બુચ સાહેબ, એક ફરિશ્તા – દરેક વિદ્યાર્થીના જીવનમાં એક શિક્ષક તો આવા હોવા જ જોઈએ…

” અરે ખતુબેન તારો અબ્દુલ બે દિવસથી નિશાળ કેમ નથી આવતો.?” ખડકીએ ઊભાં ઊભાં બુચ સાહેબે બૂમ મારી એટલે ખતુબેન વાસણ ઉટકવાનાં એક બાજુ મૂકી ઊભી થઈ. ” ખતુબોન, આ નિશાળના હેડમાસ્તર બુચ સાહેબ, તમારા દીકરા અબ્દુલને ભણવા બોલાવવા આયા છે.”

હુસેન ચક્કીવાળાએ ખતુબેનને સમજણ આપી. ” તે ઈ…તો સાયેબ, આજ એ નુરભઈનાં ગધેડાં હાંકવા ગ્યો સે. કાલથી આવશે. ” ઓઢણીથી હાથ લૂંછતાં ખતુબેને જવાબ દીધો. ” હા પણ બે દિવસથી ગેરહાજર છે. કાલ જરૂર મોકલજો. ” માસ્તર હુસેન ચક્કીવાળા સામું તાકીને બોલ્યા, ” છોકરો હોંશિયાર છે, જો ભણશે નહીં ને તો એનું ભવિષ્ય બગડશે.”

image source

પછી એ ગયા વણકર મ્હેલ્લામાં ત્યાંથી બે છોકરા ને એક છોકરીને પકડીને લઈ ગયા નિશાળમાં. આ બુચ સાહેબનો એકજ ધ્યેય કોઈ છોકરું ભણતું હોય ને વચ્ચેથી ઊઠી ના જવું જોઈએ. જો કોઇ છોકરું સતત બે દિવસ નિશાળે ના આવે તો એ જાતે જઈ છોકરાંને લઈ આવે, ને માબાપને ઠપકો આપતા આવે કે હવે તમારું બાળક ગેરહાજર ના રહે તેનું ધ્યાન રાખજો. આખા ગામનું હીત હૈયે વસેલું એટલે ગામના લોકોમાં બુચ સાહેબનું બહુ માન. પડોશમાં ભલે દરિયો હતો, છતાં ખારાશને પચાવી ગયેલાં એ કચ્છના કોડાય ગામનાં માનવીઓ ભારે મિઠડાં. બુચ સાહેબને મન શાળાનાં બધાં બાળકો સરખાં એવા એ વિશાળ દિલના રાજા માણસ. કચ્છની નાગર કોમની એ સાચી ઓળખ સમાન. આમેય અબ્દુલતો વળી બુચ સાહેબનો ખાસ. એક દિવસ નિશાળ ના જાય તો એ તરત નજરે ચડી જાય.

અબ્દુલ અવારનવાર નિશાળ પાળે. પાંચમામાં ભણતો એ ભારે હોંશિયાર વિદ્યાર્થી, આખા વર્ગમાં પહેલા નંબરે આવે. પણ અનિયમિત. ખતુબેન અબ્દુલાની મા, એક વિધવા ઔરત. સૌથી મોટો દીકરો બાજુના ગામે ખાવુપીવું ને વર્ષે બે જોડી કપડાં ને માસિક સાડા સાત રૂપિયાના પગારથી ખેતીકામે, સાથી રહેવા ગયો હતો. એ છ મહિને ઘરે આવે ને થોડી મદદ કરી જાય. બીજા નંબરનો દીકરો માનસિક અસ્થિર. આખો દિવસ ગામના ઓટલા ભાંગે ને ખાવા સાટે લોકોનું કામ કરે, જે ક્યારેક જ ઘેર આવે. ત્રીજો અબ્દુલ, જે પાંચમા ધરણમાં ભણે. ચોથો હજુ નાની ઉંમરનો.
ખતુબેન ગામનાં વાસણ-કપડાં કે કોઈનાં દળણાં દળી ઘર ચલાવે. જ્યારે એમ લાગે કે કાલે ચૂલો સળગે એમ નથી, ત્યારે એ અબ્દુલને કહે, “કાલ કુરો કઈભો પુતર , અબ્દુલ”

image source

( કાલ શું કરીશું બેટા અબ્દુલ?) બાર વર્ષનો સમજણો અબ્દુલ તરત સમજી જાય. નિશાળમાં રજા પાડી એ સીધો નુરભાઈ માંજોઠી પાસે જાય. નુરભાઈ માંજોઠી, ગધેડાંનું મોટું ટોળું રાખે. ગધેડાં પર એ રેતી, કાંકરી, માટી કે ખાતર ટ્રાન્સપોર્ટનો ધંધો કરે. આમ તો માંજોઠીનો ધંધો ડચકાં લેતો હોય , પણ જ્યારે ચોમાસું કે વેકેશન નજીક આવે કે મુંબઈ રહેતા વાણિયા મહાજન કે વેપારીવર્ગ ગામડે આવે, ત્યારે એમનો ધંધો ધમધોકાર ચાલે. શનિવાર રવિવારે અબ્દુલ તેમનાં ગધેડાં હાંકવાની મજૂરીએ અચૂક જાય. નુરભાઈ તેને અડધા દિવસના આઠ આના ને આખા દિવસનો રૂપિયો મજૂરી આપે. ઘરે ખર્ચી ખૂટે તો નિશાળમાં રજા પાડીને પણ મજૂરી કરવા જાય. કોડાય ગામ એવું કે આના સિવય ટાઢા છાંયાની બીજી કોઈ મજૂરી મળે નહીં.

કચ્છી સૂરજના તાપમાં તપતો, અબ્દુલ કવિતા લલકારતો લલકારતો, ગધેડાનું ટોળું હાંકતો ગામથી બે માઈલ દૂર આવેલ રૂકમાવતી નદીએ જાય. જ્યાં બીજા મજૂર હોય, તે ગધેડાં પરના છાલકાંમાં રેતી , કાંકરી કે માટી ભરે. વળી પાછો એ ગધેડાં હાંકતો આવે ગામમાં ને જેનો ઓર્ડર હોય, તેના ઘેર છાલકાં ઉથલાવી માલ ઠાલવે. ક્યારેક એવું પણ બને કે નાના ગજાનો અબ્દુલ છાલકું ઉથલાવવા જતાં છાલકા ભેગો પોતે પણ ઉથલી પડે.

એવું પણ બને કે છાલકું, ગધેડું ને તે પોતે પણ ઉથલી પડે ને હસતો હસતો ઊભો થઈ જાય ને પાછો કામે લાગી જાય. અવરજવર કરવામાં ક્યારેક એ થાકે ત્યારે, વળતી ખેપમાં એ ગધેડાની સવારી કરીને નદીએ પહોંચે. સાંજ પડે રૂપિયો કમાઈને માના હાથમાં આપે ત્યારે, નોકરીના પગારના જાણે પાંચસો રૂપિયા માના હાથમાં આપતો હોય એવો હરખાય. ભણવા જતા દીકરા પાસેથી મજૂરીની કમાણી લેતાં મા ઘણી અચકાય પણ ગરીબીએ ભરડો લીધેલો, એટલે મા બીજું કરી પણ શું શકે !

image source

મા કામે ગઈ હોય ત્યારે, નદીના વીરડામાંથી પીવાનું પાણી ભરી લાવવું ને ગામની મસ્જિદના કુવેથી વાસણ કપડાં ધોવા માટે ખારું પાણી લાવવું, નજીકના વગડેથી બળતણ લાવવું , આવાં નાનાં મોટાં કામ તે તેના નાનાભાઈને સાથે રાખી કરતો. આવાં કામ નિશાળનો સમય સાચવીને કરવાં પડતાં. પણ જ્યારે એને ખબર પડે કે ઘરમાં ખર્ચી ખૂટી છે ત્યારે એ નિશાળમાંથી ગુલ્લી મારીને નૂરભાઈની મજૂરીએ જવામાં અચકાય નહીં. નિશાળમાં મોનિટરની કામગીરી સાથે સાથે તે નિશાળની સફાઈનું કામ ઘણી હોંશથી કરે. નિશાળ ચાલુ થાય એટલે બુચ સાહેબ પ્રાર્થના એની પાસે ગવડાવે. આવા અડાબીડ કામમાં ડૂબેલો હોવા છતાં તેનું ગૃહકાર્ય તો નિયમિત જ હોય, ને ગ્રહણ શક્તિમાં એને કોઈ ના પહોંચે. આથી બુચ સાહેબના ચારે હાથ તેના પર.

અબ્દુલની વાર્ષિક પરીક્ષા ચાલુ થઈ ને એવું બન્યું કે ખતુબેનના પગે મચકોડ આવી ગયો, આથી એ બે દિવસ સુધી કામે ના જઇ શક્યાં. ઘરમાં હાંડલાં કુસ્તી કરે એ પરિસ્થિતિ આવીને ઊભી રહી. અબ્દુલની પરીક્ષા ચાલુ હતી. એ કામે જઇ શકે તેમ હતો નહીં. નાનો ભૂખ્યો થયો હતો તે બોલ્યો, ” માં મુકે માની ખપે, ભૂખ લગી આય .”(માઁ મને રોટલી જોઈએ ભૂખ લાગી છે) ખતુબેન મૂંઝાયાં. એમણે અબ્દુલને પૂછ્યું,” આજે તારે પરીક્ષા છે ?” ” હા બપોર પછી પરીક્ષા ચાલુ થાય છે.” એ ઘરના હાલ સમજી ગયો ને બોલ્યો, ” મા હું હુસેનભાઈ ચક્કીવાળા પાસે જાઊં, ને શેર આટો ઉધાર લઈને હાલ આયો, તું ચૂલો સળગાવીને તાવડી મુક.” અબ્દુલ ગામમાં હુસેનચક્કીવાળાની ચક્કીએ ગયો. ” હુસેનભા હિકડો શેર અટ્ટો દયો ન , પૈસા પોએ દઈ દીંધા સીં “(હુસેનભાઇ એક શેર લોટ આપો ને પૈસા પછી દેશું)

“પેલા જા તોજા બો રૂપિયા બાકી અઈં ” એ યાદ અપાવતા બોલ્યા. ” મુંકે યાદ આય , મળે ભેગા દઈ દીંધો , અજ જે દીં ઓધાર દયો ત મેરભાની” (મને યાદ છે બધા ભેગા આપી દઈશ આજનો દિવસ ઉધાર આપો તો મહેરબાની) એ કરગરીને બોલ્યો. ” ના , પેલાજો હિસાબ પતાય , પોય અગીયા ગાલ કર.” (ના પહેલાંનો હિસાબ પતાય, પછી આગળ વાત કર) અબ્દુલને લાગ્યું, કે અહીં મેળ પડે તેમ નથી, ને પરીક્ષા તો હજુ બપોરે છે.

image source

એતો ઉપડ્યો માંજોઠીની મજૂરી કરવા. એને વિચાર કર્યો કે બપોર સુધીમાં ગધેડા હાંકવાના બે ફેરા કરી દઉં તો માજોઠી આઠ આના તો આપશેે, તેનો શેર આટો આવે, તો મા ને નાનો ભાઈ તો માની (રોટલો) ભેગાં થઈ જાય. સવારનો કોમળ તડકો હતો. એ તો ગધેડાં હાંકતો એક ફેરો ઝપાટામાં કરી આવ્યો. હજુ બપોર થવાને વાર હતી. પેપર બપોરે હતું. એતો છાલકાં ઠાલવી બીજો ફેરો જવા નીકળ્યો.

ઘેર માને આટો લઈ આવવાનું કહ્યું હતું ને પરીક્ષા પણ હતી. આજ તેને થોડી ઉતાવળ હતી, આથી તે એક તગડા ગધેડા પર સવાર થઈ ગયો ને ડંડા મારી મારી બીજાં ગધેડાં દોડાવવા લાગ્યો. ગામની શેરીમાં થોડે સુધી ગયો ત્યાં તો, સામેથી બુચ સાહેબને આવતા એ જોઈ ગયો. ” માર્યા આજ પેપર છે ને, આ બુચ સાહેબ ! મને ઠપકો આપી, મારી પાળ કાઢી નાખશે.”

image source

એ તો ઠેકડો મારી ગધેડા પરથી ઉતરીને રસ્તાના એક ખાંચામાં સંતાઈ ગયો. બુચ સાહેબ રસ્તામાં કોઈની જોડે વાત કરવા ઊભા રહયા ત્યાં સુધી એ સંતાઈ રહ્યો, ને ગધેડાં ગામની શેરીઓમાં જુદાં જુદાં વિખરાઈ ગયાં. હવે જો ગધેડાં એકઠાં કરવા જાય તો મોડું થઈ જાય તેમ હતું. બીજી બાજુ તેની મા રાહ જોઈ રહી હતી. ઘડીક તો શું કરવું ને શું ના કરવું તેની અવઢવમાં એ તો એવો અટવાઈ ગયો કે કયું કામ પહેલું કરવું તેની તેને ગતાગમ ના પડી. એ તો ગધેડાં ભેગાં કરવા એક શેરીમાં ગયો ત્યાં તો નાનો ભાઈ સામે મળ્યો. “માની તૈયાર થઈ વઇ ભા “( રોટલી તૈયાર થઈ ગઈ ભાઈ) એમ એ બોલ્યો. ગધેડાં પડયાં મેલીને, એ વિચારતો ઘરે ગયો, ઘરે લોટ તો હતો નહીં , તો રોટલી કેવી રીતે તૈયાર થઈ ગઈ. ” બેટા અબ્દુલ તું ગયો પછી બુચ સાયેબ તને બોલાવવા આવ્યા હતા. મને ઘણી વાતો એમણે પૂછી. ચુલે ચડાવેલી તાવડી , તે ઠેઠ ચુલે જઇ જોઈ આવ્યા. પણ તેં એક છોકરા સાથે મોકલાવેલ દો શેર (દસ શેર) આટો મળી ગયો. હવે માની ખાઈ લે.” મા હવે ખુશ હતી.

અબ્દુલની ઉંમર હતી બાર વર્ષની, પરંતુ સંજોગોની એરણ પર ઘડાઈ ને એ પુખ્ત બની ગયો હતો. એને બધી વાતનો ખ્યાલ આવી ગયો. તેણે અલ્લાહને યાદ કરી બુચ સાહેબને દુઆ દીધી. બીસ્મિલ્લા બોલી,માની(રોટલા) ને મરચું ખાઈને તે જેવો નિશાળ પહોંચ્યો ને પેપર ચાલુ થવાનો બેલ પડ્યો. “બુચ સાહેબ એક ફરિશ્તા! તમને અલ્લા લાંબુ તંદુરસ્તી ભર્યું આયુષ આપે!” અબ્દુલે મનમાં આટલું બોલી પેપર લખવાનું ચાલુ કર્યું.

લેખક : સરદારખાન મલેક

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ