પગલીનો પાડનાર – વહુના મોઢે એ વાત સાંભળીને સાસુ ચોંકી ગયા હતા તેમના દીકરા સાથે…

જય આમતો રસોડાની બહાર રમતો હતો. ના જાણે ક્યારે રસોડામાં આવી ગયો. એનું આવવુંને સિલિન્ડરનું ફાટવું બેય ઘટનાઓ સાથે બની. ઘડાકો થતાંની સાથે એ જયને લોહી નિકળતી હાલતમાં લઈ બહાર ભાગી હતી. જયતો બચી ગયો પણ નિયતીની કાંઈ જુદીજ નિયત હશે. ટેબલને સામે છેડે જયના પપ્પા શુભાષ, નાસ્તો કરતા હતા એમના શરીરના ફુરચે ફુરચા ઊડીને માંસના લોચા રસોડાની દીવાલ પર ચોંટી ગયા હતા. એટલી ભયંકર દુર્ઘટના !

image source

ત્રણ વર્ષના એ માસૂમ જયને ગુપ્તભાગ પર વગ્યું હતું. કોણ જાણે કેમ લોખંડની કેટલીયે કરચો એ અવયવ ને આજુબાજુના ભાગે બંદૂકની ગોળીની જેમ ઘુસી ગઈ હતી. તે ઝીણી ઝીણી કરચો બહાર કાઢવામાં ઓપરેશન ત્રણ કલાક ચાલ્યું હતું., ડોકટરોની પેનલે કેટલાય વાઢકાપ કરી એક એક કરચ બહાર ખેંચી લીધી ત્યાર પછી તે ભયમુક્ત જાહેર થયો હતો. અંતે ડોકટરે ઓપરેશન થિયેટરની બહાર આવી સબ સલામતના સમાચાર આપ્યા ત્યારે જયાના ખોળિયામાં જીવ આવ્યો હતો એ ગોઝારી દુર્ઘટના જ્યારે તેની યાદોના સ્મૃતિપટ પર આવી જતી ત્યારે , તે બહુ નિરાશ થઈ જતી. એ બનાવને ભૂલવા એ ઘણા પ્રયત્ન કરતી. જેમ જેમ એ ભૂલવા મથતી તેમ તેમ એ બનાવ તેની યાદો પર વધુ કબજો જમાવતો.

image source

વીસ વીસ વર્ષનાં વાહણાં વાઈ ગયાં. જેઠ-જેઠાણી, દિયરો-દેરાણીઓ એવા ભર્યાભાદર્યા કુટુંબમાં પંદર થી વીસ સ્નેહીઓના સ્નેહથી જય જોજતામાં જુવાન થઈ ગયો. બધા ભાઈઓ એકજ મોટા સંકુલમાં રહેતા હતા. કુટુંબનો સંપ પણ એવો કે બધા મળીને નાના-મોટા કુલ નવ પિત્તરાઈ ભાઈઓ થતા હતા, પરંતુ વહેવાર સગા ભાઈઓથી પણ વટી જાય તેવો. સમાજમાં અને મિત્રવર્તુળમાં તેઓ ‘ નવદીપ બંધુઓ’ તરીકે ઓળખાતા હતા. શહેરના જુદાજુદા વિસ્તારમાં આવેલી અલગ અલગ શાખાઓ અને પ્રશાખાઓ સાંભળવાની જવાદારી દરેક ભાઈઓએ વહેંચી લીધેલ હતી. કુટુંબની સ્ત્રી સભ્યો પણ ધંધામાં જોડાતી ગઈ અને ધંધો વિકાસ પામતો ગયો.

આટલો સહારો અને હૂંફ હોવા છતાં ક્યારેક એ જયના ભવિષ્ય બાબતે જયાગૌરી ઘણી ચિંતિત રહેતી. ઘરમાં જેઠ અને દીયરોનાં પૌત્રી-પૌત્રો એટલી સંખ્યામાં કિલ્લોલ કરતાં હતાં કે આખું એક બાલ-મંદિર ઊભું થઈ જાય તેવું હતું. પણ એમાં જયનું એકેય બાળક ના હતું એ એના માટે ચિંતાનો વિષય બની ગયો હતો.

image source

આતો નવો જમાનો. નવા વિચારવાળી પ્રજા, એમ ઉતાવળમાં બાળકો પેદા કરી તરતજ લાંબી જંજાળમાં ના પડે. એમ ધારીને તે મન મનાવતી. તેમ છતાં તેની સામે ભવિષ્યનો ભય તો ફૂંફાડા મારીને ઊભો રહેતો. ક્યારેક થતું ‘ લાવને બધી મર્યાદાઓ મૂકી શેફાલીને સીધુંજ પૂછી લઉં, ‘પણ દીકરાની વહુને આવું પૂછવાની જીભ ઉપડતીજ ના હતી. આમેય જયના લગ્ન થયાને ક્યાં વધુ સમય થયો હતો. લગ્ન થયે હજુ ત્રણ વરસજ થયાં હતાં.

જોકે જયની પત્ની નવદીપ જવેલરીના શો-રુમ પર તેના પિતરાઈ દિયર વ્રજેશની મદદમાં હોઈ ‘કદાચ તેઓએ બાળકનો હાલ પ્લાન ના પણ કર્યો હોય’ કુટુંબમાં આવી વાતો ક્યારેક ચર્ચાતી.

એ શેફાલીને પૂછવાનું કરતી હતી. આજ પૂછું કાલ પૂછું. પણ એવો મોકો શોધવામાં તો એક વર્ષ બીજું નીકળી ગયું. શેફાલી ને તો આ બાબતે કોઈ ચિંતાજ ના હતી એતો જવેલરીના ખરીદ-વેચાણમાં ખોવાઈ ગઈ હતી, અને એના દિયર વ્રજેશ સાથે બિઝનેસ ટુર પર વ્યસ્ત રહેતી.

image source

ક્યારેક તેને જય પર પણ શક જતો. જય નાનો હતો ત્યારે તેને એ નવડાવતી વખતે લોખંડની કરચોને કાઢવા ડોક્ટરે કરેલ વાઢકાપની નિશાનીઓ તેને સ્પષ્ટ દેખાતી. આથી તેના મનમાં એક યક્ષ પ્રશ્ન વારંવાર ઊભો રહેતો , ‘ એના ઓપરેશનને કારણે તો કોઈ ખામી ઊભી નહીં થઈ હોય?’ પણ એવું હોય તો શેફાલી ક્યારેક તો દેખાવ કરે ને ! કોઈ વખત નારાજગી તો વ્યક્ત કરે ને ?’ શેફલીના વર્તનમાં એવું કાંઈ નજરે ચડતું ના હતું. જુવાન દીકરાને તો આ બાબતે કઈ રીતે પૂછવું. જયાગૌરીની મતી મૂંઝાઈ જતી.

શેફાલી આમતો એક ગરીબ ઘરની દીકરી હતી.જયની સાથે કલેજમાં હતી ત્યારે એના પરિચયમાં આવેલી. ધીરે ધીરે ત્રણ વર્ષમાં એ પરિચય લગ્નમાં પરિણમ્યો હતો. ‘ જયની શારીરિક ક્ષમતા બાબતે શેફાલીને જરૂર જાણ તો હશેજ એમને એમ એ કાંઈ એ લગ્ન કરવા તૈયાર ના થઇ હોય.? ‘ ‘ એમણે સંતાન પ્રાપ્તિ બાબતે કાંઈ વિચાર્યુ નહીં હોય ! ‘ અવીતો એ કેટલીય દલીલો તે કરતી ને જાતેજ આવી દલીલોનું ખંડન કરતી.

એક વખત મોકો મળી ગયો. તેણે શેફાલીને જ પૂછી જ લીધું. ” જો બેટા શેફાલી, હાલતો આ એકજ બિલ્ડીંગમાં રહીએ છીએ તો સમય પસાર થઈ જાય છે. પરંતુ હવે અલગ અલગ બાંગ્લા બની રહયા છે . ટૂંક સમયમાં બધા જુદા જુદા રહેવા જઈશું . તું ને જય ધંધા પર જશો ! એ વખતે હું એકલી પડી જઈશ. ઘરમાં કોઈ પગલી પાડનાર તો હોવું જોઈએ, એવું તમને નથી લાગતું ,?” ચાનો ઘૂંટડો ભરતાં એ બોલી

” પણ મમ્મીજી…. આવુ શક્ય નથી. લગ્ન કરતાં પહેલાં એમણે સંતાન પ્રાપ્તિ માટે એમનામાં રહેલી ખામીની મને સ્પષ્ટ વાત કરી હતી. દરેક સ્ત્રીને એક સમયે મા બનવાનો ઉમળકો જાગે છે. હું પણ એક સ્ત્રી છું. હું જાણું છું કે હું મા નહીં બની શકું. પરંતુ એક સ્વસ્થ લગ્ન જીવન જીવવા માટે , મને કોઈ અફસોસ નથી.” શેફાલી મનમાં જરાય ઓછું લાવ્યા વગર બોલી.

” એટલે ! તારું કહેવાનું એમ થાય છે કે જયમાં બાપ બનવાની ક્ષમતા રહી નથી.?” ચાનો કપ પરત કરતાં એણે સવાલ કર્યો. ” જી મમ્મીજી બિલકુલ. અમે શહેરના અને અમદાવાદના નામાંકિત ડોક્ટરો પાસે જઈ આવ્યાં. તેમની ક્ષતિમાં કોઈ સુધારો થવાની. કોઈ શક્યતાઓ નથી,” શેફાલી શરમાતાં શરમાતાં બોલી હતી, ” આ પરિસ્થિતિની મને જાણ હતી. જે મેં જાતેજ સ્વીકારી છે.” જયાગૌરીને જે વાતનો ડર હતો. તે જ હકીકત તેના સામે આવી. ” હવે ! શું ઉપાય ? ” તે સ્તબ્ધ બની, અંધકારની ગર્તામાં પછડાઈ. છેલ્લા એકાદ વર્ષથી સ્ત્રી વર્ગમાં પણ ક્યારેક આ વાત નીકળતી. એ સાંભળ્યું ના સાંભળ્યું કરતી.

image source

” તો પછી કોઈ અનાથ આશ્રમનું બાળક દત્તક લઈએ તો ? ” એણે હવામાં હવતિયું માર્યું. શેફાલીના કપાળ પર કરચલીઓ ઉપસી આવી. થોડું અટકીને તે બોલી, ” ના મમ્મી…ના… એ પારકા લોહીથી મારું મન નહીં ભરાય.” જયા ચિંતાના વાદળો વચ્ચે ઘેરાઈ ગઈ. પોતાના પુત્રની ખામીએ એને ખામોશ કરી દીધી હતી. ” જો સાંભળ શેફાલી, આપણે મારા જેઠના દીકરા, રાહુલ-રિતાના જયેશને દત્તક લેવાની વાત કરીએ તો ?” જયાએ ખુબજ વ્હાલથી વાત પૂછી. ” એ આપણા ખાનદાનનું તો લોહી ખરું !”

” પણ મમ્મી, એ જયેશની ઉંમર તો જુઓ ! આટલી મોટી વયના બાળકને હવે મારી સાથે આત્મીયતા કેમ બંધાય ? ને મારામાં મમતાનો ઉમળકો કેવી રીતે…..અને શેફાલીએ ભીની આંખે વાક્ય અધૂરુંજ છોડી દીધું. જયાગૌરી હિજરાતી રહી. પોતાના ભાગ્યને દોષ દેતી રહી.સાથળના સળ કોને બતાવવા ! એનું મન આકુળવ્યાકુળ થઈ ગયું. એને મૂળીનું વ્યાજ મેળવવાની આશા પર પાણી ફરી વળતું દેખાયું.

ત્યાર પછી તો જય-શેફાલી ને વ્રજેશ-વૈશાલી બિઝનેસ ટુર પર યુરોપ ઉપડી ગયાં ને ખાસ્સા બે મહિને ઘેર આવ્યાં. બાળક દત્તક લેવાની બાબતે સાસુ-વહુનાં મન ઊંચાં થઈ ગયાં. સમય તેની ગતિથી વહી રહ્યો હતો. રાત-દિવસ જયાગૌરીને જયના વારસદારની ચિંતા સતાવી રહી રહી હતી. ઘડપણના દિવસો એને અંધકાર ભર્યા દેખાવા લાગ્યા. આજે રવિવાર હોવાથી બજાર બંધ હતું. જય કોઈ કામથી બહાર ગયેલો હતો. રૂમમાં શેફાલી પોતાનું રોજનું કામ કરી રહી હતી. માળા કરતાં કરતાં જયાગૌરીની નજર અચાનક શેફાલીની ચાલ પર પડી. સેફલીનો ચાલવાનો ઠૂંમકો જોઈને તેની ચાલ પરથી જયાગૌરી ચમકી ગયાં.

image source

” શું વાત છે શેફાલી, તારી ચાલવાની ઢબ કોઈ પ્રેગનન્ટ સ્ત્રી જેવી દેખાય છે ! સારા સમાચારનાં એંધાણ દેખાય છે મને ” જ્યાગૌરી માળાને બાજુ પર મૂકતાં બોલી. ” મમ્મી મને તમારી સાથે વિગતે વાત કરતાં તમારો ડર લાગે છે .” જયા ખુરશી પર પાછી હટતાં બોલી. ” તો તું , કહેવા શું માગે છે ? જય બાપ બનવાનો છે તેવુ કહેમાં તને ડર લાગે છે ?” એણે તર્જની આંગળી પોતાના ગાલ પર મૂકતાં પૂછ્યું. શેફાલી મૌન રહી. ” તારા મૌનનો મારે શું અર્થ કરવો, બેટા શેફાલી ! મને એ સમજાતું નથી કે આટલી ખુશીના સમાચાર તું કેમ છુપાવવા ઈચ્છે છે ? ” એકદમ નજીક આવીને જ્યાગૌરીએ પૂછ્યુ.

” પણ મમ્મી જયની બાપ બનવાની ક્ષમતામાં કોઈ સુધારો નથી.” જયાગૌરીને માથે જાણે કોઈએ મણનો હથોડો માર્યો હોય તેવું તેને લાગ્યું. તે રૂમના બારણે આવી. આજુબાજુ નજર કરીને નજીકમાં કોઈ છે કે નહીં તેની ખાતરી કરી પાછી વળી. ” હે !..તો પછી આ એંધાણ કેવી રીતે રહયાં ? ” શેફાલી નીચું મોં રાખી મૌન રહી.”તું એટલા નીચા સ્થરે ગઈ ? …આ પારકું…. પાપ ! ” બાકીના શબ્દો જયાથી બોલી ના શકાયા.” અરે મમ્મી તમે કયા જમાનામાં જીવો છો ? તમારે તો ખોળાનો ખૂંદનાર જોઈતો હતો ને ! ”

દબાતે સ્વરે તે બોલી. ” હા. એ ખરું પણ આમ લાજ શરમ નેવે મૂકીને નીતિમત્તા ગુમાવીને ! એ પણ તારા જેવી એક સુધરેલી ને એક આદર્શ નારી આવું કરે ? ઓ ભગવાન ! શું જયને ખબર પડશે તો ?” જયાગૌરી ધ્રૂજતી ધ્રૂજતી બોલી રહી હતી. ” તમે મારી વાત તો સાંભળો મમ્મી , મારી કુખમાં આપણાજ ખાનદાનનો જ અંશ ઉછરી રહ્યો છે.”

image source

” તો શું ! તેં આપણા કુટુંબના અન્ય પુરુષ સાથે શારીરિક સબંધ બાંધ્યો તેને સારી વાત સમજે છે તું …? ” એટલામાં વ્રજેશની વહુ વૈશાલી કોઈ કામથી આવતી દેખાઈ. સાસુ-વહુ વચ્ચેનો સંવાદ અટકી ગયો. જયાગૌરીએ સ્વસ્થતા ધરી લીધી. વૈશાલી ખાસ્સો અડધો કલાક રોકાઈ. એના ગયા પછીએ બંને જણ વચ્ચે મૌન જળવાઈ રહ્યું. ” કેમ શું જવાબ છે તારો ?” જયા મૌન તોડતાં બોલી.

” જુઓ મમ્મી હું એક સેરોગેટ મમ્મી બનવાની છું. આ અંગેની એક ખાસ હોસ્પિટલમાં વૈશાલીનું ફલિત થયેલુ ભ્રુણ અને વ્રજેશભાઈના સ્પર્મનું મારી કુખમાં નિરૂપણ કરવામાં આવ્યું છે. નવ માસ સુધી હું એનો ભાર વેંઢારીસ અને થરકતી સાથળે હું નવજાતને જન્મ આપીશ , આવનાર બાળકને હું ઘડા ભરી ભરીને હું મારું દૂધ પીવડાવીશ. તમારે તો ઘરમાં પગલી પાડનાર જોઈએ ને ?” સાપ મરેય નહીને લાઠી ભાગેય નહીં . જયાગૌરી થોડી વાર વિચારતી રહીને, શેફાલીની આ બાળક દત્તક લેવાની પદ્ધતિ પર ઓળઘોળ થઈ ગઈ. થોડા દિવસોમાં તો આખા કુટુંબમાં ખુશીની લહેર ફરી વળી.

લેખક : સરદારખાન મલેક

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ