પ્રેમની વસંત બારેમાસ – એમ તો મારી ક્યાં ઉંમર છે પ્રેમ કરવાની તું દિલને ગમી ગયો ને હું પાછી જુવાન થઇ…

ગુજરાતની આર્થિક રાજધાની માનવામાં આવતા શહેરમાં સવાર થી સાંજ સુધી ભાગદોડ વાળી જીંદગી લાખો લોકો જીવી રહ્યા છે. વહેલી સવારથી અનેક લોકો ધંધા રોજગારની શોધમાં ફરી રહ્યા છે તો બીજી બાજુ શ્રીમંત માનવામાં આવતા પરીવારના વ્યક્તિઓ સવારમાં પ્રકૃતિના સાનિધ્યમાં કસરત કરી રહ્યા છે. એક બાજુ ગરીબ પરીવારના વ્યકિતઓ મહેનત કરીને પરસેવો પાડી રહ્યા છે તો બીજી બાજુ શ્રીમંત પરીવારના વ્યક્તિઓ પરસેવો પાડવા માટે મહેનત કરી રહ્યા છે. આવા પરસ્પર વિરોધી માહોલની વચ્ચે રહીને પણ પ્રિયલ સદા ખુશ રહે છે.

શહેરના પૈસાદાર ઘરની પ્રિયલ શ્રીમંત હોય કે ગરીબ દરેક વ્યક્તિ સાથે આત્મિયતા પુર્ણ વ્યવહાર કરે છે. પ્રિયલના વ્યવહારના સૌ કોઇ વખાણ કરી રહ્યા છે અને પરીવારના લોકોને પ્રિયલ હંમેશા ખુશી આપતી રહે છે પરંતુ લગ્નની ઉંમર વિતી જવા છતાં પ્રિયલે લગ્ન માટે કોઇ યુવકને પસંદ ન કરતા પરીવારના સભ્યો ચિંતીત થઇ જાય છે. પ્રિયલની ભાભીએ જ્યારે પુછ્યુ કે અમે બતાવેલા સારા ઘરના અનેક યુવકોને તમે લગ્ન માટે ના પાડી ચુક્યા છો તો તમારા ધ્યાનમાં પહેલેથી કોઇ યુવક હોય અને તમે પ્રેમ કરતા હોય તે કહી દેજો. ના આવુ કઇ જ નથી, હું કોઇના પ્રેમમાં નથી પરંતુ જો કોઇના પ્રેમમાં પડીશ તો સૌથી પહેલા ભાભી તમને જણાવીશ તેમ પ્રિયલે જણાવ્યુ.

તમે પૈસાદાર, મૌભાદાર અનેક શ્રીમંત યુવકોને જીવનસાથી બનાવવાની ના પાડી ચુક્યા છે એમ જ્યારે ભાભીએ કહ્યુ ત્યારે પ્રિયલે જવાબ આપતા કહ્યુ કે હું ફક્ત પૈસાથી અમીર હોય, મોભાદાર હોય તેવા વ્યક્તિ સાથે ક્યારેય લગ્ન નહી કરૂ તો તેને મારો જીવનસાથી બનાવવાનો કોઇ પ્રશ્ન જ રહેતો નથી. હું એવા વ્યક્તિ સાથે લગ્ન કરીશ કે જે ખરેખર દિલનો અમીર હોય, મને ભરપુર પ્રેમ આપે, મારી લાગણીઓને સમજે. આવો કોઇ યુવક આજના જમાનામાં મળવો મુશ્કેલ છે, તમે ખોટી જીદ્દ ન કરશો, ઘર સંસાર ચલાવવા માટે થોડી બાંધ છોડ તો કરવી પડે નહીતર કુંવારા રહી જશો તેમ પ્રિયલની ભાભીએ કહ્યુ.

ભાભીજી હું કુંવારા રહેવાનું પસંદ કરીશ પરંતુ મારી પસંદગીનો કોઇ યુવક મળશે ત્યારે જ લગ્ન કરીશ. ભલેને મારી લગ્નની ઉંમર વિતી જાય તેમ પ્રિયલે સ્પષ્ટ જણાવી દીધુ. પરીવારના સભ્યો પ્રિયલના સાંસારીક જીવનને લઇને સતત ચિંતત રહે છે પરંતુ પ્રિયલ પોતાના માટે વિચારવાના બદલે હંમેશા સમાજનો વિચાર કરે છે અને પોતાના જીવન સાથીની શોધ કરવાના બદલે ગરીબ પરીવારોનુ જીવન ધોરણ સુધારવા માટે સતત પ્રયત્નશીલ રહે છે.

પ્રિયલની લગ્નની ઉંમર વિતી જવા છતાં પણ તેને મનગમતો યુવક મળતો નથી. પ્રિયલ પોતાના શોખ માટે શાળાના બાળકોને ભણાવવાનું શરૂ કરે છે અને ખાસ કરીને ભણવામાં નબળા હોય તેવા વિદ્યાર્થીઓ ઉપર વિશેષ ધ્યાન આપે છે. પ્રિયલની જીંદગી પરીવાર, ગરીબ વ્યક્તિઓ, શાળા, વિદ્યાર્થીઓની આસપાસ જ ફર્યા કરતી હોય છે ત્યારે પવન નામનો એક નવ યુવાન પ્રિયલ પાસે આવે છે અને સામાજીક કાર્ય માટે થોડી આર્થિક મદદ માંગે છે.

પ્રિયલ સાવ અજાણ્યા વ્યક્તિને મદદ આપવાનું ટાળતી હોવાથી તે આ યુવકને થોડા દિવસ પછી મળવા આવવાનું કહે છે અને યુવક વિશે માહીતી મેળવવાનું શરૂ કરે છે. પ્રિયલને જાણવા મળે છે કે પવન એક મધ્યમ વર્ગના પરીવારનો યુવક છે અને તે શ્રીમંત વ્યક્તિઓ પાસેથી થોડી થોડી આર્થિક મદદ મેળવીને ગરીબ પરીવારોને પગભર કરવાનું ભગીરથ કાર્ય કરી રહ્યો છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓને ભણવામાં મદદરૂપ બની રહ્યો છે. પ્રિયલ પોતાના કરતા ઉંમરમાં દસથી વધુ વર્ષ નાના પવનના કાર્યોથી ખુબ પ્રભાવીત થઇ જાય છે.

પ્રિયલ જીજ્ઞાસાવસ પવન વિશે અન્ય માહીતી મેળવવાનું શરૂ કરે છે અને તે પવનની નાનામાં નાની બાબતોને જાણવા માટે સતત પ્રયત્નો કરે છે. થોડા દિવસો પછી પવન ફરીથી પ્રિયલ પાસે આવે છે ત્યારે પ્રિયલ એક પણ શબ્દની પુછપરછ કર્યા વગર આર્થિક મદદ કરે છે જેનાથી પવન ખુશ થઇ જાય છે. પવન પણ પ્રિયલના કાર્યોથી ખુશ થાય છે અને મનોમન સાથે સત્કાર્યો કરવાનું વિચારે છે. પરંતુ બીજી મુલાકાતમાં જ પ્રિયલ સાથે કામગીરી કરવાનો પ્રસ્તાવ મુકતા થોડો સંકોચ અનુભવે છે. એકાદ કલાક જેટલો સમય સાથે વિતાવ્યા પછી પવન અને પ્રિયલ છુટા પડે છે.

એક અઠવાડીયા જેટલો સમય વિત્યો હશે ત્યા ફરીથી પવન પ્રિયલ પાસે આવે છે અને શ્રમીક વિસ્તારમાં આયોજિત કાર્યક્રમમાં મુખ્ય મહેમાન કરીકે આવવા માટે નિમંત્રણ પાઠવે છે. આ સાંભળીને પ્રિયલ ખુબ જ ખુશ થઇ જાય છે અને એક ક્ષણનો વિચાર કર્યા વગર પવનના નિમંત્રણને પ્રેમથી સ્વિકારી લે છે. શ્રમીક વિસ્તારમાં કાર્યક્રમ શરૂ થાય તે પહેલા પવન પ્રિયલને લેવા માટે ઘરે આવે છે અને કાર્યક્રમમાં સાથે લઇ જાય છે. પ્રિયલની નાનામાં નાની બાબતોનું પવન સતત નિરીક્ષણ કરે છે અને તેને કોઇ પણ પ્રકારની અગવડ ન પડે તું પણ ધ્યાન રાખે છે.

શ્રમીક પરીવારના બાળકો દ્વારા જ્યારે વ્યસન મુક્તિ અને સ્વાવલંબન વિશે સંદેશ આપતો ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ રજુ કરવામાં આવે છે ત્યારે તે જોઇને પ્રિયલ દંગ રહી જાય છે. પવનના સતત પ્રયાસોથી અનેક શ્રમીક પરીવારોના ચહેરા પર સ્મિત જોવા મળી રહ્યુ છે અને શ્રમીક પરીવારો પવનને પોતાના દિકરાની જેમ લાડ લડાવી રહ્યા છે. આ બધુ જોઇને પ્રિયલ મનોમન વિચારે છે કે આ યુવક નિસ્વાર્થ ભાવથી હજારો શ્રમીક પરીવારોને ખુશી આપી શકતો હોય તો જો તે મારા જીવનમાં આવે તો મને કેટલી બધી ખુશી આપશે.

આજે પ્રિયલ પહેલી વખત કોઇ યુવક તરફ આકર્ષિત થઇ છે અને તે યુવક એટલે શ્રમીકોની વચ્ચે રહેતો પવન. પછી તો અવાર નવાર પ્રિયલ પવનને પોતાના કાર્યક્રમોમાં બોલાવે છે અને પવન પ્રિયલને કાર્યક્રમોમાં નિમંત્રણ આપે છે. બન્ને સાથે મળીને હવે સત્કાર્યોની નવી શૃંખલા શરૂ કરે છે. પ્રિયલ દિવસે ને દિવસે પવનને વધુ ચાહવા લાગે છે અને પવનને પોતાનો જીવન સાથી બનાવવાનું નક્કી કરે છે. પ્રિયલ તેની ભાભીને પવન સાથેના એક તરફી પ્રેમ વિશે વાત કરે છે. પ્રિયલની ભાભીએ કહ્યુ કે તમારી બધી વાત બરાબર છે પરંતુ પવન તમારા કરતા ઉંમરમાં ઘણો નાનો છે.

પ્રેમમાં કોઇ નાનુ કે મોટુ હોતુ જ નથી તેમ પ્રિયલે કહ્યુ. તમારે પવન સાથે એકલા બેસીને પ્રેમની વાત કરી લેવી જોઇએ તેવુ ભાભીએ કહ્યુ ત્યારે પ્રિયલે જણાવ્યુ કે પવન સાથે હું અનેક વખત કલાકો સુધી એકલી બેઠી છુ પરંતુ એ તો ફક્ત કામની જ વાતો કર્યા કરે છે. ક્યારેક રમુજ કરીને મને હસાવે છે ખરો. આમ તો પવન મારૂ સતત ધ્યાન રાખ્યા કરે છે પરંતુ તેના મનમાં શુ છે તે હું જાણતી નથી. થોડા દિવસો વિત્યા પછી એક કાર્યક્રમમાં જઇને પવન અને પ્રિયલ આવી રહ્યા હોય છે ત્યારે મોરનો ટહુકાર સાંભળીને પ્રિયલ કહે છે કે પવન જુએ છે ને આ મોર ઢેલને આકર્ષિત કરવા માટે કેવા નખરા કરી રહ્યો છે. પવને કહ્યુ કે બધા થોડા પ્રિયલ જેવા હોય કે મનમાં હોય તે કહી ન શકે.

પવનના આ શબ્દો સાંભળતા જ પ્રિયલ કહે છે કે મનમાં જે છે તે હોઠ ઉપર પણ આવે જ, એમ તો મારી ક્યાં ઉંમર છે પ્રેમ કરવાની તું દિલને ગમી ગયો ને હું પાછી જુવાન થઇ. પ્રિયલે પ્રેમનો એકરાર કરતા પવન એક પણ ક્ષણનો વિલંબ કર્યા વગર પ્રેમનો સ્વિકાર કરે છે અને બન્ને પ્રેમથી ભેટી પડે છે. (શિર્ષક પંક્તિ વૈશાલી ભગત, અમદાવાદ)

લેખક : નીલકંઠ વાસુકિયા

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ