જાંબુ ના શૉટ્સ – અમદાવાદના ફેમસ શૉટ્સ હવે તમે પણ ઘરે જ બનાવી શકશો, શીખો સ્ટેપ બાય સ્ટેપ ફોટો સાથે…

અમદાવાદ એની અવનવી સ્વાદિષ્ટ વાનગીઓ માટે ખૂબ જાણીતું છે અને થોડા જ સમય માં જે ખૂબ જ લોકપ્રિય બની ગયા છે એવા જાંબુ શૉટ્સ એકવાર ચોક્કસ થી ટ્રાય કરો. થોડા જ સમયમાં માર્કેટ માં ખૂબ જ સરસ જાંબુ જોવા મળશે. આજે અમદાવાદ ના ખૂબ જ પ્રખ્યાત એવા જાંબુ શૉટ્સ ની રેસિપી હું લાવી છું. આ શોટ્સ જેટલા પીવામાં સ્વાદિષ્ટ છે એટલા જ પૌષ્ટીક પણ છે. જાંબુ એ પૌરાણિક સમય થી ઔષધ તરીકે ઉપયોગ માં આવતું ફળ છે . ડાયાબિટીસના ના પેશન્ટ માટે જાંબુ યોગ્ય માત્રા માં લેવામાં આવે તો આશીર્વાદ સમાન છે.
જાંબુ માં કેરોટીન, આર્યન, કેલ્શિયમ, પોટેશિયમ, ફોસ્ફરસ અને મેગ્નેશિયમ ભરપૂર માત્રા માં આવેલું હોય છે. તેમાં એન્ટિ ઓક્સિડેન્ટ અને ફાયટોકેમિકલ બહોળા પ્રમાણ માં આવેલુ હોય છે. જે આપણી રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. વાળ અને સ્કિન માટે ખૂબ જ ફાયદાકારક છે.જાંબુ શરીર માં સુગર લેવલ ઓછું કરી છે જે ડાયાબીટીસ ના પેશન્ટ માટે ફાયદાકારક છે. હાયપર ટેંશન જેવી બીમારી દૂર કરે છે. હાડકા મજબૂત બનાવે છે. બને એટલો જાંબુ નો ઉપયોગ આ સીઝન માં કરો અને તેના ફાયદાઓ મેળવો.
જાંબુ શૉટ્સ માટેની સામગ્રી:-

500 ગ્રામ જાંબુ

1 ગ્લાસ ઠંડુ પાણી

2 ચમચી ખાંડ

1/2 લીંબુ નો રસ

રીત:-


સૌ પ્રથમ જાંબુ ને પાણી થી ધોઈ ને સાફ કરી લો. બધા જાંબુ ના ઠળીયા નીકાળી લો અને આ જાંબુ ને ડબ્બા માં ભરી ને ફ્રીઝર માં મૂકી દો. જાંબુ શૉટ્સ માં જે જાંબુ વપરાય છે એ ફ્રોઝન કરેલા જ જાંબુ હોય છે કેમકે એ બનાવતી વખતે બરફ વાપરવાનો નથી અને શૉટ્સ ઠંડા જ સારા લાગે. હવે 7-8 કલાક અથવા આખી રાત ફ્રીઝર માં રાખ્યા બાદ બનાવતી વખતે બહાર નીકાળી લો. જેટલા જાંબુ જોઈએ એટલા જાંબુ નીકાળી ને બાકી ના ફ્રીઝર માં મૂકી પાછા દો. એક ગ્લાસ ઠંડા પાણી માં 2 ચમચી ખાંડ નો ભુકો ઓગાળી લો. અને તેમાં લીંબુ નો રસ નીચોવી દો. બધું બરાબર મિક્સ કરી લો. હવે ફ્રોઝન જાંબુ ને એક મિક્સર બાઉલ માં લો. તેમાં ઉપર બનાવેલું ખાંડ નું મિશ્રણ ઉમેરો. અને બરાબર ક્રશ કરી લો. હવે જેમાં સર્વ કરવું હોય એ ગ્લાસ ની કિનારી ને પાણી માં ડીપ કરો અને પછી પ્લેટ માં મીઠું નીકાળી ને તેના પર ઊંધો ગ્લાસ કરી ને તેની કિનારી મુકો. ( ફોટો માં દેખાડ્યા મુજબ). હવે ધીરે ધીરે જાંબુ નું મિક્સર ઉમેરો અને ઠંડુ જ સર્વ કરો..મેં શૉટ્સ ના ગ્લાસ માં જ સર્વ કર્યું છે.
નોંધ:-

ગ્લાસ ની કિનારી એ મીઠું જરૂર થી લગાવો એનો ટેસ્ટ પીવામાં ખૂબ જ સરસ આવશે. ડાયાબિટીસના પેશન્ટ માટે બનાવો તો ખાંડ ના ઉમેરો. જાંબુ ના ઠળીયા નીકળવા ચપ્પુ ની મદદ લો. જાંબુ ના ઠળિયા એક સાથે નીકાળી બધા જાંબુ એર ટાઈટ ડબ્બામાં સ્ટોર કરી ને ફ્રોઝન કરી લો. જરૂર મુજબ નીકાળી ને શૉટ્સ બનાવો. શૉટ્સ એકદમ ઘટ્ટ જ સારા લાગે છે. જો તમને વધુ પાણી ઉમેરવું હોય તો ઉમેરી શકો.

રસોઈની રાણી : જલ્પા મિસ્ત્રી (અમદાવાદ)