મારે જ્યાં જવાનું હતું તે સ્થળે ટ્રેન વહેલી સવારે પહોંચવાની હતી.અડધી રાત થવા આવી હતી તોએ ઊંઘ આવતી ના હતી. જમ્મુ-તાવી એક્સપ્રેસે હજુ હાલ જ મહેસાણા સ્ટેશન વટાવ્યું હતું. ઊંઘવું પણ ના હતું. રાતનો સમય ને આખા ડબ્બાના આ ભાગમાં હું ને મારી સામે બેઠેલો એક બીજો મુસાફર અમે ફક્ત બે જણ પછી ઊંઘવું હોય તોયે કેમ કરી ઊંધાય! ટ્રેન તો તેના ઝડપી વેગથી આગળ વધી રહી હતી તોએ સમય જાણે થંભી હોય એવું લાગતું હતું. બારીની બહાર નજર કરું તો ગાઢ અંધકાર સિવાય બીજું કશુંજ દેખાતું ના હતું. ક્યાંક ક્યાંક તાપણાં નજર આવતાં હતાં તે પણ નજર સામેથી ઝડપથી ઓઝલ થઈ જતાં હતાં.

સામેની બારી પાસે બેઠેલા એકમાત્ર મુસાફર પર હું અલપઝલપ નજર નાખી લેતો હતો. તેનો ચહેરો મને વિચિત્ર લાગતો હતો. વધી ગયેલા દાઢીના વાળ ને વાળમાંથી ડોકિયું કરી રહેલો કાળો મસો ને માથા પર મેલીધેલી આડાઅવળા આકારવાળી ટોપી. આ બધું મને બિહામણું લાગતું હતું. મને થયું કે તે કોઈ ખુદાબક્ષ મુસાફર હોવો જોઈએ. તેની સાથે વાત કરીનેય કયા વિષય પર વાત કરવી કે જેથી સમય પસાર થાય. છેવટે બગલથેલામાંથી વાર્તાઓની ચોપડી કાઢી મેં સમય પાસ કરવાનો પ્રયત્ન કર્યો. એ પુસ્તકમાં ભૂતની કથાઓ હતી. આવરણ પૃષ્ઠ પર *ભૂત કથાઓ* લખેલું હતું ને એક તરડાઈ ગયેલા ચહેરાવાળા માણસનો ફોટો હતો જે કદાચ સામે બેઠેલા મુસાફરના ચહેરાને મળતો આવતો હતો.

એનો ચહેરો મને દેખાય નહીં તે રીતે પુસ્તક પકડી મેં વાંચવાનું શરૂ કર્યું. એ ઊંચોનીચો થઈ પુસ્તકનું આવરણ ચિત્ર જોવા મથતો હોય તેમ મને લાગ્યું. છેવટે એની ધીરજ ખૂટી હોય તે રીતે તે બોલ્યો, “અરે સાહેબ! તમે ભૂતકથા વાંચો છો ?” “હા આ ભૂતકથા છે.” મેં તીરછી નજરે જવાબ આપી દીધો ને વાંચવાનું ચાલુ રાખ્યું. ” હું પણ ભૂતકથાઓ સાંભળવાનો ભારે શોખીન છું સાહેબ.” અભણ દેખાતો માણસ બોલ્યો ને હું અનુત્તર રહ્યો. “આપ જરા મોટેથી વાંચશો તો મારો પણ સમય કપાશે.” મેં પ્રશ્નાર્થભરી નજરે તેની સામે જોયું. “હા. ગજબનો શોખ મને આવું સાંભળવાનો.” વિનંતી કરતો હોય તેવા ટોનમાં એ બોલે જતો હતો.

એના બોલવા પરથી મને લાગ્યું કે માણસ દેખાય છે તેવો કદાચ નથી તેથી મેં વાર્તા ઉતાવળા અવાજે વાંચવાની શરૂઆત કરી. જેમ જેમ વાર્તા વંચાતી ગઈ તેમ તે વાહ!, અરે!, હોય નહીં?, ઓહ, એવા ઉદગાર કાઢી મને હોંકારો દીધે જાતો હતો. આમ પણ વાત કહેનારને જો કોઈ હોંકારો દેનાર મળી જાય ત્યારે તો એ ઔર ખીલી ઉઠે. કોઈ સારો હમ સફર મળી ગયો છે એવું મને લાગ્યું. વાર્તા વાંચતાં વાંચતાં વચ્ચે અટકીને હું સ્વગત બોલ્યો, ” હંબગ! આ ભૂત જેવો કોઈ આકાર પૃથ્વી પર અસ્તિત્વમાં હોય તેવું હું નથી માનતો.”

“આ બાબતે સાહેબ તમે ખાંડ ખાઓ છો. અગોચર આત્માઓનો જીવ આ પૃથ્વીના ઘણા સ્થળે વિહરતા હોય છે. સાહેબ આ રેલવેની જ વાત કરું તો દિલ્લી એક્સપ્રેસનો મહેસાણા થી ડાંગરવા વચ્ચે એક્સિડન્ટ થયાને આજકાલ કરતાં પાંત્રીસ વર્ષ વીતી ગયાં છતાંએ હજુ અતૃપ્ત આત્માઓ રેલવેની ટ્રેક પર ફરતાં ફરતાં ક્યારેક કંપાર્ટમેન્ટમાં ઘૂસીને મફતમાં મુસાફરી કરી લેતાં હોય છે. ને જ્યારે તેમની હદ પુરી થાય ત્યારે ચાલુ ટ્રેને બંધ બારીમાંથી કૂદી પડતાં મેં મારી નજરે જોયેલાં છે.”

” ભૂત કૂદી પડતાં હોય એ વાત મારા માનવામાં આવે તેવું નથી. પણ શું ખરેખર એ ભયંકર અકસ્માત હતો?” મારાથી અનાયાસે પ્રશ્ન થઈ ગયો. “અરે! શું વાત કરું સાહેબ, અંધારી રાત હતી. ટ્રેનના બધા કોચ ભરચક. કયાંય પગ મુકવાની જગ્યા ના મળે. કેટલાક મુસાફરો ટ્રેનના છાપરા પર ચડીને મુસાફરી કરી રહયા હતા. કોઈ તેની પ્રીયતમાને મળવા જઇ રહ્યો હતો તો કોઈ તેના ઘરડા માબાપને પોતાની બચત સોંપવા. કેટલાય નવ પરિણીત યુગલો હનીમૂનની મજા માણવા અલબેલી નગરી મુંબઈ જઇ રહયાં હતાં. ઘણા અભાગીયા તેમનું પેટિયું રડવા અમદાવાદ તરફ જવા નિકળયાં હતા.

પુરપાટ ઝડપે ધસમસી રહેલો દિલ્હી એક્સપ્રેસ મહેસાણાથી નીકળી હજુ કલોલ પહોંચે તે પહેલાંતો ડાંગરવાની સીમમાં એક કાન ફાડી નાખે તેવા ધડાકા સાથે પાટા પરથી ખડી પડ્યો. ટ્રેનના ચાર ડબ્બા એક બીજા પર ચડી ગયા. રાતના ઘનઘોર અંધારામાં માણસોની મરણ ચિચિયારીઓથી ડાંગરવાની સીમ ગાજી ઉઠી. લોહીના ફુવારા ઉડેલા ને માનવ માંસના ટુકડાએ રેલવે ટ્રેકની રક્તરંજીત કરી દીધેલી. ચાર કોચમાંથી એક કોચ ટપાલનો હતો છતાંએ મરણ આંકડો એક સો ઉપર પહોંચી ગયેલો સાહેબ એવો ભયંકર એક્સિડન્ટ ને તેનો ભોગ બનેલા કોડ ભર્યા યુવાનનો ને યુવતીઓના અવગતિયા જીવો હજુએ ક્યારેક ડાંગરવાની સીમમાં ભટકે છે. તેનો પ્રભાવ હજુએ ક્યારેક માણસોની નજર સામે આવે છે. ”

આવી દિલ ધડક દાસ્તાન સાંભળી મારામાં આ લઘરવઘર મુસાફર સાથે વાત કરવાની ઈચ્છા જાગી. ” પણ ભટકતા આત્માઓ ભૂત થઈને ફરતા હોય તેવું શક્ય જ નથી.” ,તેવું બોલતાં તેની સામે એક સહાનુભૂતિભરી નજર નાખવા મેં પુસ્તકમાંથી મોં બહાર કાઢ્યું ને તેની સામે જોયું તો મારી સામેની સીટ પરથી એક અગન ગોળો ઉછળીને બારી બહાર ફંગોળાઈ ગયો, ને મારા ધ્રુજતા હાથમાંથી પુસ્તક નીચે પડી ગયું. ઢળતી રાતની ઠંડી હવામાં પણ મેં પહેરેલો કોટ પરસેવાથી ભીનો થઈ ગયો !!!
લેખક : સરદારખાન મલેક
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,