શરત – પ્રેમ માં પડવું ખુબજ સહેલું પરંતુ પ્રેમ નિભાવવું એ ખુબજ કપરું…” એક લાગણીસભર વાર્તા.

શરત

” સૌરભ તારા પિતાજી …..મને લાગે છે કે આપણે જવું જોઈએ……”

પોતાના પિતા ના અવસાન ના સમાચાર સાંભળી સૌરભ ના ચ્હેરા ઉપર કોઈ પણ પ્રકાર ના આઘાત પ્રત્યાઘાત ન હતા.સ્મરણ માં ફક્ત એક પુસ્તક અને પુષ્પ ઝબક્યું અને જતું રહ્યું. એમ પણ આજે રવિવાર હતો. પોતાની દીકરી ના એક ના એક પુત્ર માટે અઢળક ધન પાછળ છોડી ગયેલ પુરુષોત્તમ દાસ ના નવાસા ને આજે પોતાની ઓફિસે જવાનું ન હતું. માં સાથે જઈ એકવાર પાર્થિવ શરીર નો ચ્હેરો જોઈ ઔપચારિકતા સ્વરૂપે ફક્ત ચિતા ને આગ ચાંપી પરત થઇ જવાનું હતું .

” ઠીક છે.” બે ટૂંકા શબ્દો માં મા ની વાત સ્વીકારી એ તૈયાર થવા ઉપડ્યો. વિશાખા પણ પતિ પ્રત્યે ના સંબંધ ની અંતિમ ઔપચારિકતા નિપટાવવા તૈયાર થવા નીકળી. પોતાની વિશાળ અલમારી માં પડેલા ડિઝાઈનર સૂટને શર્ટ ની લાંબી શ્રેણી વચ્ચે થી એક નવી સફેદ કુર્તી ને ડિઝાઈનર ચશ્માં ચઢાવી સૌરભ સ્ફૂર્તિ થી પાર્કિંગ માં રાહ જોઈ રહેલ મા ની અતિ કિંમતી ગાડી માં જઈ ગોઠવાયો. વિશાખા એ ગાડી ગિયર માં નાખી અને સડસડાટ કરતી ગાડી મહેલ જેવા મકાન ના પાર્કિંગ વિસ્તાર માંથી મધ્યમવર્ગીય રહેઠાણ વિસ્તાર માં સ્થાયી એક અપાર્ટમેન્ટ ની દિશા માં ભાગી.

ભાગતી ગાડી ની સાથે ભૂતકાળ ની સ્મૃતિ પતિ સાથે ના સંવાદ રૂપે આંખો પર ચઢાવેલ કાળા ચશ્માં ની ઉપર સફેદ પ્રકાશ સમી તરી રહી. “બસ રાજીવ હવે હું અહીં ન રોકાઈ શકું !” ” પણ વિશાખા સંબંધો આમ સહેલાઇ થી ન તૂટે …હું તને ખુબ પ્રેમ કરું છું …તારા વિના કઈ રીતે જીવીશ ? …” ” તો શું હું તને પ્રેમ નથી કરતી ? તારા પ્રેમ ખાતર હું બધુજ પાછળ છોડી આવી. પપ્પા ને, મહેલ સમા ઘર ને ..નોકરચાકર ..ગાડીઓ ..આરામદાયક જીવન બધુજ…..અને બદલા માં મને શું મળ્યું ? છ વર્ષ નો માનસિક અને શારીરિક સંઘર્ષ ? “

” વિશાખા મને પ્રેમ કરવા પહેલા મારી આર્થિક પરિસ્થિતિ થી તું સારી રીતે પરિચિત હતી. તારી સામે બધુજ પારદર્શિતા થી હું જણાવી ચુક્યો હતો. પ્રેમ માં પડવું ખુબજ સહેલું પરંતુ પ્રેમ નિભાવવું એ ખુબજ કપરું…” ” તો તું શું ઈચ્છે છે ? હું આજીવન તારા ઘર ની સાફસફાઈ કરું? રસોડામાં રોટલીઓ વણતી વૃદ્ધ થઇ જાઉં ? ને બે ચાર વાસણો ને પાંચ છ ફર્નિચર ને મારુ નસીબ સમજી મૂંગા મોઢે જીવન પસાર કરી નાખું ? ” ” જીવન માં પરિવર્તન આવે પણ એ માટે થોડી ધીરજ ધરવી પડે. હું થોડાજ દિવસો માં તારા પિતા જેવા આલીશાન ને આરામદાયક જીવન નું નિર્માણ તો નજ કરી શકું.પણ હું મારા તરફ થી, મારી આવક પ્રમાણે તને ખુશ રાખવા સતત પ્રયત્નશીલ રહ્યો છું અને રહીશ. ”

” આ નાનકડા અપાર્ટમેન્ટ માં જ્યાં મારો શ્વાસ રૂંધાય છે ત્યાં હું કઈ ખુશી ની અપેક્ષા રાખું ? મારા વાળ સફેદ થઇ રહ્યા છે. વર્ષો થી બ્યુટીપાર્લર નું મોઢું પણ નથી જોયું . મારો ચ્હેરો કેવો સુષ્ક ને નિર્જિવ ભાસી રહ્યો છે. અરીસા માં પોતાનુંજ પ્રતિબિંબ નિહાળી હું ડરી જાઉં છું. રોજ ના એજ દાળ ભાત ! યાદ છે છેલ્લી વાર ક્યારે હોટેલ ગયા હતા ? વાંસણ માજી હાથ છોલાઈ ગયા છે. પણ આ બધું તને કહેવાથી શું ફાયદો ? તને તો ફક્ત તારા ‘બજેટ ‘ નીજ પડી છે…”

” જો વિશાખા હું જાણું છું આપણા છેલ્લા બે વર્ષો આર્થીક સંકડામણ માં પસાર થયા .પણ સૌરભ નો જન્મ , હોસ્પિટલ નો ખર્ચ, નવજાત શિશુ ની માવજત પાછળ ખર્ચ ની યાદી જરા લાંબી થાય …માતાપિતા બન્યા પછી આપણે અંગત ખર્ચાઓ ઉપર થોડો કાપ લગાવી બાળક ની જરૂરિયાતો ને જ પ્રાધાન્ય આપવું પડે. ”

” એટલે તું શું કહેવા ઈચ્છે છે ? સૌરભ ના જન્મ થી શું મારુ જીવન સમાપ્ત થઇ ગયું ? મારો કોઈ સામાજિક મોભો જ નહીં ? એક ના એક કપડાં પુનરાવર્તિત ન થાય અને થોડા નકલી દાગીનાઓ ની હકીકત બધા ને ખબર ન પડે એ ભયે કોઈ પણ સામાજિક પ્રસંગો એ હાજરી ન આપું ? ચોર ની જેમ ઘર માં ગોંધાય રહું ? “

” કોણે કહ્યું તને ચોર ની જેમ ગોંધાય રહેવા ? તું તારી લગુતાગ્રન્થિ માં જાતે ગોંધાય રહી છે ! ખુશી સંતોષ માં થી જ મળે ..લોકો ની સામે ધન સંપત્તિ ના પ્રદર્શન થી નહીં… ભવિષ્ય માં મારી મહેનત થી હું જેટલું કમાઈશ એમાંથી મારાથી બનતું હું તને બધું જ આપીશ…પણ અન્ય લોકો ને રીઝવવા ને ખોટા સામાજિક દેખાવો પાછળ હું મારું જીવન ઉધારો ને લોન ઉપર નાજ વિતાવીશ .”

” ઉધારો ને લોન નો પ્રશ્નજ ક્યાં છે ? મારા પિતાજી તને બધુજ આપવા તૈયાર છે …તારા ખોખલા આદર્શો ને બાજુ પર રાખી ઘર જમાઈ બની જા …એમાંજ બધાની ભલાઈ છે …નહીંતર સૌરભ નું ભવિષ્ય પણ કોઈ સરકારી શાળા ના અંધારિયા ઓરડાં માં કેદ થઇ પડી રહેશે …એ પણ તારી જેમ એક નિષ્ફ્ળ …..”

ભૂતકાળ માં ગાલ ઉપર પડેલ પતિ ના ક્રોધ ની ગુંજ થી ગાડી ને અચાનક બ્રેક લાગી . “સંભાળી ને ! શું થયું મમ્મી તું ઠીક તો છે ? ” ” નહીં ,હું ઠીક છું ….” અને ભૂતકાળ ના પાટે ચઢી ગયેલી ગાડી ને વિશાખા એ ફરી વર્તમાન ના પાટે ઝડપ થી હંકારી .

બાળપણ થી જ ધન સંપત્તિ ના ઢગલાઓ વચ્ચે ઉછરેલ વિશાખા જયારે યુવાની ના ઉંબરે આવી ઉભી ત્યારે ચારે તરફ પોતાની જેમજ સોના ની ચમચી સાથે લઇ જન્મેલ ,’ બોર્ન વિથ ગોલ્ડન સ્પૂન ‘ પ્રકાર ના યુવકોજ એની નજરે ચઢતા. માનવસ્વભાવ નું મનોવિજ્ઞાન તો એટલુંજ કે જે મળે એ નથી જોઈતું અને જે ના મળી શકે એજ જોઈએ. એ વિજ્ઞાન ને અનુસરતી વિશાખા ની દ્રષ્ટિ રાજીવ તરફ આકર્ષાઈ હતી. એની પાસે ધન સંપત્તિ ના ઢગલા, કુટુંબ ની છત્રોછાયા , આરામદાયી જીવન કશું જ ન હતું. પરંતુ જીવન પ્રત્યે હકારાત્મક અભિગમ , મહેનત , ધગશ , આદર્શ વિચારો અને નમ્ર સ્વભાવ હતા. જે ગુણો ને લીધે વિશાખા એ રાજીવ ને પોતાના જીવન સાથી તરીકે પસંદ કરી પોતાના પિતાની મરજી વિરુદ્ધ પ્રેમલગ્ન કર્યા હતા એજ ગુણો લગ્ન ના થોડાજ વર્ષો માં નકામા લાગવા માંડ્યાં .

પ્રેમ ને જયારે વાસ્તવિક જીવન ના ઘૂંટડા ભરવા પડે ત્યારેજ તેની ખરી કસોટી થાય. થોડા ક્ષણો ની મુલાકાત , હાથ માં હાથ પરોવી થતી સ્વ્પ્ન સૃષ્ટિ ની વાતો , કોફીશોપ માં જોવાતી લાંબી રાહ , વૃક્ષો નીચે બેસી લખાતા કે વંચાતા પત્રો , પહેલા સ્પર્શ નો અવિસ્મરણીય રોમાન્સ …પ્રેમ ના આ તમામ પ્રાથમિક તબક્કાઓ માંથી પસાર થયેલી વિશાખા ને રાજીવ ની રોજિંદી દિનચર્યા માંથી સાથે પસાર થતા થતા ધીરે ધીરે અનુભવાયું કે ‘ દૂર ના ડુંગર દૂરથીજ રળીયામણા. ‘ ફિલ્મો , પુસ્તકો કે ગીતો માં આલેખાતાં પ્રેમ થી આ તો કંઈક જુદોજ અનુભવ હતો. મોડે ઉઠવાની ટેવ ધરાવનાર વિશાખા ને અલાર્મ મૂકી પરાણે ઉઠવું પડતું નહિતર રોજિંદાકાર્યો માટે પાણી ના નળ જો ન ખોલાય તો આખો દિવસ પાણી વિનાજ રહેવું પડે. રસોઈ માં કદી પગ ન મૂકનારી વિશાખા ને રસોઈ નું બધુજ કામ જાતે સંભાળવું પડતું .

દરરોજ હોટેલ માંથી જમવું રાજીવ ના બજેટ ની તદ્દન બહાર હતું. ડિઝાઈનર વસ્ત્રો ની ટેવ ધરાવનારી વિશાખા ને મધ્યમ વર્ગીય પહેરવેશ માં ઢળવું પડતું. જેને લોન્ડરી માંથી ઈસ્ત્રી થઇ આવેલ તૈયાર વસ્ત્રો પહેરવા મળી રહેતા એજ વિશાખા ના કલાકો વસ્ત્રો પર ઈસ્ત્રી ફેરવતા નીકળી જતા.મોટી લાંબી એસી વાળી ગાડીઓ માં ફરનારી વિશાખા ને બસો ની ભીડ માં ધક્કા ખાવા પડતા .મોંઘા મોંઘા ફેસિયલ કે બ્યુટીપાર્લર ની મોંઘીઘાટ માવજત રાજીવ ના મર્યાદિત પગાર માં ક્યાંથી શક્ય ? પિતા તરફ થી ભેટ માં મળતા હીરા કે સોના ના દાગીનાઓ નો આ સંઘર્ષમય વિશ્વ માં દૂર દૂર સુધી અવકાશ ન હતો. આકાશ માં વિહરતો પતંગ કપાઈ ને જમીન પર આવી પછડાઈ એવીજ પરિસ્થિતિ માં વિશાખા ના પ્રેમસવ્પ્નો ચૂરેચૂરા થઇ ચુક્યા હતા.

આજની પેઢી ને બધુજ તાત્કાલિક એટલે કે ‘ ઇન્સ્ટન્ટ ‘ જોઈએ. કાચબા જેવી ધીમી ,સહનશક્તિ અને ધીરજ ની અપેક્ષા સેવતી જીવન શૈલી માં રસજ કોને છે ? સતત ઝડપી પરિવર્તનશીલ યુગ ના યુવાનો ભ્રમણા ની એવી દુનિયા માં રાચી રહ્યા છે જેનો પાયો ‘ ક્રેડિટ કાર્ડ ‘ , લોન કે ઉધાર ના પાયા પર ઉભો છે ! ઉધાર ના જીવન માં ખોખલું જીવન પસાર કરવા માં માનનારી આ પેઢી ને વસ્તુ નું મૂલ્ય જેટલું ચોક્કસ આંકતા આવડે છે એટલુંજ સંબંધો નું મૂલ્ય એમની દ્રષ્ટિ માં નહિવત થતું જઈ રહ્યું છે. વિશાખા સમજી ચુકી હતી કે રાજીવ સાથે જીવન આગળ વધારવું એટલે ત્યાગ ની મૂર્તિ બની જીવન વેડફી દેવું . પોતાનું કિંમતી જીવન સંઘર્ષ કે હાડમારી માં વ્યર્થ ન કરતા પિતા ની ધનાઢ્ય છત્રોછાયા માં એ પરત થઈ ગઈ .

વિશાખા એ સૌરભ ની કસ્ટડી માટે કેસ કર્યો અને એના વિસ્મય વચ્ચે રાજીવે પણ શહેર ના નામચીન અને પ્રખ્યાત વકીલ ને પોતાનો કેસ સોંપ્યો . પોતાની પત્ની ની ખુશી માટે વધારા ની એક પણ કોડી ન ખર્ચતા રાજીવ પાસે આખરે એટલા પૈસા આવ્યા ક્યાં થી ? વિશાખા એ રાજીવ ના હ્રદય ને સમજવાનો કદી પ્રયત્ન જ ક્યાં કર્યો હતો ? જો એણે આછો પ્રયત્ન પણ આદર્યો હોત તો સમજી શકી હોત કે રાજીવ પોતાના મર્યાદિત બજેટ માંથી પણ કુટુંબ ની દરેક જરૂરિયાતો સંતોષવા હમેશા તત્પર રહેતો હતો પણ ‘ જરૂરિયાત ‘ અને ‘ ઈચ્છાઓ ‘ વચ્ચે નો તફાવત રાજીવ ની પરિપક્વ દ્રષ્ટિ જેટલી સહજતાથી કળી શકતી હતી એ વિશાખા ની અસંતુષ્ટ દ્રષ્ટિ કળી શકવા સક્ષમ જ ક્યાં હતી ?

સૌરભ નો સાથ અને પ્રેમ રાજીવ માટે એના જીવન ની પાયા ની જરૂરિયાત હતી . પોતાની એ અનિવાર્ય જરૂરિયાત માટે એણે પોતાની બધી બચત દાવ પર લગાવી દીધી અને આખરે એના પ્રેમ અને ત્યાગ ને નિયતિ એ પણ પારિતોષિક આપીજ દીધું. સૌરભ ની કસ્ટડી રાજીવ ને મળી . ફક્ત રવિવારે કે જાહેર રજા ના દિવસે વિશાખા સૌરભ ને મળી શકે એ અદાલત ના નિર્ણય ને રાજીવે પણ સંપૂર્ણ માન થી સ્વીકાર્યો . એનો દીકરો એની સાથે હતો એથી વિશેષ એને શું જોઈતું હતું ? જીવન નું એકજ લક્ષ્ય હવે રહ્યું હતું , સૌરભ નો યોગ્ય ઉછેર અને કાળજી. રાજીવ જાણતો હતો કે અઢાર વર્ષ ની આયુ સાથેજ સૌરભ ને ફક્ત પુખ્તતા જ નહીં પરંતુ માતાપિતા માંથી જેની સાથે ઈચ્છે એની સાથે રહેવાનો નિર્ણય લેવાની પણ સંપૂર્ણ સ્વતંત્રતા મળવાની હતી. અને એ સ્વતંત્રતા એનો અધિકાર પણ તો હતો !

પાંચ વર્ષ ની કુમળી આયુ પર કોઈ માનસિક ભાર ન આવે એ હેતુસર રાજીવે કદી પણ પોતાના કે વિશાખા ના વર્તન , વલણ , અભિપ્રાયો અંગે સૌરભ આગળ ચર્ચા ન કરી. સૌરભ ના બાળ માનસ માં માતા અંગે નકારાત્મક ભાવો કે તિરસ્કાર ની લાગણીઓ ન જન્મે એ અંગે એણે પૂર્ણ સાવચેતી જાણવી . એનાથી વિરુદ્ધ વિશાખા ની અસુરક્ષિત ભાવનાઓ વિચલિત થઇ ઉઠી હતી . પોતાની પાસે ધન નો ઢગલો હતો પણ રાજીવ પાસે એક સાચું હૃદય હતું. ધન થી બધુજ ખરીદી શકાય પરંતુ લાગણીઓ અને ભાવનાઓ ને તો પ્રમાણિક હૃદય દ્વારા જ ખરીદી શકાય ! વિશાખા ના માતૃત્વ નો ધ્રાસ્કો એને હર ક્ષણ ખાતરી અપાવી રહ્યો હતો કે પુખ્ત વયે સૌરભ રાજીવ નોજ સાથ ઝંખશે …પોતે ધન ના ઢગલા વચ્ચે અટુલું જીવન પસાર કરશે.. પોતાની લગુતાગ્રંથી અને અસુરક્ષિત , અવિશ્વાસુ સ્વભાવ થી પ્રેરાતી વિશાખા એ સૌરભ ના બાળમાનસ સાથે રમત રમવા ની શરૂઆત કરી.

કાચી માટી જેમ આકાર આપીએ તેમ ઘાટ પામતી જાય. રજાઓ ના દિવસો માં સૌરભ ને ઘરે લઇ આવી વિશાખા એના પ્રેમ ને જીતવા પોતાની આલીશાન રહેણીકરણી નો શક્ય એટલો દુરપયોગ કરવા લાગી. મોંઘા રમકડાંઓ ના પ્રલોભનો મમ્મી ના ઘરે મળતા . પપ્પા તો ફ્ક્ત જન્મ દિવસેજ ભેટ આપે ! મમ્મી ગાડી માં દૂર દૂર ફરવા લઇ જતી . ક્યારેક વોટર પાર્ક , ક્યારેક ફિલ્મ જોવા તો ક્યારેક શોપિંગ મોલ ..પપ્પાં તો ફક્ત નિશાળ માંથી ઉજાણી કરવા મોકલાવતા નહીંતર ઘર પાસે ના કોઈ નાના બગીચા માં હિંચકા ઝુલવવા લઈ જતા, શેરી માં ક્રિકેટ રમાડતાં , ક્યાંતો ઘરે જ લ્યુડો કે સાંપસીડી લઇ રમવા બેસતાં . મમ્મી સાથે પિઝ્ઝા ખાવા મળતાં , મોટી મોટી હોટલો માં જુદા જુદા સ્વાદિષ્ટ પકવાનો ની મજા માણવા મળતી …જયારે પપ્પા ને ત્યાં તો એજ દાળ અને શાકભાજી …મમ્મી ના ઘરે નવી નવી ફિલ્મો ને હોમથિયેટર જયારે પપ્પા ના ઘરે એજ જૂનું ટીવી ને સસ્તી ચેનલો …મમ્મી ના ઘરે વિશાળ સ્વિમિંગપુલ જયારે પપ્પા ના ઘરે ન્હાવા માટે નાનકડી ચોકડી જેવું સ્નાનાઘર …

સૌરભ ની વધતી ઉમર ની સાથે એને આ તફાવતો વધુ સ્પષ્ટ દેખાવા માંડ્યા . વિશાખા ની કટુ નીતિ રંગ દેખાડવા માંડી . રાજીવ ની ચૂપકીદી એ કટુ નીતિ ને વધુ મુક્ત કરતી ગઈ . સૌરભ ના હૃદય ના ઉંડાણો માં પિતા પ્રત્યે નો પ્રેમ જેવો સ્પર્શતો કે વિશાખા એ હૃદય માં રોપેલ ફરિયાદો ને ઘૃણા ના મૂળ એ પ્રેમ ને ફરી ધૂંધળો કરી મૂકતા . વિશાખા એ મગજ માં ગોખવી નખાવેલ શબ્દો મન માં ગૂંજી રહેતા : ” જે માણસ પોતાના પ્રેમ માટે કંઈજ કરી શક્યો નહીં એ પોતાના પુત્ર માટે શું કરી શકવાનો ???????”

પોતાના નિષ્ફ્ળ પિતા એનાં માટે , એના જીવન સવ્પ્નો માટે, એના ઉચ્ચ જીવન નિર્માણ માટે કોઈ પ્રયાસ ન આદરશે એ ધારણા યુવાન સૌરભ ના યુવા હય્યા માં ઘર કરી ચૂકી હતી . રાજીવ તરફ ભાવનાત્મક અંતર દ્વારા પોતાના મન ના ભાવો રાજીવ સુધી આડકતરી રીતે એણે પહોંચાડી દીધા હતાં . આ અંતર નું કારણ રાજીવ સારી પેઠે સમજી ચૂક્યો હતો . પણ એમાં સૌરભ નો શું વાંક ? એક માતા સો શિક્ષક ની ગરજ સારે છે . પણ એજ શિક્ષક જયારે ગેરમાર્ગે દોરી જાય ત્યારે બાળક અજ્ઞાન અને સ્વ્ચ્છન્દતા ના ભયાનક અંધકારમય દલદલ માં જકડાતું જાય છે . પિતા પ્રત્યે હૃદય માં અસંતોષ અને અપમાન ના ભાવો સેવતો સૌરભ પોતાની અઢારમી વર્ષગાંઠ ની નજીક આવી પહોંચ્યો . પૂર્વ નિર્ધારિત નિર્ણય ને પિતા સમક્ષ રજૂ કરવાની ઔપચારિકતા પણ એણે નિભાવી જ દીધી. રાજીવ નું હ્ય્યુ વલોવાય રહ્યું :

” તું તારા હૃદય ને પૂછ સૌરભ , મારા પ્રેમ માં ક્યાં કમી રહી ગઈ ? ” ” કમી જ કમી …ક્યાં થી શરૂઆત કરું ? ” ” આ તારા વિચારો નથી હું જાણું છું !” ” મમ્મી ને વચ્ચે લાવવાની જરૂર નથી .” ” હું એને વચ્ચે નથી લાવી રહ્યો , એ જાતે આવી છે આપણા બે ની વચ્ચે .” ” પોતાની નિષ્ફ્ળતાઓ નો દોષ એમના માથે શા માટે નાખી રહ્યા છો ?”

” નિષ્ફ્ળતા થી જો તારો અર્થ ભૌતિક સુખસગવડ કે નકામા પ્રદર્શનો થી હોય તો એ તારી ભૂલ છે સૌરભ . એક પિતા તરીકે તારા ઉછેર,વિકાસ કે ભણતર માં કદી કોઈ કમી ન આવે એ માટે હું સતત પ્રયત્નશીલ રહ્યો છું અને હંમેશા રહીશ .” ” એની જરૂર જ નહીં પડે ..હું જઈ રહ્યો છું…મમ્મી પાસે …હંમેશ માટે …” ” પણ સૌરભ તારા વિના આ વિશ્વ માં મારુ છેજ કોણ ? હું તારા વિના નહીં જીવી શકીશ …”

” તમે મમ્મી ને પણ આમજ કહ્યું હતું ને ? ” ” પણ હું એને બાંધી ને રાખવા ઈચ્છતો ન હતો. જે જીવન ની આશા એ મારી પાસે સેવી રહી હતી એ મારી આર્થિક પરિસ્થિતિ ને પરે હતું. તારા નાના ને ઘરે ઘરજમાઈ બની મફત ની રોટલીઓ તોડવાની પરવાનગી મારા સ્વાભિમાને મને ન આપી !”

” તો તમારા સ્વાભિમાને અને આદર્શે તમને શું આપ્યું ?” ” તારા જેવો પુત્ર ! તારો પ્રેમ જીવવા માટે પર્યાપ્ત છે ..” ” પણ ફક્ત પ્રેમ થી જ જીવન સાર્થક થતું નથી. જીવવા માટે એ સિવાય પણ ઘણી બધી જરૂરિયાતો હોય છે.” ” હું માનું છું ..તેથી તારી દરેક જરૂરિયાતો ને પૂર્ણ કરવા સહૃદય પ્રયત્ન કરું જ છું …” ” પ્રયત્ન ? બે વર્ષ થી બાઈક માંગી રહ્યો છું. શું થયું ?મારી કોલેજ શરૂ થવાને બે મહિના થવા આવ્યા ..દરરોજ બસ માં કલાકો વેડફાય છે . ઓટો સહેલાય થી મળતી નથી. મારા દરેક મિત્રો બાઈક પર કોલેજ આવે છે ને હું…”

” તું મને થોડો સમય તો આપ….” ” સમય ? કેટલો સમય ? એક વર્ષ ? બે વર્ષ ? પાંચ વર્ષ ? જરૂરિયાતો સમય પર ન સંતોષાય તો પાછળ થી સંતોષવાનો કોઈ અર્થજ રહેતો નથી. ઠીક છે. આપ ઈચ્છો છો ને હું આપની જોડે રહું . તો મારી પણ એક ‘શરત’ છે . મારી અઢારમી વર્ષગાંઠ સુધી જો આપ બાઈક ની વ્યવસ્થા કરી આપશો તો હું અહીજ રહીશ …નહિતર…”

રાજીવ ના દેહ સંસ્કાર ની બધીજ વિધિઓ નિપટાવી વિશાખા અને સૌરભ એ નાનકડા અપાર્ટમેન્ટ ને જાણે અંતિમ દ્રષ્ટિ એ નિહાળી રહ્યા . રાજીવ ના અંતિમ સંસ્કાર જોડે આ મકાન સાથે નો સંબંધ પણ અહીંજ સમાપ્ત થઇ ગયો હોય એ ભાવના સાથે વિશાખા એ સૌરભ ને ખભે હાથ મૂક્યો : ” હું ગાડી માં તારી રાહ જોઇશ .”

પોતાના બાળપણ અને ઉછેર ની દરેક ક્ષણ સૌરભ અપાર્ટમેન્ટ ના દરેક ખૂણાઓ માં નિહાળી રહ્યો. પિતા ના ચશ્માં , પિતા ના પુસ્તકો , ઓફિસ નું બેગ , અલમારી, રસોડું બધુજ એક છેલ્લી વાર જોઈ પિતા ની બધીજ યાદો ને આજે આ અપાર્ટમેન્ટ સાથે હંમેશ માટે તાળું મારી દેવાનું હતું. દરેક સ્મૃતિ અહીજ સમાપ્ત તદ્દન એ જ રીતે જે રીતે પોતાના અઢારમાં જન્મ દિવસ નિમિત્તે પિતા સાથે નો સંબંધ આ અપાર્ટમેન્ટ માં સમાપ્ત થયો હતો. જે ક્ષણે પોતાના અભ્યાસ માટેના ટેબલ ઉપર પિતા એ ગોઠવેલ વર્ષગાંઠ ની ભેટ પર એની નજર ઠરી હતી. એક પુસ્તક અને એની ઉપર ગોઠવેલ નાનકડું ગુલાબ…પુસ્તક કે પુષ્પ ને સ્પર્શ્યા વિનાજ પુસ્તક નું શીર્ષક એકજ દ્રષ્ટિ માં વંચાય પણ ગયું અને સમજાય પણ…

‘ સુખ ની ચાવી સાધન નહીં પ્રેમ અને સંતોષ ‘

પિતા નો ઉત્તર પુસ્તક ના શીર્ષક થીજ મળી ગયો . નિર્ણય તદ્દન સરળ બની રહ્યો. ઊંઘતા પિતા ને એક પણ શબ્દ કહ્યા વિનાજ એ સીધો વિશાખા પાસે પહોંચી ગયો. સાધન જીતી ગયા અને પ્રેમ હારી ગયો. એ દિવસ પછી રાજીવે ઘણી વાર સૌરભ ને મળવા પ્રયાસ કર્યો . કોલ પણ કર્યા. પરંતુ વિશાખા એ સૌરભ ને એની જાણ થવા દીધી જ નહીં. એને અભ્યાસ માટે રાજીવ થી દૂર પરદેશ મોકલી દીધો. પરદેશ થી પરત થઇ સ્વર્ગસ્થ નાના નો બિઝનેસ એણે સંભાળી લીધો . આ વર્ષો દરમિયાન ન પિતા નો અવાજ એણે સાંભળ્યો ન એમનો ચ્હેરો જોયો !

પોતાના ઓરડા માં ઉભેલા સૌરભ ની દ્રષ્ટિ અચાનક પોતાના અભ્યાસ માટેના ટેબલ ઉપર પડી. એના આશ્ચર્ય વચ્ચે એની ભેટ હજી પણ એમ ની એમ જ ટેબલ પર પડી હતી. ધૂળ ની જાળ માં લપેટાયેલું પેલું પુસ્તક અને એની ઉપર ફૂલ ના કરમાયેલા ટુકડા નો ભૂખો ! સ્પષ્ટ હતું કે એ દિવસ પછી આ ભેટ ને કોઈ અડક્યું પણ ન હતું ! આશ્ચર્ય અને વિસ્મય જોડે એ પુસ્તક તરફ આગળ વધ્યો. ધૂળ નો જાળ હટાવી સડી ગયેલા પાંદડાઓ ખંખેરી પુસ્તક પર હાથ ફેરવ્યો …ધૂળ નીચે થી પુસ્તક નું શીર્ષક ધૂંધળું ઉપસી આવ્યું :

‘સુખ ની ચાવી સાધન નહીં પ્રેમ અને સંતોષ ‘ ધીરે રહી એણે પુસ્તક હાથ માં લીધું. પુસ્તક હાથ માં લેતાજ પુસ્તક ના તળિયે થી એક ચાવી એના પગ ઉપર પડી અને સાથેજ કાગળ ની એક નાની ચબરખી હવા માં ઉડી.અચાનક હ્નદય ના ધબકાર બમણા થયા . ચાવી હાથ માં લઇ, ઉડેલી ચબરખી એણે ઉતાવળે ખોલી . પિતા ના અક્ષરો વાંચતાં જ હોંશ ઉડી ગયા :

” જન્મ દિવસ ની શુભકામના …તારી ભેટ…નવી બાઈક ની ચાવી…જાણું છું થોડો મોડો પડ્યો …પણ જરૂરિયાતો સમય પરજ સંતોષાય…આજે તું અઢાર વર્ષ નો થયો …હવે બાઈક ચલાવવા તું કાયદાકીય રીતે પુખ્ત છે..પણ હા…લાઇસેંસ હાથ માં આવશે પછીજ બાઈક મળશે …”

ચબરખી પર મંડાયેલ સૌરભ ની ભીંજાયેલી આંખો એના હય્યા સમી ધ્રુજી રહી હતી… પાછળ થી વિશાખા નો અવાજ સંભળાયો .. ” સૌરભ બહુ મોડું થઇ ગયું ..ઘરે જઈએ ?” ધ્રુજતા અવાજે સૌરભ એટલુંજ બોલી શક્યો : ” હું મારા ઘર માંજ છું ….”

લેખક : મરિયમ ધુપલી

દરરોજ આવી અનેક વાર્તાઓ વાંચો ફક્ત અમારા પેજ પર આજે જ લાઇક કરો

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ