ભાભલડી – ભાભી અને દિયરની નાની નાની રમૂજમાં બની ગઈ મોટી ઘટના…

💕 ભાભલડી 💕

” ઊંસા ઊસા બંગ્લા …બંધાવો… એમાં કાસ ની બારીયું મેલાવો રે….વીરો મારો ઝગમઝગ ઝગમગ થાય… !!….”

” અમે ઇડરિયો ગઢ જીતી લાઈવા….”

જાનડીયું ના ગળા કામ ન્હોતા કરતાં લગન ના ગીતો ગાઈ ગાઈને ગળા તરડાઈ જાતા’તા પણ તોય માંડવેથી વિદાય લઈ ને ઠેઠ સુધી ગીતો ગાતાં ગાતાં જાન હવે તો પોતાના ગામ ને પાદર થી વરરાજાના ઘર સુધી પહોચી ગઈ હતી… હસુ હસુ થતાં મોંએ સાસુ એ વરઘોડિયાના પોખણા કર્યા .અને જાનડિયુંની સરભરા કરી ને સાથે વરરાજા ની સાથે શોભી રહેલ લાડી ના કંકુ પગલાં કર્યા …રૂપાળી રૂપાળી લાલચટ્ટક કોર વાળી પગની પાની જોઈને .. બધાય કેતા’તા વશરામની વહુ તો જો રૂપ નો કટકો …ચાંદ નો ટુકડો…અને કંકુવર્ણા પગલે હરખાતાં નવોઢા સાથે લાડો એવા શોભી રહ્યા હતાં . જાણે રામ સીતાની જોડી !! .. નવદંપતિ વડીલો ના આશીર્વાદ લેતા’તાં અને નવી વહુ ને બધાની ઓળખાણ કરાવતાં હતાં.


“વહુ !! આ તમારા હાહુ – હાહરા !! પગે લાગો.!!..એમની સેવા કરજો..!! આ તમારા ફઇજી.. પગ દબાવજો હરખાયેથી નહિ તો..આવી બનશે .,.. ગાઈળું ખાવી પડસે એની.. આ મોટા હાહુ-હાહરા…, આ નણંદ…આ સૌથી મોટા કાકાઝી. કાકી હાહુ….મોટો બધો ઘૂંઘટો તાણીને બધાય ને પગે લાગણ કર્યા અને વૈશાખ મહિના ની ગરમી માં નવી વહુ લક્ષ્મી પરસેવે રેબઝેબ થઈ ગઈ અને મૂંઝારો આવવા લાગ્યો…કોઈ બોલ્યું કે , બચારી ને પાણી તો પાવ.. અને બધાય વડીલો આઘા પાસા થ્યા ને વશરામ પણ જરા બાર નીકળ્યો કે તરત જ લક્ષ્મી એ ઘૂંઘટા માંથી જોઈ લીધું કે ઓરડામાં પોતે એકલી જ છે.. તેણે ફટ્ટાક દઈને ઘૂંઘટો ઊંચો કરી લીધો… હાશ.. અત્યાર સુધી જે અલ્લડતાથી માથે ઓઢણી ય ન્હોતી રાખતી ને આમ આજે સવારથી છાબ આવી ને આ ઘરચોળું પેર્યું કે તરત લાં…બો ઘૂંઘટો તાણી દેવા માં આવ્યો’તો લક્ષ્મી તો ક્યારની યે કંટાળી ગૈતી … એને હવે હાશ થઈ !!!

ત્યાં તો અધખુલ્લા બારણામાંથી કોઈ આવ્યું..અચાનક જ !!…અને લક્ષ્મી એ તરત જ લાજ નો ઘૂંઘટો નીચે કરી લીધો.. એ સહમી ગઈ …ત્યાં તો હસતો હસતો અવાજ આવ્યો …લ્યો ડરી ગઈ !! એય ભાભલડી.,. મારાથી તારે ઘૂંઘટો નહિ રાખવાનો હું તો તારો દિયેર થાવ…
લે જો હું તારા માટે લઈ આઈવો સુ ..પી લે … એમ કહી ને પાણી નો ગ્લાસ લાંબો કરીયો.. લક્ષ્મી ડરી ગઈ હતી એને ધરપત થઈ … ફરીથી ઘૂંઘટો ઊંચો કરી નાંખ્યો અને પાણી પીવા લાગી.. અસલ ટાઢું પાણી હતું.. લક્ષ્મીને ટા….ઢો શેઈડો પઈડો….હાઇ..શ..!!!…. એણે હવે જોયું કે પાણી લઈ ને આવનારની સામે…. એ..

… એક બાળક ન કહી શકાય કે ના જુવાન .. એવો એ કિશોરવયનો એનો દિયર હતો . આ અજાણ્યા લોકો અને ઘૂંઘટા વચ્ચે અત્યાર સુધી મૂંગી ને મૂંઝાયેલી લક્ષ્મી ને આ આવનાર ગમી ગયો. “તમારું નામ હું સે દેવરજી ?? ” ત્યારે ફટાક દઈને એ બોલ્યો, ” એવું વરજી બરજી નહિ કે’વાનું હંધાય મને લાલિયો ક્યે સે મારુ નામ લાલજી સે .. ભાભલડી !! ”


તયે.. તારે મને ભાભલડી નૈ કેવાનું . મારુ નામ લક્ષ્મી સે..અને એ આમતેમ જોવા લાગી .. ગરમી થી રાહત મળે એવું કાંઈ હોય તો… લાલજી એટલે કે લાલિયો સમજી ગ્યો વગર કીધે અને એક વીંઝણો ક્યાંકથી ગોતી કાઇઢો .. ” આલે ભાભલડી.. ગરમી થાય સે ને ?? અને લક્ષ્મી પિયરનું અલ્લડ પંખીડું અહીં અજાણ્યામાં સાસરે પગ મુક્તા જ આ લાલિયો એને પોતીકો લાગવા માંડ્યો.

ઘરમાં નણંદ ન્હોતી , સાસુ સસરા ને લક્ષ્મી નો પતિ વશરામ વાડી એ જતા રે’તાં .. ભાત લઈ ને.. અને ઘરે આખો દિવસ ગઇલઢા હાહુ, હાહરા ને લાલિયો ને લક્ષ્મી રહેતા. આમતો ઘરના બધા માયાળુ હતા. પણ, લક્ષ્મી ને લાલિયો .. ઘરમાં બીજી કોઈ છોકરી એટલે કે નણંદ નહોતી પણ એક નણંદ ની જેમ ભાભી ને ડગલે ને પગલે લાલિયો પડખે રહે. જાણે કે એનો ભેરુ બની ગયો.. બધાની હાજરી માં ગૃહલક્ષમી, પણ વાડીએ જાય બધાય અને ઘરડા દાદા અને દાદી સુઈ જાય એટલે બપોરે નિહાળે થી આવેલો લાલિયો અને કામ માંથી ઝટપટ પરવારી ને લક્ષ્મી બંને ની જોડી જામે.

પિયરની ઓરીજીનલ ચંચળ , બેફિકર લખમી બની જાય લાલિયા ની દોસ્ત.. લાલિયો ભાભલડી ને નાના મોટા કામ માય મદદ કરે જરાય શરમાયા વગર !!.. લક્ષ્મી ઘણી વાર પૂછે .. દેવરજી આ કામ તો બાયુ ના સે , કોઈ જોહે તો તમને ખીજવસે.. ભલે ને બોલે દાંત કાઢે હું તો અત્તાર લગી બા ને ય કરાવતો ઈમાં હુ સે ?? અને એય ભાભલડી , ના પાઇડી તી ને કે મને દેવરજી નહિ કેતી !! લાલિયો જ કેવાનું તારે …”

” તયે તું મને કા ,ભાભલડી કે છે.. મારુ નામ લક્ષ્મી છે.. લક્ષ્મીભાભી કે ને…મને ! ” ના હું તારો લાલિયો ને તું મારી વ્હાલી ભાભલડી … બસ અને લક્ષ્મી નો હાથ પકડી ને ગોળ ગોળ ફુદરડી ફરતો ફરતો ગાય…એક ખાટ ઉપર ભાભલડી !! ભાભલડી એ રાતાં ગાલ જો !! ભમ્મર રે રંગ ડોલરીયો!!

ગામડાં ગામ નું ખમતીધર ઘર..મોટું ફળીયું ને ડેલીબંધ મકાન. એક ખૂણા માં ચીકુડી ને પપૈયા ના ને સીતાફળ ના ઝાડ ને બીજે ખૂણે આંબો ને આસોપાલવ તી, વાતવાત માં લાલિયા ને ખબર પડી કે લક્ષ્મી ને હિંચકો બહુ ગમે. તે એક વખત સરસ મજાનું દોરડું બાંધી ને આંબાડાળે વ્હાલી ભાભલડી માટે એણે હિંચકો બાંધ્યો. પછી લક્ષ્મી બપોરના ઠામળા.. વાસણ ઊટકી ને નવરી થઈ કે દોડતો દોડતો લાલિયો આવ્યો.


લક્ષ્મીને આંખે આડા હાથ રાખી … ખેંચી ને ત્યાં લઈ ગ્યો અને હાથ પકડીને બેસાડીને કહે, ” એય ભાભલડી, હવે આઇખું ખોઇલ…. જો… એ…હાઆ…” કરી ને જોરદાર હિંચકો ઝુલાવ્યો…ને ગાવા લાગ્યો… ” કોણ હલાવે લીમડી ને કોણ ઝુલાવે પીપળી… દેર ની ભાભલડી લાડકી …ને…”

ત્યાં ભાભી બોલી, ” દેવરજી ઝુલાવે ડાળખી… ” ને ત્યાં જ.. લાલિયો ખીઝાણો.. ” એય ભાભલડી .. દેવરજી બેવરજી નહિ… હાઇલ.. ઉત..ઇર્ય.. હે..ઠી, નથી હિચકવા દેવી..” એમ કહી ને હિંચકો ઊભો રાખી દીધો અને લક્ષ્મી પડતી પડતી રહી ગઈ…અને એવી ગસ્સે થઈ ને… કે ઊભી થઈ ને પગ પછાડતી … ઘરમાં જતી રહી.. લાલિયા ની ખીજ તો હવા માં વઈ ગઈ પણ , હવે આ ભાભલડી ને મનાવવી કેમ ?? ઇ તો દોડતોક ગ્યો .. “હાઇલ હાઇલ ભાભલડી .. આમ તું રૂસણા ના લે !! ” મને તું વઈઢ… માઇર.. ધોકાવી લે બસ.. પણ તું બોલ મારી હાર્યે… ”

તો ય લક્ષ્મી કાંઈ ન બોલે.. મોઢું ચડાવી ને બેસી રહી .. તો લાલિયો ઓરડાની બાર ગ્યો .. તો લક્ષ્મી ને મજા નો આઇવી.. એને એમ થયું કે ,” લે !! આ તો મનાવવાની બદલે ભાગી ગ્યો.. હવે વાત સે ઈની !! ” ત્યાંતો લાલિયો પાસો આઈવો ઇના હાથ માં એક બડીયો ( નાની જાડી લાકડી ) હતો ઇ લક્ષ્મી ના હાથમાં દઈ ને બોઇલો ” લે !! આ લે !! ” અને પોતાનું પેહરણ ઉસું કરી ને વાહો ધરીયો … મારી લે મને..મારી ભાભલડી !! પણ, તું રિહાઈ જા ઇ મને નો ગમે… તો બોઇલ નહિ તો હું ક્યાં જાઈસ ?? મારી મારી ને લાલ કરી દે વાંહો !!”

લક્ષ્મી એ હાથમાં રહેલ બડીયા નો કરીયો ઘા !! અને વાંહો ધરી ને ઊભેલા લાલિયા ને વ્હાલથી હાથ ફેરવતાં બોલી, ” અરે, મારા લાલિયા !! આ તારો વાંહો તો લાલ નથી કરવો પણ , જો જે ને હું એને પીઠી ચોરી ને પીળો ધમ્મક કરીશ.. તું ઘોડે ચડીશ ને તયે આખો મલક જોઈ રેહે… મારા રૂપાળા વરરાજા ને !! ” ને લાલિયો તરત પહેરણ નીસુ કરીને ક્યે… “અરે , તું માની ગઈ એટલે બસ !! વરરાજા બરરાજા તો ઠીક… હાઇલ પાસા .. આંબા ની હેઠ.. હીંચકીએ.. “”


” ના , ના , લાલિયા , હમણાં ચૂલા ટાણું થઈ જાહે , દાદા ને દાદી નો વાળું કરવાનો ટેમ થઈ જાહે , વાડીએ થી હંધાય આવતાં જ હયસે.. ” એમ કહી ને લાલિયા ની ભેરુ બની ને રમતી ભમતી લક્ષ્મી જાણે પીઢ વહુઆરું બની ગઈ અને રાંધણીયામાં ઘુસી ગઈ . લાલિયો ય સમજી ગ્યો, ઇ પણ ધોડી ને બારે થી બળતણ માટે ની સાઠીયું પડી’તી, ઇ લાઈવો ને લક્ષ્મી ભેગો અંદર વાતું એ વળગ્યો..

બેય જાણે કે જનમો જનમ ના જોડીદાર પણ એકદમ સાફ દિલના આ દેર ભોજાય નો સબન્ધ કાઈ જુદો જ હતો.. લક્ષ્મી લાલિયાની જાણે મોટી બેન કયો, માં કયો કે સુખદુઃખ ની સાથી , એક અંતરંગ દોસ્ત .. જે કયો ઇ હંધુય એની આ ભાભલડી માં હતું.

ભાભી વાર તહેવારે કે પ્રસંગે પિયર જાય તો લાલિયો ય ભેગો જ હોય . પિયર બધાય એની ઠેકડી ઉડાડે કે અમારા જમાઈ એ આ એક દાસ મોઈકલો સે એની રાણી માટે, કોઈ એમ પણ ક્યે કે , આ જાસૂસી કરવા આવે સે, કે લક્ષ્મી સાસરિયા ની કાંઈ વાતું તો આયાં નથી કરતી ને ?? ” પણ લાલિયો જેનું નામ .. બધું દાંત કાઢવામાં ઉડાડી મૂકે. પણ લક્ષ્મી નો છાલ નો છોડે !!

દેર ભોજાઈ ની જોડી હારે ને હારે .. વશરામ પણ ક્યારેક ખીજાય જાતો પ્રેમ થી , ” એલા, મને તો ઈમ લાગે કે આ લખમી ને જાઈ…ણે કે તારા હારું જ હું પયણી લાઈવો સૂ… જા આયા થી આઘો .. દાદી બોલાવે સે તને.. ” એમ કહી ને માંડ ઓરડે થી બાર કાઢે .. ને લક્ષ્મી હારે બે પળ માણવા મળે.. એમ જાણી ને .. ત્યાં તો ખોટા રૂપિયા ની જેમ, લાલિયો પાસો હામે આવી ને ઊભી જાય કે, “દાદી તો ઘોટાઈ ગ્યા સે.. !! ” વશરામ એવો ખીજાય ને કે .. ” જા તારી સોંપડી લે , ઉઘાડી ને વાઇસ .. નહિ તો મારી ઘોઈડે ઢેફા ભાંગવા પડસે.. જા.. ભાઇ..લા ભય..ણ જા.. ”

પણ, લાલિયો જેનું નામ !! લક્ષ્મીની હાહુ બોલાવે ને હાહરા ખીજાય જાય તયે લાલિયો ભાભલડી ના ઓરડે થી માંડ માંડ બારે નીકળે . વશરામ પણ હંધાય હામ્ભળે એમ બોલે , ” આને વ્હેલો પયણાવી દેવો સે .. તયે આ હચવાહે.. ” એમ કહી ને ઓરડા નું બારણું બંધ કરે એટલે તરત લક્ષ્મી ક્યે, “બીચાળા ને હુંકામે કાઢી મેલો ?? જો કેવું મોઢું ઉતરી ગ્યું’તું એનું ?? ” અને વશરામ પ્રેમ થી લક્ષ્મીને પોતાની નજીક લેતા બોલે, મારુ મોઢું જો !! તારાથી આખો દાડો દૂર રહી ને કેવું ઉતરી ગ્યું સે.!! લાલિયો તો નિહાળે થી આવી ને તારી ભેગો ને ભેગો જ હોય.. આ ઘર માં અમે ય રહીએ સીએ.. હો !! અમને તો તું હાવ ભૂલી જાસ કાં ? ?” લક્ષ્મી પણ પોતાના ધણી ની મીઠી ફરિયાદ ને સ્વીકારી એક પતિને જે પોતાની પત્ની પાસે અપેક્ષા હોય એનાથી અદકેરો પ્રતિભાવ આપતી કે વશરામ પણ એના પ્રેમ માં ઓળઘોળ બની ને બધું જ ભૂલી જાતો. લક્ષ્મી જેવી પત્ની મેળવી ને પોતે ખુશ ખુશ હતો.


સાસુ-સસરા ને ઘરડાં સાસુ-સસરા ચારેય માવતર ના મુક આશીર્વાદ લક્ષ્મી પર વરસતા રહેતાં. વ્હેલી સવારે ઉઠી ને લક્ષ્મી છાણ વાસીદા ને ભેંસુ દોહવી ને શિરામણ બનાવવા ના કામ માં જોતરાઈ જાતી ને વશરામ ને એના માં બાપુ વાડી એ ભાત લઈ ને જતા ર્યે.. અને લાલિયો નિહાળે જાવા ઊપડે ઇ પેલા કે’તો જાય, એય , ભાભલડી !!, હું આવું ત્યાં પરવારી જાજે હંધુય કામ કરીને !! પસી આઈ જે ઇસ્ટો રમસૂ .. જો આઇજે તને જીતવા નો દવ.. ”

ત્યાં રાંધણીયામાંથી બોલે , લાલિયા… કાઈલ નો તું હારી ગ્યો’તો ઇના બદલા માં મારી હારું લાલ કાઈતરા લેતો આવજે હો !! નહિતર આઇજે નહિ રમું તારી હાઇર્યે !!!! ” લાલિયો ક્યે, ” એય ભાભલડી, જા ! જા ! કાઈલ વારી !!, રાઈત ગઈ ને વાતેય ગઈ !!.. નવી ઘોડી નવો દા !!..” ને ભાભલડીની ઠેકડી ઊડાડતો ભાગી જાતો.

પણ, જેવો બપોરે ઘરે આવે કે એની ભાભલડી એ જે માંગણી કઇરી હોય એના થી સવાયું કાઈ ને કાંઈ લઇ ને જ આવે !! લાલ કાઈતરા, લીલા કાઈતરા, ચણીયા બોર ને રાયણું, કાચી કેરી.. ખાઈટકી, સેતુર ને લીલા ખાટા ખાટા કરમદા.. આંબલી ના છૂછા ફૂલ, … બપોરે દેર ભોજાઈ એય ને ફળિયામાં ઝાડવા હેઠે મોજ કરે, લાલિયો સોંપડીમાંથી વાંચી ને હંભળાવતો જાય ને એનું લેસન કરતો જાય અને પસી બૅય રમે પણ ખરા !! ટીટી-ટપ્પો ને ચલક-ચલાણું , થપ્પો .. મરઘી ના ઈંડા… ઘણીવાર તો આજુબાજુ ના ય છોકરા છોકરીયું આવે રમવા.. પણ, ત્યારે આ દેર ભોજાય એક થઈ જાય ને … કોઈને જીતવા નો દયે.!!!.


એક વાર લક્ષ્મી આંબાડાળે બાંધેલા હીંચકે બેઠી’તી ને લાલિયો ઝુલાવતો’તો. એ.. ય ને મોજ થી.. ગાતાં ગાતાં, ” કોણ ઝુલાવે લીમડી ને કોણ ઝુલાવે પીપળી… ત્યાં આજે ય લક્ષ્મી ને રમઈત હુઇઝી…’તી. બોઇલી…”.દેવરજી.. ઝુલાવે … ડાળખી ને ભાભી ઝૂલે.!!!…..”

ત્યાંતો જે લાલિયો ખિજાણો ને.. જોર થી હીંચકા ને ફંગોળતા બોઇલો, ” કટલી વાર ના પાઇડી.. તને કેમ નથી હમઝાતું.. દેવરજી નહિ કેવાનું… હું તો લાલિયો ભાભલડી… લાલિયો હું !!! ” ને ભાભલડી ને જોરથી ફંગોળવા માંડ્યો.. લક્ષ્મી એ રાઈડ પાડી , એ લાલિયા રેવા દે બસ બસ , હું પડી જાઈસ બીક લાગે સે … ” અને લાલિયાએ ઈં કાઈ કાને ધર્યા વગર .. એવો હિંચકો ફંગોળ્યો ને કે… આંબાડાળે થી દોરડું તૂટ્યું ને… હિંચકો તૂટ્યો.. ને … ઓ માં….. કરતાક ને લક્ષ્મી હવામાં ફંગોળાઈ !!!… ને ઊંચે થી સીધી ધરતી પર જ્યાં એક મોટો પથ્થર પડ્યો’તો ત્યાં જઈ પટકાણી. લાલિયો ય હતપ્રભ બની ગ્યો.. લક્ષ્મી ને કપાળ માંથી લોહી દદળવા લાગ્યું ને … પલભર માં તો એ બેભાન થઈ ગઈ… એય ભાભલડી, મારી વહાલી, ભાભલડી, … કરતો એના કપાળે હાથ દાબી ને.. લોહી સાફ કરવા લાગ્યો.. પણ, લોહી વ્હેતું બંધ ન થયુ ને ના તો ભાભી એ આઇખું ખોલી..હવે શું થાહે ???

ગભરાઈ ને લાલિયો રાડો પાડવા માંડ્યો.. આડોશી પડોશી ભેગા થઈ ગયા અને કોઈ દોડમદોડ ખાટલો લાઈવું ને કોઈ ગાડું જોડી લાઈવું ને કોઈ વશરામ ને બોલાવવા દોઇડું… પણ લાલિયો ભાભલડી નું માથું ખોળા માં લઇ ને પડખે ના ગામે દવાખાને પહોંચાડી તો ય એના માથા પાહેથી ખસ્યો જ નહીં. ત્યાં ડોક્ટરે પ્રાથમિક સારવાર આપી ને એમ્બ્યુલન્સમાં શહેરના મોટા દવાખાને રવાના કર્યા ત્યારે વશરામ અને એના માતા પિતા ય આવી ગયા હતાં. બાકીના બધા ને ગામમાં પાછા મોકલી દીધા અને લાલિયા ને પણ પરત મોકલવા લાગ્યા પણ , લાલિયો… કોઈ રીતે .. માનતો જ નહોતો. જ્યારે કહ્યું કે ત્યાં છોકરાવ ને ન આવવા દયે .. ઘરે જતો રહે .. તોય માનતો નહોતો .. વશરામે કહ્યું, “લાલિયા, તું ન જાય તો તારી ભાભલડી ના સોગન સે … !!” અને લાલિયો ધ્રુસ્કે ધ્રુસ્કે રોતો રોતો કમને પાછો ગામમાં ગ્યો.

લક્ષ્મી ની ચોટ માંથી લોહી તો અટકી ગ્યું પણ તે હજુ ભાનમાં આવી નહોતી. મોટા દવાખાને બધા x-ray કરાવ્યા ટેસ્ટ કરાવ્યા … બધું નોર્મલ..બધાના જીવ અધ્ધર થઈ ગ્યા. શુ કરવું .. ડોક્ટર ને પૂછ્યું તો એમણે જણાવ્યું કે , ” આ કેસ માં કાઈ કહી ન શકાય .. ક્યારે દર્દી ને હોંશ આવે.. હમણાં ય આવે , થોડા સમય પછી ય આવે અને ન આવે તો..” અમે બધું કરી છૂટ્યા હવે ઉપર તરફ આંગળી કરી કહ્યું , ” એના હાથ માં બાજી છે.” વશરામ અને એના માબાપુ તો હિમ્મત હારી ગયા ને રોઈ પડ્યાં…એક દિવસ, બે દિવસ, …સગાંવહાલાં ખબર અંતર પૂછી જાય દિલાસો આપી જતા ર્યે.. શુ કરી શકે કોઈ ??


સાત સાત દિ થ્યા..બધાની આશા નિરાશા માં ફેરવાવા લાગી.. ગામડે થી લાલિયા ને કોઈ નીકળવા નો દયે … એકવાર બધાની નજર ચૂકવી ને ભાગી ને શહેરમાં આવતો ર્યો ..એણે વાતું ઉપરથી ભાળ મેળવી લીધીતી દવાખાનાની.. ને દવાખાનું ગોતી ને પહોંચી ગ્યો.. પણ, દવાખાને પહોંચ્યા પછી પોતાના ભાઈ ને મળ્યો … એના પગ માં ઢગલો થઈ ને ઢળી પડ્યો … રોતો જાય ને બોલતો જાય, ..” એ ભાઈ મારી ઉપર દયા કરો મને કસમ માંથી સુટ્ટો કરો.. મને એની પાંહે જાવા દયો.. મારે એને જોવી સે.. હું ભાભલડી નું મોં જોયા વગર મરી જાઈસ …”” અને ” એ ભાભલડી.. મારી.. ” ને આક્રંદ કરવા લાગ્યો પોક મૂકી ને રોતો જોઈ ને વશરામે એને બથ માં લીધો અને એના માસૂમ ભાઈ ની હાલત જોઈ એનું હૈયું વલોવાઈ ગ્યું.

એણે પોતાના બેય હાથે થી ભાઈને ઉભો કરી ને છાતી સરસો ચાંપ્યો અને એને છાનો રાખ્યો . અને પાણી પાવા લઈ ગ્યો ને બોલ્યો, “હાઇલ તું યે મળી લે લક્ષ્મી ને કોને ખબર કેટલા દિ હવે ?? છુટ્ટો સે તું મારા સોગનમાંથી જા !!” અને લાલિયો …!! પાણી પીધા વગર દોટ મૂકી ને ભાભલડીની નજીક જઈ ને … “એય ભાભલડી … આમ જો તો .. ‘ કહેતો રડતો રડતો બોલવા લાગ્યો, ” એય, ભાભી આંખો ખોઇલ .. તારે મને જી કે’વું હોય ઇ કેજે હું તને ભાભી કહીશ .. પણ તું આયાંથી ઊભી થા, એ ભાભી … ભગવાનને મેં કીધુ સે મારો જીવ લઈ જાવ પણ મારી ભાભી ને બસાવી લ્યો.. એ.. હું કોની હારે વાતું કરીશ ?? એ ભાભી !! મારા કાઇતરાને સેતુર કોણ ખાશે .???. હું કોઈ દિ રમત માં તને હારવા નહિ દવ .!! .. એ મારી … ભાભલડી હવેથી હું તને ભાભી કેતો જાઈસ લખમી ભાભી … બસ.. એ ..ય ભાભલડી નહિ કહું તું આમ રિહાઈ ન જા..” અને જોરજોર થી રડી પડ્યો એ લાલિયો ..

અને ત્યાં રહેલા બધા જ રોઈ પડ્યાં ને હોસ્પિટલ નો સ્ટાફ પણ આ નિર્દોષ ની કાકલૂદી થી કોરા ન રહી શક્યા. કોઈએ એને લક્ષ્મી થી દૂર કરતાં કહ્યું , “જો ભાઈલા આયા થી ઘરે જા .. તારા ભાભી ને સારું થઈ જાહે એટલે ઇ યે આવશે … ” અને લાલિયા ને દૂર કરવાના પ્રયત્ન કર્યા પણ લાલિયો તો … એ .. ય ભાભી .. હું તને લીધા વગર નહિ જાવ.. એમ કહી ને જોરથી બોલી ઉઠ્યો .. એય ભાભી !! .. તું ના જો મારા હામે તો … હું આયા જ માથું પટકીશ ને…મારો જીવ કાઢીશ…!! એય ભાભલડી…!!! ભાભી …!!!”

અને જેમ આ માસૂમ નો પ્રેમ ને જોઈ ત્યાં ઊભેલા બધાના દિલ દ્રવી ઉઠ્યા અને દયા આવી એમ કુદરતની પણ … આ દિવ્ય પ્રેમ ના સબન્ધ પર કૃપા થઈ… સાત સાત દા’ડાથી નિશ્ચેતન પડેલી લક્ષ્મીના શરીરમાં કંઈક સંચાર થયો તેના હોઠ સળવળ્યાં અને “લાલી….યા… લાલિયા….” એવો અવાજ નીકળ્યો .. વશરામ અને ત્યાં ઊભેલા બધા ની આંખો માંથી પાણી વહેવા લાગ્યા. ડોક્ટર ને બોલાવવામાં આવ્યા ને લક્ષ્મી પૂર્ણ પણે હોંશ માં આવી ગઈ .. લાલિયો .. એના પગે વીંટળાઈ ગ્યો ને… લક્ષ્મી પણ બેઠી થઈ ને વશરામ એની પાછળ બેસી ને લક્ષ્મીને પોતાને ટેકે બેસાડી.


“Amazing !! Its like a miracle ! ડોક્ટર બોલી ઉઠ્યા અને ત્યાં નર્સ ને જરૂરી સૂચના આપી , લક્ષ્મી ને તપાસી ” It’s everything all right !! Don’t worry Be happy !! અને મસ્ત મજાની મુસ્કાન આપી બધા ને ખુશ થતા છોડી ને ચાલ્યા ગયા.

અને થોડા સમય પછી લક્ષ્મી ને હોસ્પિટલે થી ઘરે લાવવામાં આવી અને ફરીથી ગામ આખું એમને જોવા સગાંવહાલાં વધાઈ દેવા ભેગા થઈ ગયાં. લક્ષ્મી ની સાસુ એ વહુ અને સાથે એક નહિ બબ્બે દીકરા ના ઓવારણાં લીધા ને અંતર ના આશિષ દીધા. આજે જાણે કે નવી નવેલી દુલ્હનની જેમ લક્ષ્મી એ ફરીથી કંકુ પગલાં કરી ને ઘર ને ફરીથી કિલ્લોલતું કર્યું.

અને, વશરામ ના બાપુ ગામના સુતાર ને ત્યાંથી અસલ સાગ માંથી બનાવેલ ઝુલો લઈ આઈવા ને મજબૂત કડાં માં પિતળ ની સોના જેવી ચકચકતી સયળું નાખી… અને પછી લાલિયા એ હાથ પકડી ને પોતાની પ્રાણ પ્યારી ભાભલડીને ભાઈ સાથે એના પર બેસાડી ને .. નીચે ગોઠણીયાભેર બેસી ગયો…

લેખક : દક્ષા રમેશ

જાણે કે રામ સીતા ની જોડી .. ને લક્ષમણ કયો કે હનુમાન …લાલિયો ક્યે , “ભાભી, તું લખમી ભાભી અને હું દેવરજી બસ !! હવે આરામ કર હું તને હેરાન નહિ કરું !!…. લક્ષ્મી બોલી , ” ના ! ના ! લાલિયા !! તું લાલિયો ને તારી માટે તો .. હું ભાભલડી જ…!!

વાર્તા વિશેના અભિપ્રાય કોમેન્ટમાં જરૂર આપશો… દરરોજ આવી અલગ અલગ માહિતી વાંચવા માટે લાઇક કરો અમારું પેજ.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

ફક્ત 2 સેકન્ડ કાઢી આપ સૌ ને ઉપરનો લેખ કેવો લાગ્યો એનું રેંટિંગ કોમેન્ટમાં નીચે મુજબ અચૂક આપજો !

1. બહુ જ સરસ લેખ હતો = 10

2. બહુ ના મજા આવી = 8

3. ઠીક હતો = 5

4. બોગસ = 2

તમારી કોમેન્ટ્સથી અમને વધુ સારા લેખો લાવવા જરૂરી માહિતી મળી રહેશે !

– તમારો જેંતીલાલ