સાસુ મા – સાસુની હાજરી નથી ગમતી પણ જયારે તેની માતા સાથે આવું બન્યું ત્યારે… લાગણીસભર વાર્તા…

*”દરેક ઘરમાં સ્વર્ગ સ્થપાશે ત્યારે,*

*સાસુ ‘મા’ અને વહુ ‘દીકરી’ બનશે જયારે.*

સુચી… સુચી…. સુચી…. ઘરમાં આવતા જ હર્ષે ખુશીથી બુમો પાડી સુચી હાથમાંથી મેગેઝીન નીચે મુકીને દોડી. હર્ષે ઘરમાં આવતા જ સુચીને તેડી લીઘી તેના ચહેરા પરથી છલકતી ખુશી જોઇને સુચી બોલી..

“અરે.. અરે… આટલો બધો ખુશ છો ??? શું થયું ? પ્રમોશન મળ્યું કે પગાર વધારો થયો..? હર્ષે તેને નીચે ઉતાર્યા વગર જ કહ્યું,. “ના ડાર્લિંગ… એવું કંઇ નથી. મારી ખુશી જુદી છે. આજે મમ્મીનો ફોન આવ્યો હતો. તે કાલે સવારે નીકળીને સાંજે અહીં આવે છે. આપણા લગ્નને દોઢ વર્ષ થયું… મમ્મી પહેલીવાર આપણા ઘરે આવે છે.” બોલતા બોલતા હર્ષ ભાવુક થઇ ગયો અને સુચી મૌન થઇ ગઇ. પોતાની ખુશીનો કંઇ જ પડધો ન પડયો કે ન તો સુચીના ચહેરા પર ખુશીની રેખા આવી, તે જોઇને હર્ષનો ઉત્સાહ ઓછો થઇ ગયો તેને નીચે ઉતારીને બોલ્યો, “શું થયું સુચી..? તું ખુશ નથી ??”

સુચી થોડી નારાજગી સાથે બોલી, “હર્ષ, મમ્મીએ અચાનક આવવાનું નકકી કર્યુ..? આપણને પુછયું પણ નહી..??” હર્ષને આશ્ર્ચર્ય થયું, “અરે સુચી.. અહી આવવામાં મમ્મીએ પુછવાનું હોય..? તેનું જ ઘર છે ને…? કેમ, તને ન ગમ્યું…?” સુચી ચહેરાના ભાવ બદલતા બોલી.., “પણ તારી મમ્મીનો સ્વભાવ થોડો જુનવાણી એટલે કહું છું, તે તો પૂરા ધર્મષ્ઠિ.. અને અહી તો રસોઇ પણ બાઇ કરે છે… હું આવા વેસ્ટર્ન કપડાં જ પહેરું છું..મમ્મીને નહી ગમે… એટલે ચિંતા થઇ..”

હર્ષે તેને સમજાવતા કહ્યું, ” સુચી… તે મારી મમ્મી છે, લગ્ન પછી એક અઠવાડિયું જ આપણે મમ્મી સાથે રહ્યા હતાં, હવે દોઢ વર્ષે તે પહેલીવાર આવે છે, તો થોડા દિવસ તેને ગમે તેવું જ કરજે ને..! વેસ્ટર્ન કપડાને બદલે ડ્રેસ પહેરજે ને… તને રસોઇ નથી આવડતી તે મમ્મીને ખબર જ નથી .. તું કહીશ તો તે રસોઇ કરતા પણ શીખવશે.. થોડા દિવસ સાચવી લેજે ને…. તારા મમ્મી તો કેટલી વાર આવે છે તે આવે ત્યારે હું તેમને ગમે તે બધુ કરું છું ને..”

સુચી ખીજાય ગઇ, “એટલે શું તારી મમ્મો આવે ત્યારે હું મણીબેન બની જાઉં..?? મારી મમ્મી આવે છે ત્યારે આપણને કંઇ કહેતી નથી, તારી મમ્મી તો કેટલી શીખામણ આપશે… ભલે આવે… પણ મને કંઇ બદલાવવાનું ન કહેતો, તે મને કંઇ કહેશે તો હું સહન નહી કરું..” બીજા દિવસે સુચી ગુસ્સામાં જ રહી. હર્ષ સમજાવતો રહ્યો. સાંજે હર્ષના મમ્મી સુષ્માબેન આવ્યા, ત્યારે તો સુચીએ સારું સ્વાગત કર્યુ અને જમીને બધા સુઇ ગયા

બીજા દિવસે સવારે સાડા છ વાગ્યામાં વાસણનો અવાજ આવતા સુચી ઉઠી, જોયું તો સુષ્માબેન રસોડામાં ચા બનાવતા હતા. તે કંઇ જ બોલ્યા વગર પાછી સુઇ ગઇ પોતાના રોજના ટાઈમે આઠ વાગ્યે જ ઉઠી, તેને જોઇને સુષ્માબેને કહ્યું, “ઉઠી ગઇ બેટા… ચાલ તારી ચા કરી આપું… પછી હર્ષ માટે ગરમ નાસ્તો બનાવીએ.. પછી રસોઇ શું કરવી છે તે કહે..” સુચી તેમને રોકતા બોલી.., “મમ્મી અહીં તો ગરમ નાસ્તો બનાવતા જ નથી, અને મને રસોઇ બનાવતા નથી આવડતી રસોઇ માટે એક બેન આવે છે… તમને તે બેનનું ન ફાવે તો જાતે બનાવી લેજો”

સુષ્માબેન જોઇ રહ્યાં, કંઇ જ બોલી ન શકયાં. પછી તો પંદર દિવસ સુઘી સુચી તેમને ન ગમે તેવું વર્તન કરતી રહી.. બધાને ધરે પત્તા રમવા બોલાવવા, પાર્ટી કરવી, ડાન્સ કરવો… એવું બધું કરતી રહી. સુષ્માબેનને ન ગમતું, પણ દીકરા- વહુની જિંદગીમાં ડખલ ન કરવી જોઇએ તેમ વિચારીને કંઇ બોલતા નહી. પંદર દિવસ પછી તેમણે ઘરે જવાની વાત કરી, તો હર્ષે હજી થોડા દિવસ રોકાય જા ને..! તેમ કહીને રોકી લીઘા.

એક દિવસ તો હદ થઇ ગઇ સુચી શોર્ટસ અને ઓફ શોલ્ડર ટી-શર્ટ પહેરીને બહાર જતી હતી. સુષ્માબેનથી હવે ન રહેવાયું. તેમણે સુચીને રોકીને કહ્યું, “બેટા… આવા કપડાં પહેરીને બહાર ન જા… હવે તું કોઇની પત્ની છો… આટલા અંગ પ્રદર્શન કરતા કપડાં ન પહેરાય..”

બસ… સુચીને તો બોલવું જ હતું અને સુષ્માબેને મોકો આપ્યો. હાથમાંથી પર્સનો ધા કરતા બોલી.., “બસ.. સાસુપણું બતાવી દીધું…? હું તો હર્ષને કહેતી જ હતી કે તમે આવશો એટલે કંઇકને કંઇક સલાહ આપતા જ રહેશો, પણ મમ્મી, આ મારૂં ઘર છે, મને ફાવે તેમ કરું.. તમે મહેમાન છો વધારે સલાહ ન આપો . ન ફાવે તો તમારા ઘરે જતા રહો.”

સુષ્માબેન આધાતથી અવાક થઇ ગયા તે કંઇ જ બોલ્યા વગર પોતાના રૂમમાં ચાલ્યા ગયા સાંજે હર્ષ આવ્યો ત્યારે સુષ્માબેને તેને કહ્યું, “હવે મને ઘરે જવા દે.. તું કાલની ટિકિટ લઇ આવ” હર્ષ સમજી ગયો કે કંઇક થયું છે તેણે પુછયુ, પણ સુષ્માબેને કંઇ ન કહ્યું. અને ઘરે જવાની જીદ પકડી હર્ષને વધારે પુછીને દુ:ખી કરવાનું યોગ્ય ન લાગ્યું, અને ટિકિટ લઇ આવ્યો બીજો આખો દિવસ ત્રણેય ગુમસુમ રહ્યાં.

રાત્રે દસ વાગ્યાની બસ હતી સુષ્માબેન સાત વાગ્યે જ તૈયાર થઇ ગયા ત્યાં સુચીના પિયરથી ફોન આવ્યો… ફોનમાં તેના ભાભીએ કહ્યું કે, તે અને સુચીનો ભાઇ ત્રણ મહિના માટે લંડન જાય છે, સુચીના મમ્મીને વૃધ્ધાશ્રમમાં મુકી આવે છે. સુચીએ તેમને વિનંતી કરતા કહ્યું, “ભાભી.. મમ્મીની તબિયત ખરાબ છે, તે જાતે કંઇ કરી શકતા નથી, તમે હમણાં ન જાવ તો ન ચાલે..??” પણ તેના ભાભીએ કહી દીઘુ, ” મમ્મી તો કાયમના બીમાર છે.. શું અમારે ફરવા જવા માટે તેમના મરણની રાહ જોવી ???”

સુચી રડી પડી. સુષ્માબેન બધું ભુલીને તેની પાસે આવ્યા, ગળે લગાડીને આશ્ર્વાસન આપ્યું. પછી હર્ષને કહ્યું, “હું મારી જાતે સ્ટેશન જતી રહીશ.. જા તું સુચીના મમ્મીને અહીં લઇ આવ.. દીકરા – દીકરી હોવા છતાં મા વૃધ્ધાશ્રમમાં રહે તે યોગ્ય ન કહેવાય. સુચીના મમ્મીને હવે અહીં જ રાખજો.. ” આટલું કહીને તેમણે બેગ ઉપાડી.

હર્ષ સાંભળી રહ્યો, પણ સુચી તેમના પગમાં પડી ગઇ અને બોલી.., “મમ્મી, મેં તમને આટલા હેરાન કર્યા છતાં તમે મારી મમ્મીની ચિંતા કરો છો..?? હવે હું તમને કયાંય જવા નહીં દઉં.. આ ઘર તમારું જ છે. મારી ભુલ થઈ ગઇ, મને માફ નહી કરો..?”

સુષ્માબેને તેને પ્રેમથી ઉભી કરી અને બોલ્યા.., “ના બેટા… માફી ન માંગ… તમારી અને અમારી વડિલોની દુનિયા અલગ છે.. એટલે આવું થાય . પણ મને કંઇ દુ:ખ નથી..તું રડ નહી.. હું હમણાં અહીં જ રહીશ…” સુચી તેમના ખોળામાં માથું નાખીને રડતી રહી. સુષ્માબેન તેના માથે હાથ ફેરવતા રહ્યાં અને હર્ષે પોતાના આંસુ લુછી નાખ્યા….

લેખક : દિપા સોની “સોનુ”

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ