હીરા-મોતી – ખાસ મિત્રતા ફેરવાઈ દુશ્મનીમાં, મિત્રતાની આવી વાર્તા તમે ક્યારેય વાંચી હોય…

હીરા-મોતી

હીરા ને મોતીની ભાઈબંધી ગામમાં વર્ષોથી જાણીતી. ગામનું છોકરે છોકરૂં જાણે કે, આ બે પાક્કા ભાઈબંધ છે. આમ તો બેય અલગ અલગ સમાજના, પણ બેયને એક બીજા વગર ચાલે નહીં. દિવસમાં એક વખત તો બેય ભેગા થાય થાય ને થાય. જો સવાર પડે ને હીરો મોતીના ઘેર ના ગયો હોય તો મોતી ઉપડે હીરાને ઘેર. બેય જણ ભેગા થાય, બેસે વાતોના તડાકા મારે ને હસી હસીને તાળીઓની આપ લે કરે ત્યારે એમના જીવને જપ વળે.

મોતીને વળી એવી કુટેવ પડી ગયેલી કે, વાતે વાતે હીરા સામી હથેળી લંબાવે ને હીરો પાછો મલકાતો મલકાતો ફડાક કરતો તાળી મારે. જો આ બેય જણા ગામને ઓટલે ભેગા થઈ જાય, તો તો પછી જોઈ લો માણા રાજ! તાળીઓના ફડાકાથી ઓટલાની સિમેન્ટમાં પણ તિરાડો પડી જાય! આજુબાજુ બેઠેલા લોકો તો એમની આ તાળીઓના ફડાકા ગણતા જાય ને હરખાતા જાય, એવો એમની તાળીઓનો જાદુ.

image source

અધુરામાં પૂરૂં તે બેય જણનાં ખેતર પણ નજીક નજીક. હીરાના ખેતરને શેઢે થઈ મોતીના ખેતર જવાનો માર્ગ. મૂળ તો મોતીએ ખેતર સામેના ગામના એક ખાતેદાર પાસેથી અઘાટ વેચાણ રાખેલું, આથી મોતીના ખેતર પહોંચવાનો સાચો મારગ સામેના ગામ તરફથી પણ મોતીએ વેચાણ રાખ્યું તેથી તે પોતાનું ગાડું, બળદ ને ઢોરઢાંખરને હીરાના શેઢા પરથી લઈને પોતાના ખેતર જાય; પણ એમાં હીરાને લેશમાત્ર વાંધો નહીં.

મોતીનું કુટુંબ મોટું, સામે હીરાના કુટુંબનો પણ મોટો કહબો. એટલે ગામમાં પંચાયતની ચૂંટણી આવે ત્યારે આ મોતી ને હીરો જેની તરફ ઢળે તેની જ જીત થાય ને હીરા-મોતીના માનીતા જ સરપંચ ચુંટાય, બીજા કોઈની કારી ફાવે નહીં. આથી ગામના ચૌદસિયા ને સરપંચ થવાના ઘૂઘરા બાંધીને જે ફરતા હોય તેમને આ હીરા-મોતીની ભાઈબંધી આંખના કણાની જેમ ખૂંચે. એક રાતે તળાવની પાળે ચંડાળ ચોકડી હીરા-મોતીની જોડને તોડવાનો પેંતરો રચવા ભેગી થઈ.

“ગમે તેમ કરો પણ આ હીરા-મોતીની જોડીને નોખી પાડો તો આવતી ચોંટણીમાં આપણો ગજ વાગે તેમ સે.” દલપતે પોતાની ચિંત્યા વ્યક્ત કરી. ” દપા, તારી વાત હાચી હો ભયા પણ આ ‘હીરા-મોતીની જોડી’ ‘તેને કોણ શકે તોડી?’ આ કામ જરા કાઠું ખરૂં હો!” જગાએ તેનો મત જણાવ્યો.

image source

” મારૂં માનો તો આ હીરીયાને ને મોતિયા ને વઢાડવાનું ઓલ્યા કોઠાકબાડીયા લાલીયા બાડાને ભરાવીએ. આ કામ એને આપી દઇએ, પસી ભલેને મણ બાજરી આલવી પડે.” કલ્પા એ દાણો દાબાયો. “ઇ વાત હાચી હો કલ્પા, લાલો બાડો માળો આમેય આખો દિ’ કૂતરાંના પગ ભાંગતો ફરે સે ને ઉપરથી હાવ નવરો ધુપ!” દપો બરાબરનો ખીલ્યો હતો, તે આગળ બોલ્યો, “આ સોંટણી તો હમણાં આવીને ઊભી રે’સે, કાલથી જ કરો કંકુના, ધરમના કામમાં વળી ઢીલ હું કામ રાખવી.!”

** ** ** ** **

પછી તો હા…ના…..હા..ના…કરતાં બે મણ બાજરી ને એક જોડ કપડાં-પગરખામાં ચંડાળ ચોકડી લાલીયાને હીરા મોતીની દોસ્તીમાં આગ ચાંપવા સમજાવી શકી. લાલીયો પણ જમાનાનો ખાધેલો ને જંગલની જડીબુટ્ટીથી કમ નહોતો! એણે પહેલાં તો હીરાના કુટુંબી ભાઈ વજાના કાન ભંભેર્યા, પણ વજા આગળ એની દાળ ગળી નહીં. વજો થોડી વાર તો લાલીયા સામે જોઈ રહ્યો ને પછી બોલ્યો, “તે તું હીરાને જ વાત કરને.” એણે વાત કાને ના ધરી, આથી એ લાગ જોઈને ગયો હીરાની ઘરવાળી રાધા પાસે. રાધા ઘરે એકલી હતી. એણે ધીમે રહીને વાત છેડી : “રાધાભાભી, આ મોતીએ એના ખેતરનો મારગ તમારા શેતરના શેઢેથી કરી તો લીધો, પણ જતાં ને આવતાં મોતીનાં ઢોરઢાંખર તમારા શેતરમાં ચેટલોય ભંજવાડ કરે સે, તે મારાથી જોયું જતું નથ.”

image source

” હુંયે જોતી આવી સું લાલાભઈ, કે આ મોતીભઈ અમારા શેતરમાંથી હેંડે સે તે મારગના ચાર ચાહમાંથી તો અમારે વાઢવા-વેણવા જેવું કાંઈ રે’તું જ નથ. અમને દેખીતું નુકશાન સે.” રાધા ડરતાં ડરતાં બોલી. “હીરોભઇ રીયા મારા જેવા ભોળા ને એમને ભઈબંધી આડે કાંઈ દેખાતું નથ ને મોતીળો મેંઠા ઝાડનાં મૂળ ખોદે સે, ઇ એમની નજરમાં નંઈ આવતું હોય?”

આમ મીઠું મીઠું બોલીને લાલીયાએ રાધાને ઘણી ઉશ્કેરી, ને એક દિવસ એવો આવ્યો કે હીરા-મોતીની ભાઈબંધીમાં ઊભી તિરાડ પડી ગઈ! ચંડાળ ચોકડીના બે જણા હીરાની પડખે થઈ ગયા ને મોતીનો જવા-આવવાનો રસ્તો બંધ કરાવ્યો. રસ્તો ખોલાવવા મોતી કોર્ટે ચડ્યો. લાલીયાની બે મણ બાજરી પાકી થઈ ગઈ ને ચૌદસિયા ચોકડી ગેલમાં આવી ગઈ. રસ્તો ખોલાવવા મોતીએ કરેલ કેસને એક બે વરસ નીકળી ગયાં. મુદતો પર મુદતો પડે જાય છે, પણ કેસનો ચુકાદો આવતો નથી.

મોતીની ભાઈબંધી છોડવાથી હીરાને મનમાં દુઃખ થયા કરે છે. રાત તો ઊંઘમાં નીકળી જાય છે, પણ દિવસ મહિના જેટલો લાંબો થાય છે. સમય ક્યાં પસાર કરવો તે હીરા માટે મોટો સવાલ બની ગયો છે. પણ તેની ઘરવાળી રાધા પાછી પાની કરવા તૈયાર નથી. જ્યારે મોતીને હવે ગામમાં રહેવું ગમતું નથી તે ખેતરમાં વધારે સમય કાઢે છે. ખેતરના શેઢે એકલો એકલો મુંઝાય છે. ક્યારેક અંદરનું અંતર એનું પોકારી ઊઠે છે. કોર્ટે ચડ્યો તે માટે પસ્તાવો થાયા કરે છે, પણ ઝાલ્યું મુકાતું નથી ! બંને પક્ષે પસ્તાવાનું ઝરણું વહી રહ્યું છે પણ ચંડાળ ચોકડી મામલો ઠંડો પડવા દેતી નથી.

image source

હીરાના છોકરાનાં લગ્ન લેવાયાં, પણ મોતીના ઘરને યાદ કરવામાં આવ્યું જ નહીં. આખા ગામમાં મોતીના ઘરની જ કંકોત્રી કપાઈ. ગામ આખું હીરાના છોકરાના ફુલેકામાં રંગેચંગે નાચ્યું, પણ મોતીનું છોકરૂંય તેમાં ના ફરક્યું. મોતીની મા મરી ગઈ ત્યારે ગામ આખું ખડેપગે હાજર હતું, પણ હીરાનું કુટુંબ આભળવા આવ્યું જ નહીં.

આમ એક ખેતરના જવા-આવવાના મારગના કારણે હીરા-મોતીની વરસો જૂની ઘરેણ તૂટીને રફેદફે થઈ ગઈ. એકબીજા વગર જેમને બપોરની ચા ઉગતી નહીં, તે સબંધ પર શેણી મુકાઈ ગઈ! હીરા-મોતીનાં છોકરાં પણ હવે એકબીજાનો ચીલો ચાતરવા લાગ્યાં, જાણે ભવોભવનાં વેર હોય એવા વહેવારે ઘર ઘાલ્યાં ! કોર્ટમાં કેસની મુદત પડે ત્યારે હીરા-મોતી સામસામે આવે, એ સમયે બેય જણ અંદરથી બળી જાય તેમ છતાં કાઠા થઈ એકબીજા તરફથી મોઢું ફેરવી લે.

image source

માર્ગના કેસની આજે મુદત હતી. તાલુકે જવાનું હતું. ગામમાં તો બસ આવતી નહોતી. મોતી અને તેનો છોકરો વહેલા પહોંચી ગયા બાજુના ગામ, તાલુકે જવાની બસ આવી. ચિક્કાર ગરદી, પડે તેના કટકા. જેમતેમ કરી મોતીનો દિનેશ બસમાં ઘુસી ગયો ને સીટ પર બેસી ગયો. દિનેશે તેના બાપા માટે સીટ રોકી લીધી. બે જણની સીટ પર બાપ દીકરો આરામથી બેસી ગયા. ત્યાં તો હીરો ને હીરાનો છોકરો બરાબર તેમની બાજુમાં જ આવી ને ઊભા રહ્યા. તેમને બેસવા સીટ ના મળી.

ધૂળના ગોટા ઉડાડતી બસ ઉપડી. દિનેશને થયું કે, હીરાકાકાને સીટ મળી નથી. મોતીએ પણ જોયું કે બસમાં હીરો ઊભો છે ને પોતાનો છોકરો દિનેશ સીટ પર આરામથી બેઠો છે. તેના મનમાં ઘમસાણ ચાલુ થયું! દિનેશમાં પોતે સિંચેલા સંસ્કાર પર સંદેહ ગયો. છતાં તે ચૂપ રહ્યો. બસ થોડી આગળ વધી કે દિનેશની નજર હીરાની નજર સાથે મળી, શરમથી દિનેશે નજર નીચી કરી લીધી. તે ઊંચોનીચો થવા લાગ્યો, તેનાથી રહેવાયું નહીં. તે ઊભો થઈ ગયો ને બોલ્યો, “હીરા કાકા, તમે વડીલ છો, તમે બેસો હું ઊભો રહું છું.”

image source

ને… જેવો હીરો સીટ પર બેઠો કે મોતીના હાથની હથેળી અનાયાસે લાંબી થઈ ગઈ ને… હીરાએ ફડાક….!!! કરતી મોતીને તાળી આપી દીધી ! ત્યાં તો દિલના ઊંડાણમાંથી ઉમળકા ઊઠ્યા ને એકી સાથે ફડાક…ફડાક…કરતી ઉપરા ઉપરી કેટલીએ તાળીઓ લેવાઈ ગઈ. જાણે કેટલાય સમયનું સાટું વાળી દીધું! બેય ભાઈબંધોની આંખો રેલાઈ ગઈ!

તાળીઓના ફડાકાથી બસની ગીરદીમાં આજુબાજુ ઊભેલા ગામના કેટલાક ચૌદસિયાઓના કાનમાં એવી ધાક પડી ગઇ કે તેમની મહેનત પર પાણી ફરી વળ્યું ને લાલીયા બાડાને ફરી બે મણ બાજરીનો મોકો ઊભો થઈ ગયો!

લેખક : સરદારખાન મલેક

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ