મામાનો ખીજડો – યુવતી એક પણ તેની પાછળ દિવાના છે મામા અને ભાણિયો બંને અને એકદિવસ…

રામપુર થી ત્રણ કિલોમીટર દૂર આવેલ દેસલપુર ગામેં અમે ત્રણ છોકરા ચાલતા ભણવા જાતા. આખી વાટ જાત જાતનાં ગપ્પાં ચાલતાં હોય, પણ રસ્તામાં આવતા માધાસર તલાવડાની પાળના મામાના ખીજડાનું ઝાડ આવે એટલે , અમારી ગમે તેવી મજાની વાત ચાલતી હોય ને તોય અમારી બોલતી બંધ થઈ જતી. બસ એટલી ભોં ચૂપ ચાપ પસાર કરવી પડતી. એ ભોં પસાર કરતી વખતે ક્યારેક કોઈ ત્રાંસી નજરે ખીજડાના થડ પાસે પડેલો પથરો જોઈ લે, તો પણ છાતીમાં થી એક લખલખું પસાર થઈ જાતુ.

image source

અમે એકલાજ નહીં ગામના ઘણા માણસોને એટલી ભોં કાપવી ભારે થઈ પડતી. ગામની કોઈ પરણેલી સ્ત્રી મામાના ખીજડા પાસેથી પસાર થાય ત્યારે ઉઘાડા મોઢે એ ના નીકળી શકે , એને બિનચૂક ઘૂંઘટો તાણવો જ પડે. એવી વાયકા હતી કે પરણેલી સ્ત્રી જો એ જગ્યાનો મલાજો ના જાળવે, જો એ ઘૂંઘટ ના તાણે તો તે સ્ત્રીનું સાડા ત્રણ દિવસમાં કાંઈકને કાંઈક અશુભ થતું. અમારું ગામ નાનું, એટલે કોઈને કોઈ કામે ઘણાને દેસલપુર જાવુ પડતું. હટાણું કરવા, અનાજ દળાવવા કે તલાટી પાસે કે પછી સસ્તા અનાજની દુકાને જવું હોય તો આ ત્રણ માઇલનો રસ્તો ગાડામાં કે પછી પગે ચાલીને કાપવો પડતો.

ચાલતા ભણવા જાતા ત્યારે, અંદર અંદર ચર્ચા પણ થાતી ” તને ખબર છે અલ્યા, ઘનિયા ઓલાં વિધવા ગોમતીમા ને મોઢે કોડ ચમ સે ?” “હા હા.. હવે મને મારી મા કે’તીતી કે એ રાંડ ગોમતીએ મામાના ખીજડે લાચ નતી કાઢીને એટલે એને કોડ નિકળયા.”

image source

” અને ઓલ્યો નાગજી ગાંડો થઈને ફરે છે કેમ ખબર છે ? કે’ સે એને બિચારાને ખબર ન’તી ને એ મામાના ખીજડાના થડ પાસે પડેલા પથરા પર પેશાબ કરી ગયો હતો.” ઉતાવળી ચાલે ચાલતાં ગોવલે પોતાની જાણકારી બતાવી. ” વાત એમ થઈ હતી કે, જેવો એ પેશાબ કરવા ગયો કે તરતજ એની ચાંચવાળી ટોપી પરથી લોહીની ધાર થઈ ‘તી પણ એ બુદ્ધિયો સમજ્યો નહીં ને પથથર પર પેશાબ કરી ગયો. એણે લોહીની ધાર જોઈ પછીતો ત્યારની ઘડીને આજનો દિ, એનું ફાટકી ગયું.” ધનજીએ વાતનો સાંધો મેળવ્યો.

આ મામાના ખીજડાની વરસોથી એક લોકવાયકા ચાલી આવે છે.

ગામમાં ચર્ચાતી વાત પ્રમાણે, લગભગ સરખી ઉંમરના એક મામા-ભણેજની જોડી હતી. આ જોડીને જોઈને કોઈ ના કહી શકે કે આ બેય જણ મામો ભાણેજ હશે. એક સરખી ઊંચાઈ, ને કપડાં પણ એક સરખાં. બન્ને જણ પાઘડી પણ એકજ રંગની અને સરખા આંટા વાળી પહેરે. બન્નેની ફાટ ફાટ જુવાની. મામો ઘરનો દુબળો, એટલે બહેનના ઘરે રહે. ખેતર , પાદર, ગામ-ગામતરે જ્યાં જાય ત્યાં મામો-ભાણેજ ભેગાજ હોય. જ્યાં જુઓ તયાં એક બીજાનો પડછાંયો બનીને ફરતા જોવા મળે.

image source

વાત એક વખત એમ બની કે –મામો-ભાણેજ સાતમ-આઠમનો મેળો માણવા ગયેલા. મેળાની ચકડોળમાં બેસવા ગયા, તયાં તેમને બાજુના ગામની મેળાની માણીગર એક યુવતી સાથે ઓળખાણ થઈ ગયેલી. આમતો મામો-ભાણેજ બંને ફાંકડા યુવાન.બેયજણની ફાટ-ફાટ યુવાની ! એમની રંગીન પાઘડીના આંટાની જેમ એમના ખડતલ શરીર પર યુવાનીના નર્યા આંટા વળી ગયેલા. કોઈ કુંવારી યુવતી એમની સામે નજર નાખે તો નજર નાખતાંજ મોહી પડે એવો એમનો દેખાવ ! ને એવું એમનું વેશ પરિધાન.

જોગાનુજોગ, ચગડોળે બેસવા આવેલી એ ગ્રામકન્યા કોઈ રેંજીપેંજી કન્યા ના હતી. એનો નાના સરખા ડાલા જેવડો માથાનો અંબોડો ને ઉન્નત ઉરોજ જાણે એકબીજાની હરીફાઈ કરતા હોય તેમ જણાતું હતું. એની અણિયાળી આંખોમાં એક પ્રકારની એવી સંમોહના ઘૂંટાયેલી હતી કે,જેના પર એ નજર નાખે એ પહેલી નજરે ઘાયલ થઈ જતો ! ને ઉપરથી એની ઠૂંમકા લેતી ઠસ્સાદાર ચાલ ! ને ચહેરા પરથી નીતરતું રૂપલાવણ્ય, સ્વર્ગની અપ્સરાને પણ ઝાંખી પાડવા પૂરતું હતું.

image source

આમ એક બાજુ સંઘાડા ઉતાર ગ્રામકન્યા, બીજી બાજુ, ચડતી યુવાનીમાં વિહરતા, છેલછબિલા મામા-ભાણેજનો અચાનક ભેટો થઈ ગયો ! પછી શું બાકી રહે ? જેમ થીના ઘી પાસે આગ મુકવામાં આવે ને ઘી જેમ,ખળળ…ખળળ…ઓગળવા લાગે, તેમ બંને બાજુએ એક સરખી હાલત થઈ! પણ વિધીની વિચિત્રતાતો જુઓ, યુવતી એક હતી ને તેને મોહી પડનારા બે હતા- મામો ને ભાણેજ.

યુવતી મામા તરફ વધુ ઢળતી જાય છે. મામો મેળામાં જોડિયા પાવા વગાડે, ને એ પાવાના સૂર એ યુવતીના હૈયા સોંસરવા નીકળી જાય છે! ને ભાણેજનું હૈયું પણ હાથમાં રહેતું નથી. એનું મન ઉછાળા મરે છે ! યુવતીને પ્રેમ પામવા એ અધીરો બની ગયો છે. ભણેજની સામે મામો છે, મામનું મેદાન સોળે કળાયે હિલ્લોળા લેતું થઈ ગયું છે. જ્યારે ભાણેજ હજુ હવામાં હવતિયાં મારી રહ્યો છે.

મામા-ભાણેજનું ગામ ને ગ્રામકન્યાનું ગામ, બાજુ બાજુમાં એટલે સિમ-શેઢે એમની મુલાકાતો થાતી રહી. ક્યારેક હટાણું કરવા જાય ત્યારે દેશલપુરમાં મેળાપો થઈ જતો.

image source

મામો-ભાણેજ ભેગાને ભેગા હોય, ક્યારેક દેશલપુરની બજારમાં ખારેક, દાળિયા કે શેરડીના રસનાં રાવણાં થાય. “જો આટલું ના ખાવ તો, તમને મારા સમ ! ” આમ મારી સોંગંધ ને તમારી સોગંધ ! એવા હૈયાને વલોવી નાખતા સંવાદો વચ્ચે મીઠી મુલાકતોનો દોર ચાલતો રહ્યો. એક મુલાકાત પૂરી થાય ત્યાંતો બીજી મુલાકાતની તિથી-વાર નક્કી થઈ જાય. ઠેકાણું નક્કી થાય. વળી ભેગાં થાય ને જુદાં પડે, તોયે એક બીજાનું દિલ ના ભરાય ! યુવતી કયારેક મામાનો હાથ પણ પકડીને ચાલે, તો ક્યારેક વળી એને પાવો વગાડવાનું કહે, આ હરકતો ભણેજથી સહન ના થાય અને એના હૈયામાં ઇર્ષઆની આગ ભભકી ઉઠે.

વાત હવે મામાના હાથમાં રહી ના હતી. એ યુવતીએ મામનું હૈયું કબજે કરી લીધું હતું. યુવતીને પણ રાત જાયતો દહાડો ના જાય અને દાળો જાય ત્યારે રાત લાંબી થઈ પડે. બન્ને બાજુ લગની લાગી પડેલી. એક દિવસ મામાએ પોતાના મનની વાત ભણેજને કરી ” મારો ભઈ કરું ભનકા , મારી જીભ ઉપડતી નથી, તું જરા મારી બોનને વાત કરને એની હારે મારું સગપણ ગોઠવી આલે. આમેય ઇ છોડી આપણી નાતની તો છે જ.”

image source

ભનકો તો મામાની વાત સાંભળીને મનમાં ને મનમાં સમસમી ઉઠેલો .એનેતો એની નજર સામે લંકા લૂંટાઈ જાતી દેખાણી. એ સમયે ભનકો કાંઈ બોલ્યો નહીં પણ મનમાં એને ગાંઠ વાળી લીધેલી. એક ગોઝારી કાળી રાતે મામો-ભાણેજ દેસલપરથી ચાલતા આવતા હતા. મામના મનમાં મહેચ્છાઓના મોરલાઓ ટહુકાર કરી રહયા હતા ! બરાબર તે વખતે ભણેજના હૃદયમાં અદેખાઈની આગની જ્વાળાઓ લબકારા મારી રહી હતી. પણ મામો ભણેજના ઇરાદાઓથી અજાણ હતો.

ચાલતાં ચાલતાં રસ્તામાં તેઓ માધાસર તલાવડા પરના ખીજડાના આ ઝાડ નીચે આરામ કરવા આડે પડખે થયા, થાકના લીધે મામાની આંખ મીંચાઈ ગઈ. એતો રંગીન સોણલાં જોતો ઘડીકમાં ઊંઘી ગયો. પણ ભાણેજ ભનકાની ઊંઘતો કયારનીયે હરામ થઈ ગઈ હતી. લાગ જોઈ, એણે બાજુમાં પડેલો મોટો પથરો ઉપાડીને મામાને માથે ઝીંકી દીધો. ને મામાનાં સપનાં રોળી નાખ્યા.

image source

ભનકો મામાનું કાસળ કાઢીને, એ યુવતીનું દિલ જીતવા માગતો હતો. કાળું કામ કરીને એ થોડો સમય ગૂમ થઈ ગયો. ગામ છોડીને કાંઈ આઘો ઊતરી ગયો. કરેલા કાળા કામના એ પડઘા સાંભળવા ફરતો રહ્યો. ફરી પાછો એ બીજા વરસે સાતમ-આઠમના મેળે આવ્યો. મેળામાં એને વાત સાંભળી કે એ યુવતીએ તો એજ પથ્થર સાથે પોતાનું માથું પછાડીને પોતાના પ્રેમીનો મારગ પકડી લીધો છે. પોલીસ પોતાનો પીછો કરી રહી છે. એ પણ એની જાણમાં આવ્યું.

સાતમ-આઠમના મેળાને એક દિવસ વીતી ગયા બાદ સવારના પહોરમાં માધાસર તળાવના કાંઠે ઉભેલા એ ખીજડાની ડાળીએ ભાણેજ ભનકાની લાશ લટકતી હતી. રામપર જેવા નાના ગામમાં ફરી એક વખત દેકારો મચી ગયો ! વરસો વીતી ગયાં વાતને. આજે એ ખીજડો મામાના-ખીજડા તરીકે ઓળખાય છે. લોકો માને છે કે એ ખીજડાના ઝાડ પર એક નહીં ! બે નહીં ! પણ ત્રણ ત્રણ અવગતિયા જીવોનો વાસ છે.

image source

રામપુરથી દેસાલપુર જાતાં ઓખા મેતરના ચમેલીયા ખેતરથી આ અવગતિયા જીવોની હદ ચાલુ થાય, તે મામાનો ખીજડો વટાવીને છેક રાજુ પટેલના માધાસરિયાના આથમણા શેઢા સુધી. આટલા વિસ્તારમાં હજુએ મામાનો પ્રભાવ જણાય છે , આવી ખબર મને ત્યારે પડી કે જ્યારે એક વખત મારા સહઅધ્યાયી શ્રી ધનજીભાઈ મારા મહેમાન બનેલા ને અમારે બચપણની વાતો નીકળી, ને તો મેં મામાના-ખીજડાની વાત ઉકેલી. ત્યારે તેઓએ જે વાત કરી તે કાંઈક નીચે મુજબ હતી.

” હા…હા વાતમાં કાંઈક તથ્ય તો જરૂર છે. આજે તો ત્યાં પાક્કો રોડ બની ગયો છે. ખીજડાના એ ઝાડ નીચે એક દેરી કોઈએ બનાવી છે, દેરીમાં કોઈ મૂર્તિ નથી પણ એક ઘડયા વગરનો મોટો પથ્થર મુકેલો છે. તલાવળીની પાળ પર હજુ એ ખિજાડાનું ઝાડ મોજુદ છે. સાચું ખોટું રામ જાણે ! પણ ગામમાં વાતો થાય છે કે, કાળી-ચૌદશની મધરાતે મામાના ખીજડા પરથી જોડિયા-પાવાના કરુણા સભર સૂર રેલાય છે, ને આ શૂર સાંભળવા ગામના કેટલાય યુવાનો આતુર હોય છે. કાળીચૌદસની રાત્રે નવપરણીત યુગલ જ્યારે મામાને ખીજડે નારિયેળ ચડાવવા જાય છે ત્યારે વળતી વખતે, હાજરાહજૂર મામાના પાવાના શૂર તેમના કાને પડે છે.”

image source

ધનજીભાઈ આગળ બોલ્યા.

” આ મારીજ વાત કરું . એક વખત હું મારી કેમ્પર ગાડી લઈને દેસાલપુર જવા નીકળ્યો હતો, તો મેં જોયું કે ઓખા મેતરના ચમેલીયા પાસે સ્ત્રી-પુરુષ ચાલતાં જતાં હતાં, ગાડી થોડે દુર હતી ત્યારે તેમણે હાથ અધ્ધર કરી લિફ્ટ માગી, તો મેં ગાડી ઊભી રાખી, ને તેઓ બન્ને જણને મેં પાછળના ભાગે ખુલ્લામાં બેસાડયાં. હું સમજ્યો કે તેમને દેસલપુર સુધી લઈ જવામાં શુ વાંધો છે. હું તો ડ્રઆઈવીંગ કરે જતો હતો. દેસાલપુર આવ્યું તો મેં તેમને ઉતારવા ગાડી બ્રેક કરીને જોયું, તો પાછળના ભાગમાં કોઈ હતુંજ નહિ ! હું તો તાજ્જુબ થઈ ગયો કે, જરૂર આજે મામો ભટકાઈ ગયા ! વાત વીતી ગયેલી હતી તેમ છતાં, મને ટાઢ ચડી ગયેલી બોલો ! ”

image source

” તમે માનસો ? પછી હું તો બે જણને સાથે લઈ બીજે દિવસે મામાના ખીજડે નાળિયેર ચડાવી આવ્યો. એ વખતે મારી સાથે આવનારા મિત્રો એમ કહેતા હતા કે, ‘બસ તમે ગાડીમાં લિફ્ટ આપી એ સારું કર્યું , જો તમે ગાડી ઊભી ના રાખી હોતને તો જરૂર કોઈ ના બનવાનું બન્યું હોત.’

લેખક : સરદારખાન મલેક

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ