ઉંદર – જો તમે પણ આ લોકડાઉનમાં સોસાયટીમાં જઈને મિત્રોને મળો છો તો આ વાર્તા તમારી માટે જ છે..

બપોરની ઘેરી નીંદરમાંથી ઝબકી મોબાઈલનો કોલ રિસીવ કરતા વૃદ્ધ હાથ સહેજ ધ્રુજ્યા.

” હા , હું ઠીક છું . અહીં પરિસ્થિતિ સ્થિર છે .હજી બજાર , દુકાનો , કેમિસ્ટ કાર્યરત છે . લોકો ટોળેટોળા થઇ ખરીદી કરી રહ્યા છે . પેનિક બાયિંગ એવરીવેર . એક મીટરનું અંતર દરેક સ્થળે અનુસરાય રહ્યું નથી . લોક ડાઉનની પરિસ્થતિ વખતે પણ યુવાનો મહોલ્લા અને શેરીઓના ખુણામાં ચોરીછૂપે ભેગા મળે છે . જોકે સ્થાનિક પુલીસ દ્રોણ કેમેરા દ્વારા એવા સ્થળોએ છાપા મારી ટોળા ભેગા થતા અટકાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

તબીબો , નર્સ , પુલીસ , મીડિયા જાનને જોખમે આપણી મદદ કરી રહ્યા હોય ત્યારે ફક્ત ઘરે જપીને બેસી એમની મદદ ન કરી શકાય ? આ પહેલા પણ માનવતાએ ઘણી ગંભીર પરિસ્થતિઓનો સામનો હાથમાં હાથ મેળવી કર્યો છે . આ ગંભીર પરિસ્થતિમાંથી પણ બહાર આવી જઈશું . પણ હાથમાં હાથ મેળવી નહીં . હાથ થી હાથ દૂર રાખી ,શરીરથી શરીર દૂર રાખી , અંતર વાળું સંયમ જાળવી . ”

સામે તરફથી ઉચ્ચારાઈ રહેલા શબ્દો વૃદ્ધ કાન ધ્યાન કેન્દ્રિત કરતા ધ્યાનથી સાંભળી રહ્યા . બે મિનિટ પછી વાતની દોર ફરી થામી એમણે પડખું ફેરવ્યું .

image source

” હા , ન્યુઝમાં જોયું . ત્યાંની પરિસ્થતિ ખુબજ કટોકટી ભરી છે . તું ઘરેજ રહેજે બેટા . જેટલું હોય એમાં ચલાવી લેજે . વિના કારણ બહાર નીકળવાનું ટાળજે . સારું થયું કે તું ત્યાંજ રોકાઈ ગયો . વેરી સ્માર્ટ ડિસિઝન . ઇન્ટરનેશનલ ટ્રાવેલિંગ ઇઝ એન એક્સ્ટ્રીમ રિસ્ક . મારી ચિંતા ન કરતો . હું ઠીક છું . ઘરેજ છું . બહાર જતોજ નથી . ફોન કરતો રહેજે . પ્રાર્થના કરજે . મારા માટેજ નહીં સમગ્ર વિશ્વ માટે . ”

સામે તરફથી મળેલો પ્રેમસભર પ્રત્યાઘાત સાંભળી એમણે આખરે કોલ કાપ્યો અને ચાદર વ્યવસ્થિત ઓઢી શાંતિથી નિંદ્રાધીન થયા . સોસાયટીના ૩૫ નંબરના ફ્લેટમાં રહેતા પરમાર ભાઈ જયારે એકાંતમાં શાંતિથી ઊંઘી ગયા, એજ સમયે ૩૬ નંબરના ફ્લેટમાં રહેતા કમલેશ ભાઈએ પગમાં બિન્ધાસ્ત ચપ્પલ ચઢાવી . ” અરે આમ ક્યાં ચાલી નીકળ્યા ? ” લોકડાઉન સમયે ઘરની બહાર નીકળી રહેલા પતિની ચિંતામાં સરલાબેન બરાડ્યા .

image source

” અરે સોસાયટીની બહાર નથી નીકળવાનો . આતો રમણીકનો ફોન આવ્યો હતો . એ નવરો નવરો અકળાઈ ગયો મારી જેમજ . બે મિત્રો સાથે બેસી જરા ચેસ રમીશું . ચા નાસ્તો કરીશું . ટીવી જોઈશું . મન હળવું થાય . તું બાળકો જોડે જમી લેજે . ” ” પણ ….” ટીવીમાં નિહાળેલ ‘સ્ટે એટ હોમ ‘ કેમપેઇન યાદ આવતાજ સરલાબેન ચિંતિત થયા .

” અરે , પણ શું ? કહ્યુંને સોસાયટીમાંજ છું . બહાર ક્યાં જાઉં છું ? પેલા ડરપોક પરમારની જેમ ઉંદર બની દરમાં પુરાઈ જાઉં ? એકના એક દીકરાને આવી પરિસ્થિતિમાં પણ પરદેશમાં રોકી રાખ્યો છે ને જાતે અહીં ફ્લેટમાં ગોંધાઈ રહ્યો છે.” હાસ્યના લહેકા જોડે બહાદુરીપૂર્વક કમલેશભાઈ ૩૭ નંબરના ફ્લેટમાં રહેતા મિત્ર રમણીકને મળવા ઉપડ્યા . પતિ સોસાયટીની અંદરજ સુરક્ષિત રહેશે એ વિચારે સરલાબેને રાહતનો દમ ભર્યો .

એ સાંજે બન્ને મિત્રોએ ખરેખર ખુબજ મજા માણી . ચેસની રમત અત્યંત લાંબી ચાલી . ટીવી ઉપર આવી રહેલ રાષ્ટ્રીય -આંતરરાષ્ટ્રીય સમાચારો ઉપર પોતપોતાની ટિપ્પણીઓ ભરી . ચા નાસ્તાની રંગત જામી . હ્ય્યુ હળવું થયું ને સમય મજેદાર પસાર થયો . થોડા દિવસો પછી ફ્લેટ નંબર ૩૫માં રહેતા પરમારભાઈનો મોબાઈલ ફરી રણક્યો . ઊંઘમાંથી ઝબકી વૃદ્ધ શરીરે તરતજ કોલ રિસીવ કર્યો .

image source

” હા, બેટા . હું ઠીક છું .ઘરેજ છું . પણ એક દુઃખદ સમાચાર છે . આપણી સોસાયટીના ફ્લેટ નંબર ૩૬માં રહેતા કમલેશભાઈ અને ફ્લેટ નંબર ૩૭માં રહેતા રમણીકભાઇ ના ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે . બન્ને પરિવારો તબીબી નિરીક્ષણ હેઠળ છે . ” સામે તરફથી મળેલ શોક્ગ્રસ્ત પ્રત્યાઘાત અને પ્રશ્નોને સાંભળ્યા પછી પરમારભાઈએ વાત આગળ વધારી .

” હા , બેટા . રમણીકભાઇ થોડા દિવસો પહેલા રેગ્યુલર ચેકઅપ માટે હોસ્પિટલ ગયા હતા . ત્યાં જે તબીબના સંપર્કમાં આવ્યા હતા એમનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો . કોન્ટેક્ટ ટ્રેસીંગની યાદીમાં રમણીક ભાઈનું નામ હતું . રમણીકભાઇ નો ટેસ્ટ પોઝિટિવ આવ્યો અને એમની કોન્ટેક્ટ ટ્રેસીંગની યાદીમાં કમલેશભાઈનું નામ નીકળ્યું …”

સામે તરફથી સુરક્ષા અંગેની નિયમિત યાદી ફરીથી રટાઇ . ” ના , ના . તું ચિંતા ન કર . હું ઘરેજ છું . તું પણ સાચવજે . ” કોલ કપાયો. ચાદર વ્યવસ્થિત ઓઢી પરમારભાઈ શાંતિથી નિંદ્રાધીન થયા .

લેખક : મરિયમ ધુપલી

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ