મનની ફાંસ – સારું થયું હોત જો આપણે ના મળ્યા હોત, હવે તારા જ વિચાર આવશે, અનોખી અધૂરી રહી ગયેલ પ્રેમકહાની..

“વરસો થયા જેની મહેફિલથી દુર છું હું,

ત્યાં હજી છે મારી જગ્યા કોણ માનશે ..?”

હાથમાં મોબાઇલ રાખીને વાત કરતા કરતા સુજય મોલના પગથિયા ચડતો હતો. સામેથી ધારા બન્ને હાથમાં શોપિંગ બેગ લઇને માંડમાંડ બધુ સાચવતી ઉતરતી હતી. બન્નેનું ધ્યાન ન હતું, અને ભટકાઇ પડયાં. ધારાની બઘી બેગ પડી ગઇ. સુજય નીચા નમીને બેગ ભેગી કરવા લાગ્યો અને બોલ્યો, “અરે… સોરી… મારૂં ધ્યાન વાતમાં હતું એટલે..” સામે ધારા બોલી, “ના.. ના.. મારૂ ધ્યાન પણ બેગ સાચવવામાં હતું એટલે….”

image source

બન્નેના કાને એકબીજાનો અવાજ પહોંચતા જ બન્ને ચોંકી ગયા. અત્યાર સુઘી એકબીજાને મદદ કરવામાં તે બન્ને એ એકબીજાના ચહેરા સામે જોયું જ ન હતું. અવાજ જાણીતો લાગતો બન્નેએ સામે જોયું. એક જ મિનિટમાં બન્ને એકબીજાને ઓળખી જતાં… સુજય … તું.. ધારા તું… બોલી ઉઠયા…

સુજય બોલી ઉઠયો, “ઓ..હો..હો.. ધારા કેટલા વર્ષે મળ્યા..? કોલેજ છોડયાં પછી તું તો કયાં છો ખબર જ ન પડી.. તું તો હજી એવીને એવી જ છો, થોડી જાડી થઇ છો, પણ ચહેરાની નિર્દોષતા હજી એવી જ છે… બસ વાળમાં થોડી સફેદી લાગે છે, અને ચશ્મામાંથી વધુ જાજરમાન લાગે છે…”

image source

ધારા બોલી, “હા… તું પણ હજી એવો જ છે, એવો જ વખાણ કરતો… તું પણ કયાં બદલાયો છે ?? બસ જીન્સ અને ટી-શર્ટને પહેરતો સુજય સૂટ પહેરતો થઇ ગયો છે, બાકી એવો જ છે.. એટલે તને તરત ઓળખી ગઇ.” “પણ… ધારા તું કયાં હતી અત્યાર સુઘી..? સુજય આગળ પૂછે તે અટકાવતા ધારા બોલી, “બસ હવે બઘા સવાલ અહી જ પૂછી લઇશ..? ચાલ કયાંક બેસીએ..” સુજયે ધારાનો પ્રસ્તાવ સ્વીકારી લીઘો… “હા…હા.. બોલ.. નજીકમાં જ આપણી કોલેજ છે, કોલેજ સમયમાં હતી તે કોફી શોપ હજી પણ છે, ચાલ ત્યાં જવું છે…?”

બન્ને તેમની કોલેજ સમયની ફેવરીટ કોફીશોપમાં ગયા. કોફોશોપ કોલેજના વિદ્યાર્થીઓથી ભરેલી હતી. બન્ને ખૂણાનું ટેબલ પસંદ કરીને બેઠા. થોડીવાર સુઘી એકબીજાની સામે જ જોઇ રહ્યા. પછી ધારા બોલી, “શું જોવે છે ..?” “બસ… તારામાં પહેલાની ધારાને શોધવાનો પ્રયત્ન કરૂં છું, કેવી હતી તે ધારા..હમેંશા જીન્સ ટીશર્ટ પહેરતી, ખુલ્લા વાળ રાખી ઉડાડતી, હમેંશા હસતી ધારા… આજે સાડીમાં જોઇને તે ધારાને શોઘું છું” સુજયે કહ્યું. ધારા હસી અને બોલી, “હું તો તે જ ધારા છું… બસ સમય સાથે થોડી બદલાઇ ગઇ છું, પણ તને કયાં મારી કોઇ પરવા છે…? કોલેજમાં હતા ત્યારે પણ તેં કયાં મારી પરવા કરી છે …?”

image source

“શું પરવા નથી કરી..? તારૂં કેટલું ધ્યાન રાખતો હતો…. કોઇ તારી મસ્તી કરી લે તો તેની સાથે હમેંશા ઝઘડતો, તારૂં ઘર અને મારૂં ઘર કોલેજની બે વિરૂધ્ધ દિશામાં હતું, છતાં મારે એ બાજુ કામ છે, એમ કહીને રોજ તને મૂકવા આવતો, મને કયારેય મ્યુઝીક ગમતું નહી તો પણ તારા મ્યુઝીકના કલાસમાં તારી સાથૈ વાતો કરવા આવતો, ઘરે કયારેય કોફી પીતો નહી, પણ આ કોફી શોપમાં તારી સાથે કેટલી કોફી પીઘી છે, કોલેજના બીજા વર્ષમાં તારા દાદી બિમાર હતા ત્યારે તું ગામડે ગઇ હતી, ત્યારે તારી બઘી જ નોટસ મેં પૂરી કરી આપી હતી. તારી હાજરી પણ હું પૂરાવતો.. પરવા તો તને ન હતી મારી… ” સુજય બોલ્યો.

” બસ …બસ.. હવે કેટલું ગણાવીશ ..? મને પણ તારી પરવા હતી જ.. મને ખબર હતી કે તું મને મુકવા આવે છે, પણ તારી બાઇક પર બેસવા માટે જ હું કંઇ ન બોલતી…. તને લાલ રંગ પસંદ હતો એટલે તો હું લગભગ લાલ રંગના જ કપડાં પહેરતી… તને ભાવતી વસ્તુ કેટલી વાર બનાવીને લઇ આવતી.. એમ તો મને પણ કયારેય સેન્ડવીચ ન ભાવતી, પણ આ જ કોફીશોપમાં કેટલીવાર તારી સાથે સેન્ડવીચ ખાઘી છે.

image source

તે મને બીજા વર્ષમાં નોટસ તૈયાર કરી આપી હતી તે તને યાદ છે, તો તે ભૂલી ગયો કે ત્રીજા વર્ષની ફાઇનલ પરીક્ષા પહેલા તારો એકસીડન્ટ થયો હતો, ત્યારે હું રોજ તારા ઘરે આવીને કોલેજમાં જે ભણાવ્યું હોય તે બઘું સમજાવતી… કોલેજમાં બઘી છોકરીઓ મારૂં નામ તારી સાથે જોડીને મસ્તી કરતી, તો હું તેમને કહેતી કે તે મારો દોસ્ત જ છે, પ્રેમનો એકરાર કયારેય કર્યો નથી..” ધારા બોલતી રહી..

“હા… એ બઘા જ સાચા હતા.. હું તને પ્રેમ…” આટલું બોલીને સુજય અટકી ગયો. તે ઉંમરે પણ પ્રેમનો એકરાર કરી શકયો ન હતી, અને આ ઉંમરે પણ પ્રેમ શબ્દ બોલતાં જ તેની જીભ અટકી ગઇ. બે મિનિટ બન્ને એકબીજાની સામે જોતા રહ્યાં. એકરારની ક્ષણ આવીને બન્ને વચ્ચેથી પસાર થઇ ગઇ. આંખની પાંપણે આવેલા આંસુ લુછીને ધારા બોલી, “છોડ બઘી વાત… કહે ઘરમાં પત્ની… બાળકો.. તેમના વિશે કહે..”

image source

બન્ને વર્તમાનમાં આવી ગયા. કોલેજની જીંદગી ભૂલાઇ ગઇ. ઘરની-કુટુંબની વાતો કરી. બન્નેએ એકબીજાના ફોન નંબર આપ્યા, બે – ત્રણ કલાક સુઘી કેટલી બઘી વાતો કરી, કયારેક મળતા રહેવાનું વચન આપીને ઉભા થયા. ઊભા થતા થતા સુજય બોલ્યો, “ધારા આજે તું ન મળી હોત તો કેટલું સારૂં, આટલા વર્ષથી મનની વાત મનમાં રાખીને બેઠો હતો. આજે તારી સામે બોલાય ગયું. હવે તારા જ વિચાર આવશે, તને મળવાનું મન થશે.”

ધારા તેનો હાથ પકડીને ઉષ્માથી દબાવતા બોલી, “ના.. સુજય આજે મળ્યા તે સારૂ થયું, આટલા વર્ષોથી મનમાં એક ફાંસ હતી કે તું મને કેટલા વખતથી ઓળખતો હતો, તું મારો દોસ્ત હતો, આપણે હમેંશા સાથે રહેતા, છતાં મારામાં શું ખૂટતું હતું કે તું મને પ્રેમ કરતો ન હતો? પ્રેમ તો હું પણ કરતી જ હતી, પણ પહેલા તું બોલે તેની રાહ જોતી હતી. તારાથી છૂટા પડયા પછી પણ મારી જીંદગીમાં હું ખૂબ ખુશ જ છું, સુખી છું, પણ કયારેક મનમાં એક ફાંસ ઉભરી આવતી હતી કે સુજય મને પ્રેમ ન કરી શકયો…? આજે એ ફાંસ નીકળી ગઇ. મનને શાંતિ થઇ ગઇ કે મારામાં કંઇ ખૂટતું ન હતું, તું પણ મને ચાહતો હતો, બસ.. તું બોલી ન શકયો..”

image source

બોલતા બોલતા ધારાની આંખમાં આંસુ આવી ગયા. સુજય તેના છલકાતા આંસુ લુછતા લુછતા બોલ્યો, “હા.. મારા મનમાં પણ આ જ સવાલ હતો. ધારા આજે હું પણ હળવો થઇ ગયો, હવે ચાલ.. ફરી કયારેક મળીશું.. તારી દુનિયામાં ખુશ રહેજે..” બન્ને છુટા પડયા અને એકબીજાને વચન આપ્યુ કે આજ સુઘી એકબીજાની યાદ આવતા મનમાં જે ખટકો ઊભો થતો હતો, તે હવે નહી થાય, હવે એકબીજાને પ્રેમથી યાદ કરશે. સાચે જ… દુનિયાભરના પુરુષોની આ જ તકલીફ છે, તેમને પ્રેમ કરતાં તો આવડે છે, પણ પહેલ કરતા નથી આવડતું… કહેતા નથી આવડતું….

લેખક : દિપા સોની “સોનુ”

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ