“વાર્તા… બાળકો પાસેથી છીનવાઇ ગયેલો ખજાનો..”

એક હતી પરી…. અથવા એક હતો રાજા અને એક હતી રાણી.. અથવા એક ગામમાં હતો એક ખેડૂત… અથવા એક હતો ચકો અને એક હતી ચકી… અથવા એક નાના બાળકની મમ્મી મરી જાય છે… આવા જ કોઇક વાકયથી શરૂ થયેલી વાર્તા બાળકો અઘીરાઇથી. એક ઘ્યાનથી સાંભળે.. ‘વાર્તા’ એટલે બાળકોને કંઇક નવું શીખવવાનો સરળ રસ્તો.. વાર્તા એટલે રડતા બાળકને શાંત કરવાનો ઉપાય.. વાર્તા એટલે ન જમતા બાળકને જમાડવાની માતાની યુક્તિ.. વાર્તા એટલે બાળકને સુવાડવા માટે હાલરડુ.. વાર્તા બાળકોને સ્મરણશકિત-કલ્પના શક્તિને વિકસાવવામાં મદદ કરે છે. બહારની દુનિયાથી અજાણ બાળકને દુનિયાનો પરિચય કરાવવા વાર્તા શ્રેષ્ઠ માઘ્યમ છે. વાર્તામાં જાદુઇ તત્વ છે જે કોઇપણ વાતને સહજતાથી સમજાવી શકે છે.


પણ આજના બાળકો પાસેથી આ વાર્તાની અમીરાત છીનવાઇ ગઇ છે. કદાચ વાર્તા એટલે શું… તેમાંથી મળતો આનંદ.. તેને સાંભળવાની અઘીરતા..આ બધાથી આજના બાળકો અજાણ છે. વાર્તા સાંભળતા હવે શું થશે તે અઘીરાઇ, જમાડતી વખતે મમ્મીનો આગ્રહ કે આટલું ખાઇ લે પછી કહીશ કે સુતા વખતે વાર્તામાં આવતી પરી સપનામાં આવશે તેવી લાલચ… આ બઘાથી આજના બાળકો વંચીત છે.


પહેલા સંયુકત કુટુંબમાં બાળકોને દાદા-દાદી પાસેથી આ ખજાનો મળતો, પણ હવેના વિભકત કુટુંબમાં જયાં મમ્મી પણ નોકરી કરતી હોય ત્યાં વાર્તા કરવાનો કોઇ પાસે સમય નથી અને આવડત પણ નથી. નોકરી અને ઘરકામથી થાકેલી મમ્મી બાળકોને વિડિયોગેમ પકડાવી દે છે. કીટી પાટીઁ અને ઘરકંકાસની સિરિયલોમાં મસ્ત મમ્મી બાળકોને નવાનવા ગેજેટસ લાવી આપે છે.ઇન્ટરનેટ અને મોબાઇલની મદદથી બાળકો ગેમમાં વ્યસ્ત રહે છે..અને કદાચ મમ્મી પણ તેવું જ ઇચ્છે છે.

આપણી સંસ્કૃતિમાં અઢળક વાર્તા પડેલી છે. બાળકોને વાર્તાની આદત પાડવા માતા પિતાએ ફકત દશ મિનિટ સમય આપવો જોઇએ. પંચતંત્રના રચયિતા વિષ્ણુશર્માએ આપણી સંસ્કૃતિની વાર્તાના માઘ્યમથી સમજાવી છે. વાર્તા બાળકોને સંસ્કાર અને સત્યતાની સમજણ આપે છે. બુરાઇ પર અચ્છાઇની જીત.. અથવા વઘુ લાલચ ન કરવી જોઇએ..અથવા હમેંશા સાચુ બોલવુ જોઇએ.. અથવા મહેનત કરીએ તો ફળ મળે જ .. અથવા સંપ રાખો તો જ જીતી શકાય.. તેવી સમજણ બાળકોને બોલીને આપવાને બદલે વાર્તાના માધ્યમથી સમજાવીએ તો જલ્દી સમજી જાય છે.


આભાર એનીમેશનના રચયિતાનો કે જેમણે ભારતના ઇતિહાસનો વારસો કાટુઁન દ્રારા બાળકો સુઘી પહોંચાડયો. જેથી આપણા બાળકો અકબર-બિરબલ, ક્રિષ્ના, ભીમ, મહાભારત અને રામાયણના પાત્રોથી પરિચીત થયા નહીતર બાળકોનો આદર્શ સીનચેન… નોબીતા… ડોરેમન કે પોપાઇ જ બની જાત. હેરીપોટર અને બીજી વિદેશી વાર્તા જોઇને બાળકો આક્રમક થઇ જાત.


દરેક માતા પિતાએ બાળકોને વાર્તા સંભળાવવી જ જોઇએ. જે માતા પિતા બાળકોને વાર્તા નથી સંભળાવતા તે બાળકો અભ્યાસમાં અને સફળતામાં મેળવવાની દોડમાં પાછળ રહી જાય છે. એટલે જ કહ્યુ છેને કે જેમનીપાસે વાર્તા છે તે વ્યકિત સૌથી વધુ ધનવાન છે.


બસ.. તો આજે જ બજારમાં જાવ અને વાર્તાની ચોપડી લઇ આવો… અને તમારા બાળકોને વાર્તા સંભળાવો… જે વાત તમે કહીકહીને થાકી ગયા હશો તે વાત વાર્તા સ્વરૂપમાં કહો .. પછી જોવો… બાળકો તમારી વાત તરત માની જશે. દરેક માતા પિતાને એક જ વાત કહેવાની કે તમારા બીઝી શેડયુલમાંથી થોડો સમય બાળકો માટે ફાળવો. ગેઝેટસ અને વિડિયોગેમના રવાડે ચડાવી બાળકોને આક્રમક અને ગુસ્સાવાળા બનાવવાના બદલે આપણી સંસ્કૃતિની જાણકારી આપતી વાર્તા સંભળાવો..

લેખક : દિપા સોની “સોનુ”