની ભૂખ લાગી છે !!” ત્રણે હસી પડ્યાં… ત્યાં ડૉક્ટર આવ્યા અને તેમણે ભાઈની તપાસીને કહ્યું, “હવે તમે પેશન્ટને ઘરે લઈ જઈ શકશો. તેનો રિપોર્ટ હવે નોર્મલ છે. બે-ત્રણ દિવસ ઘરે આરામ કરજો અને પછી બતાવી જજો.” નિરાંતનો શ્વાસ લઈ બધા ઘરે આવ્યા.
બે દિવસ પછી,

ભાભી નોકરીએ ગયા હતા. બન્ને ભાઈ તેમના રૂમમાં સાથે હતા ત્યારે મોટા ભાઇએ નાના નો હાથ પકડી ને પૂછ્યું, ” સાચું બોલજે નાના !, ઘર છોડીને જતા રહેવાનો નિર્ણય, તે શા માટે કર્યો હતો ??” યુવાન ચૂપ જ હતો… ભાઈ બોલ્યા, ” તને મારા સમ છે. સાચી વાત જણાવી દે !! તું જેવી રીતે ગયો… ત્યારે હું સમજી ગયો હતો કે તું આ ઘરથી દૂર રહેવા માટે બહાના શોધે છે !! એ વિચાર માત્ર થી મારુ હૃદય, ધબકવાનું બંધ કરી દેત, પણ, તારા પરનો પ્રેમ મને જીવાડી રહ્યો છે !! બોલ, ભાઈ, તું તારા દિલ પર એવો કયો બોજો લઈ ફરે છે !! જે તું મારાથી છુપાવે છે ??” એ યુવાને , હવે,સાચી વાત જણાવતા કહ્યું , “જ્યારથી હું ઘરે આવ્યો ત્યારથી આપણા ઘરે છે, કામ કરે છે, તે છોકરી, મને ખુબ ગમી ગઈ છે !!
જેમ જેમ મારા દિલ પર અંકુશ રાખતો જતો હતો તેમ તેમ મારું મન વધુ ને વધુ તેની નજીક થતું જતું હતું. અને આ વાત તમે જાણી જાઓ તો તમને મારા વિશે શુ વિચારશો ?અને તમે દુઃખી થસો અને એ બીકે હું ઘર થી દુર જવા માગતો હતો. બસ આ જ વાતને તમારાથી છુપાવી છે. હવે તમારે મને જે દંડ દેવો હોય તે દઈ શકો છો !! તમને લાગશે કે ત્યાં હું આટલું ભણેલ-ગણેલ અને ક્યાં તે છોકરી ?? આપણા, કુટુંબ અને સામાજિક મોભા પ્રમાણે એ છોકરી …????” ત્યાં જ તેના ભાભી રૂમમાં પ્રવેશતા બોલ્યા , “કેમ ??? એ છોકરી માણસ નથી શું ???

તે ઘરના કામ કરે છે એટલે તેને પ્રેમ ન કરી શકાય ??? કેમ, તેને માન મર્યાદા મોભો મેળવવાનો કોઈ હક નથી ??” તે યુવાનના ભાઈ કહેવા લાગ્યા, ” તારી ભાભીની વાત સાચી છે !! તને જો એ છોકરી પસંદ હોય તો અમને કશો વાંધો નથી. અમને તારી આ વાત કરતા એટલો સંકોચ શાને ??” યુવાન બોલ્યો, ” મને એમ હતું કે તમને સમાજનો ડર લાગશે !! આપણી, રૂઢિચુસ્ત નાત !! અને આ એક ગરીબ ઘરની, પરનાતની છોકરી !! એની સાથે તમારા ભાઈના લગ્ન થાય તો સમાજના તમારું ખરાબ દેખાશે !! હું ઇચ્છતો નહોતો કે મારે લીધે તમને શરમ અનુભવાય!!”

મોટાભાઈએ કહ્યું, ” હા, આજ સુધી હું પણ, નાતજાતના રિવાજો પ્રત્યેક લોકોએ ફરજિયાત માનવા જોઈએ, એમ જ માનતો હતો. પણ, જ્યારથી આ છોકરીએ આપણાં ઘરમાં પગ મૂક્યો, એણે બાબાને, તારી ભાભી ને, આ ઘરને જે રીતે પ્રેમ કર્યો … કે મારી વિચારસરણી બદલવા હું મજબૂર બની ગયો. ઊંચનીચના ભેદભાવ તો આ સમાજે ઊભા કર્યા છે .બાકી માનવમાત્ર ભગવાન પાસે સમાન છે. કુદરતે ક્યારેય નાના-મોટાનો ભેદ રાખ્યો નથી. તો પછી સમાજનો ડર શાને ??

સમાજના લોકો કદાચ આજે વાતો કરશે અને કાલે ભૂલી પણ થશે!! આ વાત કંઈ સમાજથી ડરવા જેવી નથી. આપણે, ક્યાં કંઈ ખોટું કામ કરવા માગીએ છીએ ?? જે લોકો વિધાયક દ્રષ્ટિથી જોશે તો તે એક ગરીબ ઘરની છોકરી સાથેના તારા લગ્ન કરવાના નિર્ણયને પ્રોત્સાહન આપશે !! બાકી જેને ટીકા કરવી હોય તે ભલે કરે !! હું કોઈની ટીકા થી ડરતો નથી !!” તેવામાં તે છોકરી ચા-નાસ્તાની ટ્રે લઈને આવી અને બોલી, ” તમે બધા વાતો જ કરશો કે આ ચા અને સમોસાને ન્યાય આપવાનો છે ???” ત્રણે ચૂપ થઈ ગયા. તે છોકરી ઉભી ઉભી બધા સામે જોવા લાગી. યુવાનના ભાભીએ તે છોકરીનો હાથ પકડીને કહ્યું, ” ઉભી રહે !!”

તે છોકરી કહે, ” કેમ, મારાથી કંઈ ભૂલ થઈ ગઈ ???” ભાભીએ કહ્યું, ” તે એક મોટો અપરાધ કર્યો છે !!” તે યુવતી પૂછવા લાગી, ” શું અપરાધ થઈ ગયો છે મારાથી ???” ભાભી બોલ્યા , “તો સાંભળ, છોકરી !! તે ચોરી કરી છે !!!” છોકરી તો અવાક થઇ ગઇ !! તે બોલી, ” ચોરી ??? અને મેં ??? આ ઘરમાં ?? તમે આ શું બોલો છો ???” તે હક્કા-બક્કા થઈ ગઈ !! મોટાભાઈ તરત જ બોલી ઉઠ્યા, ” રહેવા દે !! પ્લીઝ, તું એને સતાવ નહીં !!” છોકરી તો ભાભી ના હાથ પકડી ,પૂછવા લાગી, ” તમે આ શું બોલો છો ??? દીદી ??? મને કંઈ સમજ પડતી નથી !! “મહેરબાની કરીને દીદી,… આ….ઘર… મેં… મારું… દીદી !!…શું ચોરી..? ????”

ત્યારે તેને બોલતી અટકાવીને ભાભીએ કહ્યું, ” તે જ ચોરી કરી છે !! તે મારા દિયરનું દિલ ચોરી લીધું છે !! તે અમારા બધાના રદય પર તારું સ્થાન જમાવી દીધું છે !! તને આ ઘરમાં કામ કરનાર તરીકે નહીં, પણ માલિકણ તરીકે અમે ત્રણેય જોવા ઈચ્છીએ છીએ !!” મારા દિયર સાથે તારા લગ્ન કરાવવા માગીએ છીએ! બોલ તને મંજુર છે કે નહીં????” તે છોકરી તો અવાક થઈ ગઈ હતી. …અને તે કશું બોલી ન શકી… તેનાથી એ દીદીના પગ પકડાઈ ગયા !! દીદી એ તેને હૈયા સરસી ચાંપી !!

તેઓ તે છોકરીના બાને મળ્યા… તે પણ આ લગ્ન માટે રાજી થઈ ગયા. તે તો આ વાતને ભગવાનના આશીર્વાદ સમજવા લાગ્યા. પંદરેક દિવસ પછી તે ઘરમાં લગ્નની શરણાઈના સૂરો રેલાયા. બીજે જ મહિને તે યુવાનને એ જ શહેરમાં સારા પગારની નોકરી મળી ગઈ અને તેઓ એક મોટા મકાનમાં રહેવા આવ્યા.” રમા બોલતી હતી. મહિલા મંડળ તો સ્તબ્ધ બની આ વાત સાંભળતું હતું. બધા ચૂપ હતા અને ઉત્સુકતાથી સાંભળી રહ્યા હતા. રમા આગળ વાત કરતાં કરતાં બોલી…, અને તમે બધા સમજી જ ગયા હશો કે તે કામ કરનાર છોકરી, બીજું કોઈ નહીં ,હું જ… રમા !!” અને તે મારા જેઠાણી સરયૂ દીદી, અને મારા જેઠ, પ્રશાંતભાઈ તે યુવાન એ તુષાર મારા પતિ !!”

હવે તમે જ કહો, ” મને પથ્થરમાંથી હીરો બનાવનારની હું બરોબરી કરું ???” મને નાની બહેનની જેમ સંભાળ રાખનારની સાથે મારી સરખામણી કરું ??? મને ઘરની માલિકણ નું ગૌરવ અપાવનાર એ દેવીને, કામના ભાગ પાડું ???” બધાના મોં સિવાય ગયા. ત્યાં જ સરયુબેન સર્વિસેથી આવી, તેમના ઘરનો દરવાજો ખોલતા હતા… તેનું ધ્યાન આ તરફ પડ્યું. રમા ઊભી થઈ ગઈ !!! તો તેમણે પાસે આવી કહ્યું, ” ના !, ના !, રમા!, બેસ,બેસ !! હું આજે વહેલી આવી ગઈ હોવાથી, સાંજની રસોઇ તો, આજે તારે મારા હાથની જમવાની છે !!” રમા તો, “”દીદી…!!” કહીને ભેટી પડી. હવે, મહિલા મંડળ શું બોલે ???

લેખક : દક્ષા રમેશ

વાહ ખુબ સુંદર વાર્તા લખી છે આપના વિચારો કોમેન્ટમાં જરૂરથી જણાવજો, દરરોજ આવી અનેક વાર્તાઓ વાંચો ફક્ત આપણા પેજ પર.