ખાખરીયો ટપ્પો, એટલે ચોરીનો બહુ ભય રહેતો. આ ટપ્પાના એક ગામમાં ઓધળચંદ નામના એક વેપારી રહે. ગામમાં એક જ વેપારી એટલે દુકાનમાં સોઈથી લઈને ગોળના રવા સુધી બધી જ ઘર વપરાસની વસ્તુઓ વેચે. સાંજ પડેને શેઠનો ગલ્લો રૂપિયાથી છલકાઈ જાય. બીજા દિવસે મોટાભાગની રોકડ જથ્થાબંધ વેપારીઓને બાજુના શહેરમાં પહોંચતી કરે અથવા તો બેંકમાં જમા કરાવવા મોકલી દે. રાત્રે પછી નિરાંતે ઊંઘ ખેંચી લે.

એક વખત એવું બન્યું કે ઘરાકી વઘુ હોવાથી શેઠ બે દિવસનો વકરો ઠેકાણે પાડી શક્યા નહી ને તિજોરીમાં મુકવાનું પણ ભૂલી ગયા. અડધી રાતે તેમને યાદ આવ્યું કે બે દિવસનો વકરો તો દુકાનના ગલ્લામાં જ પડ્યો છે. શેઠની તો ઊંઘ ઊડી ગઈ. આમતો દુકાનને ઘર બંને ભેગું. આગળના ભાગે દુકાનને પાછળના ભાગે તેઓ રહેતા હતા. છતાં તેમને તો ચિંતા ઘેરી વળી ને એતો પથારીમાં પડખાં બદલતા પડયા રહયા. ત્રણેક વાગ્યા હશે ને એમણે દુકાનમાં કોઈ ચોર ઘૂસ્યો હોય એમ લાગ્યું. ડબલાં ખખડતાં હોય એવો અવાજ એમણે સાંભળ્યો. શેઠ કળી ગયા કે કોઈ હાથ ફેરો કરવા દુકાનમાં આવ્યો લાગે છે. એ હતા ડાહીમાના દીકરા. ગોળથી મરતો હોય એને એ વખ કદી આપે નહીં એવા શાણા ને ચતુર. “અલ્યા સાંભળો છો” શેઠ એવું બોલ્યા આથી ચોર એક બોરી પાછળ બેસીને સંતાઈ ગયો.
” તમે તો ઊંઘતા નથી ને મારી પણ ઊંઘ બગાડોછો.” શેઠાણી ભર ઊંઘમાંથી જાગીને બોલ્યાં. ” આ રાઈની બોરી દુકાનમાં સરખી મૂકી છે ને?” અળવાં ફરીને સુતેલાં શેઠાણીના ઢગરા પર એક ચુંટી ભરતાં ઓધળચંદ શેઠ બોલ્યા ને શેઠાણી સમજી ગયાં કે, લાભ વગર લાલો લોટે નહીં! જરૂર કોઈ ગરબડ થઈ લાગે છે. ” હા…હા.પણ આ રાત ઢળવા આવી ને તમને કેમ જપ થતી નથી, તે એમ કાંઈ રાય કોઈ ચોરી નહીં જાય. નિરાંતે ઊંધો ને બીજાને ઊંઘવા દ્યો.” શેઠાણી શેઠની ચળકતી ટાલ પર હાથ ફેરવતાં બોલ્યાં, “મારી તો ઠીક પણ આ છોકરાંની ઊંઘ તમે બગાડવા બેઠા છો.”

” રાતે ટીવીમાં સમાચાર સાંભળ્યા’તા. આ રશિયા વાળા રાઈમાંથી કોઈ રોગ માટે વેક્ષીન બનાવવાના હોવાથી રાતોરાત રાઈના ભાવમાં તેજી આવી ગઈ.” ” લે..હાલે.. રાઈના ભાવમાં તેજી! તે એવી કેટલી તેજી આવી?” શેઠાણી હવે તો દુકાનમાં ઘુસેલો ચોર સાંભળે એવા મોટા અવાજે બોલવા લાગ્યાં. “તારા બાપગોતરમાં નહીં સાંભળ્યો હોય એવો રાઈના ભાવમાં ઉછાળો આવ્યો.” ” તોય પણ કહોતો ખરા શું ભાવ પડયા વીસ કિલોના?” ” અરે કિલોના નહીં. તોલાના પૂછ…. તોલાના. તોલાના રૂપિયા પાંચસો બોલાયા! ” શેઠ પણ મોટા અવાજે બોલ્યા.
“તો તો આપણે ન્યાલ થઈ ગયાં. એક કિલો રાઈના સિધા જ પચ્ચાસ હજાર રૂપિયા મળશે આપણને.” શેઠની ફૂલી ગયેલી ફાંદ પર શેઠાણી આંગળીનો ઘોદો મારતાં બોલ્યાં. ” એટલે તો મેં તમને પૂછ્યું. કાલથી કોઈ રાઈનું ઘરાક આવે તો કહી દેવાનું કે ભાઈ રાઈ ખલાસ થઈ ગઈ પણ વેચવાની નહીં.” હસવું આવતું ખાળીને ઓધળચંદ બોલ્યા. આટલો સંવાદ કરી બંને જણ પડખાં દબાવી ને ધડાકા હૃદયે ચૂપ થઈ ગયાં.

થોડી વાર પછી દુકાનમાં ઘુસેલા ચોરને લાગ્યું કે હવે તેઓ સુઈ ગયાં છે. એતો સંતાયો હતો એ બોરીનો ટેકો લઈ ઊભો થવા ગયો તો રાઈ ઢળી ને તેના હાથમાં આવી. એતો ચોંકી ગયો. એને વિચાર્યું કે બીજા ખાંખાખોળા કરવા જાઉંને શેઠ પાછા જાગી જાય, એના કરતાં લાવને પાંચેક કિલો જેટલી રાઈ લઈ જાઉં. બે અઢી લાખ રૂપિયા ઉપજે એમાં તો મારે બાર મહિના બે વરસના રોટલા આરામથી નીકળી જાય. એતો માથાનું ફાળિયું ઉતારી તેમાં રાઈનું પોટકું બાંધીને ધીમે રહીને જ્યાં ફાંડું પાડ્યું હતું ત્યાંથી બહાર નીકળી ગયો.

મોંસૂઝણું થયું ત્યારે ઓધળચંદ ઉતાવળા ઉતાવળા દુકાનમાં ગયા ને ગલ્લો જોયો તો રૂપિયાની થોકડીઓ એમને એમ પડી હતી. માલમત્તા સલામત જોઈ એમના મનને ટાઢક થઈ. એતો તો ઉમળકામાં આવી ગયા. શેઠાણી પાસે જઈ કસકસાવીને બથ ભરી પોતાની ખુશી વ્યક્ત કરી.
સવાર થયું ને ઘરાકી ચાલુ થઈ. એક ઘરાક નાનો વાટકો ભરીને રાઈ વેચવા આવ્યો. ” શેઠ, રાઈ વેચાતી રાખો છો ?” આવનાર કોઈ જાતની બીક વગર બોલ્યો. ” અરે ભઇ, હું તો વેપાર લઈને બેઠો છું તો શેરીની સારી ધૂળ પણ વેચાતી રાખું ને વેચું પણ ખરો. બોલો કેટલા મણ વેચવાની છે?” ઓધળચંદ ઘરાક સામું જોયા વગર બોલ્યા. ” મણ નહીં પણ આ વાટકી ભરીને લાવ્યો છું એ વેચવાની છે. કેટલા રૂપિયા મળશે?”

શેઠ મૂછમાં મલકાતા મલકાતા વાટકીની રાઈ જોઈને બોલ્યા, ” આનું કાંઈ ના ઉપજે, આટલી રાઈને મારે ક્યાં સાચવવી” રાઇ વેચવા આવેલો તો આભો થઈ ગયો ને બોલ્યો, ” કેમ શેઠ? રાતે તો ટીવીમાં એક તોલા રાઈના પાંચ સો બોલાતા હતા!” *”રાઈના ભાવ તો રાતે ગયા”* સવાર પડતાં ભાવ પાછા ગગડી ગયા. ઓધળચંદ ઠાવકુ મો કરી ને બોલ્યા. ને રાઈ વેચવા આવનાર કઢી ખાય તેવું મોં કરીને દુકાનનાં પગથિયાં ઉતરી ગયો.
લેખક : સરદારખાન મલેક
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,