સુટકેસ – એક મધ્યમવર્ગી પિતાને મળે છે પૈસાથી ભરેલી સુટકેસ, શું કરશે એ પરત આપશે કે પછી…

“સાહેબ ફ્રી થશે એટલે તમને કેબિનમાં બોલાવશે.” રિસેપ્શનીસ્ટે ઇન્ટરકોમથી વાત કરીને ડેસ્ક પાસે ઊભેલા રમાકાંતને માહિતી આપી. “આભાર.” રમાકાંત જવાબ આપીને રિસેપ્શન ડેસ્ક પાસેના સોફાની હારમાળા તરફ જઈને ડેસ્કથી બીજા સોફા પર કિનારે બેઠેલા બે વ્યક્તિઓની વચ્ચે બેઠો. પાંચ દાયકા વટાવી ગયેલ રમાકાંત પાતળો ચુસ્ત અને યુવાન લાગતો હતો. ચહેરો સાફ દાઢીવાળો અને ઘંઉવર્ણો હતો. બ્લ્યુ ટી શર્ટ અને જીન્સના પેન્ટને કારણે લાગે નહીં કે તે સોળ વર્ષની દીકરીનો બાપ હશે. માથે સપાટ કેપ અને હાથમાં સુટકેસ. આ સુટકેસને કારણે જ તેને અહીં આવવું પડ્યું હતું. નહીંતર રાવજીભાઈ જેવા શહેરના સૌથી ધનવાન વ્યક્તિને મળવા માટે તો મહિનાઓ પહેલા એપોઈન્ટમેન્ટ લેવી પડે. શહેરના મધ્યે ધનાઢ્ય વિસ્તારમાં આવેલ હોટેલ પોઈન્ટ વનના રિસેપ્શન હોલમાં તેનું બેસવાનું ગજુ નહોતું. રમાકાંત સુટકેસને પગ પાસે મૂકી. સોફા આગળ મુકેલ બિઝનેસ મેગેઝીન હાથમાં લીધું.

– “પેટ્રોલના ભાવ ફરીથી વધ્યા. રાફેલ સોદા પર રાહુલના પીએમ પર પ્રહારો. વિરાટ કોહલીએ સૌથી ઝડપી દસ હજાર રન પુરા કર્યા.” ડાબી બાજુના જાડા વ્યક્તિ સમાચાર પત્રની લાઈવ કોમેંટ્રી કરી રહ્યા હતા. તો જમણી બાજુના વ્યક્તિ મોબાઈલ પર વીડિયો કોલમાં વ્યસ્ત હતા. રિસેપ્શન ડેસ્ક પર સતત ઇન્ટરકોમ અને બીજા ટેલીફોન રણકી રહ્યાં હતાં. ડેસ્ક પાસની લિફ્ટ પર સતત આવા-જા થઈ રહી હતી. આ બધા વચ્ચે રમાકાંતે મેગેઝીન વાંચવા પ્રયાસ કર્યો પણ બહારના ઘોંઘાટ કરતા અંદરનો ઘોઘાટ વધુ પજવી રહ્યો હતો. એસી ચાલુ હોવા છતાં તેના ચહેરા પર પરસેવો બાઝી રહ્યો હતો.

– જ્યારે સુટકેસ ઘરે લઈ ગયો ત્યારે નવ્વાણું રન પછી એક રન લેવા માટે પચ્ચીસ બોલનો સામનો કરીને સદી પુરી કરવામાં જે આંનદ બેટ્સમેનને થાય તેવો આનંદ પત્ની રમાને આ સુટકેસ જોઈને થઈ રહ્યો હતો. આટલો આનંદ તેની કોચિંગ હેઠળ ટીમ રાજ્ય કક્ષાએ ચેમ્પિયન બની અને એ ટ્રોફી ઘરે લાવ્યો હતો ત્યારે પણ નહોતો થયો. ત્યારે તો રમાએ મ્હોં મચકોડીને રસોડામાં ચાલી ગઈ હતી. આ સુટકેસ જોઈને તેણી પેટની ભૂખ ભૂલી ગઈ હતી.

image source

“તમે પણ એકની એક લેન્થની બોલીંગ કરવામા જ રહ્યા, ક્યારેય રાઉન્ડ ધ વિકેટથી બોલ ફેંકવાની ફાવટ આવી જ નહીં.” સુટકેસને ખોલવા જતી રમાને અટકાવી ત્યારે રમાએ ગુગલી ફેંકીને રમાકાંતને ચુપ કરાવી દીધો. સુટકેસ હાથમાંથી ઝુંટવીને ખોલી જ નાખી. સુટકેસ ખુલી ત્યારે દીકરી રોશની સહિત ત્રણેયની સામે ગુલાબી કાગળનો પ્રકાશ ઓરડાના ટ્યુબલાઈટને ઝાંખો કરી દે તે રીતે ઝળકી રહ્યો હતો.

“પણ સુટકેસ આપણી નથી. આ રીતે ન ખોલાય. આપણાથી ન લેવાય.” “આ શ્વાસ પણ આપણા નથી છતાં લઈએ છીએ ને? તમે ક્યાં ચોરી કરી છે કે ક્યા લાંચ લીધી છે? અઢી દાયકા બાળકોને કોચિંગ કરાવ્યા સિવાય તમે કર્યું છે શું? તેમાં નિયમિત તો ઘરખર્ચો આપી શક્યા નથી ને પ્રમાણિકતા દેખાડવા ચાલ્યા..” રમા ચાઈનામેનની માફક અનઅપેક્ષિત ડિલિવરી કર્યે જતી હતી.

“પપ્પા, મમ્મીની વાત સાચી છે. ક્યાં સુધી આ ભાડાના મકાનમાં રહીશું? આમ પણ ડોક્ટર બનવા માટે કેટલી મહેનત કરવી પડે છે મારે, એ મહેનતનું પરીણામ આ ગુલાબી આશીર્વાદ સિવાય શક્ય નથી.” રોશનીની આંખોમાં ગુલાબી કાગળોનો ચળકાટ રમાકાંત જોઈ રહ્યો હતો. – “મિસ્ટર રાવજીભાઈ?” રિસેપ્શન ડેસ્ક નજીક જઈને કોઈ વ્યક્તિ મોટે અવાજે બોલ્યો અને રમાકાંત વિચાર કરતા અટકી ગયો. મોઢું ઉંચે કરીને જોયું તો એક સુટબુટમાં સજ્જ વ્યક્તિ ચાવી ફેરવતો બોલ્યા. રમાકાંત થોડો સમય એ વ્યક્તિને જોઈ રહ્યો.

“આ કશ્યપભાઈ, સાણંદમાં આમનો મોટો રેસીડેન્સ પ્રોજેક્ટ કાર્યરત છે. ઓછામાં ઓછો બસો કરોડની ડિલ છે.” પાસે કોમેન્ટ્રીમેન બોલી ઉઠ્યો. અલબત્, તેને રમાકાંતના જવાબની કોઈ પરવા ન હોય તેમ માહિતી આપીને છાપામાં મોઢું નાખીને વાંચવા લાગ્યો. તે વ્યક્તિને મળવા રાવજીભાઈને સમય પણ મળી ગયો અને પોતે બે કલાકથી રાવજીભાઈ મળવા માટે બોલાવે તેની રાહમાં હતો. અહીં માત્ર ગુલાબી નોટને જ પુજવામાં આવે છે. તે પચ્ચીસ વર્ષ સુધી ઉગતા ક્રિકેટરોને ક્રિકેટ રમતા શીખવી રહ્યો હતો.

image source

દેશ-વિદેશમાં ક્રિકેટ અને ક્રિકેટ સાથે જોડાયેલ વ્યક્તિને હમેંશા ધનવાન જ ગણવામાં આવે, અહીં કોચ રમાકાંતને સ્થાને ક્રિકેટર રમાકાંત મળવા માટે આવ્યો હોત અને સો કરોડની ડિલ કરવા આવ્યો હોત તો રાવજીભાઈ બાણશૈયામાંથી પણ જાગીને ડિલ કરવા આવી જાત. ઓફ ધ ફિલ્ડમાં ખુબ પરસેવો વહાવ્યો હોય ત્યારે ઓન ધ ફિલ્ડ પર્ફોમન્સ દેખાય. કલાકારની ઓળખ પડદા પાછળના અજ્ઞાત કલાકારના ભોગે જ થતી હોય છે. પણ પોતે હતો માત્ર સામાન્ય કોચ. વિચારોમાં ખોવાયેલ રમાકાંતની નજર મેગેઝીન પર નીરવ મોદીના ફોટો ગઈ, ‘આ લોકોને ઊંઘ કઈ રીતે આવતી હશે.’ રમાકાંત પોતાના જ વિચારથી આશ્ચર્ય પામ્યો. પોતાનામાં અને નીરવ મોદીમાં કોઈ ફર્ક નથી કે શું?

“ફર્ક છે.” રમાકાંત બોલી ઊઠ્યો. પાસેનો વ્યક્તિ તેની સામે જોઈ રહ્યો. રમાકાંત તેના વર્ણબોલ્યા પ્રશ્નને સમજી ગયો અને માથું નક્કારમાં માથું ધુણાવ્યું. અત્યારે તે વ્યક્તિને જવાબ આપવો જરૂરી નહોતો. તો શું રાત્રે ઊંઘ એટલે નહોતી આવતી કે તેને સાત ભવમાં પણ નસીબ ન થાય એટલી રકમ મળી હતી? શું એટલે ઊંઘ નહોતી આવતી કે તેની પાસે પારકી થાપણ હતી? શું તેને પારકી થાપણ કહેવાય? જો એ પારકી થાપણ કહેવાય તો આ થાપણ રાખવાનો તેને કોઈ હક્ક નહોતો.

image source

– રમાને ક્યારેય તેની વાતો પસંદ ન આવી, કદાય એટલે રશ્મીને સાથે રાખીને રાત્રે બહુ ઝઘડી, ટોક્યો, સમજાવ્યો, કાકલુદી કરી પણ તેને મન પારકી થાપણ રાખવા તૈયાર જ ન હતું. આખરે જરૂરીયાત સામે આદર્શ જીતી ગયો.

– અહીં કોઈ અન્ય માટે રાહ નથી જોતું, સિવાય કે સ્વાર્થ હોય. હાથમાં હજુ સુટકેસ હતી અને પોતાનો વારો હજુ નહોતો આવ્યો. પાંચ વર્ષ રણજી કરીયરમાં આશાસ્પદ બોલર હોવા છતાં એકપણ વખત રાષ્ટ્રીય પસંદગી સમિતિની નજરમાં ન આવી શક્યો. ચુસ્ત અને કસરતી બાંધો હોવાને કારણે હમેંશા ફિટનેસ ટેસ્ટ પાસ કરતો હોવા છતાં રાષ્ટ્રીય કક્ષાએ તેની ફિટનેસની ગણના ન થઈ. રણજી કરિયરમાં તેને એ રીતે રનઆઉટ કરાયો કે જાણે એણે ક્યારેય બેટ પકડ્યુ જ ન હોય. જ્યારે પોતાની પસંદગી કરવા માટે ભલામણ કરવા માટે કહેવામાં આવ્યું ત્યારે તેને ખ્યાલ આવ્યો કે માત્ર ખુરશી નીચેથી જ દસ ટકાનો વ્યવહાર નથી થતો, આ દસ ટકાનો વ્યવહાર ચારેતરફ દરેક ક્ષેત્રમાં ઊધઈની માફક ફેલાયેલો છે. દસ ટકાનો વ્યવહાર ન કર્યો તો ક્રિકેટર તરીકે ખત્મ થઈ ગયો. ભલુ થજો કાકાનું કે સરળ સ્વભાવ અને ક્રિકેટ અંગેની સમજને કારણે એકેડમીમાં કોચ તરીકે ભલમણ થઈ અને પોતે કોચ બની શક્યો.

image source

– આખરે શા માટે તે અહીં બેઠો હતો, રાવજીભાઈને તેની સુટકેસ પાછી આપવા માટે? જે માણસ અડધી કલાકમાં કરોડોનો સોદો કરી જાણતો હોય તે વ્યક્તિના સાગરમાં બે ત્રણ ગાગર ઓછી થઈ જાય તો પણ શું? કોઈની પાસે તમારી થાપણ હતી એ જાણવા છતાં જે વ્યક્તિ દરકાર ન કરે તે વ્યક્તિને સંપત્તિની શી કિંમત હોય. સુટકેસ તેને મળે કે અન્ય કોઈને મળી હોત તો પણ શું ફર્ક પડત?. રાવજીભાઈને તે પૈસાની જરૂરિયાત હોત તો આટલી નિરાંત ધરાવતા હોત? કોને ખબર કે આ પૈસા સફેદ નાણા જ હતા. સફેદ કમાઈને કોઈપણ આમ રસ્તે રઝળવા તો ન જ દે. કોઈ પિઝાનું ખોખ્ખું ખોલતા હોઈએ તેટલી સરળતાથી રમાએ આ સુટકેસને ખોલી નાખી હતી. જે વ્યક્તિને પોતાના પૈસાની કિંમત ન હોય તે વ્યક્તિ સામે પ્રમાણિક સાબિત થવાની જરુર જ શી?

– સમાજ શું કહેશે? ક્રિકેટ કોચ ભલે હોય પણ તો પણ તેની પ્રમાણિકતાની કોઈ કિંમત હતી જ. નહીંતર સાવ ઢ જેવા ક્રિકેટરને કોંચિગ આપીને રાષ્ટ્રીય કક્ષાએ મોકલતા અને આઈપીએલ જેવા મનોરંજક ટુર્નામેન્ટમાં કોચિંગ કરીને કરોડો કમાતા તેને કોઈ રોકતું ન હતુ. દીકરીને પણ મહિલા ક્રિકેટમાં ધકેલીને દેશવિદેશમાં નામના મેળવી શકે એમ હતો છતાં એ પ્રમાણિકતાની પીચ પર પુજારાની માફક અડીખમ રહ્યો હતો. સમાજ તેની સદી નહીં વિકેટ જ નોંધવાનું. સદીના સમયે ઉજવણી કરવા નહીં આવે પણ વિકેટ પડશે ત્યારે તેણે કઈ રીતે સ્ટાન્સ લેવો જોઈતો હતો, કેવી બોલ ડિલિવરીએ કવર ડ્રાઈવ મારવી જોઈતો હતો. ક્યારે ચોગ્ગો મારવો જોઈતો હતો અને ક્યારે છગ્ગો મારવો જોઈતો હતો તે સલાહ આપવા માટે અને ખામીઓના શોર્ટ બોલનો મારો કરવા આવી જશે.

– “શ્રીમાન્ રમાકાંત.” રીસેપ્શનીસ્ટે રમાકાંતને રાવજીભાઈને મળવા માટે બોલાવ્યા. વિચારોનો લય ફરીથી તૂટ્યો, આ વખતે વિચારો અને નિશ્ચય સ્પષ્ટ હતા. રમાકાંતે સુટકેસ પરની પકડ મજબૂત કરીને ઊભો થયો અને હોટેલના બહાર જતા દરવાજા તરફ પગ ઉપાડ્યા.

– સમાપ્ત.

લેખક : વનરાજ બોખીરીયા

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ