મરચાના ક્રિસ્પી પટ્ટી ભજીયા – સાદા મરચાના ભજીયા નહિ હવે બનાવો આ ટેસ્ટી અને સરળ રેસીપીથી…

ગુજરાતીઓ તો અવનવા ભજીયા ખાવાના ખુબ જ શોખીન છે. વર્ષનો પહેલો વરસાદ પડે એટલે ગુજરાતીઓને ભજીયા ખાવાનું બહાનું મળી જતું હોય છે. ભજીયાની ઘણીબધી વેરાયટીઓ છે, પરંતુ આજે હું એક અલગ પ્રકારના મરચાની પટ્ટીના ક્રિસ્પી ભજીયા બનાવવાની તદ્દન નવી અને સાવ સરળ રીત બતાવવા જઈ રહી છું. જેને કુંભાણીયા ભજીયા પણ કહેવાય છે, જે ખુબ જ ટેસ્ટી અને ક્રિસ્પી બને છે. તો ચાલો બતાવી દઉં રેસિપી

સામગ્રી :


100 ગ્રામ લીલા મરચા

3 ટેબલ સ્પૂન ચણાનો લોટ

ચપટી મીઠું

ચપટી ધાણાજીરું

ચપટી હિંગ

ચપટી હળદર

2 નંગ લીંબુ

તળવા માટે તેલ

તૈયારી :

મરચાને સાફ પાણીથી ધોઈ, કોરા કરી પાતળી ચીરીઓમાં કાપી લો. લીંબુનો રસ કાઢી લો.

રીત :


1) સૌ પ્રથમ કાપેલા મરચાની ચીરીઓને એક મોટા અને પહોળા વાસણમાં લો.


2) ત્યારબાદ મરચા પર મીઠું, ધાણાજીરું, હિંગ, હળદર સ્પ્રેડ કરીને નાખો.


3) તેના પર થોડો થોડો ચણાનો લોટ નાખો. ત્યારપછી તેના પર લીંબુનો રસ ઉમેરી મિક્સ કરો


4) સરસ રીતે મિક્સ કરો કે દરેક મરચા પર મસાલો અને લોટ ચડી જાય. જરૂર જણાય તો ચણાનો લોટ ઉમેરો.


5) મરચા તળવામાટે એક કડાઈમાં તેલ ગરમ કરો. તેલ મીડીયમ ગરમ કરી થોડા થોડા મરચા તળો.


6) મરચાને ફેરવીને તળો, આપણે ક્રિસ્પી મરચા કરવા છે માટે થોડી વધુ વાર તળાવા દેવા. સહેજ ડાર્ક કલર થાય એટલે મરચાને પ્લેટમાં કાઢી લો અને આ રીતે બધા મરચા તળી લો.


7) તો તૈયાર છે મરચાના ક્રિસ્પી ભજીયા જેને ગરમાગરમ સર્વ કરો.

મિત્રો, છે ને બનાવવા સાવ આસાન તેમ જ ખુબ જ ઝડપથી બની જાય તેવા ટેસ્ટી ભજીયા. વળી રસોડામાં હાજર ઇન્ગ્રેડિયન્ટ્સથી જ બની જાય છે.

તો નોટ કરી લો આ રેસિપી, વરસાદની સીઝન આવી ગઈ છે, ઝરમર ઝરમર વરસાદ સાથે આ ભજીયા ખાવાની મજા પડી જશે. તો આ રેસિપી જરૂર ટ્રાય કરજો અને જે તમારા મિત્રો ભજીયા ખાવાના શોખીન હોય તેમને પણ આ રેસિપી શેર કરજો.

નોંધ : મરચા જો વધારે તીખા હોય અથવા તો તીખું ખાવાનું પસંદ ના કરતા હોય તો લીંબુનો રસ થોડો વધારે નાખી શકાય જેથી મરચાની તીખાંશ ઓછી થઈ જાય.


રસોઈની રાણી : અલ્કા સોરઠીયા

આ રેસિપીનો વિડીયો જોવા અહીં ક્લિક કરો :