કાચી કેરી અને ડુંગળી નું કચુંબર – કેરી માર્કેટમાં આવી ગઈ છે? તો તમે આ નવીન કચુંબર બનાવ્યું કે નહિ…

કાચી કેરી ખાવાના અગણિત ફાયદાઓ છે. કાચી કેરી માં વિટામિન A અને E આવેલું હોય છે. જે હોર્મોન્સ ના બેલેન્સ માં મદદરૂપ છે. કાચી કેરી અને મીઠું જોડે ખાવાથી શરીર માં પાણી નું પ્રમાણ પણ જળવાય રહે છે. સૌથી મોટો ફાયદો એ છે કે ઊંચા તાપમાન થી થતા શરીરમાં થતા નુકસાન ને અટકાવે છે. એટલે જ કહેવાય છે કે ઉનાળા માં બને એટલો કાચી કેરી નો ઉપયોગ કરો.

કાચી કેરી અને ડુંગળી જોડે લેવાથી ઉનાળામાં ગરમી ની અસર પણ નહીં થાય.( લૂ નથી લાગતી)

આજે ખૂબ જ સરળ અને 5 મિનિટ માં બની જતું આ ખાટું-મીઠું કચુંબર રોટી, પરાઠા, થેપલા,ભાખરી , ખીચડી , ઢોકળાં કે કોઈ પણ ડીશ જોડે સરસ લાગે છે.. તો આજે જ બનાવો આ કચુંબર અને જણાવો કે કેવું લાગ્યું..

સામગ્રી:-


1 મોટી કાચી કેરી

1 મોટી ડુંગળી

1/2 ચમચી શેકેલા જીરાં નો ભુકો

1/2 ચમચી ધાણાજીરું

1/2 લાલ મરચું

2 ચમચા દેશી ગોળ

ચપટી હળદર અને હિંગ

મીઠું સ્વાદઅનુસાર

રીત:-


સૌ પ્રથમ કાચી કેરી અને ડુંગળી ને છાલ નિકાળી ને છીણી લો. તેમાં મીઠું , મરચું,ધાણાજીરું, હિંગ , હળદર, શેકેલા જીરા ની ભુકો અને ગોળ મિક્સ કરો. ચમચી થી બધું બરાબર મિક્સ કરો. 10 મિનિટ રેહવા દો અને ફરી થી મિક્સ કરો.. જો તરત ઉપયોગ આ લેવું હોય તો હાથે થી ગોળ મિક્સ કરી લો.ગોળ ઓગળી જશે તો થોડો રસો પણ બનશે અને શાક ની જગ્યા એ પણ આ કચુંબર નો ઉપયોગ કરી શકો છો. બસ તૈયાર છે કેરી અને ડુંગળી નું કચુંબર.. ફ્રીઝમાં એર ટાઇટ કન્ટેનર માં 3-5 દિવસ સુધી સાચવી શકાય છે.

નોંધ:-

દેશી કાચી કેરી અથવા તોતા કેરી પણ ઉપયોગ માં લઇ શકો છો. દેશી કેરી નું વધુ સારું લાગશે કેમકે ખટાશ વધુ હોય છે.

કાચી કેરી અંદર થી પીળાશ વાળી થોડી પાકી નીકળે તો પણ આ કચુંબર ટેસ્ટી જ લાગશે. કેરી અને ડુંગળી નું પ્રમાણ તમારી ઈચ્છા મુજબ વધુ કે ઓછું કરી શકો. ગોળ પણ વધુ કે ઓછો કરી શકો. તમે ઇચ્છો તો લીલું મરચું અને કોથમીર ઝીણી સમારી ને ઉમેરી શકો છો…

રસોઈની રાણી : જલ્પા મિસ્ત્રી (અમદાવાદ)