ફજેતો – સાદી કઢી તો બહુ ખાધી આજે બનાવો કેરીની કઢી……

ઉનાળામાં કેરીની સિઝનમાં જેટલી કેરી ખાવી જરૂરી છે એટલું જ જરૂરી છે ફજેતો ખાવો.. સાદી ભાષા માં કહીએ તો આને કેરીની કઢી પણ કહી શકાય. ખાટો , મીઠો અને પરફેક્ટ કેરીનો સ્વાદ ધરાવતી આ વાનગી મને તો ખૂબ જ પ્રિય છે.

ફજેતો મૂળ રીતે પાકી કેરીનો રસ અને ખાટા દહીંમાંથી બનતી વાનગી છે. બાકી જેટલા ઘર એટલી રીત. તો ચાલો આજે બનાવીએ ફજેતો મારી મમ્મીની રીતથી.

સામગ્રી :

• 1/2 વાડકો કેરીનો રસ,

• 3 વાડકા સહેજ ખાટી છાસ,

• 2 વાડકા પાણી,

• મીઠું,

• ગોળ સ્વાદાનુસાર,

• 1 લીલું મરચું , સમારેલું ,

• થોડો લીમડો,

• 1/4 ચમચી આદુ , છીણેલું,

• 1/2 ચમચી તેલ,

• 1 ચમચી ઘી,

• 2 તજ,

• 2 લવિંગ,

• 1/2 ચમચી રાઈ,

• 1/2 ચમચી જીરું ,

• 2/3 લાલ મરચું,

• 1/2 ધાણાજીરું,

• 1/4 હલદર,

• 2 ચપટી હિંગ.

રીત ::


સીધી સરળ રીતે આપ ચાહો તો ખાટા દહીં કે છાસ માં કેરી નો રસ ભેળવી બ્લેન્ડ કરી લો. પણ જ્યાં સુધી મને ખ્યાલ છે , ગુજરાતમાં લગભગ બધાના જ ઘરે ફજેતો બનાવવા માટે કેરીના ગોટલા અને છાલ વપરાય છે, જેને છાસ અને પાણીમાં મિક્સ કરી ધોવામાં આવે છે ..


ધોયા બાદ આ મિશ્રણને એક તપેલામાં ગળી લેવું , જેથી એમાંથી રેસા અને છાલ નો જો કોઈ અંશ રહી ગયો હોય તો નીકળી જાય અને ફજેતા નું મિશ્રણ એકરસ થઈ જાય.


ત્યારબાદ એમાં ગોળ, મીઠું , લીલું મરચું, આદુ અને લીમડો ઉમેરો. ગોળ અને મીઠું સ્વાદાનુસાર ઉમેરવું. મેં અહીં મોળું લીલું મરચુ ઉમેર્યું છે, આપ ચાહો તો તીખું ઉમેરી શકો.


ત્યારબાદ એમાં મરચું , હળદર , ધાણાજીરું અને હિંગ ઉમેરો. મરચું સ્વાદાનુસાર ઉમેરવું. કેરી ના લીધે ફજેતો કલર થી પીળો જ હોય , તો હળદર પણ થોડી જ ઉમેરવી.


3 થી 4 મિનિટ માટે મધ્યમ આંચ પર ઉકાળવા દો. ત્યારબાદ કડાય માં ઘી, તેલ ગરમ કરી. ગરમ થાય એટલે એમાં તજ , લવિંગ , મેથી , રાઈ , જીરું ઉમેરો. સરસ શેકાય જાય એટલે ફરી થોડો લીમડો અને હિંગ ઉમેરી વઘાર કરો..


ફરી 3 થી 4 મિનિટ માટે ઉકાળો અને ફજેતો રેડી.. આપ ચાહો તો 1 ચમચી ચણા નો લોટ વાપરી શકાય. જોકે કેરી નો પલ્પ વધારે હશે તો ચણા ના લોટ ની જરૂર નહીં પડે. આશા છે પસંદ આવશે. આપ પણ આપની રીત જરૂર થી જણાવજો.

રસોઈની રાણી : રૂચી શાહ (ચેન્નાઈ)

 

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

ફક્ત 2 સેકન્ડ કાઢી આપ સૌ ને ઉપરનો લેખ કેવો લાગ્યો એનું રેંટિંગ કોમેન્ટમાં નીચે મુજબ અચૂક આપજો !

1. બહુ જ સરસ લેખ હતો = 10

2. બહુ ના મજા આવી = 8

3. ઠીક હતો = 5

4. બોગસ = 2

તમારી કોમેન્ટ્સથી અમને વધુ સારા લેખો લાવવા જરૂરી માહિતી મળી રહેશે !

– તમારો જેંતીલાલ