ઇમર્જન્સી – લવ મેરેજ હોય કે અરેંજ મેરેજ દરેક પત્નીને આવો અનુભવ થતો જ હશે, લાગણીસભર વાર્તા…

ઇમર્જન્સી

વિધિ ઓફિસ ના કાર્યો માં ગળાડૂબ વ્યસ્ત હતી.શારીરિક અને માનસિક થાક ચ્હેરા ઉપર દર્પણ સમા ઝીલાઈ રહ્યા હતા. કમ્પ્યુટર ના કીબોર્ડ ઉપર જેટલી ઝડપ થી આંગળીઓ ફરી રહી હતી એટલીજ ઝડપે ભૂતકાળ ની એ સોનેરી યાદો થાકેલી સૂજેલી આંખો ઉપર જૂના દ્રશ્યો જોડે સજીવન થઇ રહી હતી. જીવન ના અંતિમ સાત વર્ષો શ્વાસવિહીનજ પસાર થયા હતા. ઘર , પતિ , બાળકો , લગ્ન જીવન અને વ્યવસાયિક જવાબદારીઓ નું સંતોલન વિશ્રામ વિહીન અને સતત દોડતા ભાગતા જીવન માં પરિણમી ચૂક્યું હતું. એક તરફ ઘર તરફ ની જવાબદારીઓ ની લાંબી યાદી અને બીજી તરફ ઓફિસ ની સ્પર્ધાત્મક જીવનશૈલી.


ઉમેશ સાથે ના પ્રેમ લગ્ન થવા ને સાત વર્ષો વીતી ચૂક્યા હતા . આ સાત વર્ષો માં જીવન જાણે ખૂબજ સ્ફૂર્તિ માં દોડી ગયું હતું . કોલેજ કાળ ના દિવસો સુવર્ણ યાદો સમા આજે પણ સ્મૃતિ માં સાચવી ને એણે સચકી રાખ્યા હતા. શું દિવસો હતા એ ? ઉમેશ સાથે કેમ્પસ પર જીવેલા એ દિવસો હવે પાછા વળી આવી શકે ખરા ? નહીં , એ તો તદ્દન અશક્ય જ ! એ નવરાશ ની પળો , એ અણધાર્યા વરસાદ માં સાથે ભીંજાવાની રોમાંચક ક્ષણો

બાઈક ઉપર લાંબા કિલોમીટર ના અંતરો વટાવી આ દુનિયા થી અત્યંત દૂર ખોવાઈ જવા ની એ મજા , એક જ તરોફા માં બબ્બે સ્ટ્રો ગોઠવી સમુદ્ર કિનારે એકબીજા માં ખોવાઈ જતી આંખો , ક્યારેક રિસાવવું તો ક્યારેક મનાવવું , હાથો માં હાથ પરોવી સિનેમા માં અચૂક જોવાતા ‘ ફર્સ્ટ ડે …ફર્સ્ટ શો …કેવી રંગીન ,પ્રેમપૂર્ણ હતી એ બધી સાંજ …કેવા રોમાંચક અને ઉષ્મા ભર્યા હતા એ ભૂતકાળ ના દિવસો …


વિધિ અને ઉમેશે જયારે પોતપોતાના માતા પિતા ને મનાવી પ્રેમ લગ્ન કર્યા ત્યારે એમને થયું કે હવે પોતાની પ્રેમ ની દુનિયા એવી સજાવશે જેવી કોઈએ સજાવી ન હોય ! પ્રેમ ની દુનિયા બન્ને સજાવવા મથી તો પડ્યા પણ જીવન સંસાર વસાવવા ની સામાજિક દોડભાગ માં ક્યારે સરી પડ્યા એની બન્ને પ્રેમ હ્રદયો ને જાણ પણ ન થઇ. બાળકો ના જન્મ સાથે આ પ્રેમ ના સફરે અલગજ વણાંક લઇ લીધો . હવે પ્રેમ ફરજ અને જવાબદારી નું સ્વરૂપ ધારણ કરી સામે ઉભો હતો. ધીરે ધીરે જીવન એક સમયપત્રક બનતું ચાલ્યું અને બન્ને પ્રેમીઓ એ સમયપત્રક ને વ્યવસ્થિત રાખવા જાણ્યે અજાણ્યે યાંત્રિક માનવીઓ માં ઢળી ચૂક્યા હતા.

બાળકો ને સમયસર ઉંઘાડવું , શાળાએ નિયમિત સમયે પહોંચાડવું , પરીક્ષા ની તારીખો યાદ રાખવી , ટ્યુશન ફી ની ભરપાઈ , નવા મકાન માટે ની લોન ના હફ્તાઓ , ઓફિસ ના ઓવર ટાઈમ , બાળકો ની સ્વાસ્થ્ય અંગે ની ચિંતાઓ , અણધારી માંદગીઓ , તબીબ પાસે ના ચક્કરો , સામાજિક પ્રસંગો એ આપવી પડતી ફરજીયાત હાજરીઓ , એકબીજા ના કુટુંબ પ્રત્યે ની ભાવાત્મક જરૂરિયાતો …..સમય તો ઘણો હતો પણ ફરજો ના ભાગાકાર થી એકબીજા માટે શેષ શૂન્ય જ બચતો .


હવે ઉમેશ પહેલા જેવો ક્યાં રહ્યો હતો ? કેટલો બદલાઈ ગયો હતો ? કેમ ન બદલાઈ ? હવે એ ફક્ત કોલેજ થી બાઈક પર તેડી જતો એનો જૂનો પ્રેમી ન હતો . એનો પતિ હતો અને એના બાળકો નો પિતા . એક જવાબદાર પુખ્ત પુરુષ . પણ શું બદલાવ એના પોતાના માં પણ ન આવ્યો હતો ? કોલેજ ની પેલી ચંચળ , નટખટ , મસ્તીવાળી , નીડર વિધિ હવે ક્યાં હતી ? હવે તો એક જવાબદાર વહુ , કાળજી લેનારી પત્ની અને બાળકો ના યોગ્ય શારીરિક અને માનસિક વિકાસ પાછળ સતત ચિંતિત એક માતા પાછળ એ જૂની વિધિ કશેક ખોવાઈ ગઈ હતી !

ક્યારેક ઉમેશ જોડેના એ ભૂતકાળ ના દિવસો આમજ આંખો સામે ઉભા થઇ જતા અને ખબર નહીં કેમ આંખો ના ખૂણા આપોઆપ ભીના થઇ જતા . ફરીથી કોલેજ કેમ્પસ ના એ દિવસો જીવવાનું મન થઇ આવતું . પણ હવે તો એ દિવસો અને ક્ષણો ફક્ત ભૂતકાળ ની સ્મૃતિ માં કેદ થઇ રહી ગયા હતા .


કી -બોર્ડ પર અતિવેગ થી ફરી રહેલી આંગળીઓ અને મગજ માં અતિ વેગે ગૂંથાઈ રહેલા વિચારો અચાનક થંભી ગયા . વાઈબ્રેટ મોડ ઉપર રાખેલો મોબાઈલ ધ્રુજી રહ્યો હતો . સ્ક્રીન ઉપર ઉમેશ ની તસ્વીર ઉપસી રહી હતી . એક નજર કાંડા ઘડિયાળ પર પડી . ‘ ઉમેશ નો કોલ આ સમયે ?????’ ખૂબજ ઝડપ થી એણે મોબાઈલ હાથ મા ઊંચકી કોલ ઉઠાવ્યો : ” વિધિ હમણાંજ ઘરે આવતી રહે …તરતજ ….ઈટ્સ એન ઇમર્જન્સી ……”

એટલાંજ શબ્દો ઉચ્ચારી ઉમેશે કોલ કાપી નાખ્યો . વિધિ એ ફરીથી એને કોલ કર્યો .પણ ઉમેશે ઉઠાવ્યો નહીં . વિધિ નું મગજ ચકરાવે ચઢ્યું અને હૃદય ખૂબજ ઝડપથી ધડકવા માંડ્યું . આખી પરિસ્થિતિ સમજતા બહુ સમય લાગ્યો નહીં . અંતિમ પાંચ દિવસો થી એની નાની દીકરી ને સતત ઊંચો તાવ હતો . દવાઓ , એન્ટી બાયોટિક્સ , પીસાની ઉપર પાણી ના પોતાઓ , આખી આખી રાત ના ઉજાગરાઓ બધુજ એક ક્ષણ માં આંખો આગળ તરી રહ્યું . ગઈ કાલે સાંજ થી તાવ ન હતો.

ડોક્ટર ની સલાહ લઇ આજ થી ફરીથી શાળા એ જવાનું શરૂ કર્યું હતું . સવારે જાતે વર્ગ શિક્ષક ને માંદગી નો અહેવાલ અને ડોક્ટર નું પ્રમાણપત્ર જમા કરાવી આવી હતી . કોઈ ઇમર્જન્સી હોય તો એને નહીં તો ઉમેશ ને તરતજ સંપર્ક સાધવાની વિનંતી પણ કરી હતી. દીકરી ની ચિંતા માં માતૃહૃદય જાણે ધબકાર ચૂકી રહ્યું . શીધ્રજ ‘ઇમર્જન્સી લિવ ‘ હેઠળ રજા ની અરજી મૂકી એ સીધીજ ઘર ભણી ડોટ મૂકી રહી.


ધ્રુજતા શરીરે એ રીક્ષા માંથી ઉતરી ઘર ની સામે આવી ઉભી. એના આશ્ચર્ય વચ્ચે ઉમેશ ઘર ની બહાર જ રસ્તા માં એની રાહ જોઈ ઉભો હતો. એક હાથ માં ફૂલો નો બુકે અને બીજા હાથ માં ભેટ થામી ઉભેલા ઉમેશ ને જોઈ વિધિ રીત સર છંછેડાઈ : “આ કેવી મશ્કરી છે ઉમેશ ??? મારો જીવ જ નીકાળી નાખ્યો !!!” ગૂંથણ પર નમી ઉમેશ વિધિ ની આંખો માં આંખો પરોવતાં બોલ્યો : ” વુડ યુ લાઈક તો હેવ અ ડેટ વિથ મી ???”

અચાનકજ કેટલા વર્ષો પછી પોતાના કોલેજ કાળ ના પ્રેમી ને આંખો સામે નિહાળતાંજ ગુસ્સા ને હડસેલી પ્રેમભર્યું હાસ્ય વિધિ ના ચ્હેરા ને ચમકાવી રહ્યું : ” પણ આજે વેલેન્ટાઈન ડે નથી ….મિસ્ટર ઉમેશ …..” વિધિ નો હાથ થામી ઉમેશે એને બાઈક તરફ દોરતા હળવા સ્નેહસભર શબ્દો માં કહ્યું : ” જયારે પ્રેમ ની ઉષ્મા આછી થવા માંડે ત્યારે એક ‘ ઇમર્જન્સી વેલેન્ટાઈન ડે ‘ ઉજવીજ લેવો જોઈએ ……”


ખડખડાટ હસ્તી વિધિ માં ઉમેશ વર્ષો પહેલાની પોતાની પ્રેમિકા ને જોઈ રહ્યો. અને બન્ને પ્રેમી પંખીડા એકધારા વ્યસ્ત તાણયુક્ત જીવન માંથી નાનકડો ‘ બન્ક ‘ મારી પ્રેમ ની ઉજવણી કરવા નીકળી પડ્યા…….

લેખક : મરિયમ ધુપલી

વાર્તા વિષે અભિપ્રાય કોમેન્ટમાં જરૂર આપજો, દરરોજ આવી અનેક વાર્તાઓ વાંચો ફક્ત અમારા પેજ પર.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

ફક્ત 2 સેકન્ડ કાઢી આપ સૌ ને ઉપરનો લેખ કેવો લાગ્યો એનું રેંટિંગ કોમેન્ટમાં નીચે મુજબ અચૂક આપજો !

1. બહુ જ સરસ લેખ હતો = 10

2. બહુ ના મજા આવી = 8

3. ઠીક હતો = 5

4. બોગસ = 2

તમારી કોમેન્ટ્સથી અમને વધુ સારા લેખો લાવવા જરૂરી માહિતી મળી રહેશે !

– તમારો જેંતીલાલ