હિમ્મતે મર્દા તો મદદે ખુદા – જીવનમાં મુસીબત હોય કે કોઈ ડર તમારે તેનો સામનો તો કરવો જ રહ્યો…

રસોડામાંથી ઉન્નતીની ચીસ ગુંજી ઉઠી. શયનખંડમાં પોતાની ફાઈલ અને લેપટોપ વચ્ચે વ્યસ્ત અવિનાશનું હય્યુ ધ્રુજી ઉઠ્યું. પત્નીની સુરક્ષા અંગે ચિંતિત અવિનાશે ફાઈલ અને લેપટોપને ઝડપથી હડસેલી સીધીજ રસોડાની દિશામાં ડોટ મૂકી. ઊંડી શ્વાસો ભરતો થોડીજ ક્ષણોમાં એ રસોડામાં ધસી ગયો. ચારે દિશામાં ફરતી દ્રષ્ટિ ઉન્નતીને શોધી રહી. પણ ઉન્નતી કશે દેખાઈ નહીં. અવિનાશના હૃદયના ધબકાર વધુ વેગ પકડી રહ્યા.

” અવિનાશ ….”

ખુબજ મંદ સ્વરમાં સંભળાયેલા ઉન્નતીના અવાજથી હૃદયના ધબકાર હળવા થયા. શીઘ્ર અવાજની દિશામાં અવિનાશની દ્રષ્ટિ પહોંચી. રસોડાના છેવટના ખૂણામાં લપાઈને ઉભી ઉન્નતીના ચ્હેરા ઉપર તાણ અને ડર સંપૂર્ણ રીતે જકડાઈ ચુક્યા હતા. ચ્હેરા પરનો પરસેવો સાફ કરતી ઉન્નતી પોતાના શરીરના હલનચલનથી કોઈ ભૂલ ન કરી બેસે એ પ્રમાણે પુરી તકેદારી અને સાવધતાથી ફક્ત આંખોના ઈશારા દ્વારા અવિનાશની મદદ માંગી રહી. ઉન્નતીના ઇશારાને ધ્યાનથી અનુસરતા અવિનાશની નજર ભોંય ઉપર ઊન્નતીની તદ્દન નજીક આવી ગોઠવાયેલા વાંદા ઉપર ઠરી. પગ પાસે ગોઠવાયેલી ચપ્પલથી એક ત્વરિત છુટ્ટો નિશાન અવિનાશે લગાવ્યો અને એ અચૂક નિશાનથી ઉન્નતીના ભયનું નામનીજ ક્ષણોમાં નિરાકરણ આવી ગયું.

રસોડાના ખૂણામાંથી બહાર નીકળી ઉન્નતી અવિનાશને ભેટી પડી. આંખોમાંનું પાણી ખૂણાઓમાં ચમકી રહ્યું. બાળક જેમ અવિનાશને ભેટી પડેલી ઉન્નતીના વર્તનથી અવિનાશ ખડખડાટ હસી પડ્યો. ” મારી બીકણ સસલી .” અવિનાશના હાસ્યથી વધુ છોભીલી પડી ઉન્નતી અવિનાશને વધુ આવેગથી જકડી રહી. ઉન્નતીના ચ્હેરાને પ્રેમથી પંપાળી અવિનાશે પોતાના હાસ્યને પૂર્ણવિરામ આપ્યું.

” અરે જાન ..આતો ફક્ત એક નાનકડો ભય છે. એનો સામનો કરતા શીખવુંજ રહ્યું.જીવનમાં હજી આનાથી ખુબજ ભયંકર, કલ્પનાને તદ્દન પરે પરિસ્થિતિઓ પણ ઉભી થાય.ભયથી જેટલા ડરીએ એટલોજ આપણી પાછળ આવે. એકવાર સીધો સામનો કરતા શીખી લઈએ તો પછી જોજે કેમ પોતેજ ડરીને ભાગે . હિમ્મતે મર્દા તો મદદે ખુદા !”

ઉન્નતીના ભયમુક્ત ચ્હેરા ઉપરનું ગામ્ભીર્ય તદ્દન લક્ષ્યબઘ્ધ હતું. શરીર એકદમ ટટ્ટાર . આંખો આગળ સ્થિર વાંદા પર ઠરેલી દ્રષ્ટિ ઉપર ડરનો આછો પડછાયો પણ ન હતો. હાથમાં થામેલી ચપ્પલથી એક ત્વરિત છુટ્ટો નિશાન ઉન્નતીએ લગાવ્યો અને એ અચૂક નિશાનથી સામે ઉભી, ડરીને રડી રહેલી પોતાની માસુમ બાળકીના ભયનું નામનીજ ક્ષણોમાં નિરાકરણ આવી ગયું.

” મારી બીકણ સસલી ” બાળકીને પ્રેમને હૂંફથી ગોદમાં ઉઠાવી ઉન્નતીએ એ નિર્દોષ આંસુઓને હેતથી લૂછી નાખ્યા. ” આમ એક વાંદા થી ડરાય ? તુ તો મમ્મીની બહાદુર દીકરી છે ને ? “

શયનખંડમાં ઉન્નતીના ગોદમાં શાંતિથી પોઢી ગયેલી દીકરીને ધીરે રહી તકિયા ઉપર ગોઠવી ઉન્નતી એ લેપટોપ ખોલ્યું . પડખેની ફાઈલ ઉઘાડી ચશ્માં વ્યવસ્થિત ચ્હેરા પર ગોઠવ્યા . અવિનાશના ઓફિસના દરેક કાર્યોને હવે જાતેજ સંભાળવાનું હતું. કાર્યનો કોઈ પણ પૂર્વાનુભવ ન હોવા છતાં મનમાં ડરની જગ્યાએ એક અનેરી મક્કમતા હતી. એ સમજી ચુકી હતી કે ભયથી જેટલા ભાગીએ ભય એટલોજ પાછળ આવે . એકવાર નીડર બની સામનોજ કરી લઈએ તો ખરેખર જાતેજ ભાગી જાય .

શયનખંડમાં ગોઠવાયેલી વિશાળ ફોટોફ્રેમમાં અકસ્માતનો શિકાર થઇ દુનિયા છોડી ગયેલા અવિનાશની તસ્વીરમાંથી એનું મધુર હાસ્ય જાણે ઉન્નતીને અભિપ્રેરિત કરી રહ્યું હતું .

‘ હિમ્મતે મર્દા તો મદદે ખુદા ! ‘

લેખક : મરિયમ ધુપલી

વાર્તા વિષે અભિપ્રાય કોમેન્ટમાં જરૂરથી આપજો, દરરોજ આવી અનેક વાર્તાઓ વાંચો ફક્ત આપણા પેજ પર.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ