*”છુટ છે છલકાય પડવાની, ભલે છલકાય,*
*પણ જાત છે ખાબોચીયાની ને, ઘુઘવતા શું હશે ?*
ઝરણા બે દિવસથી મુંજાતી હતી. શું કરવું ? કોને કહેવું ? ખબર પડતી ન હતી. સાંભળેલી વાતો પર વિશ્ર્વાસ કરવો કે એકવાર મળીને ખાત્રી કરવી, આ બે વિકલ્પમાં અટવાતી હતી. આજે તેને જોવા સાગર તેના માતા-પિતા સાથે આવવાનો હતો. સાગરના કુટુંબની ગણત્રી શહેરના નામાંકીત ધનવાનોમાં થતી હતી. ઝરણાના માતા-પિતા મધ્યમ વર્ગના હતા. ઝરણા એમ.બી.એ ભણોને નોકરી કરતી હતી. સાંભળવા મુજબ સાગર અને તેના માતા-પિતા સખત રૂઢિચુસ્ત હતાં. આ પહેલા સાગરની સગાઇ એકવખત થઇને તૂટી ગઇ હતી. ઝરણા ડરતી હતી કે શું જવાબ આપવો, પણ તેના મમ્મી – પપ્પાએ કહ્યું કે સાંભળેલી વાતો પર વિશ્ર્વાસ ના કરાય, એક વખત મળી લઇએ.

સાંજે સાગર અને તેના માતા-પિતા ઝરણાને જોવા આવ્યા. તેઓનો ઠાઠ જોઇને ઝરણાના પાડોશીની આંખ પણ અંજાય ગઇ. ઝરણાના માતાપિતાએ તેમનું સ્વાગત કર્યું. ઝરણા સાડી પહેરીને નાસ્તાની પ્લેટ લઇને બેઠકરૂમમાં આવી. સાગર અત્યંત સુંદર હતો. ઝરણા પણ દેખાવમાં ઓછી ન હતી. ઝરણાને જોઇને સાગરના માતાપિતા ખુશ થયા. સાગરના મમ્મીએ ઝરણાને પાસે બેસાડી અને કહ્યું, “બેટા, અત્યારનો જમાનો તો ડ્રેસ- જિન્સ – ટી શર્ટનો છે. તું મર્યાદામાં માનતી હો તો ભલે, પણ સાડી પહેરવાની શું જરૂર છે? અમારા ઘરમાં એવું વાતાવરણ નથી. તને ફાવે તો જિન્સ – ટી શર્ટ પહેરી શકે છે. ” સાગરની મમ્મીની મઘઝરતી વાણી સાંભળીને ઝરણાના મમ્મી – પપ્પાના મનમાં હાશકારો થયો.

સાગર અને ઝરણા રૂમમાં વાત કરવા ગયાં. ત્યાં સાગરે કહ્યું , “મારી સગાઇ એકવાર તૂટી ગઇ છે, તેમાં મારો કંઇ જ વાંક નથી. તે છોકરીને કોઇ બીજા છોકરા સાથે પ્રેમ હતો એટલે મેં જ તેની સાથે સગાઇ તોડી નાખી. હવે તે છોકરી મને કારણ વગર બદનામ કરે છે.” આ સાંભળીને ઝરણાને લાગ્યું કે સાંભળેલી બઘી જ વાતો ફકત અફવા છે. સાગરે ઝરણાને કહ્યું કે, “તું મને ગમે છે, મારો જવાબ તો હા જ છે, તું મને વિચારીને જવાબ આપજે, મધે જરા પણ ઉતાવળ નથી.”

બન્નેની વાતચીત પૂરી થયા બાદ બન્ને બેઠકરૂમમાં આવ્યા. સાગરના પિતાએ કહ્યું કે, “અમને તો તમારી ઝરણા ગમી જ છે. હવે તમે આવીને ઘર જોઇ જાવ એટલે વાત આગળ વધારીએ.” સાગરના મમ્મીએ જતાં જતાં ઝરણાને બાથમાં લેતા કહ્યું કે, “તમારે જે જવાબ આપવો હોય તે આપજો, પણ મેં તો ઝરણાને અત્યારથી જ મારા ઘરની વહુ માની લીઘી છે. બેટા હવે આપણા ઘરે આવ ત્યારે ડ્રેસ કે જિન્સ ટી શર્ટ પહેરીને આવજે.”

સાગર અને તેના મમ્મી પપ્પા ગયા પછી ઝરણાના મમ્મી પપ્પાને પણ થયું કે સાગરનું કુટુંબ બઘી રીતેસારું છે. તે લોકો બીજા જ દિવસે સાગરના ઘરે ગયા. સાગરનો બંગલો જોઇને તે બઘા આભા બની ગયા. બહારના પાર્કિંગમાં ત્રણ મોંધીદાટ ગાડીઓ પડી હતી. ઝરણાના મમ્મી પપ્પા તો દીકરીની ખુશનસીબ છે તેમ વિચારીને મનોમન હા પાડવાનું નકકી કરી લીઘું.

ઘરમાં જઈને જોયું કે આલીશાન બેઠકરૂમમાં મોંઘુ ફર્નિચર હતું. ઝરણા અને તેના માતા – પિતા માટે અઢળક વિવિધ પ્રકારની વાનગીઓ હતી. ઘર જોવાની વિધિ પૂરી થયા પછી બેઠકરૂમમાં બેઠા. ઝરણા મનોમન ખુશ થતી હતી, અને થોડીથોડી વારે સાગર સામે તીરછી નજરે જોઈ પણ લેતી હતી. સાગર પણ તેની સામે જોઈ સ્માઇલ આપતો હતો. થોડીવાર પછી સાગરના મમ્મીએ કહ્યું કે, ‘ઝરણા આપણે ત્યાં કોઇ પ્રકારની કમી નથી. એટલે તું લગ્ન પછી નોકરી ન કરતી. આ અમારી શરત નથી, પણ હું તારા આરામ માટે કહું છું.” ઝરણાએ પણ સારૂં કહીને વાતને સમિટી લીઘી.

અઠવાડીયા પછી સગાઇની વિધિ કરી લીઘી. ઝરણાએ સગાઇમાં આખા સ્ટાફને બોલાવ્યો હતો. જેમાં છોકરીઓ સાથે છોકરાઓ પણ હતા. સાગરે બઘા લોકો સાથે સારી રીતે વર્તન કર્યું. ઝરણાના મનમાં રહી સહી શંકા પણ દુર થઇ ગઇ. સગાઇ પછી પણ ઝરણાએ નોકરી ચાલુ રાખી. કયારેક કયારેક સાગર તેની ઓફિસે તેડવા-મુકવા આવતો. ઝરણાને મોંધી ગીફટ આપતો અને કહેતો, “ઝરણાં તું સાગરમાં કયારે સમાઇ જઇશ ?” આ સાંભળીને ઝરણા શરમાઇ જતી.

એક વખત સાગરે ઝરણાને તેડવા આવવાનું કહ્યું હતું. ઝરણા ઓફિસની નીચે રાહ જોઇને ઉભી હતી. સાગર આવ્યો ન હતો. ત્યાં ઝરણા સાથે કામ કરતો આકાશ આવ્યો. તે ઝરણા સાથે વાત કરવા લાગ્યો. બન્ને બાજુની હોટલમાં કોફી પીવા માટે ગયા.. તે દરમ્યાન સાગર આવ્યો. બન્નેને સાથે જોઇને કંઇ જ બોલ્યા વગર ત્યાં જ ચુપચાપ ઉભો રહ્યો. ઝરણા અને આકાશ બન્ને દસ – પંદર મિનિટમાં કોફી પીને આવી ગયા. બન્ને કોઇ વાત પર હસતા હસતા બહાર નીકળતા હતાં. આ જોઇને સાગરને ગુસ્સો આવ્યો તેણે કંઇ જ બોલ્યા વગર ઝરણાને થપ્પડ મારી દીધી અને આકાશને પણ મારવા લાગ્યો. ઝરણા સ્તબ્ઘ બનીને જોતી રહી. તેણે વચ્ચે પડીને આકાશને છોડાવ્યો.

બીજા દિવસે ઝરણાએ બઘી ગીફટ પાછી મોકલી અને સાગર સાથેની સગાઇ પણ તોડી નાખી. સાગરે ઘણી માફી માંગી, પણ ઝરણાએ કહ્યું કે, અત્યાર સુઘી તું આડંબર કરતો હતો. તારો સાચો સ્વભાવ કાલે મારી સામે આવી ગયો. લોકો સાચું જ કહેતા હતા, મારે તારા જેવા શંકાશીલ માણસ સાથે જીવન વીતાવી મારી જીંદગી ખરાબ નથી કરવી. સાચે જ… ધનવાન પૈસાથી નથી થવાતું.. સ્વભાવથી થવાય છે…
લેખક : દિપા સોની “સોનુ”
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ