નાન ખટાઈ – જુના જમાના ની બેકરી સ્ટાઇલથી બનાવો આ નાન ખટાઈ…

નાન ખટાઈ , નાના મોટા સૌને ભાવતા એવા બિસ્કિટ છે જે એકદમ સોફ્ટ હોય છે અને સરળતા થી બનાવી શકાય છે. નાસ્તા માં કે તહેવારો માં સ્નેહીજનો ને ગિફ્ટ આપવા માટે ઉત્તમ છે.

આ નાન ખટાઈ બનાવવા ની ઘણી રીતો છે. જેમ કે મેંદા ની , ઘઉં ની , બેસન વાળી , રવા વાળી, દહીં વાળી વિગેરે વિગેરે. આજે આપણે અહીં જે રીત જોઈશું એ જુના જમાના ની બેકરી સ્ટાઇલ છે. સ્વાદ માં ખૂબ જ સરસ અને બસ ઘર માં જ મળી રહેતી સામગ્રી માંથી બનશે.

આ રેસિપી માં કોઈ પણ જાત નો બેકિંગ સોડા કે બેકિંગ પાવડર નો ઉપયોગ નથી કર્યો, તોય નાન ખટાઈ એકદમ પરફેક્ટ પોચી અને ક્રિસ્પી બનશે..હું અહી ઓવન માં અને પ્રેશર કુકર માં એમ બંને રીત બતાવીશ જેથી કરી આપ સૌ ને ઉપયોગી થઈ શકે.

સામગ્રી:


1 વાડકો મેંદો

1/4 વાડકો ચણા નો લોટ

2 મોટી ચમચી રવો

1/2 વાડકો દાણાદાર ઘી

1/2 વાડકો ખાંડ નો ભૂકો

1/2 ચમચી ઈલાયચી ભૂકો

થોડો પિસ્તા નો અધકચરો ભૂકો, સજાવટ માટે

રીત ::


દરેક સામગ્રી ને તૈયાર કરી લો. ઓવન ને 200C પર પ્રિહિટ કરવા મૂકી દો. અને જેઓ કુકર માં બનાવવા ના છે એમણે એલ્યુમિનિયમ નું જાડું તળિયા વાળું કુકર એકદમ ધીમી આંચ પર ગરમ મૂકવું. એક બાઉલ માં મેંદો અને બેસન ચાળી લો. ત્યાર બાદ એમાં રવો અને ઈલાયચી નો ભૂકો પણ ઉમેરો અને મિક્સ કરી લો. ઘણા લોકો ચપટી મીઠું પણ ઉમેરે છે. બીજા બાઉલ માં ઘી અને ખાંડ નો ભૂકો લો. ધ્યાન રહે ઘી રૂમ temperature પર હોવું જોઈએ અને પીગળેલું નહીં પણ દાણા દાર. ઘી ની CONCISTENCY બરાબર નહીં હોય તો નાન ખટાઈ જોઈએ એવી નહીં બને.


હવે ખાંડ ના ભૂકો અને ઘી સરસ હાથ થી ફેંટો. આમ કરવા થી ઘી એકદમ ફુલશે અને હલકું લાગશે.. હવે આ ઘી અને ખાંડ ના મિશ્રણ માં લોટ નું મિશ્રણ ઉમેરો.. ધીરે ધીરે લોટ ની જેમ તૈયાર કરી લો. એક પણ ટીપું પાણી કે દૂધ નાંખવનું નથી. તૈયાર કરેલા લોટ માંથી નાના નાના લુવા વાળો અને હથેળી માં હલકા દબાવો. ત્યાર બાદ એની ઉપર છરી થી કાપો અને એની ઉપર પિસ્તા નો ભૂકો મુકો. તૈયાર કરેલી નાન ખટાઈ બેકિંગ ડીશ માં ગોઠવી , પ્રી હિટ કરેલા ઓવન માં 180C પર 20 થી 25 મિનિટ માટે બેક કરો. બેકિંગ ડીશ માં થોડી દૂર દૂર ગોઠવો કેમ કે નાન ખટાઈ ફુલશે. દરેક ઓવેન નો ટાઈમ અલગ અલગ હોય છે એટલે 20 મિનિટ પછી ચેક કરતા રહેવું.. નીચે થી થોડી બ્રાઉન થવા માંડે એટલે તમારી નાના ખટાઈ તૈયાર છે. ઓવન ની બહાર કાઢી સંપૂર્ણ ઠરવા દો. બિસ્કિટ ગરમ હશે ત્યારે થોડા પોચા લાગશે. એકદમ ઠરે એટલે એર ટાઈટ ડબ્બા માં ભરો.

કુકર માં બનાવવા માટે – આગળ જણાવ્યા મુજબ એલ્યુમિનિયમ ના જાડા તળિયા વાળા કુકર ને ગરમ કરી લો. નીચે આપ મીઠું નાખી શકો. એમાં એક સ્ટેન્ડ/ઊંચો કાંઠો રાખો. વાળી ને તૈયાર કરેલી નાન ખટાઈ કેક ટીન માં ગોઠવી , સ્ટેન્ડ પર મૂકી દો. હવે આ કેક ટીન ને ઢાંકવા નું નથી. કુકર નું ઢાંકણું બંધ કરી દો. રિંગ અથવા સીટી કાઢી લો. એકદમ ધીમી આંચ પર 20 થી 25 મિનિટ થવા દો. 20 મિનિટ પછી ચેક કરતા રહેવું. થઈ જાય એટલે બહાર કાઢી , સંપૂર્ણ ઠરવા દો. આશા છે પસંદ આવશે ..

રસોઈની રાણી : રૂચી શાહ

 

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.