તૂરિયા મગ ની દાળ નું શાક – તુરિયા નહિ ભાવતા હોય તો પણ તમે આંગળીઓ ચાટી જશો…

તમારા ઘર માં પણ કોઈ ને કોઈ તો હશે જ જેને તૂરિયા ન ભાવતા હોય . મારા ઘર માં પણ છે જેમને આ શાક જરા પણ પસંદ નથી. પણ, તો પણ આ શાક ખૂબ જ મોજ થી ખાય . તૂરિયા ની સાથે મગ ની દાળ એક ખૂબ જ સરસ સ્વાદ આપે છે.

હું આ શાક માં કોઈ ખાસ મસાલા વાપરતી નથી આપ ચાહો તો કોઈ વેરીએશન કરી શકો. જો કે આ શાક એક સરળ શાક છે જેને કોઈ extra મસાલા ની જરૂર જ નથી.

સામગ્રી ::

• 500gm તાજા અને કુણા તૂરિયા

• 1 નાનો વાડકો મગ ની દાળ

• મીઠું

• 1 ટામેટું , સમારેલું

• 1 ચમચી લાલ મરચું

• 1 નાની ચમચી આદુ મરચાં ની પેસ્ટ

• 1/2 ચમચી હળદર

• 1/2 ચમચી ધાણા જીરું

• લીંબુ નો રસ , સ્વાદાનુસાર

• 2 ચમચી ઘી

• 2 ચમચી તેલ

• 1 ચમચી જીરું

• હિંગ

• 1 સૂકું લાલ મરચું

રીત::


સૌ પ્રથમ મગ ની દાળ ને ધોઈ લો. પૂરતા પાણી માં 30 થી 40 મિનિટ માટે પલાળી લો. આમ કરવા થી દાળ ને બાફવા ની જરૂર નહીં પડે અને તૂરિયા ની સાથે જ સરસ ચડી જાશે. પલાળયા બાદ દાળ ને નિતારી લેવી..


તૂરિયા ને પણ છાલ ઉતારી , ધોઈ , નાના ટુકડા કરી લો. તૂરિયા હંમેશા કુણા અને તાજા વાપરવા . બહુ જાડા બીયા હોય તો શાક ખાવાની મજા નહીં આવે.


કડાય માં 2 ચમચી ઘી અને 2 ચમચી તેલ ગરમ કરો. જીરું ઉમેરી હિંગ ઉમેરો. ત્યારબાદ તૂરિયા ઉમેરો. એમાં હળદર , મીઠું અને મગ ની દાળ ઉમેરો.

સરસ મિક્સ કરી, ઢાંકી ને ઉપર ડીશ રાખો અને એમાં પાણી રાખી દો. ધ્યાન રહે , આ શાક માં પાણી ઉમેરવાનું નથી. તૂરિયા માંથી પાણી છૂટું પડે જ છે જે દાળ ને ચડાવવા માટે પૂરતું છે. વચ્ચે વચ્ચે હલાવતા રહો.


જ્યારે લાગે કે તૂરિયા અને દાળ બંને સરસ રીતે બફાય ગયા છે ત્યારબાદ એમાં મરચું , ધાણા જીરું , ટામેટા ઉમેરો.


થોડી વાર ચડી જાય એટલે લીંબુ નો રસ સ્વાદાનુસાર ઉમેરો અને કોથમીર થી સજાવટ કરી ગરમ ગરમ પીરસો. આ શાક સાથે રોટલી , પરોઠા કે ભાખરી પીરસી શકાય. જોકે મને આ શાક સાથે ખીચડી પણ ખૂબ જ ભાવે. આશા છે પસંદ આવશે.

રસોઈની રાણી : રૂચી શાહ

 

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.