પેજ નંબર ૧૦૧ – પ્રેમનું નવું સરનામું… કેટલાક વ્યક્તિઓ આવા પણ હોય છે…

પેજ નંબર ૧૦૧ (પ્રેમનું નવું સરનામું)

આજે રવિવાર એટલે એકતાનો વાંચન દિવસ. આખું અઠવાડિયું શિક્ષકની નોકરી અને ઘરના કાર્યોનું સંતોલન બેસાડવામાંજ નીકળી જતું. રવિવારે જયારે શ્ર્લોક એના જીમમાં જવા નીકળે ત્યારે એને લાઈબ્રેરી મૂકી જતો.

શ્ર્લોક એની શારીરિક તંદુરસ્તી માટે કસરતોમાં વ્યસ્ત હોય ત્યારે એકતા એની માનસિક તંદુરસ્તી માટે વાચનમાં વ્યસ્ત. વાંચન એનાં માટે ફક્ત એક શોખ જ નહિ પણ યોગાનું કામ કરતું. લાઈબ્રેરીમાં સમય પસાર કરતા એ આખા અઠવાડિયાનો થાક અને તણાવ ભૂલી જ જતી. શહેરની મુખ્ય લાઈબ્રેરી ઘરથી ખાસી દૂર તેથી એ મોટેભાગે ઘરની નજીકના વિસ્તારની આ નાનકડી લાઈબ્રેરી માંજ વાંચવા આવતી. અહીં ઓછા લોકો, ઓછી ભીડ. એકલતામાં શાંતિથી એની ગમતી બેન્ચ ઉપર બારીની પાસે પ્રાકૃતિક વાતાવરણમાં એ એના પુસ્તકમાં પરોવાય એક અન્ય જ વિશ્વમાં ખોવાય જતી. જાણે બાહ્ય વિશ્વને નોટિસ બતાવતી હોયઃ ‘ડુ નોટ ડિસ્ટર્બ’

આજે લાઇબ્રેરી પહોંચતાં જ ગયા અઠવાડિયે શરૂ કરેલ પુસ્તક લઈ એ પોતાની નિશ્ચિત જગ્યા ઉપર ગોઠવાઈ. લાઇબ્રેરીયન એના કાગળિયાં અને ફાઈલ જોડે વ્યસ્ત તો એક યુવાન અભ્યાસના પુસ્તકો ફેરવતો હતો. કેટલાક રિટાયર વડીલ મિત્રો વરંડાની બેન્ચ ઉપર પોતાના ગમતા વાંચન સાધનોમાં ડૂબેલા હતા. પર્સમાંથી ચશ્માં કાઢી એણે પોતાનું વાંચન શરૂ કર્યું. પુસ્ત નું શીર્ષક ‘આઈ ડોન્ટ વોન્ટ ટૂ બી અલોન’

થ્રિલર, એનો ગમતો વાંચન વિષય. ૧૦૦ પાના વંચાઈ ચુક્યા હતા. બુકમાર્ક હટાવી એણે ૧૦૧મું પાનું ખોલ્યું. વાંચવાની શરૂઆત કરી પણ પાનાનાં હેડિંગ વિસ્તારમાં પેન્સિલથી કંઈક લખાયું હતું. એણે પુસ્તક આંખોની વધુ નજીક ખેંચ્યું. “આઈ વિલ ડાઇ. પ્લીઝ હેલ્પ મી. નોબડી કેર્સ ફોર મી. પ્રુવ ધેઈટ યુ ડુ એન્ડ સેવ માઇ લાઈફ. ઇટ્સ નોટ અ જોક.”

આ શું? કોઈએ મજાક કરી હશે. પુસ્તક તો ગયા અઠવાડિયે નવા આવેલા પુસ્તક વિભાગમાં હતું. ઘણાંજ ઓછા લોકો એ વાંચ્યું હશે. એ ફરીથી પોતાના વાંચનમાં પરોવાઈ. પણ જે કઈ વાંચતી એ કશુંજ યાદ ના રહ્યું. ઉપરનાં શબ્દો જ જાણે મગજમાં ગુંજવા લાગ્યા.

‘આઈ વિલ ડાઈ…’ વિચારો ખંખેરી એ ફરી થી વાંચન પર ધ્યાન કેન્દ્રિત કરી રહી. ‘ઇટ્સ નોટ અ જોક…’ આ શું થઇ રહ્યું હતું?”લેટ મી રીડ” પોતાના વિચારોને આજીજી કરતી એ વાંચવા ગઈ કે ‘આઈ વિલ ડાઈ.’ એનાં મનમાં ઝબકે!

પુસ્તક બંધ કરી એ નવું પુસ્તક બદલવા ગઈ. પણ અન્ય પુસ્તક પણ એના વિચારોને અટકાવી ન જ શક્યું. ‘જો ખરેખર કોઈને મારી જરૂર હોય? ના રે ના. આજના યુવાનો મશ્કરીના નામે પ્રેન્ક કરવા કોઈ પણ હદ વટાવી શકે. કોઈને કહીશ તો મારીજ મશ્કરી કરશે. પણ જો કોઈ સાચેજ?’

વિચારોના જુદા મંતવ્યોથી અકળાતી એ ફરીથી એ પુસ્તક ઉઠાવી લાવી. ફાઈલમાં ડૂબી ગયેલ લાઇબ્રેરીયનને ધીરેથી પૂછ્યુઃ “મેમ કૅન યુ હેલ્પ મી?”

ઉપર જોવાનો પણ સમય ન હોઈ તેમ એને જોયા વિનાજ એ બોલ્યાઃ “યસ.”

“આ પુસ્તક ‘આઈ ડોન્ટ વોન્ટ ટુ બી અલોન” કેટલી વ્યક્તિ વાંચવા લઇ ગઈ એની યાદી આપી શકો?”

લાઇબ્રેરીયનના આકરા સ્વભાવ અને નિયમિતતાથી બધાજ પરિચિત હતા. કાર્યના સમયે પુછાયેલ આ પ્રશ્ન નિરર્થક હોઈ એ રીતે ગુસ્સાના હાવભાવ સાથે એમણે જવાબ આપ્યોઃ “એ હું ન કહી શકું.” અને ફરીથી ફાઈલમાં ડૂબી ગયા. આગળ કઈ પણ પૂછવાની એની હિંમત જ ન થઈ. અને એમ પણ ફક્ત લાઈબ્રેરીમાંજ આવી વાંચતા એના જેવા સભ્યો પણ તો હોય શકે. “હવે શું કરે?”

પુસ્તક લઈ એ ફરી પોતાની બેન્ચ પર ગોઠવાઈ. શ્ર્લોક પણ થોડા સમયમાં આવતોજ હશે. એને પણ કઈ કહીશ તો એમજ કહેશે કે ‘ડોન્ટ બી એન ઇમોશનલ ફૂલ!’ એ તો ખાસ્સો વ્યવહારૂ. એણે ઝડપથી પર્સમાંથી પેન અને ડાયરીનું એક કાગળ કાઢ્યું.

“એકલતા અભિશાપ નથી વરદાન છે. એક દ્રષ્ટિકોણ બદલીયે તો બધુંજ બદલાય. જયારે પણ જીવન નિરર્થક લાગે કોઈ એવી સંસ્થાની મુલાકાત લઇ આવજો. જ્યાં તમારા પ્રેમ અને મદદ માટે રાહ જોવાઈ રહી હોય. જીવનની મહત્વતા એવાજ સ્થળો એ છતી થાય. જીવનને તો આપણે હંમેશા પ્રેમ આપીયે. પણ ક્યારેક પ્રેમને પણ થોડું જીવન આપી જુઓ તો ખરા! – આપની નવી મિત્ર.”

એણે કાગળ ધ્યાનથી પાના નંબર ૧૦૧ પર વાળી મૂક્યું. કોઈની નજર ન પડે એ રીતે એણે પુસ્તક એના થ્રિલર વિભાગમાં પરત મૂક્યું. શ્ર્લોક એને લેવા આવી પહોંચ્યો. લાઇબ્રેરીયન ને ઔપચારિક ‘ગુડ ડે ‘ કહી એ નીકળી. પોતાની ફાઈલ માં વ્યસ્ત લાઇબ્રેરીયન ને જવાબ આપવો જરૂરી ના લાગ્યો. આખું અઠવાડિયું એકતા ખુબજ વ્યસ્ત. શાળા, ઘર, શ્ર્લોક.. પણ આ બધાંની વચ્ચે પેલું પુસ્તક અને એનું પાના નંબર ૧૦૧ એની નજર સામે થી જરાય ન હટ્યું. એણે વાંચ્યું હશે? મશ્કરી કરી હશે?વાંચ્યું જ હશે કે પછી? કે પછી ના. આગળની નકારાત્મકતા એને વિચારવી જ ન હતી.

એને અઠવાડિયાની વચ્ચેજ એક ચક્કર કાપી આવવાનું મન થયું. પણ પછી એણે ટાળ્યું. આખરે દરેક બાબત ઉપર માનવીનું નિયંત્રણ શક્ય નહિ. કેટલીક બાબતો તો છોડ઼વીજ રહી. નિયતિ ઉપર, સમય ઉપર! આખરે રવિવાર આવ્યો અને એ લાઈબ્રેરી પહોંચી. સીધીજ પુસ્તક શોધવા ગઈ. પણ એ વિભાગમાં ન દેખાયું. એણે આખું સ્ટેન્ડ ખોળી નાખ્યું. પણ નકામું. છેવટે એ લાઇબ્રેરીયન પાસે મદદ માંગવા પહોંચી.

”મે’મ પેલું પુસ્તક..” લાઇબ્રેરીયન એ ટેવ પ્રમાણે ગુસ્સાથી માથું ઉઠાવ્યું. ત્યાંજ એની નજર તત્કાલ પરત થયેલ પુસ્તકોના ઢગલા ઉપર પડી. સૌથી ઉપર એનું પુસ્તક. એની આંખો ચમકી. “મે આઈ ટેક ઈટ?” પુસ્તક તરફ ઈશારો કરતા એણે પૂછ્યું.

”યસ.” ફરી પાછો એકજ શબ્દ વાળો ચીઢયો જવાબ.

ફટાફટ પુસ્તક ઊંચકી એ બેન્ચ પર ગોઠવાઈ. પર્સમાંથી ચશ્માં તો કાઢ્યાં પણ ઉતાવળમાં બેન્ચ પર જ મૂકી દીધાં. એને તો ફક્ત પાના નંબર ૧૦૧ ખોલવું હતું. અને એણે ખોલ્યું. પણ કાગળ ત્યાંનું ત્યાંજ. એનો ચ્હેરો ઉતરી ગયો. પણ આ કાગળ? એણે હજી વધુ ધ્યાન આપ્યું. આ તો જૂદું જ કાગળ. એણે એકજ શ્વાસે ખોલી નાખ્યું.

“ઘર પાસે એક અલ્ઝાઇમર સંસ્થા છે. રોજ સાંજે ત્યાં જાઉં છું હવે. જે પોતાનું પણ નામ ભૂલી ગયા છે એમણે મને ફરીથી જીવવાનું યાદ અપાવ્યું છે. એમની સેવામાં વિતાવેલ દરેક ક્ષણ મારા જીવ ને કેટલું અર્થપૂર્ણ બનાવે છે. જીવન કદી નિરર્થક નથી હોતું. કદાચ આપણે જ એને થોડાક લોકોના ઉપયોગ પૂરતું સીમિત માની બેસવાની ભૂલ કરી જઈએ. પ્રેમને થોડું જીવન શું આપ્યું જીવનથી જ પ્રેમ થઇ બેઠો.”

એકતા ખુબજ હળવી થઇ. પરત કઈ પણ મેળવવાની આશા વિના જે મદદ કરીયે એની સફળતાનો આનંદ તો તુલનાને પરેજ! આજે એણે પોતાનું પુસ્તક પણ રસથી પૂરું કર્યું. શ્ર્લોકનો આવવાનો સમય થયો કે એણે ઝડપથી પેનને ડાયરીનું કાગળ કાઢયું.

“હું દર રવિવારે અહીં વાંચન કરવા આવું છું. આપણે મળી શકીયે? મારા નવા મિત્રને મળવાનું મને ગમશે”

અને એણે પુસ્તક ફરી એના થ્રિલર વિભાગમાં સાચવીને મૂક્યું. પાના નંબર ૧૦૧ ઉપરના કાગળનો જવાબ તો હવે આવતા રવિવારે જ મળશે. શ્ર્લોક આવ્યોને એ નીકળી. ”ગુડ ડે.” આજે પણ કોઈ ઉત્તર નહીં. લાઇબ્રેરીયન અને એની ફાઈલ!

અર્ધે રસ્તે બાઈક ઉપર એકતાને યાદ આવ્યું કે પોતાનો ચશ્માં એ બેન્ચ પર જ ભૂલી ગઈ! બાઈક ફેરવી બંને ફરી લાઈબ્રેરી પહોંચ્યા. એણે શ્ર્લોકને પાર્કિંગમાં જ રાહ જોવા કહ્યું. ઝડપથી બેન્ચ ઉપરથી એણે ચશ્માં ઊઠાવ્યાં. ઉતાવળે એ બહાર જવા નીકળી કે એની નજર પરત થયેલ પુસ્તકોના ઢગલા ઉપર પડી.

‘મારું પુસ્તક અહીં? એ તો મારા હાથથીજ સ્ટેન્ડ ઉપર મૂકી આવી હતી!’

“મે’મ આ પુસ્તક કોંણ વાંચી અહીં મૂકી ગયું?”

જવાબમાં એમણે માથું ધૂંણાવ્યું. એ દોડી લાઈબ્રેરીનો એક ચક્કર લગાવી આવી. પણ બહુ મોડી પડી. કોઈ દેખાયું નહીં. છેવટે એણે પુસ્તક ઉઠાવી લીધું. કોઈના જુએ એ રીતે પુસ્તક ખોલ્યું. પાના નંબર ૧૦૧ . એક નવો સંદેશ:

“પ્રેમ, સ્નેહ, લાગણી કે મિત્રતા મુલાકાતને આધીન નહિ. જયારે પણ મન થાય અહી જ મળીશું પાના નંબર ૧૦૧ ઉપર.”

એ હસી. શ્ર્લોક પાર્કિંગમાં હજી એની રાહ જોઈ રહ્યો હતો. ઝડપથી પેન કાગળ ઉપર એણે કંડારી.

“સ્યોર માય ફ્રેન્ડ. ટેક કેર!”

પુસ્તક સ્ટેન્ડ ઉપર સાચવીને મૂકી એ પાર્કિંગ તરફ ભાગી. હવે આવતા રવિવારે જ. શ્ર્લોક જોડે એ નીકળી. લાઇબ્રેરીયન એ પરત થયેલ દરેક પુસ્તક પોતપોતાની જગ્યા એ ગોઠવી દીધા. છેવટે થ્રિલર વિભાગમાંથી એમણે હમણાજ ગોઠવાયેલું પુસ્તક ઉઠાવ્યું. ડેસ્ક ઉપર ગોઠવાઈ એમણે પાના નંબર ૧૦૧ ખોલ્યું. સંદેશ હાથમાં લઇ એ વાંચી રહ્યા. એક કાગળ લઇ લખી નાખ્યું:

“થેન્ક યુ. યુ ટુ ટેક કેર માય ફ્રેન્ડ.” કાગળ ગોઠવી પુસ્તક ફરીથી જગ્યા પર મૂકી એ પોતાની જગ્યા એ પરત થયા.

“ગોડ બ્લેસ યુ માઇ ચાઈલ્ડ.” મનમાંથી દુઆ ઉઠી અને એ ફરી ફાઈલમાં પરોવાયા.

લેખક : મરિયમ ધુપલી

દરરોજ આવી અનેક વાર્તાઓ વાંચવા માટે લાઇક કરો અમારું પેજ.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !


– તમારો જેંતીલાલ