કાચી કેરીનું ઇન્સ્ટન્ટ અથાણું – ફટાફટ થઇ જશે તૈયાર, બનાવો આ સરળ રીતથી…

મિત્રો, માર્કેટમાં સરસ મજાની તાજી નાની-નાની કેરીઓ આવી ગઈ છે. તો આજે હું કેરીનું ઇન્સ્ટન્ટ અથાણું બનાવવાની રેસીપી શેર કરવા જઈ રહી છું, જેમાં ન તો કેરીને પલાળવાની મહેનત કે ન તો સુકવવાની ઝંઝટ અને સરસ ચટાકેદાર ખાટું ટેસ્ટી અથાણું બને. તો ચાલો બનાવીએ ઇન્સ્ટન્ટ કાચી કેરીનું અથાણું.

સામગ્રી :


* 250 ગ્રામ કાચી કેરી

* 2 ટેબલ સ્પૂન રાઈ કુરિયા

* 2 ટેબલ સ્પૂન મેથીના કુરિયા

* 1 ટેબલ સ્પૂન વરીયાળી

* 1 ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર

* 1/2 ટેબલ સ્પૂન હળદર

* મીઠું

* ચપટી હિંગ

* 8 – 10 મરી દાણા

* 4 -5 લવીંગ

* તજ

* 250 મિલી તેલ

તૈયારી :

# કેરીને ધોઈ સાફ કપડાથી કોરી કરી નાના નાના ટુકડા કરી લેવા.

# વરિયાળી અને મરીને અધકચરી વાટી લેવી.

# તેલ ધુમાડા નીકળે તેટલું ગરમ કરી લેવું.

રીત :


1) સૌ પ્રથમ એક મોટા વાસણમાં ચપટી હિંગ, રાઈ કુરિયા અને મેથીના કુરિયા લો અને તેના પર તજ અને લવિંગ મુકો.


2) તેલ થોડું ઠંડુ થાય એટલે ધીમે-ધીમે મસાલા પર રેડી મિક્સ કરી લો. ગરમ તેલ ઉમેરવાથી કુરિયા શેકાય જાય છે, જે અથાણાંને ખુબ જ ટેસ્ટી બનાવે છે.


3) સાવ ઠંડુ પડી ગયા પછી તેમાં હળદર, લાલ મરચું પાવડર, વરિયાળી, મરી અને મીઠું ઉમેરી બરાબર મિક્સ કરી લો. તો અથાણાં માટેનો મસાલો તૈયાર છે.


4) તેમાં કેરીના ટુકડા ઉમેરી બરાબર મિક્સ કરી લો. ત્યારબાદ એક જારમાં ભરી લો અને આ જારને એક-બે દિવસ બહાર રાખો જેથી અથાણું સરસ સ્વાદિષ્ટ થઇ જાય. બે દિવસ પછી અથાણાની બરણીને રેફ્રીજરેટરમાં મુકી દેવી. રેફ્રિજરેટરમાં એટલા માટે રાખવાનું છે કે આપણે કેરીના ટુકડાને હળદર-મીઠાનાં પાણીમાં પલાળ્યા વગર અથાણું બનાવ્યું છે.


આ અથાણું બનાવ્યા પછી બીજા જ દિવસથી ખાઈ શકાય છે. એકાદ મહિના સુધી સારું રહે છે માટે અથાણું ખાવાના શોખીન માટેનો આ બેસ્ટ વિકલ્પ છે. થોડું – થોડું બનાવીને તાજે-તાજું ખાઈ શકાય. ખુબ જ સ્વાદિષ્ટ અને ટેમ્પટિંગ લાગે છે. બનાવવું ખુબ જ આસાન છે અને ફટાફટ બનાવી શકાય છે.

કાઠિયાવાડના દરેક ઘરોમાં બનતું મોસ્ટ પોપ્યુલર અને ટ્રેડિશનલ અથાણું છે. લોકો આ અથાણાંને ખુબ જ પસંદ કરે છે. રોટલી, રોટલા, પુરી, પરાઠા, ભાખરી કંઈ પણ હોય અથાણું તો ખાટી કેરીનું જ.

મિત્રો, હું તો માર્કેટમાં નાની નાની કેરીઓ આવે ત્યારથી જ થોડું થોડું અથાણું બનાવવાનું શરુ કરી દઉં છું. બધાને ખુબ જ ભાવે છે. મેં તો બનાવી લીધું, તમે ક્યારે બનાવશો ? કાચી કેરીનું ચટપટ્ટુ અથાણું.

ઇન્ગ્રેડિયન્ટ તરીકે લીધેલ મરી, વરીયાળી, લવિંગ શું સ્વાદ આપે છે, અને સાથે રાઈ-મેથીનો બોળો પછી તો શું બાકી હોય મસ્ત મજેદાર અથાણામાં.

નોંધ :

અથાણાં માટે હું સીંગતેલ યુઝ કરું છું, કોઈ પણ તેલ લઇ શકાય. તેમજ ઓછા તેલમાં પણ અથાણું બનાવી શકાય.

રસોઈ રાણી : અલ્કા સોરઠીયા

આ રેસીપીનો વિડીયો જોવા ક્લિક અહીં કરો :


આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ