મારો ભઈ કરું – તેને જમીન ખાઈ ગઈ કે આકાશ ગળી ગયું ક્યાં ગયો એ કોઈ જાણતું નથી એકદિવસ અચાનક…

મેલાં કપડાં, ને પીળા ચટ્ટાક દાંત.વારંવાર “મારોભઇ કરું” એમ બોલે એટલે એના મોમાંથી છુટતી વાસ આપણને ઉબકા કરાવી દે, એ અમારા ગામનો સોમલો. પાંચ- સાત વર્ષની ઉંમર થાતાં થાતાં તો મા – બાપ બન્ને વારા ફરતી તેને એકલો મૂકીને મોટા ગામતરે નીકળી ગયેલાં, એટલે ભાભીના હાથનો ઓસીયાળો રોટલો ખાવાનો વખત આવેલો.

image source

કાયદેસર જોવા જઈએ તો, ભાઈએ ભાગે તેના હિસ્સામાં એક ઘર ને પાંચ વિધાનું મંદરિયું ખેતર આવે. મોટાભાઈ મનના ઉદાર પણ એમનું ઘરવાળી આગળ કાંઈ ઉપજે નહીં. એટલે સોમાને ઘણું સહન કરવું પડતું. જમીનમાં ભાગ આપવો પડશે, એવું જાણતી ભાભી, હાથ ધોઈને સોમાની પાછળ પડી ગયેલી. ધોળા માદરપાટમાંથી સિવેલ લેંઘો ને પહેરણ, એકજ જોડ કપડાં, સોમો પંદરેક દિવસ સુધી પહેરે, તળાવે જઇ, કપડાં જાતે ધોઈ, સૂકવીને પછી, એજ કપડાં ફરી પહેરી લે.

ગામની નિશાળ પાસેથી પસાર થાય એટલે નિશાળમાં છોકરાં સમૂહમાં ” મંદિર તારું વિશ્વ રૂપાળું ! ? પ્રાર્થના ગાતાં હોય, તે તેને સાંભળવી બહુ ગમે. ઘડીક વાર એ નિશાળના દરવાજા પાસે ઊભો રહીને સાંભળે. પ્રાર્થનાની કેટલીક કડીઓ એને મોંએ પણ કરી લીધેલી. એને નિશાળ જવાની ઘણી ઈચ્છા થતી. મોટાભાઈ એને નિશાળમાં દાખલ કરવા ઇચ્છતા. પણ એની ભાભીએ કહેલું, ” એ નિશાળ જાય, પછી મારું કામ કોણ કરશે ? મારે એનો ઢહેળો કરવાની નવરાશ નથી.” આમ સોમાની નિશાળ જવાની ઈચ્છા પર પાણી ફરી વળેલું. ત્યાર પછી ભાઈએ કદી એને નિશાળે બેસાડવાનું નામ લીધેલું નહી ને સોમાના પ્રાર્થના ગાવાના અભરખા મનમાંજ રહી ગયેલા.

image source

ભાભી , પાણી ભરાવે, વાસીદુ કરાવે , બળતણ લેવા મોકલે. આખો દિવસ સોમા પાસે ઢસરડો કરાવે પણ ખાવા પૂરું ના આપે. મોટા ભાગે જારનો રોટલો ને ડુંગળીનો દડો કે પાણી જેવી કઢી એના કરમે લખાયેલી હોય. સોમો પછી પેરણની ચાળથી મોં લૂંછી, અડધો ભૂખ્યો ઊઠી જાય.

છટકવા મળે તો ક્યારેક પડોશના, તેના એક માત્ર ભાઈબંધ, જગા ના ઘેર જાય. જગો લેસન કરતો હોય, ત્યારે સોમો એની ચોપડીનાં પાનાં ફેરવી ચિત્રો જોવામાં ખોવાઈ જાય. ચોપડીમાં ‘ ઘોડિયાને હિંચકો નાખતી એક સ્ત્રી’ નું ચિત્ર એને બહુ ગમે. એ ચિત્ર જોઈને એ કહે, ” મારો ભઈ કરું આ કે’ને ” એમ કહી સોમો ફરમાઈશ મુકે, ને જગો વળી એના ભાઈબંધને ખુશ રાખવા મોટા અવાજે ગાય.

image source

” હતો હું સૂતો… પારણે.. પુત્ર નાનો, રડું છેક, તો રાખતું કોણ છાનો…? મહા હેતવાળી….” સોમો આ કવિતા સાંભળીને આખી દુનિયાનું દુઃખ ભૂલી જાય. જગાને વળી આ સોમલા સિવાય બીજો કોઈ ભાઈબંધ નહીં.

જગો ખાવા બેઠો હોયને જો સોમો એના ઘરે જઈ ચડે તો જગાની બૈ (મા) એને પણ ખાવા બેસાડી દે. ફુલકા જેવી રોટલી ને દાળ ખાધા પછી સોમાને બત્રીસ જાતનાં ભોજન જમ્યો હોય એવા અમીના ઓડકાર આવે. બંને જણા ભેગા થઈને રમતા હોય ત્યારે, જગો ક્યારેક એના ખીસામાંથી કાઢી ચપટીક દાળિયા આપે, તો વળી ક્યારેક મેળામાં થી લાવેલું કુતરાનું રમકડું રમવા આપે, એટલે સોમાનાં આઠેય દ્વાર ખુલી જાય. એતો રાજી રાજી થઈ જાય. પછી જગો કહે તે કામ, એ હડી કાઢીને કરી આવે. આવી એમની નિર્દોષ દોસ્તી.

image source

ગામમાં દર બે-ચાર વર્ષે કાશી – મથુરાથી હાથીવાળા બાવાની જમાત આવે. ગામના પાદરે મોટા મોટા તંબુ ઊભા કરે. ને એમાં એમનો ઉતારો હોય, સંઘ બે ત્રણ દિવસ રોકાય. ગામમાંથી ઉઘરાણું કરે. સંઘ રોકાય ત્યાં સુધી ગામવાળા તરફથી કડેધડે પાક્કું ભોજન હોય. સોમો હોંશે હોંશે આ સંઘમાં સેવા કરે. નાનાં મોટાં કામ કરે ને રોજ ધરાઈને સીરાપુરી જમે. સંઘ રોકાય ત્યાં સુધી એને તો બસ લેર પડી જાય. સંઘ વિદાય લે પછી બિચારો બે-ચાર વરસ આ સંઘના આવવાની રાહ જુએ. ધરાઈને ખાવાતો મળતું !

◆ ◆ ◆ ◆ ◆

જન્માષ્ટમીનો મોટો તહેવાર. ગામની શેરીમાંથી સોમો નીકળે ત્યારે, આખી શેરી, તેલમાં તળાતાં વડાંમાંથી છૂટતી અજમાની સુગંધથી મધમધતી હોય. આવાં આઠમનાં વડાં એણે, જગાના ઘેર ખાધેલાં જેનો સ્વાદ એની દાઢમાં ભરાઈ ગયેલો. આવા તહેવારના દિવસે પણ, જ્યારે એ ઘરે જાય ત્યારે એના કરમે લખાયેલો રોટલોજ ભણામાં આવે.

image source

આજે પણ જન્માષ્ટમી હતી.ભૂલથી તેના હાથે દૂધ ઢોળાઈ ગયું હતું. ભાભીએ ખૂબ ધમકાવ્યો હતો, માત્ર મારવાનુજ બાકી રાખ્યું હતું, એવો ધમકાવ્યો હતો. જેથી સોમાને સવારનું ચેન પડતું ના હતું. ભાભી રસોડામાં હતી, એ લાગ જોઈને તે જગાના ઘરે ગયો. જગો ઘરે હતો નહીં, તો એ થોડી વાર ઓટલે બેઠો. જગાની બૈ ઘરમાંથી બહાર નિકળયાં એટલે, એ એમના પગમાં પડીને થોડી વાર રડ્યો. જગાની બૈએ પૂછ્યું, ” શું થયું બેટા સોમા, કેમ રડે છે ? ” પણ સોમાના ગળે ડૂમો ભરાઈ ગયેલો, એ કાંઈ બોલી શક્યો નહીં ને પછી એકાએક એ ઘરની બહાર નીકળી ગયેલો.

ગોકળ આઠમની રાત, ગામમાં રાત જાગરણ. અડધી રાતે ભગવાનનો જન્મ થવાનો હતો. ગામમાં ઉત્સાહનું વાતાવરણ સોમો એના ભાઈબંધ જગા સાથે પાદરમાં આવેલા મંદિરે દર્શન કરવા કરવા ગયેલો.

“સોમા ! આજે તારો જીવ ઠેકાણે નથી લાગતો! તને કાંઈ થયું છે? તે મારો હાથ કેમ આટલો જોરથી દબાવી ને પકડી રાખ્યો છે? જગાએ પૂછેલું. જવાબમાં સોમો ખાલી એટલું બોલ્યો હતો ” મારો ભઇ કરું ! ” રાતનું અંધારું હતું, એટલે જગો તેંની આંખમાં આવેલાં આંસુ જોઈ ના શકેલો. બરાબર અડધી રાત થઈ. મંદિરમાં ઝાલર વાગવા લાગી. શંખ નાદ થયો. ” હાથીઘોડા પાલકી જય કનૈયા લાલકી ” ગગનભેદી નારા થયા. પંજરી લેવા લોક ઉમટી પડ્યું ને સોમો, રાતના અડાબીડ અંધારામાં ક્યાંક એવો ગરક થઈ ગયો કે, એ પછી જગાને મળ્યો જ નહીં.

image source

બીજા દિવસે સવારે ઢોર ઝોક(ગામનાં ઢોરને ગોવાળ સીમમાં લઈ જાય તે પહેલાં ઢોર ઊભાં રહેતાં હોય તે સ્થળ)માં મૂકવા જવાનો સમય થયો, ત્યારે એની ભાભીએ સોમાને જોયો નહીં.આથી એ ગુસ્સે થયેલી કે ” આ રાસવા દિ’ ચડ્યો પણ હજુ ઘરે ગુંડાણો નથી, આવવા દે એનાં હાડકાં જ ખોખરાં કરી નાખું”

પણ શું આવે , બસ આજકાલ કરતાં પચ્ચીસ- ત્રીસ વરસ થઈ ગયાં સોમો ઘરે આવ્યો જ નહી. લોકલાજે એના ભાઈએ થોડાક વરસ સગેવાલે તપાસ કરાવી. પણ સોમલાને જાણે ધરતીએ સમાવી લીધો કે આકાશ ગળી ગયું .સોમો ના આવ્યો તે ના જ આવ્યો. ગામતો સોમાને ભૂલીએ ગયું, ને ભાભીને તો ટાઢા પાણીયે ખસ ગઈ. માત્ર જગાને અને જગાની બૈ ને ક્યારેક સોમલો યાદ આવતો.

image source

એમને એમ ત્રીસ પાંત્રીસ વર્ષનાં વાહણાં વહી ગયાં. વળી પેલા હાથીવાળા બાવાના સંઘે ગામના પાદરમાં પડાવ નાખ્યો. ગામના રિવાજ પ્રમાણે સંઘને પાક્કું ભોજન આપવામાં આવ્યું.

ગામના પાદરમાં તંબુ લાગી ગયા છે. એક ખાસ સજાવેલા તંબુમાં મુખ્ય માત્મા બેઠા છે. આજુબાજુ ગામના આગેવાનો બેઠા છે. બહાર બે હાથી, ચારો ખાતા ખાતા ઝૂલી રહયા છે. ગામના છોકરાંઓનું ટોળું કુતૂહલવશ હાથી નિહાળી રહ્યું છે. બીજા એક મોટા તંબુમાં સાધૂ સંતો પંગત પાડીને જમવા બેઠા છે. ગામના જુવાનિયા સાધુ-સંતોને પીરસવાના કામે લાગી ગયા છે. જગો અત્યારે તો જુવાન થઈ ગયો છે. એ લાડવાનું તગારું ભરીને પીરસવા નીકળ્યો છે. એ ઘણા ભાવથી સાધૂ સંતોને લાડવા પીરસવા લાગ્યો. દબાણ કરી કરીને લાડુ પીરસે.

image source

પીરસ્તો પીરસ્તો એતો એક કાળી-ધોળી દાઢીવાળા સંતની પાસે આવ્યો ને એક સાથે બે લાડવા પીરસ્યા, ” નહીં બચ્ચા એક હી ચાહિયે ” હાથ આડો કરતાં સંત બોલ્યા ને જગો ચમક્યો. ઘડીક વારતો સંતના મો સામું એ જોઇજ રહ્યો. તેના માન્યામાં આવતું ના હતું. ચમકતું કપાળ, છાતીએ પહોંચતી દાઢી. તે એકા એક બોલી ઊઠ્યો, ” અરે ! સોમલા તું!” આટલા વર્ષે પણ તે ભાઈબંધનું સંબોધન ભુલ્યો ના હતો. ” મારો ભઈ કરું , ચૂપ રહો બચ્ચે , યે જો લાઈન હૈ ના, દેખતે હોના , આધે સે ઉપર સભી ‘સોમલે ‘ હૈ ! સંતે બાવાઓની લાઈન સામે ઈસરો કરતાં કહ્યું.

જગો ઇશારામાં સમજી ગયો. એણે લાડુનું તગરુ નીચે મૂકી, બે હાથ જોડી સંતને પ્રણામ કર્યા. આંખમાં આવી ગયેલાં આંસુ માથાના ફાળિયાથી પૂછી લીધાં ને ચુપચાપ આગળ લાડુ પીરસવા લાગ્યો.

લેખક : સરદારખાન મલેક

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ