“દોડતા રહ્યા રાતભર સમજીને જેને જળ,
પરોઢ થતા સમજાયું કે આ તો ઝાંઝવાના જળ”
બપોરના બે વાગ્યે તડકામાં ચાંદની સિટી બસ સ્ટોપ પર ઊભી હતી. ભર તડકામાં લોકોની અવરજવર ઓછી હતી જે નીકળતા તે એક ક્ષણ ચાંદની સામે જોઇ લેતા હતા. ચાંદની પરસેવો લુછતી જમણી દિશામાં જોતી હતી. કોઇકની રાહ જોતી હતી. બે ને દસ થઇ, ત્યાં જાણીતી કાર આવી. બસ સ્ટોપ પર પહોંચી કામ માલિક વિનયે દરવાજો ખોલ્યો, અને હસતા ચહેરે ચાંદની તેમાં ગોઠવાઇ ગઇ. કાર સડસડાટ ઉપડી. આઠ-દસ કિલોમીટરના અંતરે આવેલી હોટલના પાર્કિંગમાં ઊભી રહી. બન્ને નીચે ઉતર્યા.

રિસેપ્સનિસ્ટે જાણીતું સ્મિત કર્યુ અને રૂમની ચાવી આપી દીઘી. દર શનિવારે આ નિયમ હતો. બપોરે બે વાગ્યે બન્ને મળે, હોટલમાં જાય અને બે-ત્રણ કલાક એકબીજામાં ખોવાય જાય. દસ બાય દસનો હોટલનો રૂમ રોમેન્ટિક બની જતો આખા અઠવાડિયાનો થાક ત્રણ કલાકમાં ઉતરી જતો, તો બીજા અઠવાડિયા માટેની એનર્જી મળી જતી. બન્ને પરિણીત હતા, છતાં પ્રેમના બંધનમાં હતા. એકબીજાની હુંફ બન્ને માટે જરૂરી હતી. આજે પણ મળ્યા.
“ચાંદની…” વિનયે પોતાની છાતી પર માથું ઢાળીને સુતેલી પ્રેમિકાના વાળમાં હાથ ફેરવતા કહ્યું. “હા..” ચાંદનીના અવાજમાં મીઠા નશાની અસર હતી. “ચાંદની.. તને મળ્યા પછી ઘરે જાવું ત્યારે મને અફસોસ થાય છે કે તું પહેલા કેમ ન મળી.?તને પત્ની નથી બનાવી શકતો એ વાતનો અપરાઘભાવ જાગે છે… કયારેક મારા કારણે તારા લગ્ન જીવનમાં પ્રોબ્લેમ..”

વિનયનું વાકય ચાંદનીએ પૂરૂં પણ ન થવા દીઘું… “અરે… તને નથી ખબર મારા જીવનમાં પ્રોબ્લેમ છે જ.. તે પ્રોબ્લેમથી ત્રાસીને શાંતિ મેળવવા તો હું તારી પાસે આવું છું…. તને આવા વિચાર જ કેમ આવે..? આપણે એકબીજાને પહેલી વખતમાં જ બઘી વાત કરી દીઘી હતી… મેં તને કહ્યું જ હતું કે હું કયારેય હકક-દાવો નહીં કરુ. બસ અઠવાડિયાના આ બે-ત્રણ કલાક મારા માટે બસ છે..” ચાંદની ફરીથી વિનયની છાતી પર ઢળી ગઇ. વિનયની આંગળી તેના વાળમાં ફરતી રહી અનેબન્ને એકબીજામાં ખોવાય ગયા.

બન્ને પરિણીત હતા. વિનયના જીવનમાં કોઇ પ્રોબ્લેમ ન હતો, પણ ચાંદનીનો પતિ ધવલ બહુ શંકાશીલ સ્વભાવનો હતો ચાંદનીને કંઇ પહેલેથી વિનય સાથે સંબંધ ન હતો. વિનયને ઓળખતી પણ ન હતી. ધવલને ખરેખર ચાહતી હતી. પણ ધવલનો શંકાશીલ સ્વભાવ તેને દઝાડતો. સ્કૂલમાં શિક્ષિકા એવી ચાંદની દેખાવે સુંદર હતી. તેની વાતચીત કરવાની આદત, ડ્રેસીંગ સેન્સ, તેનો મળતિવડો સ્વભાવ, બઘાને મદદ કરવાની તેની ટેવ અને લાગણી વરસાવતી આંખો.. ચાંદનીને એકવાર જોવે તે તેના પ્રભાવમાં આવી જતા…
અને ધવલને આ વાત સ્વીકાર્ય ન હતી. શિક્ષિકા એવી ચાંદનીને બહાર જતા હોય ત્યારે કેટલી વખત સ્ટુડન્ટ મળી જતા જુના સ્ટુડન્ટ પણ ચાંદનીને જોવે એટલે બોલાવે. અને ધવલનો મગજ ફરી જતો…. આવડા મોટા સ્ટુડન્ટ ??? હવે સ્ટુડન્ટ તો કંઇ કદ કાઠી જોઇને નથી બનાવાતા ને ??? એ વાત ધવલ સમજતો નહી ભણવાનું પત્યા પછી પણ સ્ટુડન્ટ ચાંદનીને બોલાવે તે ધવલને પોષાતું નહી. કેટલીવાર ચાંદનીની સ્કૂલે જતો…છુપાઇ છુપાઇને જોતો… કેટલીવાર તેનો મોબાઇલ ચેક કરતો કે, ‘આ કોણ છે? ‘ ચાંદની કંટાળી જતી, ત્રાસી જતી, તેના વાંક વગરની ધવલની શંકા તેને દઝાડતી.

ચાંદની કેટલીવાર સમજાવતી.. પણ ધવલ પર કંઇ અસર જ ન થતી. ચાંદનીનો મોબાઇલ ચેક કરતો, ચાંદનીનું પર્સ ચેક કરતો, તેમાં રહેલા કાગળીયા એક એક ખોલી ખોલીને વાંચતો. ચાંદનીના પર્સમાં મોટાભાગે ઘણાબઘા કાગળીયા હોય જ… સ્કૂલની કોઇ નોટસ, કોઇ સ્ટુડન્ટની અરજી, પેપર.. એવું બઘું હોય જ… ધવલ બઘું વાંચતો. જાણે તેમાંથી કંઇક શોધવા માંગતો હોય… ચાંદની ત્રાસી જતી… તે કેટલું સમજાવતી, કેટલો પ્રેમ વરસાવતી, પણ ધવલ પર અસર ન થતી.
દરેક ક્રિયા પછી તેની પ્રતિક્રિયા થાય જ છે, તેમ ચાંદનીનું મન પણ વિદ્રોહ કરી બેઠું. ધવલના શંકાશીલ વર્તનથી કંટાળેલી ચાંદનીએ નકકી કરી લીઘું કે મારા વાંક વગર મને તે ખરાબ માને છે, હવે તો તે ઘારે છે એવું બનીને જ રહેવું છે, તે ભલે મારો પીછો કરતો રહે… પણ તેને ખબર પણ નહી પડવા દઉ અને મારી રીતે જિંદગી જીવી લઇશ.

લોઢું ગરમ હતું અને તેના પર હથોડો પડયો હોય તેમ વિનય મળી ગયો દિલ દાઝેલું હતું અને વિનયના પ્રેમના છંટકાવે ઠંડુ પડીને તેનું બની ગયું. થોડા જ સમયમાં બન્ને એકબીજાના બની ગયા. ચાંદની દિલથી વિનયને ચાહવા લાગી, સામે વિનય પણ એટલો જ પ્રેમ વરસાવતો. બન્ને વચ્ચેનો પ્રેમ ઉચ્ચ કક્ષાએ પહોંચી ગયો. શરીર ગૌણ બની ગયા. મળે ત્યારે શારીરિક ક્રિયા થઇ જતી, પણ તે માટે જ મળવું એવું ન હતું. મોબાઇલથી બન્ને સંપર્કમાં રહેતા અઠવાડિયાના બે-ત્રણ કલાક ચાંદની માટે પૂરતા હતા.
વિનયની છાતી પર માથું નાખીને તેને વિંટળાયેલી ચાંદની વિચારતી હતી, ‘કેટલો ફરક છે બન્નેમાં… ધવલ પતિ છે છતાં મારા પર એક ટકા જેટલો પણ વિશ્ર્વાસ નથી.. અને વિનય.. કેટલો સમજુ છે… વિનય ન મળ્યો હોત તો ધવલની શંકાની આગમાં હું બળી જાત. વિનયનો પ્રેમ તપતા દિલમાં ઠંડક પ્રસરાવે છે. વિનય કયારેય કોઇ સવાલ નથી કરતો, કયારેય મોબાઇલને હાથ નથી અડાડતો, ધવલ ભલેને ગમે તેટલી વાર મોબાઇલ જોવે, પણ દર શનિવારે તે ઓફિસના કામે બહાર જાય છે ત્યારે અમે મળીએ છીએ તે તેને કયારેય ખબર નહી પડે. ધવલની ખોટી શંકાએ જ મને વિનય જેવો સાચો પુરુષ મળ્યો’..

બે-અઢી કલાક થયે પછી વિનયે તેના ચહેરા પર ચુમી લેતા કહ્યું, “હવે ઊઠીશું..?” ચાંદની પણ પ્રગાઢ આલિંગન આપીને ઊભી થઇ. બાથરૂમમાં જઇને ફ્રેશ થઇને, બહાર આવી તો.. સ્તબ્ધ થઇને ઊભી રહી. પલંગમાં પડેલા વિનયના હાથમાં ચાંદનીનો મોબાઇલ હતો.તેના ચહેરા પર જાણે નારાજગીના ભાવ હતા. ચાંદની તેની પાસે ગઇ તો… મોબાઇલ બતાવીને કહે… “આટલા બઘા મેસેજ…? આ બઘા કોણ છે..?”
ચાંદની બોલી ઊઠી… “અરે.. મારા સ્ટુડન્ટ છે.. રોજ ગુડ મોર્નિંગ અને ગુડ નાઇટના મેસેજ કરે છે…” “સ્ટુડન્ટ…? સ્ટુડન્ટ સાથે આટલો સંબંધ..? ગુડ મોર્નિંગ તો સમજયા, પણ ગુડનાઇટના મેસેજ…? ચાંદની એક વાત સમજી લે… તારા પ્રેમમાં મારૂં લગ્નજીવન દાવ પર લગાડીને તને મળું છું. હું ધવલ જેટલો મૂર્ખ નથી… મને મૂરખ ન બનાવતી… સ્ટુડન્ટ હોય તો પણ ના પાડી દેજે.. મને આ નહી ગમે” ચાંદનીને ચકકર આવી ગયા. પલંગ પર ફસડાઈ ગઇ.
લેખક : દિપા સોની “સોનુ”
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ