ટેસ્ટફૂલ ગુજરાતી દાળ – જો આ રીતથી બનાવશો ગુજરાતી દાળ તો પરિવારજનો મજાથી ખાશે દાળ-ભાત…

મિત્રો, ગુજરાતી દરેક ઘરોમાં દાળ લગભગ દરરોજ બનતી હોય છે. માટે આજે હું ગુજરાતી દાળની રેસિપી લઈને આવી છું. આપને વિચાર આવશે કે અલ્કાબેન દાળમાં શું? કઈંક અલગ રેસિપી લઈ આવોને. પણ પ્રોટીનથી ભરપુર એવી દાળનું અનન્ય મહત્વ છે. અને દરરોજ બનતી હોય છે. તો ચાલો બતાવું હું દાળ કંઈક આ રીતે બનાવું છું.

સામગ્રી :


Ø 1/2 કપ તુવેરદાળ

Ø 1 ટે-સ્પૂન મગદાળ (ઓપ્સ્નલ )

Ø 2 ટે-સ્પૂન તેલ

Ø 1/2 ટે-સ્પૂન લાલ મરચું પાવડર

Ø 1/2 ટે-સ્પૂન ધાણાજીરું

Ø 1/2 ટે-સ્પૂન નમક

Ø ચપટી હળદર

Ø ચપટી હિંગ

Ø ચપટી રાયજીરુ

Ø એક લીલું મરચું

Ø એક લીંબુ

Ø એક ઈંચ આદુ

Ø એક ટે-સ્પૂન કોથમીર (કાપેલા )

Ø 2 ટે-સ્પૂન ગોળ

Ø સીઝનીંગ માટે તજ, 2 લવિંગ, તમાલપત્ર, બાદિયા, સૂકા બે લાલ મરચા, બે પાન પાલક (ઓપ્સ્નલ)

રીત:


1) સૌ પ્રથમ એક કુકરમાં તુવેરદાળ અને સાથે જ મગની દાળ લઈને ત્રણ થી ચાર વાર સાફ પાણીથી ધોઈને નિતારી લો. અડધો કપ તુવેરદાળ અને એક ટે-સ્પૂન મગદાળ સાથે મેં બે કપ પાણી એટલે કે 500ml પાણી લીધું છે. તેમાં મિડિયમ સાઈઝનું એક ટમેટું મોટા ટુકડાઓમાં કાપીને ઉમેરી લો.


2) મિડિયમ ફ્લેમ રાખીને સાત વિસલ વગાડીને દાળ બાફી લો. સાત વિશલમાં તો દાળ સરસ બફાઈ જાય છે.


3) હવે તેમાં મીઠું, હળદર , ત્રણ -ચાર લીમડાના પાન નાંખો સાથે જ એક લીલું મરચું કાપીને ઉમેરી દો. તેમાં એક ઈંચ જેટલું આદું ખમણીને નાંખો. જો આદું મરચાંની પેસ્ટ તૈયાર હોય તો તે હાફ ટે-સ્પૂન જેટલી ઉમેરી શકાય. હવે તે બે પાલકના પાન બારીક સમારીને ઉમેરો. જેનાથી દાળ હેલ્ધી તો બને છે, સાથે મસ્ત ગ્રીનીશ લુક આપે છે. ત્રણ –ચાર મીઠા લીમડાના આખા પાન નાંખો.


4) ફરી એક કપ એટલે કે 250 ml જેટલું પાણી ઉમેરી સરસ રીતે મિક્સ કરો. હવે તેમાં હેન્ડ બ્લેન્ડર ફેરવીને એકરસ કરી લો. જેથી આદું-મરચું, પાલક, લીંબડો, તેમજ ટમેટાનો કલર અને સ્વાદ દાળમાં સરસ મિક્સ થઈ જાય. બ્લેન્ડર ફેરવ્યા પછી જો દાળ ઘટ્ટ દેખાય તો 125 ml જેટલું પાણી નાંખી શકાય. દાળ ખુબ ઘટ્ટ રાખવી હોય તો આ પાણી ઉમેરવાની જરૂર નથી.


5) સ્ટવની ફ્લેમ મિડિયમથી થોડી વધુ રાખીને આ દાળ ઉકળવા મુકો. જરૂર જણાય તો સ્ટવની ફ્લેમ વધઘટ કરી શકાય. મીઠા લીંબડાની એક તીર ઉમેરીને ઉકાળો. દાળમાં ઉભરો આવે એટલે ગોળ અને લીંબુનો રસ નાંખીને થોડી વાર દાળ ઉકળવા દો.


6) દાળ ઉકળે ત્યાં સુધી આપણે સૂકા –મસાલા(તજ,લવિંગ અને 2 પાંખડી બાદિયા ) લઈએ સુકા -મસાલા વાટ્યા વગર પણ યુઝ કરી શકાય પણ વાટવાથી અનેરો સ્વાદ અને સુગંધ આવે છે. ગરમ મસાલો ઉમેરવાની પણ જરૂર રહેતી નથી.


7) દાળ ઉકળી ગયા બાદ તેનાં પર સરસ વઘાર કરીએ. તે માટે એક નાનકડા સીઝનીંગ બાઉલમાં બે ટે-સ્પૂન જેટલું તેલ ગરમ કરવા મુકો. માત્ર એક ટે-સ્પૂન તેલમાં પણ સીઝનીંગ કરી શકાય. તેલ મિડિયમ ગરમ થવા દો. હવે તેમાં સૌ પ્રથમ રાઈ – જીરું નાંખો. રાયદાણા તતડી ગયા બાદ તેમાં તજ, લાલ મરચા , તમાલ પત્ર , હિંગ , લાલ -મરચું, બાદિયા અને મીઠો લીમડો નાંખી ફટાફટ દાળમાં ઉમેરો. અને તરત જ દાળને ઢાંકી દો.


8) એકાદ મિનિટ પછી તેમાં વાટેલો મસાલો, ધાણાજીરું તેમજ બારીક સમારેલા કોથમીર ઉમેરી બરાબર મિક્સ કરો.


9) હું આ રીતે દાળ બનાવું છું, ફટાફટ બની જાય છે, તેમમાંજ હેલ્ધી અને ટેસ્ટી પણ બને છે. તો તમે પણ આ રીતે ટ્રાય કરજો. ખુબ જ સરસ બનશે આ રીતે ગુજરાતી દાળ. તો તૈયાર છે ગરમા -ગરમ દાળ તેને રાઈસ સાથે સર્વ કરો.


નોંધ :

Ø પાલક ઓપ્સ્નલ છે પણ તે દાળને ગ્રીનીશ કલર આપે છે અને વધુ હેલ્ધી બનાવે છે.

Ø હું હંમેશા બાફેલી દાળમાં આદુ, મરચું , લીમડો, પાલક નાંખ્યા બાદ બ્લેન્ડ ફેરવું છું જેથી દાળ ખુબ જ સ્વાદિષ્ટ બને છે પણ બ્લેન્ડર ફેરવ્યા બાદ પણ તે નાંખી શકાય.

Ø સીઝનીગ વખતે મિડિયમ તેલ ગરમ કરવાથી સરસ કલર તેમજ સ્વાદ, સુગંધ આવે છે. જો તેલ વધુ ગરમ થઈ ગયું હોય તો સ્ટવ ઓફ કરી જરા ઠંડુ પાડી સીઝનીંગ કરો.

Ø તજ, લવિંગ, બાદિયાને ઝીણા વાટીને ઉમેરવાથી દાળના સ્વાદમાં ચાર-ચાંદ લાગી જાય છે.

આ રેસિપીનો વિડીયો જોવા અહીં ક્લિક કરો :