દીકરીની સાથે – મિત્રો જ્યાં સુધી બહેન અને દિકરીઓ તમારા ઘરે છે ત્યાં સુધી એમને લાડ લડાવી લો, પછી ખબર નહિ એ ક્ષણ આવે ના આવે…

કુદરત પણ કેવી ગજબની ઘડે છે દીકરી ને ?? દીકરી જ્યાં જન્મીને મોટી થાય, જ્યાં એના મૂળિયાં છે… પણ , આ જ દીકરી પરણવા લાયક ઉંમર થાય અને સાસરે જાય.. પછી મમ્મી ડેડી અને ભાઈ બેન ની માયા કેવી રીતે છોડતી હશે ?? સાપ જેમ કાંચળી ઉતારે… પણ, દીકરી .. એણે તો જાણે કે..એક જ અવતારમાં બીજો જન્મ લેવાનો છે.. મારી દીકરી સાસરે ગઈ એને અમુક મહિના થયા. આજે મારે ફોનથી વાત થઈ જાનકી સાથે એ કહું ?
હું: ” બેટા આ વખતે તું આપણા ઘરે આવ ત્યારે રોકવાનો પ્લાન કરીને જ આવજે હો !!” જાનકી : ” હા, હા, મમ્મા !!, રોકાશું ને નિરાંતે !”હું: ” મનને એટલી રજા મળશે ?? જાનકી : ” હા, જરૂર મળશે , ત્રણ-ચાર દિવસની રજા ને પછી શનિરવી…’હું : ” અરે, એમ નહિ !! તારે તો રોકાવાય ને !! ”
જાનકી: ” આટલું તો રોકાશું .. પછી ફરી ક્યારેક.. અમે આવતા રહેશું , મમ્મી ” હું: “અરે, ઘણા વખતથી નથી રોકાણી તો આ વખતે પંદર દિવસ તો રહેવું જ જોઈએ હો !!”જાનકી : ” ના હો મમ્મી !! મારાથી એટલું ન રોકાવાય !!” હું: ” અરે , પણ વેકેશન છે !!” જાનકી: ” મમ્મા!, મન ને કેવું વેકેશન ??” હું: “અરે પણ, તું તો રોકાજે , પંદરેક દિવસ હવે બે વર્ષે આ અચ્યુત ને રજા પડી છે નિરાંતની, ડેડી પણ ફ્રી હોય… !!”
જાનકી: ” એ મોમ !, પંદર દિવસ તો ભૂલી જ જાવ હો … એટલું બધું મારાથી ન રોકાવાય !! અને તમને કહી દવ કે મને કોઈ ના નથી પાડતું પણ, મનને આટલા બધા દિવસ મારા વગર ન ચાલે !! હા, અમે બન્ને આવશું , જોડે અને રોકાશું પણ , હું એની જોડે પાછી જતી રઈશ !! અને મમ્મી, મારા જેઠાણીને પણ જવાનું છે , એમના પપ્પા આવે છે તો એ પહેલાં જઈ આવે .. હું એ આવી જશે પછી આવીશ.” હું: ” લ્યો, તો હવે આવું જ ?? અમને પણ એમ ન થાય કે તું અહીં આપણા ઘરે આવ અને રહે શાંતિથી !! સાવ આમ કરવાનું ?? દીકરીને સાસરે મોકલી દીધી એટલે… !” જાનકી: ” ઑય મમૂડી !! એવી ઢીલી વાતો ન કરો ! અમે ફરી ને થોડા થોડા વખતે આવતા રહેશું ને !! પણ, પંદર વીસ દિવસો તો …!! ના બાબા ના !! એટલું બધું ના રોકાઈ શકું ,એ વાત તો તમે રહેવા જ દો.”
સારું તને જેમ ગમે એમ કરજે કહી મેં કોલ પૂરો કર્યો. હું વિચારતી જ રહી. જે દીકરીને સાસરે ગયે આજે એક વર્ષ નથી થયું . કુંવારી હતી ત્યારે કોઈના ઘરે આવવાનું કહીએ તો ફટ્ટ દઈને કહેતી, ” ના હો મને ના ગમે, આપણે ઘરે જ પાછા આવી જઈશું તો જ મારે આવવું છે.” ઘણીવાર તો એમ કહીએ કે ” ચાલ ત્યાં જઈએ અને જ્યારે તું કહે ત્યારે પાછા ઘરે આવતા રહેશું .” તો ય આવવા તૈયાર ન થતી !! આ એ જ દીકરી… એના સાસરે કેવી રીતે આટલી મજબૂતી થી સેટ થતી હશે !! એકબાજુ આનંદ પણ છે કે દીકરી પોતાના પતિ સાથે , પોતાના ઘરે છે .. ખુશ છે.. સાસરું સારું જ છે. ભગવાનની કૃપાથી ખૂબ સારું કુટુંબ છે. પણ, એક સ્ત્રી જ સમજી શકે કે સસરાને ત્યાં સુખને હીંચકે ઝૂલતી હોય તોય પિયરની પાલખી યાદ આવે જ !!
આ કુદરતની કમાલ કહું કે એક સ્ત્રી તરીકે બધી જ સ્ત્રીને “દૂધમાં સાકરની જેમ ભળી જવાની આવડત ” ને સલામ કરું !! મારી આ વાત બધાએ ખૂબ આવકારી અને ઘણાએ સલાહ આપી કે” દીકરી તો સાસરે જ શોભે..” એના ઘરે સુખી હોય તો બસ !! આપણે બીજું શું જોઈએ ?? અને મારી દ્રષ્ટિએ દીકરી રોકાતી નથી એની ફરિયાદ નથી પણ ,મારો આ પ્લસ એક જવાબ છે..તમારે દીકરી છે ???
તો બસ…. વરસાવો પ્રેમ વરસાવો…આ પાંખ વગરનું પંખી જ્યારે ઉડી જશે ને …ત્યારે યાદ આવશે…ક્યાં ??? ક્યાં ??? આંગણાના તુલસીક્યારે, ફળિયાના હીંચકે, ડ્રોઈંગરૂમ ના એકેક સજાવેલા ખૂણે…અરે, ડાઇનિંગ ટેબલના ફ્લેવરવાઝ ના ફલાવર માં પણ…ક્યાં નથી યાદ આવતી ?? કિચનની ક્રોકરીમાં, પાણીયારે… એના હાથે પીવા ટેવાયેલા ગ્લાસને આંગળી અડાડતા.. એકે એક ચીજ વસ્તુ ને સાચવતી..
નાના ભાંડરડા ને ન ભાવતાં શાક ધરારથી ખવડાવતી … બધી જ વસ્તુ ને સંભાળીને રાખતી .. એ બધાની સાચવણ ને માવજત કરતી દીકરી .. બધી માયા મૂકી ને જતી રહે છે…દીકરી .. એકેક પૈસામાં પિતાનો પરસેવો અનુભવી કરકસર કરાવતી દીકરી…માં ની આંખોમાં ડોકાતી દીકરી.. દીકરી માં નું પ્રતિબિંબ છે. ઘર નો કુલદીપક દીકરો છે પણ, ઘરમાં અજવાળું પાથરતી દિવડી તો દીકરી છે. જેના ઘરે દીકરી હોય એ ઘરે… ઘંટડીના મધુર રણકાર… સંભળાયા જ કરે.. એની ઝાંઝરીના રણઝણ… રણઝણ… અવાજ .. એનો લહેકો
એનો ટહુકો.. એનો જ આખા ઘર પરિવાર પર હક જતાવતો પ્યાર..
ભાઈ ના ખેંચ્યા વગરના ગાલ માં.. ઉણપ વરતાતી એની .. બેન વગર ભાઈ પણ ઝગડો કર્યા વગર .. લાગતું સુનાપન.. ભાઈના કોલર સરખા કરીને … ખિજાતી, સમજાવતી, ને ધીમેકથી પોકેટમની ભાઈના હાથમાં થમાવતી આ બેનડી વગર.. ભઈલા એ રાખેલા સ્ટાઇલ હેર કોણ વીખી નાંખે ???
અને બહાર થી જેટલી વાર ઘરમાં પ્રવેશે..ત્યારે ડે… ડી… ડે..ડી.. કરતી દીકરી..ડેડી ના ચશ્મા, ડેડીનું પાકીટ ને રૂમાલ.. ડેડીએ પોતે મુકેલી વસ્તુ ન મળે ત્યારે..ફટાક દઈને ગોતી આપતી દીકરી…ઘરનો સ્વાદ, ઘરનો રણકો ..ઘરનો શ્વાસ…
સાસરે જતી રહેશે ત્યારે તમને થશે કે હજુ થોડોક વધારે પ્રેમ કર્યો હોત… ??? કા…શ…હજુ …ભરપૂર પ્રેમ વરસાવ્યો.. હોત.. એટલે જ કહું છું..ઘરે દીકરી છે.. ત્યાં સુધી.. એને .. શિક્ષણ,સંસ્કાર ની સાથે સાથે…પ્રેમ આપીએ..ભરપૂર પ્રેમ…આપણને જ્યારે સમય મળશે નવરાશનો…
ત્યારે સાસરે ગયેલી દીકરી પાસે સમય નહિ હોય.. પ્રેમ ઝીલવાનો.. એ તો ગાતું પંખી એના માળામાં કિલ્લોલતું હશે…હર્યુંભર્યું એનું આંગણું હશે..
સુનું હશે બસ, પિયર ને સુનાં એના પિતા ને ભાઈ બેન… સુની માં ની મમતા ને.. સૂની દાદીની આંગળીઓ.. સુનો દાદાનો હિંચકો..
એટલે જ કહું છું, પ્રભુએ આપેલી આ પ્રસાદી રૂપ દીકરીને પ્યારથી બસ પ્યાર આપી એને ઉછેરીએ..
લેખક : દક્ષા રમેશ