શુભ-અશુભ – ખરેખર કૂતરાની પૂંછડી વાંકી તે વાંકી એ આનું નામ, આ સ્ત્રીઓને કોણ સમજાવે…

શુભ- અશુભ

સડસડાટ શહેરના રસ્તા પર ભાગી રહેલી ગાડી ને અચાનક બ્રેક લાગી. ગાડીની આગળ ની સીટ ઉપર ગોઠવાયેલા પુરુષોત્તમ દાસ અને પત્ની જમનાબેન પોતપોતાની સીટ ઉપરથી આગળ તરફ ધકેલાયા અને માંડ માંડ શરીરનું સંતોલન જાળવી લીધું. આમ અચાનક પતિએ ગાડીને બ્રેક શા માટે લગાવી ,એનું કારણ જાણવા જમનાબેનની આંખો ગાડીના આગળ ના પારદર્શક કાંચ માંથી રસ્તા ઊપર આવી ડોકાય . રસ્તાના વચ્ચોવચ નિરાંતે બેઠી કાળી બિલાડી ગાડીની બ્રેકના પ્રચંડ ધ્વનિથી ડરી, હેબત થી રસ્તાના બીજા ખૂણા તરફ દોટ મૂકી રહી . કાળી બિલાડીએ જેવો ગાડીનો રસ્તો કાપ્યો કે જમનાબેનના મોઢે રીતસર ચીસ ગુંજી ઉઠી :

” કાળી બિલાડીએ રસ્તો કાપ્યો . હવે ચોક્કસ કાંઈ ને કાંઈ તો અશુભ થઈનેજ રહેશે !” ડ્રાઈવિંગ સીટ પર ગોઠવાયેલા પુરુષોત્તમ દાસ દર વખત જેમ જ અંદરોઅંદર અકળાઈ ઉઠ્યા. જમનાબેન જોડે લગ્ન થવાને ત્રીસ વરસો થઇ ચુક્યા હતા. આ ત્રીસ વરસોનાં જીવન- સફર દરમિયાન જમનાબેન ની ચિત્ર – વિચિત્ર માન્યતાઓનું ચકડોળ એ સતત ગોળ ગોળ ફરતું નિહાળી રહ્યા હતા. મગજને તમ્મર ચઢી જાય એવી અજબગજબ ની નિયમાવલી જમનાબેને જાતે ઘઢી નાખી હતી અને એ નિયમો નું પાલન ન થાય તો ઘર નું કોઈ પણ સભ્ય ચેન થી શ્વાસ ભરી શકેજ નહીં !

લગ્ન પછી ઘર ખરીદતી વખતે પુરુષોત્તમ દાસ ની પસંદગીની વચ્ચે આ અંધશ્રદ્ધાઓ દીવાલ બની ઉભી થઇ ગઈ હતી. સરસ મજાના રો – હાઉસ માં , સંપૂર્ણ પ્રાકૃત્તિક વિસ્તાર માં, હવાઉજાશ વાળું એ અત્યંત આધુનિક સગવડવાળું ઘર હાથમાંથી સરી ગયું હતું. કારણ ? કારણ એટલુંજ કે બંગલા નો રો -નંબર ૧૩ હતો અને જમનાબેન ના નિયમો ના પુસ્તક તરફ થી ૧૩ ક્રમ ને સીધીજ લાલ ઝંડી મળી ગઈ હતી. ૧૩ ક્રમ ધરાવતા ઘર માં વસવાટ કરવાથી ઘરમાં સુખશાંતિ ન જળવાય . આ તો કઈ વાત થઇ ? પુરુષોત્તમ દાસ ના ગળા સુધી વાત આવી અટકી ગઈ હતી : ” અરે ઘર ની સુખ – શાંતિ તો ઘર ના સભ્યો વચ્ચે ની પારસ્પરિક સમજણ થી જ જળવાઈ .” પણ પોતાના લગ્ન જીવન ની સુખ શાંતિ જળવાઈ રહે એ હેતુસર પુરુષોત્તમ દાસે પોતાનો અભિપ્રાય ફરીથી ચુપચાપ ગળા ની અંદર પરત ધકેલી દીધો હતો.

નવી ખરીદેલી ગાડી ઉપર મરચાં અને લીંબુ લટકાવી જયારે ઓફિસે જવું પડ્યું હતું ત્યારે પણ હય્યા ની વરાળ આમજ અંદર ધકેલી દીધી હતી. પુરુષોત્તમ દાસ ને ક્યારેક થતું કે કાર હાંકતી વખતે પોતાના હાથ સ્ટિયરિંગ પર થી ઉઠાવી નાખે અને બન્ને પગ પણ ગિયર અને બ્રેકનો સાથ છોડી નાખે , આગળ લીંબુમરચું હતું ને લટકતું એમની સુરક્ષા જાળવવા ! અકસ્માત નો ભોગ બની હોસ્પિટલ ના પલંગ ઉપર જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાતા પતિને જોઈ કદાચ જમનાબેન સમજી શક્યા હોત કે કાર હાંકતી વખતે ઇન્દ્રિયો ની સચેતતા ને નિયમો ના યોગ્ય પાલનથી જ સુરક્ષા જળવાય ,નહીંતર જો માનવીય બેદરકારી થી કાર ગમે ત્યાં જઈ ઠોકાય તો આગળ લટકતા લીંબુ મરચા ને પણ કોઈ બચાવવા ન આવી શકે ! પણ વિજ્ઞાન નું જ્ઞાન પુરવાર કરતા જો પ્રાણપખેરું ઉડી ગયા તો ? એજ ડરે પુરુષોત્તમદાસે સાબિતીની એ યોજના અમલમાં મુકવા મુલતવી રાખી હતી.

ગર્ભવતી હતા એ સમયે જમનાબેન જમણા હાથમાં સફેદ કાપડ ની પટ્ટી વીંટાળી ફરતા . એમ કરવાથી ‘ દીકરો ‘ અવતરે એવું બ્રહ્મ જ્ઞાન કોઈ સગાએ સુચવ્યું હતું . આખરે ઘરમાં બે જુડવા બાળકો અવતર્યા , એક દીકરો અને એક દીકરી . પુત્ર જન્મ નો સંપૂર્ણ યશ સફેદ કાપડની પટ્ટી લઇ ગઈ જયારે પુરુષોત્તમ દાસે ઘરમાં લક્ષ્મી અવતરવાનો સંપૂર્ણ યશ પોતે પાર પાડેલા કોઈ મોટા પુણ્ય ને સમર્પિત કર્યો .

ભણવામાં સહેજે રસ -રુચિ ન ધરાવનારા અને પરીક્ષા ની રાત્રેજ પુસ્તક દર્શન કરનાર પુત્રના પરિણામ- પત્રમાં લાલ લાલ અક્ષરે મઢાયેલા અગણિત ‘નાપાસ’ શબ્દોની હારમાળા વચ્ચે જયારે એકાદવાર લીલા અક્ષરે ‘પાસ’ શબ્દ મઢાઇને આવ્યો ત્યારે જમનાબેને સીધુંજ તારવી નાખ્યું હતું ” જો દીકરા તારા માટે આ પીળા રંગ ની પેન ખુબજ શુભ નીવડી છે .

હવે દરેક પેપર પીળા રંગની પેનથીજ લખવું અને પેલી સફળતા અપાવનારી વીંટી આમ જ પહેરી રાખવી , હંમેશા… ” તે સમયે પણ પુરુષોત્તમ દાસ સારી પેઠે સમજી ગયા હતા કે ઠોઠ અને આળસુ દીકરાની આ ચમત્કારી સફળતાઓ ચોરી અને કાપલીઓ ને આભારી હતી . એમાં પીળા રંગની પેન કે વીંટી ઊપર જડાયેલા પથ્થરો નો કોઈ ફાળો દૂર દૂર સુધી ન હતો . સફળતા મેળવવી હોય ત્યાં પરસેવો પાડ્યા વિના છૂટકો નહીં… સફળતાનો રસ્તો મહેનત અને ઘગશ થીજ પાર પડે ….કોઈ પણ ટૂંકા રસ્તાઓ ફક્ત સફળતાની ભ્રમણાઓ તરફજ દોરી શકે .

ઘરના કોઈ પણ સભ્યની ચપ્પલ ઊંધી થઇ કે જમનાબેન “ઘરમાં લડાઈ થવાનીજ છે ” ની ઘોષણા થી દરેક સભ્ય ને સચેત કરી મૂકતા . એક દિવસ પુરુષોત્તમ દાસ ની ચપ્પલ ભૂલથી ઊંધી પડી હતી . પોતાની દ્રઢ વૈજ્ઞાનિક તાર્કિકતાઓ ઊપર અડગ પુરુષોત્તમ દાસે જમનાબેનની માન્યતાને પડકાર ફેંક્યો હતો . ” ચપ્પલને વળી બે મનુષ્ય વચ્ચેની લડાઈ જોડે શું લેવા દેવા ? લડાઈ તો વિચારોના વિરોધાભાસ અને પરસ્પરની અસમજ્ણથીજ ઉદભવે .” પોતપોતાના વિચારો પર અડગ પુરુષોત્તમ દાસ અને જમનાબેન વચ્ચે એ દિવસે જોવાજેવી લડાઈ થઇ હતી . પુરુષોત્તમ દાસે એ લડાઈ માટે ‘વિરોધી વિચારો’ને જયારે જમનાબેને દરેકરીતે ચપ્પલ ‘ઊંધી’ પડવાનેજ જવાબદાર ગણાવ્યા હતા.

રાત્રે પીપળાના વૃક્ષની નીચે જઈએ તો મૃત્યુ નિશ્ચિત ! આ માન્યતાનું ગણિત પણ પુરુષોત્તમ દાસ અવારનવાર તપાસતા . ઘરની સામેના પીપળાના વૃક્ષ નીચે ખાઈને ધરાઈને આખી રાત પડી રહેતા કૂતરાંઓમાંથી આજ દી સુધી એક પણ સ્વર્ગ સિધાર્યુ ન હતું. રાત્રે કૂતરાં રડે એટલે સમજવું ભૂત કે પ્રેતાત્માઓ વાતાવરણમા ફંટાઈ રહી હોય ….પણ પુરુષોત્તમ દાસ ને તો બિચારા કૂતરાઓ ભૂખ્યા ન થયા હોય ? એવી લાગણીઓ મનમાં ઉદ્દભવતી ને એ બચેલી રોટલીના ટુકડાઓ એમની આગળ નાખી આવતા .

કાંચ ના વાસણ તૂટે ને કંઈક નુકસાન થવાની જમનાબેન ની આગાહીઓ આખો દિવસ ઘરમાં ગાજતી રહે . પણ દર વખતે તૂટી જતા એ વાસણો ને લીધે ઘરમાં નવા વસાવાતાં વાસણોના લાભ અંગેની ચર્ચા કેમ ક્યારેય ન થતી ? એ પુરુષોત્તમ દાસ ને આજ સુધી સમજાયુંજ ન હતું!

આ તો ફક્ત થોડાજ ઉદાહરણો છે . જમનાબેન ની માન્યતાઓ ,જેને પુરુષોત્તમ દાસ ‘અંધશ્રદ્ધાઓ ‘ કહી અવગણતાં , એની યાદી બનાવવામાં આવે તો કદાચ કાગળ અને સહી ખૂટી પડે ! ત્રીસ વર્ષોથી સહેવાતો આ ત્રાસ પુરુષોત્તમ દાસ ના વૈજ્ઞાનિક મગજ માટે હવે અસહ્ય થઇ પડ્યો હતો . દરેક બાબત ની એક મર્યાદા હોય . હવે પાણી માથાના ઉપરથી પસાર થઇ રહ્યું હતું . ગૂંગળામણ અસહ્ય હતી . કંઈક તો કરવુંજ રહ્યું . કોઈ માર્ગતો કાઢવોજ પડશે.. અચાનકજ બ્રેક લાગેલી ગાડી અને થંભી ગયેલા પુરુષોત્તમ દાસ ના વિચારોએ ગતિ પકડી . વૈજ્ઞાનિક મગજમાં કંઈક જ્વાળામુખી જેવું ઉભરાઈ આવ્યું .

” અરે ધીરે ચલાવો . એમ પણ કાળી બિલાડી એ રસ્તો કાપ્યો છે . કંઈક અશુભ થઈનેજ રહેશે ……”

જમનાબેન ની સૂચનાથી ન તો ગાડી ની ,ન તો પુરુષોત્તમ દાસ ના વિચારોની ગતિ ઓછી થઇ . થોડાજ સમયમાં ગાડી શહેરના એક અગ્રણી ઘરેણાઓના શોરૂમ આગળ આવી થોભી . જમનાબેનનો ઘરેણાં -પ્રેમ તો જગજાહેર હતો . આ લાલચ અને પ્રેમ નો આજે પુરુષોત્તમ દાસ સદુપયોગ આદરવાના હતા . કાલી બિલાડી ગાડી આગળ થી જાય એને માનવજીવન ની ઘટનાઓ સાથે કઈ લેવાદેવા ન હોય ! આજે વિજ્ઞાન સામે અંધશ્રદ્ધાઓ ને પછાડ આપવાની હતી . શોરૂમ નો સૌથી સુંદર હાર ખરીદી પુરુષોત્તમ દાસે જમના બેનના ગળામાં પહેરાવી દીધો . થોડી ક્ષણો પહેલા તાણ અને ચિંતામાં ગરકાવ જમનાબેન નો ચ્હેરો ફૂલ જેમ ખીલી રહ્યો . ખુશી સાતમે આસમાને હતી . આટલો કિંમતી અને સુંદર હાર આજે એમને મળશે , એની કલ્પના પણ શક્ય ન હતી .

ગાડીમાં પરત થયેલા જમનાબેન ના ચ્હેરા ઊપરની ખુશી અને ચમક પુરુષોત્તમ દાસ ની યોજના ની સફળતા તરફ સ્પષ્ટ સંકેત કરી રહી હતી . સ્ટિયરિંગ ફેરવી રહેલા હાથો વડે પુરુષોત્તમ દાસ ની નજર પોતે હમણાંજ ખરીદીને આવેલ અને જમનાબેન ના ગળા માં ચમકી રહેલ અતિ કિંમતી હાર પર આવી જડાઈ .

” તો જમના કંઈક સમજાયું ?” પોતાના ગળાના હાર પર પ્રેમથી હાથ ફેરવતા જમનાબેન ની આંખો પુરુષોત્તમ દાસ ની આંખો સાથે મળી . ” જી હા , આજે સમજાયું . હું તો નકામા વ્હેમ ઉછેરી રહી હતી …..”

પુરુષોત્તમ દાસ ના ચ્હેરા ઊપર જીત નું અટ્ટહાસ્ય છવાઈ ગયું . ” જોયું ને કાળી બિલાડી રસ્તો કાપે તો કઈ અશુભ ન થાય …..” પતિના વાતમાં સહમતી પુરાવતા હોય એ રીતે જમનાબેન પોતાની આંગળીઓને હારમાં પરોવતાં બોલ્યા : ” સાચી વાત , કાળી બિલાડી રસ્તો કાપે તો કઈ શુભ થાય , ધનપ્રાપ્તિ થાય !” એકજોરદાર બ્રેક જોડે ફરીથી ગાડી થંભી ગઈ . પુરુષોત્તમ દાસનો ચ્હેરો સ્ટિયરિંગ પર ઢળી પડ્યો અને હ્ય્યુ મૌનપૂર્વક ચીખી ઉઠ્યું …..

” કૂતરાની પૂંછડી વાંકી તે વાંકી ”

લેખક : મરિયમ ધુપલી

ના સુધરે તો ના જ સુધરે વાત તો સાચી છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ