મોહનની મમત – બહુ મમત રાખ્યા વગર મૂળાના પતિકા જેવા રૂપિયા પનરહેં ગણી લે ને રોકડા. લખમી ચાંલ્લો કરવા આવી સે.

મોહનની મમત 💐💐

” નથી વેચવું મારે ગાડું, તને કોણે ડાયો કર્યો હતો તે આ વેપારીને ગાડું ઊપાડી જવા બોલાવ્યો.” મોહન મૂળજી ગરમ થતાં બોલ્યા. ” પણ કાકા (વઢિયારમાં બાપાને કાકા કહીને બોલાવવાની પરંપરા) આ ગાડું પડ્યું પડ્યું સડી જવા આવ્યું ને બળદ-ગાડાથી હવે ગામમાં કોઈ ખેતી કરતું નથી તો પણ આ ભંગાર ચમ તે તમારે હૈયેથી છૂટતો નથી.” “હવે તું મને શું સમજાવતો હોઈશ? મું કંઉશું ને મારે ઇ ગાડું નથી વેચવું તે નથી વેચવું.”

image source

આમ બે બાપદીકરા વચ્ચે બોલવાનું થયું. ભંગારવાળો કહે,” તમારું નક્કી નહોતું તો મને ટેમ્પો લઈને દસ કિલોમિટરથી બોલાવ્યો શું કામ ?” ” તું દહ કિલોમિટરથી આયો હોય તો તારું ભાડું લેતો પરવાર પણ ગાડું તો મારે આજેય નથી વેચવાનું ને કાલેય નથી વેચવાનું તું તારે જા.” ” તો કાકા મારે આ વેપારી હામે ખોટા પડવાનું ?” ” ઇ તું જે હમજે તે તેં સોદો કરતાં પહેલાં મને પૂસ્યુ ‘તું ?”

એ જૂનું ગાડું મોહન મૂળજીના આંગણામાં ઘણા સમયથી પડ્યું હતું. તે એમના દીકરા રાજુને ઠીક લાગતું ના હતું, તેથી તે એનો રૂપિયા પંદરસોમાં સોદો કરીને આવ્યો હતો. પણ રાજુના બાપાએ હઠ લીધી કે,” ના..ના ગાડું તો મારે કાઢવુંજ નથી.” એમાં બાપદીકરાને ઊંચા સાદે બોલવાનું થયું એ સાંભળી આજુબાજુના પાડોશી ભેગા થઈ ગયા.

image source

પાડોશીઓએ વાત જાણી કે જૂની વસ્તુઓનો ખરીદનાર આવ્યો છે. પચાસ વર્ષ એ જુના ગાડાના રૂપિયા પંદરસો આપવા તૈયાર છે, પણ રાજુના બાપા મોહન મૂળજીએ એ ગાડું વેચવાની ઝાટકીને ના કહી દીધી છે.

” ભઈ મોહન મને યાદ સે, કે જેદિ’ ઓલ્યા ડૉગર કાળા વણકરે એમનું હાંતેંડુ (સાંતીડું) વેરી નાંખ્યુંને એ બધા અમદાવાદ રે’વા જ્યા તારે તે એમની પાંહેથી એશી રૂપિયાનું આ ગાડું લીધું ‘તું, બરોબરને ?” પાડોશી શામજી ડોશો ચલમની સટ લેતાં આગળ બોલ્યા, ” ઇ ડૉગર મેતરના ઘરે ગાડું વીહેક વરહ વાપરાયું ને પસી તમે વીહેક વરહ વાપર્યું પાંચહાત વરહથી પડ્યું છે એ હસાબે ગાડાને પચાહ વરહ થવા આવ્યાં અને હવે તો ટેક્ટરો આવી જયાં તો હવે ગાડાને રાખીને શું ધોઇપીવું સે કાઢી નાખને.”

” અલ્યા મોહન, બહુ મમત રાખ્યા વગર મૂળાના પતિકા જેવા રૂપિયા પનરહેં ગણી લે ને રોકડા. લખમી ચાંલ્લો કરવા આવી સે. આવી વતર ફરીને નઇ આવે.” દલો ભગત ગેડીયો હલાવતાં સલાહ આપવા લાગ્યા. ” દલા કાકા પનરહો તો શું પણ પનર હજાર આલે તોયે મારે આ ગાડું નથી વેચવું.” ” તારી ભલી થાય તારી ! મોહન ભારે મમત પકડી તેંતો .” બીજા બેત્રણ ગામનાએ સલાહ આપી કે, ” આ તારો જવાન છોકરો ઝભાનનો જૂઠ્ઠો પડે સે, તે માની જા.” પણ મોહન મૂળજી જેનું નામ એકનો બે ના થયો તે નાજ થયો.

image source

મોહન મૂળજી વઢિયાર પંથકના નાના ખેડૂત. આમતો એ જમાનામાં વઢિયારના ખેડૂત પાસે પંદર ઓળીયાવા (પંચોતેર વિઘા) ખેતીની જમીન હોય તો પણ સામાન્ય નાનો ખેડૂત ગણાતો. ખેતરના સામસામેના શેઢા ના દેખાય. ખેતરના સામે શેઢે ઊભેલો માણસ ના ઓળખાય, એવાં મોટાં મોટાં ખેતર. ખેડૂત પાસે જમીન ઘણી પણ નીપજવામાં રાંડીરાંડના કપાળ જેવું. વરસાદ આધારિત ખેતી. રામમોલ જેને કહેવાય. પાકયું તો પાકયું નહીતો રામ તારી માયા એમ સમજીને ખેડૂત માથે હાથ મૂકી બેસી રહે. એક વરસે વરસાદ આવે તો બાકીનાં બે વરસ કોરાંધાકોળ. જેમ કહેવાય છે કે વરહે તો વાગડ ભલો એમ વઢિયારનું પણ એવું હતું. આથી પંચોતેર વિઘા જમીનનો માલિક પણ દેવાદાર રહેતો અને તેને ગામના વહેપારીઓના ઓશિયાળા રહેવું પડતું.

બસ આવા સમયે મોહન મૂળજી પોતાની જમીન ખેડી ખાતો હતો, પણ એક સાંધે ને તેર તૂટે જેવી પરિસ્થિતિ. ગામ આખું બળદથી ખેતી કરતું. મોટી મોટી ખેતીવાળા પણ માંડ વરસ ભેગા પડતા. મોહન મૂળજીતો નાનો ખેડૂત હતો. દિવાળી આવે ત્યારે વેપારીનાં ચોપડે માલ લખાવે, ત્યારે વેપારીનાં ચોપડા ચોખા થાય. હજુ મોલ ખેતરમાં ઊભો હોય તે પહેલાં વેપારી જે ભાવે માગે તે ભાવે માલ મંડાવી દેવો પડે. અડધા ઉપરની ઉપજ આમ નામું વળાવવામાં જાય આથી મોહન મૂળજીને મણનો નિસાસો નાખે. માંડ માંડ આવક જાવકના બે છેડા ભેગા કરવામાં એને ભારે તકલીફ પડતી. આ કારણથી તો એની પાસે પોતાનું ગાડું હતું નહીં.

ખેતી કરવી હોય તો ગાડાનું સાધન બહુ જરૂરી ગણાય. પરંતુ મોહન પોતાની મર્યાદિત આવકમાંથી ગાડું ખરીદી શક્યો ના હતો. જરૂર પડે આડોશીપાડોશીનું ગાડું માગી લાવીને ચલાવતો. પોતાને ગાડાની જરૂર હોય ને સામેવાળાને પણ જરૂર હોય તે વખતે કોઈનું ગાડું માગવામાં ભારે એને લાચારી ભોગવવી પડતી. એમાં ઉપરવાળાને વાત રાખવીને એક વરસ વરસાદ સમયસર થયો ને જરા વરસ સારું આવ્યું એથી એણે કાઠા થઈને એશી રૂપિયામાં ડુંગર કાળા પાસેથી ગાડું વેચાતું રાખી લીધું હતું.

ત્યાર પછી વરસ સારાં આવવા લાગ્યાં. હવે તો રાજુ જુવાન થઈ ગયો હતો તે પણ ખેતીકામમાં મદદ કરાવા લાગ્યો હતો. જમીન એજ હતી સાધનો એજ હતાં. ખેતીની પદ્ધતિ પણ એજ હતી અને મહેનત કરનારા પણ એજ હતા છતાં માલિકને આપવું હતું એટલે જે ખેતરમાં વિધે માંડ છ સાત મણ કાલાં થતાં એમાંથી વિધે પચીસ મણ બિનપીયત ચણા થયા. થોડા વર્ષોમાં તો મોહન મૂળજી બે પાંદડે થઈ ગયા. બાપદીકરાની મહેનત રંગ લાવી ને એતો સોનાના મોર ઉડાડતા થઈ ગયા. વર્ષોથી વદાડમાં જાતું હતું એ મોટી દીકરીનું ઝાકમઝોળ ઝીઆણુ કર્યું. બે નાની દીકરીઓના રંગેચંગે વિવાહ કર્યા ને રૂમઝૂમ કરતી છોકરાની વહુ ઘરે આવી ગઈ.

image source

નવી હવા ફૂંકાણીને ધીમે ધીમે ગામમાં બધા ટ્રેક્ટરથી ખેતી કરવા લાગ્યા. મોહન મૂળજીનો રાજુએ ફરગુસન ટ્રેકટર લાવ્યો ને બળદ કાઢી નાખ્યા. બળદ વેચી દીધા પણ મોહન મૂળજીના હૈયેથી પચ્ચાસ વર્ષ જૂનું ગાડું છૂટતું ના હાતું. આજ જૂનું ગાડું કાઢી નાખવા બાબત બાપદીકરા વચ્ચે ચળભળ થઈ. વેપારી આગળ પોતે જુઠ્ઠો પડવાથી રાજુ ધૂવાંપૂંવાં થઈ ગયો હતો.

એ રાત્રે ઘરે આવ્યો ને વાળું કર્યા વગર ખાટલે જઈ આડો પડ્યો. એની બૈએ (મા) ઘણું કીધું પણ “મને આજ ભૂખ નથી.” એમ બોલીને સુઈ ગયો. “અરે હાંભળો સો રાજુના કાકા આ રાજીયાને તમે કાંઈ વઢયા-બોલ્યા લાગો સો, હવેતો ઘરમાં વઉ આવી. હવે રાજુ કાંઈ નાનો નથી તે જવાન છોકરાને જમ હોય તેમ બોલો સતે.”

” રાજીયાની બૈ, એ આપણું જુનું ગાડું રૂપિયા પનરસોમાં વેચીને આવેલો. તે વેપારી આજ લેવા આવેલો ને મેં એને આ ગાડું વેચવાની ના પાડી, એમાં એને રીહ ચડી લાગે સે” ” તે તમારે વળી શું એ ગાડાને ગળે બાંધવું સે તે, વેચવા ના દીધું !” છીંકણીની ચપટી ભરતાં રાજુની બૈ બોલ્યાં. લાચાર થઈ ગયો હોય એમ મોહન ઘડીક તો બોલ્યા વગર એની ઘરવાળી રાધાના ચહેરા સામે જોઈ રહ્યો ને પછી ધીમે રહીને બોલ્યો. ” તે તું કાંઈ જાણે કે પસી એમને એમ દીધે રાખે સે.”

” તે એમાં જાણવાનું શું હોય ? રાજુના કાકા ” રાધા ઊંચા અવાજે બોલી. ” સાંભળ તારે આજ હુધી મનમાં રાખેલી વાત તને કરું.” બહાર થતી વાત સાંભળી,રાજુને રાજુની વહુ ઓરડામાંથી ઓસરીમાં આવીને બેઠાં. ” જે’દિ આપણે ડૉગર મેતર પાહેથી ગાડું લઈને આપણા આંગણામાં સોડ્યું ને તે ‘દિ ઇ ગાડાના ભંડારીયામાંથી (ગાડાની ડેકી) શું નેકળ્યું હતું તેને ખબર સે ?”

image source

છીંકણીનો સટાકો લેતાં રાધા બોલી, ” હોવ, તે ગાડાના ભંડારીયામાંથી લુગડામાં બાંધેલા બે બાજરીના રોટલા નેકર્યા’તા મને એકજેવું યાદ સે રાજુના કાકા,ભેગો ડૉગરી(ડુંગળી)નો દડોએ હતો.” ” તું મને ઇ, કે’ કે ડૉગર મેતરના ઘરના બાજરીના એ બે રોટલાનું આપણે શું કર્યું હતું.? મોહન મૂળજીએ ભાવુક થઈને રાધાને પૂછ્યું.

” ચ્યમતે એક રોટલો આપણે બેયે અડધો અડધો ડૉગરી ભેગો ખાધો હતો ને અડધો અડધો આપણા મોંજળા ને પીળીયા બળદો ને ખવરાવ્યો હતો. મને એવુ ને એવું યાદ સે રાજુના કાકા અને એ રોટલા ઘણા દિ’ પહેલાના હતા તોય મેંઠા હતા.” ” રાજુની બૈ એટલામાં હમજી જા કે એ ગાડું આપણા માટે રોટલો લઈને આવેલું. એમ હમજને એતો ભગવાને આપણા માટે મોકલાવેલો પરસાદ હતો ! પરસાદ ! ગાંડી ઇ પરસાદ ખાધો ને આપણો દિ’ વળ્યો. એટલે તો કોઈ લાખ રૂપિયાનો ઢગલો કરે ને તોય હું આ ગાડું ના વેચું,”

તર્જની આંગળી હોઠ પર દાબતાં રાધા બોલી ઊઠી, ” હાવ હાચી વાત હો રાજુના કાકા ! હાવ હાચી ! ” ગાડાનું આ રહસ્ય જાણી રાજુની વહુ તો અવાચક થઇ ગઇ અને રાજુના ફફડતા હોઠમાંથી શબ્દો સર્યા- ” પરસાદી ના વેચાય કાકા, કદી ના વેચાય ! ગાડું આપણું ભાગ્ય લઈને આવ્યું હતું તે મને હવે સમજાયું.”

લેખક : સરદારખાન મલેક

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ