પાલકના ઢોકળાં -વિટામીન A અને K થી ભરપૂર આ સ્વાસ્થ્યવર્ધક ઢોકળા સ્ટેપ બાય સ્ટેપ રેસેપી જોઇને જરૂર બનાવજો…..

પાલકના ઢોકળાં

પાલક આપણે રોજીંદા ઉપયોગ માં લેતા જ હોઈએ છીએ. ખૂબ જ પૌષ્ટિક એવી પાલક માં કેલેરી સાવ ઓછી હોવાથી કોઈ પણ વ્યક્તિ માટે બેસ્ટ ફૂડ કહેવાય..

પાલક માં વિટામિન્સ A અને K બહોળા પ્રમાણ માં આવેલા હોવાની સાથે તેમાં મેગ્નેશિયમ અને ફાઇબર પણ વિપુલ પ્રમાણ માં આવેલા હોય છે. આંખો માટે ખૂબ જ ફાયદાકારક હોવાથી સાથે કેન્સર સામે પણ રક્ષણ આપે છે. પાલક ખાવાથી આપણાં શરીર ને અગણિત ફાયદાઓ થાય છે એટલે જેટલો બને એટલો ઉપયોગ કરવો જોઈએ..

બાળકો માટે સુપર ફૂડ ગણાય છે પાલક. જે યાદશક્તિ વધારવામાં પણ મદદ કરે છે.

આપણે પાલક નું શાક, પરાઠા, ઢોકળાં, પુલાવ , ખીચડી વગેરે ઘણી વાનગીઓ બનાવતા જ હોઈએ છીએ પરંતુ પાલક માં એવા પણ પોષકતત્ત્વો આવેલા હોય છે જેને વધુ રાંધવામાં આવે તો નાશ પામે છે.

આજે હું એવી રેસિપી લઈ ને આવી છું જેમાંથી તમને મોટાભાગના પોષકતત્ત્વો મળી રહે.

ખૂબ જ સોફ્ટ અને સ્વાદિષ્ટ એવા પાલક ના ઢોકળાં ખૂબ ઝડપ થી બની જાય છે . જે બાળકો ના ટીફીન માટે પણ આપી શકો છો. પાલક ના ઢોકળાં એટલે નામ આપ્યું છે કેમકે એને ઢોકળાં ની જેમ બનાવીએ છીએ બાકી મુખ્ય સામગ્રી પાલક જ છે.

પાલકના ઢોકળાં માટેની સામગ્રી:-

1 ઝૂડી પાલક,

2-3 ચમચા ચણા નો લોટ( આપણે ચણા નો લોટ માત્ર પાલક એકબીજા સાથે મિક્સ થાય એટલો જ લેવાનો છે),

1 ચમચી તલ,

1/2 ચમચી અજમો,

1-2 ચમચી ખાંડ,

1/2 લીંબુ નો રસ,

2-3 લીલા મરચાં ઝીણા સમારેલા,

1/4 ચમચી મરી નો ભુકો,

ચપટી હિંગ અને હળદર,

મીઠું સ્વાદાનુસાર,

તલ ઉપર છાંટવા માટે.

રીત:-

સૌ પ્રથમ પાલક ને સાફ કરી ધોઈ લો અને પછી એકદમ ઝીણી સમારી લો. ત્યારબાદ ઉપર ની બધી સામગ્રી પાલક માં મિક્સ કરો અને હલવા હાથે બધું મિક્સ કરો. ચણા નો લોટ પાલક એકબીજા સાથે મિક્સ થાય એટલો જ ઉમેરો. એક ચમચી જેટલું પાણી પણ ઉમેરી શકાય જરૂર લાગે તો. પાલક માં મીઠું ઉમેરવાથી પાણી છૂટશે જ.હવે એક ઢોકળાં ની થાળી માં તેલ લગાવી ને હાથે થી પાલક ના મીશ્રણ નું થાળી માં પાતળું લેયર બનાવો.બીજા ઢોકળાં ના ખીરા જેવું આ નહીં હોય તમારે હાથે થી થાળી માં પાથરવું પડશે. હવે ઉપર થી તલ ભભરાવો.આ થાળી ને વરાળે 8-10 મિનિટ માટે બાફવા મૂકી દો. ( બનતાં બહુ ટાઇમ નહીં લાગે કેમ કે લોટ સાવ ઓછો છે) ત્યારબાદ ઢોકળાં ઠંડા થાય એટલે ઢોકળાં ના ચપ્પુ થી કટકા કરો. અને ગરમ તેલ માં રાઈ, જીરુ ,તલ અને હિંગ ઉમેરી ને વધાર તૈયાર કરો પછી ઢોકળાં ની થાળી માં ઉમેરો.

જો તમે ખૂબ જ હેલ્ધી ખાવા માંગતા હોવ તો વધાર પણ ના કરો. સાદા ઢોકળાં પણ એટલા જ ટેસ્ટી લાગશે. આ ઢોકળાં ઠંડા થયા પછી પણ એટલા જ સોફ્ટ અને ટેસ્ટી લાગે છે.

આ ઢોકળાં ને સોસ કે ચટણી જોડે સર્વ કરો.

નોંધ:-

લોટ ઉમેરવા માં ખાસ ધ્યાન રાખો. પાલક એકબીજા સાથે બાઇન્ડ થાય એટલો જ ઉમેરવાનો છે. ખટાશ અને ગાળાશ તમારા ટેસ્ટ મુજબ વધુ કે ઓછું કરી શકો. આદુ-મરચાં ની પેસ્ટ પણ ઉમેરી શકાય.

ઢોકળાં થયા છે કે નહીં જોવા ચપ્પુ થી ઢોકળાં માં એક કટ કરો. જો ચપ્પુ સાફ નીકળે તો ઢોકળાં થઇ ગયા છે એટલે ગેસ બંધ કરી લો.

રસોઈની રાણી : જલ્પા મિસ્ત્રી (અમદાવાદ)


આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !


– તમારો જેંતીલાલ