વાળને બનાવશે મજબૂત, ખોડો થશે દૂર અને લાંબા કાળા વાળ મેળવવા માટે ઘરે જાતે જ બનાવો આ તેલ…

– વાળના મૂળિયા મજબૂત બનાવે

– વાળને લાંબા બનાવે

– વાળને જરૂરી સી વીટામિન પુરુ પાડે

– ડેન્ડ્રફ દૂર કરે

– વાળમાંની રૂક્ષતા દૂર કરે


ઘરેજ બનાવો વાળને ભરપૂર પોષણ આપતું સી વિટામિનથી ભરપૂર આંબળાનું હેયર ઓઇલ. મિત્રો, સામાન્ય રીતે આપણે બજારમાં મળતા તૈયાર હેયર ઓઇલનો ઉપયોગ કરતા હોઈએ છીએ. જેમાં બોટલ પર લખેલી સામગ્રીઓ ઉપરાંત પણ બીજી ઘણી બધી સામગ્રીઓ ઉમેરવામા આવતી હોય છે જે આપણા વાળને નુકસાન પહોંચાડી શકે છે.
બજારમાં મળતી કહેવાતી આયુર્વેદીક અથવા તો જેને નેચરલ પ્રોડક્ટનો જામો પહેરાવીને ગ્રાહક સુધી પહોંચાડવામાં આવે છે તે પણ સંપૂર્ણ કૂદરતી નથી હોતી. અને ઘણા ઉત્પાદનો તો એવા હોય છે જે આપણને ફાયદો પહોંચાડવાની જગ્યાએ નુકસાન પહોંચાડતા હોય છે. બહાર મળતા સૌંદર્ય પ્રસધાનો પછી તે ચામડી માટે હોય કે વાળ માટે હોય તેમાં વત્તા ઓછા પ્રમાણમાં પણ કેમિકલનો ઉપયોગ કરવામા આવતો જ હોય છે જેની પાછળનું કારણ તેની શેલ્ફલાઇફ વધારવાનું પણ હોઈ શકે છે. પણ આજના આ વિડિયોમાં અમે તમને શુદ્ધ આંબળાનું તેલ બનાવતા શીખવીશું. અને આ પ્રોસેસ સંપૂર્ણ સરળ હોવાથી તમે તેને ઘરે જ સરળતાથી બનાવી શકશો.
સામગ્રીઃ

ચારથી પાંચ આંબળા

6થી 7 ટેબલ સ્પૂન કોપરેલ તેલ

આબળા હેયર ઓઇલ બનાવવાની વિધીઃ

સૌ પ્રથમ ચાર આંબળાને છીણી દ્વારા છીણી લેવા. બધા જ આંબળા છીંણાઈ ગયા બાદ એક ગરણી લેવી તેને એક નાના પાત્રમાં મુકવી અને તે ગરણી પર છીણાઈ ગયેલા આંબળાને નીચોવી તેનો રસ કાઢી લેવો.


આંબળાનો રસ તૈયાર થઈ ગયો છે. હવે એક પેન લેવું તેમાં એક લીટર પાણી નાખી તેને ગરમ કરવા મુકી દેવું. હવે એક પહોળો વાટકો લેવો તેમાં કોપરેલનું તેલ લગભગ છથી સાત ટેબલ સ્પુન લેવું અને તેમાં તૈયાર કરેલો આંબળાનો રસ નાખી દેવો. આ વાટકાને પેનમાં ગરમ કરવા મૂકેલા પાણી પર તરતો મુકી દેવો. આ મેથડને ડબલ બોઇલર મેથડ કહેવામાં આવે છે આમ કરવાથી તેલ ધીમે ધીમે હળવું હળવું ગરમ થશે અને તેના કારણે આબળાનો રસ તેલમાં બળી નહીં જાય પણ તેમાં સરસરીતે મિક્સ થઈ જશે.
જો તમે આ જ પ્રક્રિયા સીધી જ બર્નર પર કરશો એટલે કે તેલ ભરેલા પાત્રને સીધું જ ગેસના બર્નર પર ગરમ કરવા મુકશો તો તેનાથી તેમાનો આંબળાનો રસ બળી જશે અને તેના તત્ત્વોનો પણ નાશ થઈ જશે. અને તેમ થવાથી તમારા વાળને આંબળાના ગુણો નો લાભ નહીં મળી શકે, માટે તેને આ ડબલ બોઈલર મેથડ દ્વારા જ બનાવવું યોગ્ય છે.
ધીમે ધીમે પાણી ઉકળવા લાગશે ત્યારબાદ પણ 5થી 6 મિનીટ કટોરામાંના કોપરેલ તેલ અને આંબળાના પાણીના મિશ્રણને ગરમ થવા દેવું. ધીમે ધીમે તમે જોઈ શકશો કે આંબળાનો રસ કોપરેલ તેલ જોડે ભળી જશે અને તેમાંનું પાણી ઉડી જશે. તૈયાર છે ઘરેજ બનાવેલું શુદ્ધ આંબળા હેયર ઓઇલ.
હવે તેને એક કાચની બોટલમાં ટ્રાન્સફર કરી શકો છો. આ ઓઇલને તમે બે-ત્રણ અઠવાડિયા સુધી વાપરી શકશો.
આમાં કોઈપણ જાતનું પ્રિઝર્વેટીવ નાખવામાં ન આવ્યું હોવાથી તેને થોડા પ્રમાણમાં જ બનાવવું. તેની શેલ્ફ લાઇફ માત્ર ત્રણ અઠવાડિયાની જ હોય છે.
તમે જોયું તેમ આંબળાનું હેયર ઓઇલ બનાવવું ખુબ જ સરળ છે. તેમાં વપરાતી સામગ્રી પણ તમને સરળતાથી મળી રહે છે અને તે જરા પણ ખર્ચાળ નથી.


તૈયાર થયેલા તેલને જો નિયમિત રીતે વાળમાં લગાવવામાં આવશે ખાસ કરીને રાત્રે સુતી વખતે અથવા તો તમે જ્યારે શેમ્પુ કરવાના હોવ તેના બે કલાક પહેલાં આ તેલનું મસાજ કરી શકો છો. આંબળા હેયર ઓઇલ તમારા વાળને કાળા અને લાંબા તો બનાવશે પણ તે તેને મૂળથી મજબૂત કરશે તેમજ તમારા વાળની શૂષ્કતાને દૂર કરશે અને તેના સંપૂર્ણ ગ્રોથને પણ વધારશે.

નીચે વિડીઓમાં સંપૂર્ણ રીત જોઇને તમે પણ જાતે બનાવી શકો છો.