તુલસીક્યારો આંગણાનો – દિકરીએ કરાવ્યું અનોખું કન્યાદાન, લાગણીસભર વાર્તા…

“રૂપાની ઘંટડી મારી વહાલી.. મારા ઘરનો તુલસીક્યારો. કાલ મારું આંગણું છોડીને ચાલી જશે મારી મીઠડી.. જોતજોતામાં તો લગ્ન કરવા જેવડી થઇ ગઈ.. કંઈ ખયાલ પણ ના રહ્યો.. શંતાગૌરી..!!”


રાતના બે વાગ્યાનો સમય.. પોતાની પત્નીના ફોટા સામે જોઇને સજળ નયને તેની સાથે વાત કરતા સુરેશભાઈ બોલી રહ્યા હતા.. બહાર છવાયેલા ગાઢ અંધકારથી રાત જાણે બિહામણી ભાસતી હતી.. પણ સુરેશભાઈને ડર એ અંધકારનો નહોતો. એમને તો પોતાની વહાલીના વિદાયની વેળા વિશેનો વિચાર જ હચમચાવી મુકતો હતો. ત્રણ વર્ષની હતી અભિલાક્ષી ને એની માં અને સુરેશભાઈની પત્ની શાંતાનું ટીબીની બીમારીના કારણે મૃત્યુ થયેલું. વસ્તાર કઈ હતો નહિ ને અભિલાક્ષીની સઘળી જવાબદારી સુરેશભાઈ પર આવી પડી. દીકરો હોય તો એને તો ગમે એમ મારી-પીટીને, બે-ચાર શબ્દ બોલીને સમજાવીને કંઇક કરીને ઉછેરી શકાય.. પણ આ તો દીકરી હતી.


તેની તો ક્ષણેક્ષણ સંભાળ રાખવી પડે ને પળેપળ પંપાળવી પડે. ચાર વાનાય શીખડાવવા પડે ને ચૌદ જોડી કપડા પણ લઇ દેવા પડે. ને કોઈ જ સ્ત્રી વગર એકલે હાથે આ જમાનામાં દીકરીને ઉછેરવી એ કઈ ખાવાના ખેલ તો નહોતા જ ને.. છતાય સુરેશભાઈએ બખૂબી પોતાનું કર્તવ્ય નીભાવેલું ને એમની લાડકીને સોળ આની સંસ્કાર આપીને સમાજમાં ચાર જગ્યાએ પુછાય તેવી ગુણવાન બનાવી હતી.. રૂપ તો તેનામાં પહેલેથી જ ભરપુર હતું ને એમાં ભળ્યા સુરેશભાઈના સંસ્કાર.. પછી તો વાત જ શું હતી..!! અભિલાક્ષી જેમ જેમ મોટી થતી ગઈ એમ ખીલતી ગઈ.. બાર ધોરણ પછી સાઈન્સ લઈને કોલેજમાં સિવિલ એન્જીનીયરીંગ પૂરું કર્યું ને યુનિવર્સિટીમાં પહેલો નંબર પણ લાવી..


કેમ્પસ પ્લેસમેન્ટ વખતે તેને અમેરિકામાં બહુ મોટી કંપનીમાં પંદર લાખના પેકેજ સાથે જોબની ઓફર થઇ તે નકારીને પોતાના પપ્પા પાસે રહેવાનું પસંદ કરી શહેરમાં જ નોકરી સ્વીકારી.. રોજ સવારે બંને બાપ-દીકરી સાથે જ નીકળે. કારખાને જતા રસ્તામાં સુરેશભાઈ અભિલાક્ષીને તેની નોકરીએ મુકતા જાય. અભિલાક્ષીએ બંને માટે ટીફીન સવારમાં તૈયાર જ રાખેલું હોય. એ સાથે લઈને જ જાય. ને બપોરે જમવા પહેલા એક ફોન કરીને અભિલાક્ષી તેના પપ્પાની તબિયત વિશે પણ પૂછી લે.. સાંજે પણ બંને સાથે જ ઘરે આવે ને પછી સાથે મળીને જ જમવાનું બનાવે.. અત્યંત ખુશમિજાજ રહેતા બંને બાપ-દીકરી..


બસ આમ ને આમ સમય પસાર થતો ગયો.. નોકરીના ત્રણ વર્ષ બાદ એક દિવસ રાત્રે અભિલાક્ષીને સંબોધીને સુરેશભાઈએ કહ્યું, “દીકરી.. હવે તું પચીસની થઇ.. સમાજમાંથી બહુ સારા સારા માંગા આવે છે.. પણ હું અત્યાર સુધી ના જ કહેતો રહ્યો.. મને હતું કે તને તારી નોકરીમાં સંતોષ મળે ત્યાં સુધી તું છો ને કરતી..

પણ વહાલી આજે એક વાતની અનુભૂતિ મને થઇ.. જો બેટા. આખું જીવન આમ એકલતામાં પસાર કર્યા પછી આજે મને આ ઘર ખાવા ધાય છે. તું અહી છે ને તોય એમ લાગે છે જાણે તારી માં હોત ને તો આપનો પરિવાર સંપૂર્ણ હોત.. રાતના મને નીંદર નથી આવતી.. આખી રાત તારી માંના ફોટાને જોયા કરું. ને અમારા એ જુના દિવસો યાદ કરું.. હજુ તો ઘરડે ઘડપણ કોણજાણે શું વીતશે મારા પર.. ને દીકરી આ બધું તારી સાથે ના થાય ને એટલે જ આ ઉમરે તને લગ્ન કરીને કોઈની જીવનસંગિની બનવાનું કહી રહ્યો છું..


મેં થોડા દિવસ પહેલા જયારે લગ્નની વાત ઉખેડી હતી ત્યારે તે કહેલું કે તું મને છોડીને ક્યાય જવાની નથી.. બસ આ વાત સાંભળતા જ મને લાગ્યું કે હવે યોગ્ય સમય છે તારી વિદાયનો.. કારણકે તું લાંબો સમય આ વિચાર મમળાવી રાખીશ તો આખરે એ તારો નિર્ણય બની જ જશે..!! ને તું ક્યારેય લગ્ન નહિ કરે..! એટલે પ્લીઝ મારે ખાતર.. લગ્ન માટે હા કહી દે..!!!”

અભિલાક્ષી મુક બનીને તેના પપ્પાને જોઈ રહી.. કેવા લાચાર લાગતા હતા. કદાચ પોતાના લગ્ન થાય એમાં તેમને વધારે ખુશી થશે.. ને અભિલાક્ષીએ તેના પપ્પાને વળગીને લગ્ન માટેની મંજુરી આપી દીધી.

બીજા જ દિવસથી સુરેશભાઈ સમાજમાં તપાસ કરવા લાગ્યા. સો ટચના સોના જેવી તેમની દીકરીને માટે મુરતિયા કાલ ને કાલ પરણવા તૈયાર હતા.. અંતે સમાજના ઉચ્ચ કુટુંબના દીકરા અકીર્તન સાથે અભિલાક્ષીની મુલાકાત નક્કી થઇ..


અકીર્તનના પરિવારમાં તે, તેના મમી અને તેની નાની બહેન કીર્તન્યા હતા.. તેના પિતાજી હજુ બે વર્ષ પહેલા જ મૃત્યુ પામ્યા હતા. તેમના બિઝનેસને જ સ્વીકારીને અકીર્તન ઘરની જવાબદારી સુપેરે નિભાવતો. શહેરના સુંદર વિસ્તારમાં મોટો બંગલો હતો અને આર્થિક રીતે તેઓ ઘણા વ્યવસ્થિત હતા. સમાજમાં તેમના કુટુંબની ખાનદાનીની વાતો થતી.. સુલોચનાબહેન, અકીર્તનના મમીએ જ સામેથી અભિલાક્ષી માટે માંગુ નાખ્યું હતું ને આજ બંને પરિવારોની મુલાકાત પણ થઇ રહી હતી..

પહેલી જ મુલાકાતમાં બંને દીકરા દીકરીએ એકબીજાને પસંદ કરી લીધા અને બીજી બે મુલાકાત બાદ મીઠી જીભ પણ લેવાઈ ગઈ. આઠ મહિના પછીના ઘડિયા લગ્ન લેવાયા હતા. સુરેશભાઈ પોતાની વહાલસોયી દીકરીના લગ્નમાં કોઇપણ પ્રકારની કચાશ નહોતા રાખવા માંગતા ને તેથી જ તેઓ સતત કોઈ ને કોઈ વ્યવસ્થા કરવામાં વ્યસ્ત રહેતા.. અભિલાક્ષી આ આઠ મહિનામાં તેના પિતા માટે બધી વ્યવસ્થા કરીને જ સાસરે જવા ઈચ્છતી હતી. કે જેથી એના ગયા પછી એના પપ્પાને કોઈ જ પ્રકારની પરેશાનીનો સામનો ના કરવો પડે.


લગ્નને બસ બે મહિનાની વાર હતી.. એ દિવસે અખાત્રીજ હોવાથી સુલોચનાબહેન પોતાની વહુને તેડી ગયા હતા.. તેમને અભિલાક્ષી બહુ વહાલી લાગતી. શુભ અવસરે તેને કંઇક સોનાની ખરીદી કરાવાનું વિચારીને તેઓ તેને લઇ ગયેલા.. એ વખતે અભિલાક્ષી પોતાના સાસરે બે દિવસ રોકાવાની હતી..!!


બે દિવસ બાદ તે જ્યારથી ત્યાંથી આવી હતી ત્યારબાદ તે બહુ ખુશ રહેતી.. અચાનક તેના ચહેરા પર ચમક આવી ગઈ છે તેવું સુરેશભાઈ મહેસુસ કરતા. દીકરીને ખુશ જાણીને તેઓ પણ મનમાં ને મનમાં હરખાતા રહેતા.. જાણે ચંદ્ર પૂરબહારમાં ચાંદની ફેલાવતો હોય તેવી લાલિમા ઝળહળતી હતી અભિલાક્ષીના મોં પર..!!


જેમજેમ લગ્નનો દિવસ નજીક આવતો હતો તેમતેમ સુરેશભાઈ હતાશ થઇ રહ્યા હતા.. ગમે તેમ તોયે બાપનું હૈયું છે..!! બાળપણથી એકલે હાથે પોતાની મહામુલી જણસને વહાલથી સીંચીને મોટી કરી હતી.. આજ એ જણસ પારકી થઇ જશે એ ખયાલથી જ તેઓ સતત મુરઝાયેલા રહેતા.. અભિલાક્ષી પોતાના પિતાનો આ દર્દ જોઈ શકતી હતી પરંતુ તેમને હૈયાધારણ આપવા તેને શબ્દો ના મળતા.. મૂંગા મોઢે તે રોજ રાત્રે આવીને તેના પપ્પાની બાજુમાં સુઈ રહેતી..

ને આખરે એ દિવસ પણ આવી પહોચ્યો.. દાંડીયારાસમાં ધૂમ મચાવીને સૌ કોઈ થાકીને લોથપોથ થઇ ગયા હતા.. એક વાગ્યે બધા સુવા ભેગા થયા.. આમ ને તેમ કેટલાય પડખા બદલ્યા બાદ પણ કેમેય કરીને સુરેશભાઈને ઊંઘ નહોતી આવતી તેથી તેઓ આવીને શાંતાના ફોટા પાસે ઉભા રહી પોતાનું દુખ ઠાલવતા રહ્યા.. ને આખરે એ જ ઓરડામાં નીચે બેસતા જ તેમને ઊંઘ આવી ગઈ..


વહેલી સવારે પાંચ વાગ્યા ત્યાં જ અચાનક તેમની આંખ ખુલી..!! આજ તો દીકરીના લગ્નનો દિવસ હતો.. હવે એ ફક્ત પોતાની દીકરી નહિ રહે.. આજ પછી, ગળામાં એ મંગલસૂત્ર ધારણ કરીને, સેથામાં સિંદુર પુરાશે ત્યારબાદ એ કોઈની પત્ની, કોઈના ઘરની વહુ, કોઈની ભાભી તો કોઈની દેરાણી ને જેઠાણી બની જશે.. કઈ કેટલાય નવા સંબંધો જનમ લેશે.. આ બધા વિચારમાં ને વિચારમાં સુરેશભાઈ આખો દિવસ થયેલી દરેક વિધિ સમયે પણ ગુમસુમ જ રહ્યા..


આખરે જાન આવી.. પહેલા અકીર્તન સાથે ગોરમહારાજે અમુક વિધિ કરી ને પછી વાજતેગાજતે માંડવે અભિલાક્ષીની પધરામણી પણ થઇ.. પોતાના પિતાનો હાથ પકડીને જ તે માંડવામાં દાખલ થયેલી..!! અત્યંત સુંદર લાલ ચણીયાચોલીમાં તે સોહામણી લાગતી હતી.

સુરેશભાઈએ પોતાના હાથે તેના કાન પાછળ કાળું ટપકું કર્યું હતું.. કન્યાદાનના સમયે સુરેશભાઈ તેમના મિત્રને બોલાવવા જતા હતા.. સગામાં કોઈ ખાસ નજીકના હતાનહી.. એક મિત્ર હતા જે પોતાની પત્ની સાથે કન્યાદાનમાં બેસવાના હતા. એકલા બાપથી તો કન્યાદાન ના થાય..!! એ જેવા નીચે ઉતર્યા કે અભિલાક્ષીએ તેમને રોકીને કહ્યું,


“પપ્પા.. ક્યાંય જવાનું નથી. કન્યાદાન તમારા જ હાથે થશે.. અને મારી નવી માંના હાથે.. કેમ બરાબર ને સાસુજી??” આ સાંભળતા જ સુરેશભાઈ સહેજ ચોંકી ગયા.. સુલોચનાબહેન થોડા મલકાયા અને અકીર્તન તથા કીર્તન્યા અભિલાક્ષીની બાજુમાં ઉભા રહી ગયા. “પાપા.. આખી ઉમર તમે એકલા રહ્યા.. મારા માટે થઈને લગ્ન પણ ના કર્યા.. પણ હવે જતી જિંદગીએ તમારે એકલા નથી રહેવાનું.. ઘડપણમાં જ તમને કોઈના સાનિધ્યની, સહવાસની જરૂર પડે એ તમે જ મને કહેલું ને?? તો એ વાત તમારા પર પણ લાગુ પડે.. પપ્પા મારા સાસુ પણ એ જ તબક્કામાંથી પસાર થઇ રહ્યા છે જ્યાં તમે ઉભા છો.. જીવનના આ મુશ્કેલ પડાવ પર એકબીજાનો સાથ તમને અચૂક હુંફ અને સધિયારો આપશે..!!

હું અખાત્રીજ પર ઘરે ગઈ ને ત્યારે મેં પહેલા અકીર્તન સાથે વાત કરી.. તેમને મારી વાત યોગ્ય લાગતા કીર્તન્યાને પણ અમે વાત કરી ને આખરે મારા સાસુને.. શરૂઆતમાં સાસુમાને આ વાત સાંભળી ઝાટકો લાગ્યો.. પણ મેં અને અકીર્તને તેમને સમજાવ્યા.. બધી બાબતો વિશે વાત કરી. એકલતાના ડંખ કેવા અસહ્ય છે તે તો તેઓ પણ બે વર્ષમાં જાણી ચુક્યા હતા.. ને આખરે તેઓ માન્યા..!!!


આજે મારી સાથે તમારા પણ લગ્ન થશે પપ્પા.. અને કન્યાદાન પણ તમે જ આપશો. અને મારા સુલોચનામમી..!!! ને હા એક બીજી વાત.. આ મારા તરફથી તમને મધર્સ ડેની ભેટ જ છે પપ્પા.. તમે બાળપણથી મને માંની જેમ ઉછેરી છે. મને દરેક પ્રકારની સમજણ અને સંસ્કાર આપ્યા છે.. મારી માં બનીને મને રોટલી વણતા શીખવી છે અને મારા સ્ત્રીશરીર વિશેના ફેરફારો અંગે માહિતગાર પણ કરી છે.. તમે આજ સુધી મારા મમી ને પપ્પા બંને બનીને જીવ્યા છો. હવે પતિ બનીને ફરી જીવો..


“હેપી મધર્સ ડે પપ્પા.!!!” જતી જિંદગીએ એકબીજાનો સહકાર મળવો તે પરસ્પરના સહવાસ કરતા વધુ એકબીજાની હૂંફને આભારી છે.. ચાલો આવો પપ્પા, આવો મમી..!! કન્યાદાન કરો ને પછી તમે પણ આ જ માંડવે બેસીને એકબીજાને હૂંફના કોલ આપજો..” ને અભિલાક્ષીની આ વાત સાંભળી ત્યાં હાજર સૌ કોઈની આંખમાં આંસુ આવી ગયા. હર્ષના આંસુ. બાપ-દીકરીના પ્રેમને જોઇને નીતરેલા એ અનેક નયનોમાં ખુશી છલકાતી હતી..!!

લેખક : આયુષી સેલાણી

મિત્રો, આ મારી એક પ્રાયોગિક સ્ટોરી હતી.આપ સૌ ને કેવી લાગી ? તમારા મંતવ્યો આવકાર્ય..

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

ફક્ત 2 સેકન્ડ કાઢી આપ સૌ ને ઉપરનો લેખ કેવો લાગ્યો એનું રેંટિંગ કોમેન્ટમાં નીચે મુજબ અચૂક આપજો !

1. બહુ જ સરસ લેખ હતો = 10

2. બહુ ના મજા આવી = 8

3. ઠીક હતો = 5

4. બોગસ = 2

તમારી કોમેન્ટ્સથી અમને વધુ સારા લેખો લાવવા જરૂરી માહિતી મળી રહેશે !

– તમારો જેંતીલાલ