કુંભણિયા ભજિયા – સુરતના ફેમસ ભજીયા હવે બનશે તમારે રસોડે, શીખો વિડીઓ જોઇને…

દરેક પ્રાંતના કોઈને કોઈ વ્યંજનો પ્રખ્યાત હોય છે. અમેરિકાની પાઈ હોય કે પછી ઇટાલિના પિઝા હોય કે પછી હોય ભારતિય પ્રાંતોના વિવિધ વ્યંજનો. આપણે કોઈ પણ વ્યંજનોની નકલ ભલે કરી લઈએ પણ તે તેની મૂળ જગ્યાએથી ખાવામાં આવે ત્યારે તેની સોડમ અલગ હોય છે, સ્વાદ અલગ હોય છે, અરે તેની તો વાત જ અલગ હોય છે.


ભારતમાં 29 રાજ્યો આવેલા છે તે દરેકના વ્યંજનોમાં જમીન આકાશનો ફરક હોય છે. દરેક પ્રાંતની અલગ અલગ થાળીઓ અને તેમાંની અલગ અલગ ડીશો. આ તો આપણે મુખ્ય ભોજનની વાત કરી રહ્યા છીએ પણ આપણે જેટલું મેઇન કોર્સને મહત્ત્વ આપીએ છીએ તેટલું જ સાઇડ ડિશને પણ મહત્ત્વ આપીએ છીએ. અને કેટલાક વ્યંજનો તો આપણને એટલા પ્રિય હોય છે કે આપણે મુખ્ય વ્યંજનો છોડી આ સાઇડ ડિશીસ પર જ ટૂટી પડીએ છીએ.
અને તેવી જ એક સાઇડ ડિશ છે ભજિયા.


ભજિયા શબ્દ મગજમાં આવતાં જ સૌ પ્રથમ તો આપણા મોઢામાં પાણી જ આવી જાય છે. અને કોઈ પ્રખ્યાત ભજિયાની દુઃકાનનું દ્રશ્ય આપણા માનસ પટ પર તરી આવે છે. જેમ કે રાઇપુરના ભજિયા. જો કે આ થઈ અમદાવાદીઓની વાત. પણ સુરત, ભાવનગર અને સૌરાષ્ટ્રના લોકો તો બીજા પણ એક પ્રખ્યાત ભજિયાને સારી રીતે જાણે છે, તે છે કુંભણિયા ભજિયા.


કુંભણિયા ભજિયા વિષે વિસ્તારમાં વાત કરતાં પહેલાં આપણે ભજિયા વિષે થોડી જાણકારી મેળવી લઈએ. ભજિયા સમગ્ર વિશ્વમાં વિવિધ સ્વરૂપે બને છે ભારતમાં જ તેના વિવિધ નામ છે જેમ કે ઉત્તર ભારતમાં તેને પકોડા કહે છે, મહારાષ્ટ્ર, કર્ણાટક અને આન્દ્ર પ્રદેશમાં તેને બજ્જી કહે છે તો અહીં ગુજરાતમાં તેને ભજિયા કહેવામાં આવે છે. તેવી જ રીતે અમેરિકામાં તેને ફ્રીટર કહેવામાં આવે છે. એ વાત અલગ છે કે આ બધી જ જગ્યાએ તેના વિવિધ સ્વરૂપ જોવા મળે છે પણ તેને બનાવવાની રીત તો મૂળે સરખી જ હોય છે.


તમને એ જાણીને આશ્ચર્ય થશે કે ભજિયા એશિયામાં તો ખવાય જ છે પણ ગ્રેટ બ્રિટનમાં ખાસ કરીને કરીને સ્કોટલેન્ડમાં પણ ખુબ ચાવથી ખવાય છે. અને તે લોકો તો કેટલીકવાર દહીંની ગ્રેવીમાં પણ ભજિયા મેઇન ડિશ તરીકે સર્વ કરે છે.

હવે ફરી આપણે આપણા કુંભણિયા ભજિયા પર આવીએ છીએ. જેમ રાયપુરના ભજિયામાં રાયપુર એ અમદાવાદનું એક પરું છે તેવી જ રીતે કુંભણિયા ભજિયામાં કુંભણ એ ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકાનું એક ગામ છે અને આ સ્થળે આ ભજિયાની શરૂઆત થઈ હોવાથી તેને કુંભણિયા ભજિયા તરીકે ઓળખવામાં આવે છે.


કુંભણિયા ભજિયા એ કુંભણ ગામનું પારંપરિક વ્યંજન છે. સામાન્ય ભજિયા કરતાં આ ભજિયાનો સ્વાદ વિશિષ્ટ હોવાથી ધીમે ધીમે કુંભણિયા ભજિયા લોકપ્રિય થવા લાગ્યા અને સુરત, ભાવનગર, સૌરાષ્ટ્ર સુધી લોકો તેને લિજ્જતથી ખાવા લાગ્યા.

આ ભજિયાની એક ખાસ વિશિષ્ટતા એ છે કે ભજિયામા સામાન્ય ભજિયાની જેમ કોઈપણ જાતનો ખાવાનો સોડા કે પછી લીંબુના ફૂલ નાખવામાં નથી આવતા. ભજિયામાં ભરપૂર પ્રમાણમાં લીલા મરચા, લીલુ લસણ, લીલા ધાણા નાખવામાં આવતા હોવાથી તમારી ચટાકા પ્રિય જીભને લાડ લડાવવાનો આ એક હેલ્ધી તેમજ સ્વાદિષ્ટ વિકલ્પ છે.

#Cool #MidNight #Hot #KumbhaniyaBhajiya

A post shared by DS Photography | Dilip Sachani (@dilip.sachani) on

કુંભણિયા ભજિયામાં બે પ્રકાર હોય છે પ્રથમ આ જીણા સમારેલા શાકભાજીમાંથી બનાવેલા ભજિયા અને બીજા છે લાલ-લીલા મરચાના પટ્ટી ભજિયા. તો ચાલો જાણીએ કુંભણિયા ભજિયાની રીત.

કુંભણિયા ભજિયાની રીત

સામગ્રી

500 ગ્રામ – ચણાનો જીણો લોટ (બેસન)

500 ગ્રામ મરચા તમને તીખું ભાવતું હોય તો તીખા અને મોળુ ભાવતું હોય તો તે પ્રમાણે લઈ શકો છો.

250 ગ્રામ કોથમિર – લીલા ધાણા

250 ગ્રામ લીલું લસણ

100 ગ્રામ આદુ

1 લીંબુનો રસ

મીઠુ સ્વાદ પ્રમાણે

કુંભણિયા ભજિયા બનાવવાની રીતઃ


સૌ પ્રથમ તો તમારે મરચા, લીલુ લસણ, કોથમીર, અને આદુ બારીક સમારી લેવા. આદુ તમે બારીક સમારી શકો છો અથવા તો તેને બારીક છીણી પણ શકો છો.

હવે પટ્ટી ભજિયા માટે તમે લીલા કે લાલ મરચાને ઉભા ચીરી તેમાંથી રગ કાઢી તેની તીખાશ દૂર કરી તૈયાર કરી લો.

બધા જ શાકભાજી બારીક સમારી લીધા બાદ. તેમ જ પટ્ટી ભજિયા માટેની મરચાની પટ્ટીઓ તૈયાર કરી લીધા બાદ હવે ભજિયાનું ખીરુ બનાવવાનું છે.

ભજિયાનું ખીરુ બનાવવાની રીતઃ

ભજિયામાં હંમેશા ખીરુ એ અત્યંત મહત્ત્વનું હોય છે.

ખીરુ બનાવવા માટે સૌ પ્રથમ ચણાનો લોટ એટલે કે બેસન એક મોટા પાત્રમાં લો. હવે તેમાં જીણા સમારેલા મરચા,લીલુ લસણ, કોથમીર, મીઠુ, આદુ અને લીંબુનો રસ ઉમેરી તેનું ભજિયા પડે તેવું થોડું જાડું ખીરુ બનાવવું.

#kumbhaniyabhajiya #mayurbhajiya #khathiyavad #🌶

A post shared by Foodies (@__.foodiegram.__) on

કુંભણિયા ભજિયામાં સૌથી મહત્ત્વની બાબત તેને તેલમાં પાડવાની ટ્રીક છે. તેને તમે જો એક સાથે જ વધારે પ્રમાણમાં પાડશો તો તે અંદરથી કાચા રહી જશે અને જો નાના પાડશો તો તે બળી જશે. માટે તેને પાડતી વખતે ખાસ ધ્યાન રાખવું. કુંભણિયા ભજિયા બનાવતા કારીગરોની ખરી કળા આ ભજિયા પાડવામાં જ છે. તેઓ ખુબ જ ધીરજથી પોતાની આંગળીઓ અને ખાસ કરી ને અંગુઠાનો ઉપયોગ કરી ભજિયા એવી રીતે પાડે છે કે તે ક્રીસ્પી અને સ્વાદિષ્ટ બને છે. તૈયાર થઈ ગયા કુંભણિયા ભજિયા.

પટ્ટી ભજિયાની રીતઃ


પટ્ટી ભજિયામાં ઉપર જણાવેલું ખીરુ પણ વાપરી શકાય. પણ તેમાં તમારે મરચાનો ઉપયોગ કરવો નહીં.

પટ્ટી ભજિયાના ખીરામાં બેસન, કોથમીર, લીલુ લસણ, આદુ, મીઠું, લીંબુ નાખી ખીરું તૈયાર કરવું.

કુંભણિયા ભજિયાનું ખીરું થોડું જાડું હોય છે જ્યારે પટ્ટી ભજિયાનું ખીરું થોડું પાતળું હોય છે જેથી કરીને આપણે મરચાની પટ્ટીને ખીરાથી કવર કરી શકીએ. હવે તેને તળી લેવા.

તૈયાર થઈ ગયા પટ્ટી ભજિયા. તો હવે તમે પણ ઘરે જ કુંભણિયા ભજિયા બનાવી ઘરના લોકોને ખુશ કરી શકો છો. તેના માટે તમારે સુરત, ભાવનગર કે પછી કુંભણ ગામ સુધી જવાની જરૂર નહીં પડે.

જુઓ આ વિડીઓમાં કુંભણિયા ભજિયાનો ઈતિહાસ અને બનાવવાની સાચી રીત.