બટેકાની વેફર – બાફ્યા વગરની સ્ટોરેજ પોટેટો ચિપ્સ શીખો સ્ટેપ બાય સ્ટેપ…

મિત્રો, ધોમ-ધખતા ઉનાળાની સીઝન છે અને તડકા પણ ખુબ જ આકરા પડે છે. આ સમયે ગૃહિણીઓ તડકાનો લાભ ઉઠાવીને આખા વર્ષના અનાજ, કઠોળ અને મસાલા સ્ટોર કરે છે તો પછી અવનવી ફ્રાઇમ્સ અને બટેટાની વેફર્સ કાઈ બાકી રખાય ? ઉપવાસ, પીકનીક કે પછી ઘરમાં ખવાતા નાસ્તા માટે આજે પણ બટેટાની ચિપ્સ અવ્વલ નંબર પર આવે છે. વળી, બધાને ખુબ જ ભાવે છે. એમાંય બાળકોની તો ફેવરીટ એટલે બટેટાની વેફર્સ.

આજ-કાલ માર્કેટમાં પણ અવનવા આકર્ષક પેકેટ્સમાં બટેટાની વેફર્સ મળે છે, પણ તે કાંઈ ઘરે બનાવેલી વેફર્સ જેવી સાત્વિક થોડી હોય ? ઘણાને એમ થાય વેફર્સ બનાવવી, તેને બાફવી, બાફવામાં કેટલો ટાઈમ લાગે ? માટે આજે હું બટેટાની વેફર્સ બનાવવાની અલગ જ રીત શેર કરવા જઈ રહી છું જેમાં વેફર્સ બાફવાની બિલકુલ જરૂર નથી છતા પણ બહાર જેવી જ ક્રિસ્પી તથા અંદરથી સોફ્ટ બને છે.

સામગ્રી :

બટેટા,

મીઠું,

તેલ, તળવા માટે..

બટેટા ખરીદતી વખતે નીચેની બાબતોનું ખાસ ધ્યાન રાખવું જેમકે બટેટા સારા પાકના ખરીદવા, સહેજ પીળાશ પડતા બટેટા વ્યવસ્થિત પાકેલા કહેવાય. લીલાશ પડતા બટેટા અવોઇડ કરવા. બટેટાની સાઈઝ સાવ નાની ના લેવી તેમજ અતિશય મોટા બટેટાની ચિપ્સ બનાવતા ફાવે નહિ માટે મીડીયમ સાઈઝ યોગ્ય કહેવાય.

રીત :


1) સૌ પ્રથમ બટેટાને સાફ પાણીથી ધોઈ લેવા. ત્યારબાદ તેની છાલ ઉતારી લેવી. બટેટું છાલ ઉતારવાથી તેમજ કાપવાથી કાળું પડી જાય છે માટે છાલ ઉતારીને સીધું પાણીમાં મૂકવું.


2) છાલ ઉતાર્યા બાદ બટેટાની ચિપ્સ બનાવી લેવી. ચિપ્સને પણ પાણી ભરેલા વાસણમાં જ નાખવી. ચિપ્સ ખુબ પાતળી તેમજ ખુબ જાડી પણ ના બનાવવી, મીડીયમ બનાવવી. ચિપ્સ બનાવવા માટે આજકાલ જાતજાતના એડજસ્ટેબલ મશીન અવેઇલેબલ છે.


3) બટેટામાં સ્ટાર્ચ હોય છે માટે ચિપ્સને વ્યવસ્થિત રીતે પાંચ – છ પાણીથી ધોઈ નાખવી.


4) ધોવાય ગયા બાદ તેને સાફ કોટનના કપડાં પર છૂટી છૂટી ગોઠવીને સૂકવવી. ચિપ્સ માંથી પાણીનો ભાગ સાવ બળી જાય ત્યાં સુધી સુકાવા દેવી. ઉનાળામાં ત્રણેક દિવસમાં વેફર્સ સાવ સુકાય જાય છે. સુકાય ગયેલી વેફર્સને આખું વર્ષ સ્ટોર કરી શકાય છે, તેમને એર ટાઈટ કન્ટેનરમાં ભરી સ્ટોર કરવી.


5) જયારે તળવી હોય ત્યારે એક મોટા વાસણમાં પાણી લઇ તેમાં મીઠું ઉમેરો અને આ મીઠાવાળા પાણીમાં વેફર્સ નાખી પંદર મિનિટ્સ પલાળો. જેથી વેફર્સ સોલ્ટી બનશે. પલાળતાં પહેલા સાફ પાણીથી ધોઈ પણ શકાય જેથી ધૂળ કે રજકણો હોય તો સાફ થઇ જાય.


6) આ વેફર્સ તળવા માટે તેલને ધુમાડા નીકળે ત્યાં સુધી ગરમ કરો, સ્ટવની ફ્લેમ હાઈ રાખવી. પંદર મિનિટ્સ પછી વેફર્સને મીઠાવાળા પાણીમાંથી કાઢતા જાઓ અને તળતા જાઓ. વેફર્સ મીઠાવાળા પાણીમાં પલાળવાથી રબર જેવી થઇ જાય છે માટે હાથમાં લાડવો વાળીને દબાવીને શક્ય તેટલું પાણી કાઢી, ભીનેભીની તળી લો. આ વેફર્સને તળાતા થોડી વધુ વાર લાગે છે. એક વેફર્સ બહાર કાઢી અને ચેક કરી લેવી, કુરકુરી થાય ત્યાં સુધી તળવી.


નોંધ : એકવાર થોડી તળીએ અને સોલ્ટ ઓછું લાગે તો બાકીની વેફર્સમાં વધારે મીઠું નાખી શકાય અને સોલ્ટ વધારે લાગે તો પાણી નાખી મોળું પણ પાડી શકાય.

મિત્રો, ખરેખર ખુબ જ ક્રિસ્પી અને સોફ્ટ બને છે, જે બજારમાં મળતી વેફર્સ જેવી જ બને છે. હું તો બનાવું જ છું, તમે પણ એકવાર ટ્રાય કરશો તો વારંવાર આવી રીતે બનાવવાનું પસંદ કરશો. ઉનાળાની સીઝન પણ પૂરબહારમાં છે અને માર્કેટમાં બટેટા પણ સરસ આવે છે. બહાર જેવો જ ટેસ્ટ હોવાથી બાળકોને તો મજા પડી જશે.

આ રેસીપીનો વિડીયો જોવા અહીં ક્લિક કરો :


રસોઈની રાણી : અલ્કા સોરઠીયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો...જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે...

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ - રસોઈની રાણી.