પસંદ -નાપસંદ – ખરેખર તારી પસંદ નાપસંદને મારાથી વધારે કોણ જાણી શકશે…

” સ્નેહલ ક્યાં છે તું ? ફિલ્મ થોડાજ સમય માં શરૂ થઇ જશે !” અંકિતે દર વખત ની જેમજ ઉતાવળ અને અધીરાઈ દાખવી.


” અરે આવું છું , રસ્તા માંજ છું ..” સ્નેહલ નો ઉત્તર એના સ્વભાવ જેવોજ શાંત અને સરળ હતો. ” શો શરૂ થઇ ગયો તો….આજના દિવસે પણ મોડું ???” ” અરે નહીં થશે ..હું પહોંચી જઈશ સમયસર …આજનો દિવસ ખાસ છે તો તૈયારીઓ પણ ખાસ હોવી જોઈએ કે નહીં? હવે તું કોલ કાપે તો હું સિનેમાઘર પહોંચીશ ને !” અંકિત ની પ્રતિક્રિયા સાંભળ્યા વિનાજ સ્નેહલે ઉતાવળ માં કોલ કાપ્યો .


અંકિત ના અધીરા સ્વભાવ થી એ સારી પેઠે પરિચિત હતી . આખરે ઓળખાણ અને પ્રેમ પણ તો બાળપણ જૂના હતા ! મનોમન અંકિત ઉપર એ છંછેડાઈ પણ ગઈ . ‘ આ છોકરામાં ધીરજ અને ધૈર્ય નામની કોઈ વસ્તુજ નથી. ગુસ્સો હમેશા નાક ઉપર !’ અને પછી બીજીજ ક્ષણે મન માં મંદ મંદ સ્મિત ઉપસી આવ્યું પણ એ ગુસ્સો હોય છે થોડાજ સમય નો મહેમાન.એના જેવું વિશાળ હૃદય જડવું મુશ્કેલ !’ પોતાના પ્રેમ ને પોતાના થી વધુ કોણ સમજી શકે ? જેવો છે એવો એ પોતાનો છે ! પ્રેમ માં તો સારા નરસા બન્ને ગુણો નો સમાન સ્વીકાર. ..સંપૂર્ણતા તો માનવહ્રદયની ભ્રમણા માત્ર !’

એક ઓટો લઇ એ સીધીજ શહેર ની જાણીતી ગિફ્ટ શોપ ઉપર પહોંચી . આજે આખી ગિફ્ટ શોપ વિશેષ ‘લાલ’ રંગ થી સજ્જ હતી . વેલેન્ટાઈન દિવસ નિમિત્તે આખી દુકાન ઘરાકો થી ઉભરાઈ રહી હતી. પગ મુકવાની જગ્યા પણ ન હોય એવા સ્થળે પોતાના શરીર માટે જગ્યા બનાવતી એની આંખો અંકિત માટે કોઈ વિશિષ્ટ ભેટ શોધી રહી.


‘નહીં ..નહીં …શોભા ની ભેટ એને બહુ પસંદ નથી . એક જગ્યા એ પડી રહે એવી વસ્તુઓ એને ભેટ માં કદી ગમશે નહીં . અંકિત ને મતે તો ભેટ એવી હોવી જોઈએ જેનો ગમે ત્યારે ઉપયોગ કરી ભેટ આપનાર ની લાગણીઓ ને શીઘ્ર અનુભવી શકાય . ‘ અંકિત ની પસંદગી થી સારી પેઠે પરિચિત સ્નેહલ ની દ્રષ્ટિ સંગીત માટેના ડીવીડી સ્ટેન્ડ ઉપર પડી. ‘ હા , સંગીત …અંકિત નો શોખજ નહીં એની આરાધના …’ આખા સ્ટેન્ડ ઉપર નજર ફેરવતી સ્નેહલ અંકિત ની પસંદગી ના સંગીત ને શોધી રહી . અચાનક અંકિત સાથે ના વાર્તાલાપ ના શબ્દો એના અર્ધજાગ્રત મન માં તરી આવ્યા..

” જો સ્નેહલ સંગીત જગત નો કોઈ રાજા હોય તો એ ફક્ત કિશોર કુમાર .. માનવી ના દરેક મૂડ અને મિજાજ માટે એમની પાસે ગીતો છે. ખુશી , દુઃખ , પીડા , મસ્તી , ફિલોસોફી કે પ્રેરણા …” અંકિત જો અહીં હોત તો કિશોર ની ડીવીડી જ પસંદ કરત એ વિશ્વાસ સાથે એણે કિશોર કુમાર ના એવર ગ્રીન ગીતો ની ડીવીડી ભેટ માટે પસંદ કરી પૅક કરાવી લીધી . પોતાના પ્રેમ ની ખુશી કયા સ્થળે ,કઈ પ્રવૃત્તિઓમાં ,કેવા સ્વરૂપોમાં છુપાઈ હોય એ પ્રેમ ભર્યું હૃદય ક્ષણ માં ગોતી કાઢે !


‘ ચાલો ભેટ તો નક્કી થઇ ગઈ , હવે ગ્રીટિંગ કાર્ડ ….’ ઉતાવળે ઘડિયાળ માં નજર મેળવી સમય ની કટોકટી થી અવગત થઇ એણે સ્ફૂર્તિ બમણી કરી. ફિલ્મ નો શો શરૂ થઇ જાય એ પહેલા સિનેમાઘર પહોંચવાનું હતું. અંકિત ક્યાર નો એની રાહ જોઈ રહ્યો હતો. મોડી પડશે તો અંકિત નો પારો કેવો ચઢશે ? દોડતી ભાગતી એ ‘શુભેચ્છા પત્રકો’ ની લાંબી સુંદર શ્રેણી આગળ આવી ઉભી.

આજે તો ગ્રીટિંગ કાર્ડ ના વિભાગ માં પણ કેટલું વૈવિધ્ય હતું ! ‘અંકિત ને કેવો કાર્ડ ગમશે ? જોકે અંકિત તો કાર્ડ ના બાહ્ય દેખાવ કરતા અંદર ના લખાણ ને વધુ મહત્વ આપે છે ..લાગણીઓ નું સુંદર નિરૂપણ એને આકર્ષે છે …શબ્દો માં તરતી , ડૂબતી , ઉભરાતી ભાવનાઓ એને મોહે છે …માનવી અંગે પણ એના વિચારો એટલાજ સ્પષ્ટ છે ..વ્યક્તિ બાહ્ય દેખાવે ગમે તેવી હોય આંતરિક સુંદર વિચારો ને ભાવાત્મક શણગાર ધરાવનારી હોવી જોઈએ …કેટલા ઊંડા વિચારો ! ‘ આ વિચારો એ જ તો એને અંકિત ઘેલી બનાવી હતી . દેખાવ નું આકર્ષણ તો દેખાવ ના આલોપ સાથેજ અદ્રશ્ય થઇ જાય પરંતુ વિચારો નું આકર્ષણ તો આજીવન ટકે કારણકે વ્યક્તિ ના વિચારો શરીર સાથે નહીં આત્મા જોડે સંકળાયેલા હોય છે …તેથી જ પ્રેમ શારીરિક નહીં આત્મિક અનુભૂતિ છે…


‘ લવ ઇઝ નેવર બ્લાઇન્ડ .ઇટઝ એન ઇનેવીટેબલ આઈસાઈટ ફોર હ્યુમન સર્વાઇવલ’ કાર્ડ ના શીર્ષક થીજ એનું ઊંડાણ મપાઈ ગયું . એકજ વાક્ય માં પ્રેમ કેટલી સહજ સરળ રીતે સંકેલાઇ ગયો . ‘ પ્રેમ કદી આંધળો હોતો નથી . એ તો માનવ અસ્તિત્વ ના બચાવ માટે ની અનિવાર્ય આંખો છે! ‘ એણે સ્ટેન્ડ પર થી ઝડપ થી કાર્ડ ઉંચકી લીધો .

ભેટ અને ગ્રીટિંગ કાર્ડ ની પસંદગી થઇ ચૂકી . હવે વેલેન્ટાઈન ઉજવણી નું અંતિમ સોપાન . એક સુંદર પુષ્પ ગુચ્છ. ફૂલો ની દુકાન પર દોડતી ભાગતી પહોંચેલી સ્નેહલ નો મોબાઈલ ફરી રણક્યો . અંકિત ની અધીરાઈ ચરમસીમા એ પહોંચી હતી. સ્નેહલ જાણતી હતી કે મોબાઈલ ઉઠાવવું એટલે વાર્તાલાપ અને ચર્ચામાં સમય વેડફવું. અંકિત ફરીથી લાંબી લચક પ્રશ્નો ની છડી વરસાવશે . ક્યાં છે ? હજી નથી પહોંચી ? ફિલ્મ શરૂ થઇ જશે …તને કહ્યું હતું કે સમયસર પહોંચી રહેજે …વગેરે …વગેરે … મોબાઈલ અડક્યા વિનાજ એણે ફૂલો ની પસંદગી પર ધ્યાન કેન્દ્રિત કર્યું. આખી દુકાન લાલ સુંદર ગુલાબ થી મહેકી રહી હતી . વેલેન્ટાઈન ની સાંજ ને વધુ રોમાંચક બનાવવા પ્રેમી-પ્રેમિકાઓ લાલ ગુલાબ ની ખરીદી મન મૂકીને કરી રહ્યા હતા. પણ સ્નેહલ લાલ ગુલાબ ના ઢગલા વચ્ચે સફેદ ગુલાબ શોધી રહી હતી. મનોમન અંકિત ની પસંદગી નું પૃથક્કરણ યથાવત હતું :


‘ અંકિત ને લાલ ગુલાબ જરાયે પસંદ નહીં. એનું તો એમજ માનવું કે પ્રેમ તો રંગબેરંગી મેઘધનુષી . એને એક રંગ પૂરતો સીમિત ક્યાંથી રખાય ? ફક્ત લાલ રંગ માં જ એને કેમ શોધાય ? એમપણ અંકિત નો ગમતો રંગ તો સફેદ. સફેદ વસ્ત્રો , સફેદ બાઈક , સફેદ પડદા , એનો આખો ઓરડો જ નહીં એનું મન પણ એવું જ સફેદ , સ્વ્ચ્છ , પવિત્ર ! જે અંદર હોય એજ બહાર . આવરણો વિનાનું પારદર્શી એનું હૃદય ..તદ્દન શ્વેત , સફેદ રંગ સમુજ …અંકિત નાજ શબ્દો માં કહીએ તો સફેદ રંગ તો સૌ રંગો નું મૂળ ..ને જે રંગ એમાં ભળે એને પોતાનામાં સહજતાથી સમાવી પહેલાથી પણ વધુ સુંદર નવીન રંગ માં ઢાળી નાખે….અંકિત જેમજ તો ….જે અંકિત ને પ્રેમ કરે એ એની ભાવનાઓ ના પારદર્શી જગત માં રંગાઈ પહેલાથી પણ સુંદર વ્યક્તિત્વ માં ઢળી જાય…’

દુકાન માં સજ્જ એક વિશાળ અરીસા માં સ્નેહલે પોતાના પ્રતિબિંબ પર ઊડતી નજર ફેંકી . એનું વ્યક્તિત્વ સાચેજ પહેલા કરતા પણ વધુ સુંદર ભાસી રહ્યું હતું. ચ્હેરા પર વ્યાપેલી શરમ ને ઢંઢોળી , અરીસા પર સ્થિત નજર પાછી ખેંચતી એક આકર્ષક શ્વેત પુષ્પો થી બંધાયેલું બુકે એણે નાજુકતા થી ઉઠાવ્યું .

‘ અંકિત માટે આજ શ્રેષ્ઠ રહેશે !’ દુકાન વાળા એ ફૂલો ના બુકે ઉપર સંદેશા માટેનું એક ટેગ લગાવી સ્નેહલ ને થમાવ્યું. પર્સ માંથી પેન કાઢીજ કે મોબાઈલ માં મેસેજ ની રિંગટોન વાગી : ‘ અંકિત જરા તો ધીરજ ઘર …’ મનોમન અકળાતી એ અંકિત નો મેસેજ વાંચી રહી : ” સ્કોર પ્લીઝ …..”


સ્નેહલ ના ચ્હેરા ઉપર પ્રેમ ભરી ચમક ઉપસી આવી . અંકિત ભાગ્યશાળી તો ખરો ! અન્ય યુવતીઓ ક્રિકેટ કે ફૂટબોલ નું નામ સાંભળતા અકળાતી . જયારે સ્નેહલ તો એની ‘ સ્પોર્ટ્સ બડી ‘ ..બાળપણ થી મોટાભાગ ની ક્રિકેટ મેચ બન્ને એ સાથેજ નિહાળી હતી. અંકિત ની દરેક કોલેજ સ્પોર્ટ્સ ઇવેન્ટ માં સ્નેહલ એની જોડેજ હોય એને પ્રેરિત કરવા તો અંકિત પણ તો સ્નેહલ ની દરેક બેડમિન્ટન મેચ માં અચૂક હાજરી નોંધાવતો . ક્યારેક એના શ્રેષ્ઠ શૉટ ઉપર સીટીઓ વગાડતો તો કયારેક એના ખરાબ શૉટ ઉપર ગુસ્સા માં બરાડતો …પરંતુ ગુસ્સો પણ સંભાળ , કાળજી અને દરકાર નો એક હિસ્સોજ ને !

ઝડપ થી મોબાઈલ માંથી લાઈવ ક્રિકેટ એપ્પ ખોલી એણે અંકિત ને લાઈવ સ્કોર જણાવ્યો : ” ભારત ૨૦૩ પર પાંચ – ૪૫ ઓવર …ધોની ૮૫ નોટ આઉટ “

મોબાઈલ પર્સ માં સરાવી એણે પેન ફરી તૈયાર કરી . સંદેશા માં શું લખવું ? અંકિત ના ગમા અણગમા ફરી મન માં પ્રસરી ગયા : ‘ અંકિત ને છીછરા સાહિત્ય અને શબ્દો ના ફક્ત ઔપચારિક છંદો માં કેદ ભાવાત્મક શૂન્યતા વાળા શબ્દો થી કેટલી ચીઢ છે ! શબ્દો ના તાલ અને લય મળે ન મળે ,વાચક અને લેખક ના મનોભાવો સમાન સ્તરે મળી જાય એજ એનું ગમતું સાહિત્ય …અંકિત નો સાહિત્ય પ્રેમ એટલે અન્ય શબ્દો માં ‘ મિર્ઝા ગાલિબ ‘ ..શબ્દો અલ્પ અને લાગણીઓ ના સમુદ્ર ! ..અંકિત ના પુસ્તક સંગ્રહ માં ગાલિબ ના પુસ્તકો મહત્તમ છે અને એમાંથી પણ મોટાભાગ ના પુસ્તકો તો જાતેજ એને ભેટ આપ્યા છે …’

મિર્ઝા ગાલિબ ની કાવ્ય પંક્તિઓ થી એણે બૂકે ને ચારચંદ લગાવી દીધા : “હમ તો ફના હો ગયે ઉસકી આંખે દેખકર ગાલિબ , ન જાને વોહ આઈના કેસે દેખતે હોંગે ?” અંકિત ની દરેક પસંદ ને આવરી લઇ એના વેલેન્ટાઈન ડે ને પોતાના તરફ થી મહત્તમ સુંદર અને યાદગાર બનાવવા ના પ્રયાસો થી સંતુષ્ટ સ્નેહલ ઓટો લઇ સીધીજ સિનેમાઘર પહોંચી .


આતુરતા થી સ્નેહલ ની રાહ જોઈ રહેલ અંકિત સ્નેહલ ને નિહાળતાંજ એના તરફ ધસી આવ્યો. સ્નેહલ ની અપેક્ષા પ્રમાણે એની ઉપર રીતસર ગરજી ઉઠ્યો : ” આટલું મોડું સ્નેહલ ? હું ક્યારનો અહીં …” અંકિત આગળ કાંઈ બોલે એ પહેલાજ સ્નેહલે સાથે લઇ આવેલ ભેટ , ગ્રીટિંગ કાર્ડ અને ફૂલો નો બુકે એકીસાથે એના હાથ માં થમાવી દીધા.

” આટલું બધું ખરીદતા સમય તો લાગે ને ? ઉપર થી તારી પસંદગી – નાપસંદગી બધાનું પૃથક્કરણ કરવાનું વળી જૂદું ……” અંકિત ના ચ્હેરા ઉપર તાણ ને હડસેલી ખુશી અને સંતોષ ના ભાવો છવાઈ રહ્યા. ” ભેટ માં શું છે ? ” પેકીંગ ને ધ્યાન થી નિહાળતો એ વિસ્મય થી પૂછી રહ્યો . ” એવર ગ્રીન કિશોર !” સ્નેહલે અત્યંત ધીમા સ્વરે કહ્યું .

” અરે વાહ , ખુબજ સરસ . ને કાર્ડ ?” ” સાથેજ છે ..” સ્નેહલે કાર્ડ ખોલવામાં હાથ આપ્યો . ” લવ ઇઝ નેવર બ્લાઇન્ડ . ઇટ્સ એન ઇનેવીટેબલ આઈ સાઈટ ફોર હ્યુમન સર્વાઇવલ …વાહ ..શું વાત છે ! ખુબજ ઊંડું અને માર્મિક ….” ” બૂકે ગમ્યો ?” સ્નેહલે અંકિત ની આંખો માં પરોવાતા પૂછ્યું .


” સફેદ સુગંધી ફૂલો માં મિર્ઝા ગાલિબ ના શબ્દો નો નશો …સ્નેહલ , મારા વેલેન્ટાઈન ડે ને તારાથી વધુ સુંદર કોણ સજાવી શકે ? તું મને મારા થી પણ વધુ જાણે છે . મારી પસંદ – નાપસંદ તારાથી વધુ આ આખા વિશ્વ્ માં કોણ સમજી શકે …હું ખરેખર ખુબજ ભાગ્યશાળી છું …તારા વિના મારુ શું થાય ?”

અંકિતે સ્નેહલ ની પીસાની પ્રેમ અને આદર થી ચૂમી લીધી. “ઠીક છે …ઠીક છે …હવે મસ્કા મારવાનું બંધ કર …શ્રેયા તારી રાહ જોઈ રહી છે …” દૂર ઉભી શ્રેયા ને સ્નેહલે હાથ થી અભિવાદન કર્યું. શ્રેયા ને પ્રપોઝ કરવા માટે સ્નેહલ પાસે મંગાવેલ બધી વસ્તુઓ સંભાળી ને ચકાસી અંકિતે સ્નેહલ ના કાન માં ધીરે થી વિનંતી કરી :

” સાંભળ , શ્રેયા સામે ક્રિકેટ એપ ખોલીશ તો નકામી ભડકશે . તું મેસેજ કરી સ્કોર અપલોડ કરતી રહેજે …..” શ્રેયા ની દિશા માં અંકિત ના પગલાં પૂર જોશ માં ઉપડી પડ્યા . કંઈક યાદ આવતા અચાનક એ ફરી સ્નેહલ નજીક પહોંચ્યો અને એને ઉતાવળ માં ગળે લગાવી દીધી. ” હેપ્પી વેલેન્ટાઈન ડે એન્ડ થેન્ક યુ ફોર એવરીથીંગ …” ” જા હવે …” સ્નેહલે મશ્કરી માં અંકિત ને શ્રેયા ની દિશા માં ધક્કો માર્યો અને થોડીજ ક્ષણો માં શ્રેયા ને લઇ અંકિત સિનેમાઘર ની અંદર પ્રવેશી ગયો.


અંકિત ને ટેવ પ્રમાણે સ્નેહલ મનોમન ઉત્તર આપી રહી :

” સાચી વાત છે અંકિત …તારી પસંદ – નાપસન્દ ને આ વિશ્વ્ માં મારા થી વધુ કોણ સમજી શકે ? તારી પસંદ શ્રેયા નહીં હું જ છું .. એ સમજતા તને સમય લાગશે .. પણ ઠીક છે ..પ્રેમ ના શબ્દકોશ માં ‘ઉતાવળ ‘નામ નો શબ્દ હોય જ ક્યાં છે ? હું તારી રાહ જોઇશ ..” સિનેમાઘર થી દૂર જઈ રહેલ સ્નેહલ નું હૃદય અંકિત ની પ્રિય મિર્ઝા ગાલિબ ની પંક્તિઓ ગણગણી રહ્યું :

‘મત પૂછ કે ક્યા હાલ હે , મેરા તેરે પીછે … તુ દેખ કે ક્યા રંગ હે , તેરા મેરે આગે ………….’


લેખક : મરિયમ ધુપલી

દરરોજ અવનવી વાર્તાઓ વાંચવા માટે લાઇક કરો અમારું પેજ.