લેમન આઈસ ટી – આજે ઘરે જ બનાવો આ ઠંડી ઠંડી ચા અને ગરમીમાં મળશે ઠંડક…

ચા ના શોખીનો ની ગરમી માં ચા ઓછી થઈ જાય છે. અને શિયાળા જેવી મજા પણ નથી આવતી.. એવા લોકો માટે ખાસ આ ડ્રિન્ક છે. અને જે લોકો મારી જેમ ચા નથી પીતાં એવા લોકો ને પણ ચોક્કસ થી આ ટેસ્ટ ભાવશે..

ઠંડા પીણાં માં આજકાલ ખૂબ જ લોકપ્રિય બનેલી લેમન આઈસ ટી ગરમી માં માત્ર ઠંડક જ નથી આપતી પરંતુ એ પીવાના ઘણા ફાયદાઓ પણ છે. ચા માં એન્ટિ ઓક્સિડેન્ટ આવેલું હોય છે જે શરીર માટે ફાયદાકારક હોય છે. હાર્ટ પ્રોબ્લેમ ને દૂર રાખે છે. મૂડ સારો કરવામાં મદદરૂપ છે. ક્લીન્સર નું કામ પણ કરે છે. પેટ ના પ્રોબ્લેમ માટે ફાયદાકારક છે. આ બધા ફાયદા માત્ર માઈલ્ડ ચા પીવાથી જ થાય છે.

ચા આમ તો ફાયદાકારક જ હોય છે જો એને ઉકળવા માં ના આવે. જ્યારે ચા ઊકળે ત્યારે એમાંથી ટેનિન નામનું નુકસાનકારક ઘટક છૂટું પડે છે. જે આપણા શરીર ને નુકસાન કરે છે. એટલે જ ફોરેન માં લોકો ડીપ ટી પીવે છે. જેમાં ગરમ પાણી માં ટી બેગ્સ ને ડીપ કરે છે અને દૂધ ઉમેરી ને પીવે છે. અહીં પણ હવે લોકો આવી ચા પીતાં થયા છે. આજે આપણે જે લેમન આઈસ ટી બનાવાના છીએ એનો રેડીમેડ પાવડર પણ મળે છે જે ઠંડા પાણી માં ઉમેરી ને પીવાનો હોય છે. પરંતુ એમાં પણ કેમિકલ આવેલા હોય છે.

ઘરે બનાવામાં સરળ અને રોજ પી શકાય એવું આ ડ્રિન્ક છે..

સામગ્રી:-

2-3 ગ્લાસ પાણી

5-6 ચમચી ખાંડ ( સ્વાદાનુસાર)

2 લીંબુ

1 ચમચી ચાની ભૂકી કે 5-6 ટી બેગ્સ

બરફ ના ટુકડા

ફુદીનો

રીત:-


સૌ પ્રથમ પાણી માં ખાંડ ઉમેરી ને ઉકળવા મુકો. પાણી ઊકળે એટલે ગેસ બંધ કરી લો અને ચાની ભૂકી ઉમેરી ને 5-10 સેકન્ડ માટે રેહવા દો અને પછી આ પાણી ને ગરણી થી ગાળી લો. હવે લીંબુ ઉમેરી ને જરા ઠંડુ પડે એટલે ગ્લાસ માં બરફ અને ફુદીના ના પાન ઉમેરો . અને તૈયાર કરેલી ચા ઉમેરી ને ચિલ્ડ સર્વ કરો. લીંબુ ઓછું કે વધારે સ્વાદ મુજબ ઉમેરી શકો છો. જો તમે ટી બેગ્સ નો ઉપયોગ કરતા હોવ તો પાણી ઊકળે અને ગેસ બંધ કરો પછી ટી બેગ્સ પાણી માં 2-3 મિનિટ રાખો અને પછી પાણી માંથી નિકાળી લો . ટી બેગ્સ ને હાથે થી પ્રેસ કરવી નહીં નહીં તો ચા કડવી બનશે. હવે લીંબુ ઉમેરી ને ઠંડી સર્વ કરો.

નોંધ:-

ચાની ભૂકી બહુ કડક ચા ની હોય એવી ના લેવી. અને ચા ઉમેરી ને તરત જ ગાળી લો. અને જો સ્ટ્રોંગ ટેસ્ટ કરવો હોય તો ચા વધુ ઉમેરો.

તમે ઇચ્છો તો ફુદીનો ક્રશ કરી ને પણ ઉમેરી શકો.

રસોઈની રાણી : જલ્પા મિસ્ત્રી