અભિમાન – એક વહુએ ઉતાર્યું સાસુનું અભિમાન, ટૂંકી પણ સમજવા જેવી વાત…

વિજયા ગર્વથી પાલવ આમ તેમ ફેરવીને અરીસામાં જોઈ રહી હતી. અઢળક દૌલત અને દોમદોમ સાહેબીમાં રહીને તેની કાયા, બે દાયકાથી થોડી મેદસ્વી બની ગઈ હતી. છતાં સ્ત્રી અને શોખને એક અભેદ્ય સંબંધ છે જ, એ વિજયાને જોઈને ખ્યાલ આવે. પતિ એક ઉદ્યોગપતિ હતો અને મોટી સામાજિક સંસ્થાઓમાં પ્રતિનિધિત્વ કરીને પોતાના અહમને પોષતો. વિજયાનો પતિ, શેઠ ગોપીચંદ એટલે એક મોટી હીરા ઘસવાની ફેક્ટરીનો માલિક.

એક સામાજિક સંગઠનના મેળાવડામાં જવાનું હતું એટલે વિજયાએ તે મુજબની સાડી પહેરી હતી. પૂજા હોય તો અમુક હજારની સાડી, સગાઇ હોય તો તેમ અને લગ્ન હોય તો એ રીતે. વિજયા પાસે સિલ્કની સાડીઓનો અઢળક જથ્થો હતો. આજે તેણે પ્રસંગ મુજબ દસ હજારવાળી સાડી કાઢીને પહેરી હતી. આખરે ‘ હાઈ સોસાયટી ‘ની સ્ત્રી તરીકે લોકો પર તેનો પ્રભાવ પડવો જ જોઈએ. મેળાવડામાં જાણીતા ચહેરાઓ પણ હતા અને અજાણ્યા પણ. સહુ કોઈ ગોપીચંદ અને વિજયાને પુત્રની સગાઈના અભિનંદન પાઠવી રહ્યાં હતાં. અતિ ધામધૂમ સાથે લગ્ન થશે એ બાબતમાં શંકાને કોઈ સ્થાન નહોતું. પોતાના પુત્ર માટે, પોતાના ‘સ્ટેટસ’ મુજબની વહુ ગોપીચંદ શેઠ લાવીને રહ્યા હતા.

વિજયાએ પુત્રના લગ્નની તૈયારીઓ શરુ કરી. તમામ પ્રખ્યાત સાડીની દુકાનો ફેંદી મારી. હીરા જવેરાતમાં તો પૂછવાનું જ નહોતું. એક માંગે ને દસ હાજર થાય તેવા કસબીઓ પોતાની ડિઝાઇન સાથે તૈયાર હતા. લગ્નની પહેરામણીમાં પણ કચાશ ન રહે તેની તસ્દી લેવાઈ.

વિજયાની વર્ષો જૂની કામવાળી કમલાને પોતાની પુત્રીના લગ્ન માટે થોડી મદદ જોઈતી હતી. આથી લગ્ન સમયે પોતે સારી એવી રોકડ-રકમ કમલાને આપશે એવી ખાતરી વિજયાએ આપેલી. પણ તેને નકારી કમલાએ કહેલું ” શેઠાણી ! તમે કાયમ કેવી નીતનવી સાડીઓ પહેરો છો. મારી દીકરીને કોઈ પાંચ જૂની સાડીઓ કાઢીને આપજોને ..મારે બીજું કઈ નથી જોઈતું. તમારા જેવી સાડીઓ લેવાનું અમારું ગજું ક્યાં…જૂની ને ન ગમતી કોઈ પણ સાડી ચાલશે..માતાજી તમને કાયમ શણગાર આપે એવી પ્રાર્થના કરીશ. ” વિજયાએ સાંભળ્યું ન સાંભળ્યું કરી નાખ્યું. ‘ મારી તો કોઈ સાડી પાંચ હાજર નીચેની નહીં, આ કમળાની શું હેસીયત !’ એમ વિચારી તે ફરી અરીસા સામે ગોઠવાઈ.

લગ્નનો દિવસ આવી ગયો. વિજયાએ પોતે લાખ રૂપિયા ઉપરની કિંમતની સાડી પહેરી. સ્ત્રીઓની આંખો અંજાઈ જાય તેવા કિંમતી ઘરેણાં પહેર્યાં અને મંડપમાં બેસીને વધૂ અને તેના કુટુંબની સ્ત્રીઓને પ્રભાવિત કરવા ઢગલાબંધ મોંઘીદાટ સાડીઓ લઈને બેઠી.

પુત્રવધૂ ડોલીને બાજોઠ પર બેસાડી વિધી મુજબની સાડીઓ આપવી શરુ કરી. ડોલીએ એક પછી એક સાડીઓ હાથમાં ઝીલી ને બાજુમાં બેઠેલી સ્ત્રીઓને જોવા આપી. વિજયાનું મોં અભિમાનમાં તામ્રની માફક ચળકતું હતું. જો કે ડોલીના મોં પરના ભાવ સહેજ પણ બદલાયા નહીં. પહેરામણીમાં આપેલી સાડીઓનો ઢગલો પણ ડોલીની માતાએ ફિક્કું હસીને બાજુ પર મૂકી દીધો.

પુત્રના લગ્ન તો પતી ગયાં પણ કમલાને આશા હતી તે મુજબ સાડીઓ ન મળી. થોડાઘણા પૈસા વિજયાએ ચોક્કસ આપ્યા. કમલા હોંશે હોંશે પોતાની પુત્રીના લગ્નમાં આવવા આમંત્રણ આપી ગઈ.

વિજયા ‘ વી.આઈ.પી’ મહેમાનની જેમ હાજરી આપવા નીકળી. ‘આજ માત્ર પાંચ હજાર વાળી સાડી ચાલશે’ એમ તેના મગજે ગણિત માંડ્યું; એ મુજબ એક સાડી પહેરી. ત્યાં જઈને જોયું તો કમલાની પુત્રીએ પહેરેલ સાડી જોઈને એ દંગ રહી ગઈ. એટલું જ નહીં એ સાડીમાં એ સુંદર પણ લાગતી હતી. એ વખતે તો એ ઝાટકો પરાણે પચાવી ગઈ પણ જતાં પહેલાં, કમલાને પોતાની તરફ બોલાવી પૂછ્યું” તને આ સાડી ક્યાંથી મળી..? તું લાવી ? ” કમલાએ બે હાથ જોડી આનંદના અતિરેકને રોકતાં કહ્યું,” હોઈ કઈ ..શેઠાણી આ તો તમારા વહુરાણીએ આપી. બહુ ઉદાર દિલના હો..! નવી નક્કોર ખોલ્યા વગરની સાત સાડીઓ મને આપી દીધી..મને તો ખબર ન પડે પણ લાગે છે કે બધી પાંચ પાંચ હજારની હશે..આ તમે પહેરીને ..અસલ એવી જ !!!”

ભોળી કમલા શેઠાણીની મુખાકૃતિ પર આવેલા ભાવો કળીને આગળ બોલતી અટકી ગઈ. વિજયાએ આજ પાંચ હજારની સાડી પહેરેલી..એને માટે આ મરી જવા સમાન હતું. એનું ચાલે તો એ કમલાને બે તમાચા ચોડી દે. દસ દહાડાથી આવેલી વહુની આટલી હિમ્મત..! પહેરામણીમાં આપેલી સાડીઓ તેણે કમલાને પધરાવી હતી. ગુસ્સાથી ધ્રૂજતી તે પોતાની કાર તરફ ગઈ. કમલાની આજીજીઓ છતાં તે જમવા ન જ રોકાઈ.

‘શેર માથે સવા શેર’-ડોલી પોતાનાથી પણ બે કદમ આગળ નીકળી. લગ્નમાં અપાયેલી સાડીઓ પસંદ ન આવતાં ડોલીએ બિન્દાસ પિયર જ મૂકી રાખેલી. નવાબી ઠાઠમાં ઉછરેલી ડોલીની આંખે, સાસુએ આપેલી દોઢ લાખની સાડીઓ પણ ન ચડી. કાયમ પોતાની સાડીઓથી રોફ જાડવા માટે મશહૂર વિજયાને દોઢ લાખ તો શું..અભિમાન ઉતારવા કાજે પાંચ હજારની સાડી પણ કાફી નીવડી હતી !

લેખક : રૂપલ વસાવડા

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ