બેટી બચાવો – એક સ્ત્રીને એક સ્ત્રી જ સમજી શકે આ વાર્તા તેનું જીવતું જાગતું ઉદાહરણ છે…

રોટલી વણતાં વણતાં મનીષાના હાથ અટકી ગયા. તેના સસરા ભુપતભાઇ જમતા જમતા કહેતા હતા. ” આજે તમે અને મનીષા લેડી ગાયનેક ડોક્ટર પરમારની હોસ્પિટલ જઇ આવો. અને જો રિપોર્ટ સારા હોય તો, મિઠાઇ લઇને જ ઘરે આવજો હો !!” મનિષા ના સાસુ વિજયાબેન બોલ્યા,” હા આ વખતે મારા ઠાકોરજી સારૂ જ કરશે!! આપણી આ શિવાની, આજકાલ કરતા… પાંચ વર્ષની થઈ ગઈ !! તેને રાખડી બાંધવા ભાઈ તો જોઈશે ને !'”


ભુપતભાઈ કહે, ” રાખડી તો ઠીક !, પણ, આટલો મોટો કારોબાર, સંપત્તિ અને વૈભવનો વારસદાર જરૂરી છે… અને સાંભળો … સારા રિપોર્ટ આવે તો તો ઠીક !!પણ જો વિજ્યાં, દીકરીનો રિપોર્ટ આવે તો મને પૂછવા ની રાહ ન જોતાં… ડોક્ટરની અપોઇમેન્ટ લઇ લેજો.. હું આજે જ ફોનમાં ડૉક્ટર સાથે વિગતવાર વાતચીત કરી લઈશ !!”

મનીષા ધ્રુજી ઉઠી!! અનાયાસે તેનો હાથ, પોતાના પેટ પર ગયો… આ વખતે , મારા પેટમાં જો દીકરી હશે તો ????..
મનીષાને ગઈકાલે જ તેમના સમાજમાં યોજાયેલ “ભૃણ હત્યા વિરોધ – “બેટી બચાવો” ના સંમેલનમાં મોવડી મંડળના આગળ પડતા તેના સસરા ભુપત ભાઈ નું ભાષણ યાદ આવ્યું !!


ભૃણહત્યા એ મહાપાપ છે !!! “બેટી બચાવો” એ આજનો નારો છે !! સમાજમાં જાગૃતિ લાવી ,ભૃણ હત્યા અટકાવો… ” બેટી બચાવો” એ આ સમયનું મહત્વ અભિયાન છે.આ માટે આપણા સમાજે આગળ આવવું પડશે !!”

“કેટલી મોટી મોટી વાતો !!!” અને આવી વાસ્તવિકતા !! નર્યો દંભ ?? “તેનો જીવ ચૂંથાવા લાગ્યો.. મોળ આવવા લાગી.. એનું મોં બગડી ગયું.. એટલામાં , વિજયાબેન રસોડામાં આવ્યા અને કહ્યું, ” બાકી રહેલી રોટલી હું બનાવું છું !! તું જઈને આરામ કર ! પછી આજે પાંચ વાગ્યા બાદ ,ડોક્ટર પરમારની હૉસ્પિટલે જવાનું છે ! “

મનીષા તેના બેડરૂમમાં, AC ચાલુ કરી, હૂંફાળો બ્લેન્કેટ ઓઢી, વિચારે ચડી તેને કાંઈક કહેવું હતું !!! ઘણું બોલવું હતું ! વિરોધ કરવો હતો !! પણ, સાધારણ સ્થિતિના કુટુંબમાંથી કરોડપતિના એકના એક દીકરાની પત્ની બનીને આવ્યા પછી ઓછુ બોલવું, ન બોલવું, આમન્યા માં રહેવું, મોટા કુટુંબના ખોટા માભા તેને આવડી ગયા હતાં. મોટા હોવાનો દંભ તેને એક આભૂષણની જેમ વીંટાઈ ગયું હતું !!… વળી મનીષા જાણતી હતી કે તેના પતિ જતીન માં પણ સ્વતંત્ર નિર્ણય કરવાની તાકાત નથી તે આંખ બંધ કરી પડી રહી…..


નક્કી કરેલા સમય મુજબ, સાસુ-વહુ ગાડીમાં બેસી હોસ્પિટલે આવ્યા . ….ત્યાં મોટું બેનર મારેલું હતુ. “ભૃણહત્યા વિરોધી, બેટી બચાઓ અભિયાન !!” એ પણ લખ્યું હતું, ” જાતિ પરીક્ષણ કરવું અને કરાવવું બન્ને ગુનો બને છે.” દીકરીનું એબોર્સન કરાવવું ગેરકાયદેસર છે”
સરકાર ગમે તેટલા કડક કાયદા કરે પણ, કહેવાતા મોટા લોકોને કોઇ જ કાયદો બાંધી શકતો નથી. ” ટેસ્ટ માટે પણ !!!અને ભ્રુણ હત્યા માટે પણ !!! “”

થોડીવારમાં સોનોગ્રાફી મશીન ચાલુ થયું અને એનું ડિવાઇસ મનીષાના પેટ પર ફરવા લાગ્યું… તેને થયું, ” કાશ .. !!! મારા પેટમાં નર બેબી હોય … !!!” તેને મનમાં તો ગઈકાલે સાંભળેલ “દીકરો દીકરી એક સમાન” એ જ સત્ય હતું પણ , હાય રે !!!આ દંભી સમાજ !!! “

ડોક્ટરે તેનું કામ પૂરું કર્યું…પછી,મનીષા અને તેના સાસુ બેઠા હતા ત્યાં આવી લેડી ડોક્ટર પરમાર બોલ્યા, ” આ વખતે પણ female baby છે. ફેક્ટરીમાંથી શેઠ ભુપતભાઈનો ફોન હતો કે –ફિમેલરીપોર્ટ હોય તો..મોડું ન કરતા, એપોઇન્ટમેન્ટ આપી દેજો ..”” વિજયાબેન બોલ્યા,” અં… હા.. હ…” તો પછી ડોક્ટર કહે, ” તમે પરમદિવસે આવી જાવ તો…” વિજયાબેન કહે,” અમેં હવે ઘરે જઇને કહેવડાવશું !”


મનીષા અવશપણે તે બંને સામે જોઈ રહી !…તે ખૂબ ગમગીન થઈ ગઈ.. ગાડીમાં ઘરે પાછા ફરતા … ત્યારે મનીષા વારંવાર… પોતાના પેટ પર અનાયાસે હાથ ફેરવી રહી…જાણે કે શિવાનીની નાનકડી પ્રતિકૃતિ તેને કહી રહી હતી… ” મા!!, માં !, બચાવ મને !!,, મનીષા લાચાર હતી! તે મનોમન બોલી ઉઠી,,, ” જા તારા દાદીના દિલમાં જઈને કહે ” વિજયાબેન તેની સામે જોતા હતા… મનીષાએ તેની આંખોમાં આંખો માંડી !! એ આંખો દ્વારા હૃદય માં ઊતરીને સૂતેલા અંતરાત્માને જગાડવા !!!”


ત્યાં ઘર આવી જતાં ગાડી ઉભી રહી સાસુવહુ બંને અંદર આવ્યા…

થોડી વારમાં તો..સાંજ પડતાં જ ફેક્ટરીએથી ભુપતભાઇ આવ્યા. અને તેમનું મોં જોઈને મનીષા સમજી ગઈ કે એના સસરાને ડોક્ટર સાથે વાત થઈ ગઈ છે. ચૂપચાપ જમીને ભુપતભાઈ વિજયાબેનને કહેવા લાગ્યાં …. “પરમદિવસ ની અપોઈન્ટમેન્ટ કેમ ન લીધી ???? મેં અગાઉથી બધું જ સાવધાનીપૂર્વક વિચારી લીધુ હતું, અત્યારે તો તું જાણે છે ને ?? કાયદા કડક થતાં જાય છે !!!પણ, આપણને વાંધો નહીં આવે !! મેં ડોકટરને સારી એવી રકમની ઓફર કરીને તૈયાર કરી લીધા છે. અને વળી, ‘આમાં’ મોડું કરવું સારું નહીં !!તું કેમ કંઈ બોલતી નથી ???


કહીને ભૂપતભાઇ ડાયનિંગ ટેબલથી ઉભા થઈ અને હિંચકે બેઠા !! વિજયાબેન મુખવાસ લઈને આવ્યા અને તેમને આપતા બોલ્યા, ” હું કંઈ બોલું ???

…. તો સાંભળો !!ગઈકાલે, તમે કરેલા ભાષણથી ભૃણહત્યાની ભયાનકતા, સમાજમાં સ્ત્રી પુરુષના જન્મદરની અસમાનતા, પુત્રમોહની અજ્ઞાનતા …. આ બધી વાતો, શું ખાલી, ખાલી કહેવાની જ હતી ???પણ, એમનું કાંઈ આપણને લાગતું-વળગતું નથી ??? દીકરીઓ તો હોવી જ જોઈએ … પણ આપણા ઘરે નહિ.. બીજાને ત્યાં..આ ક્યાંનો ન્યાય ??

સમાજમાં સારી વાતો કરવી અને ફક્ત સૂફીયાણી વાતો કરવી એ આપણને શોભે ખરા ?? શું આપણે એવા દંભી છીએ ?? હાથીના દાંતની જેમ…
દેખાડવાના જુદા ને ચાવવાના ય જુદા ?? બેટી બચાવો એ શું ખાલી બોલવાનું જ છે ?? બચાવવાની નથી ??આપણે આ દોમદોમ સાહ્યબી છે. શેની ખોટ છે આપણે ?? “


ભુપતભાઇ કહે, ” …ખોટ ને ??? જો આપણે એક નો એક જ પુત્ર અને એ જ પુત્રની ઘરે જ દીકરો ન હોય તો આ બધી ઝંઝાળ !! વહીવટ !! સંભાળવા…”

વિજયાબેન કહે, ” તમે જ કહેતા હતા કે હવે યુગ બદલાયો છે,દીકરી પણ દીકરો થઈને ઉભી રહે છે, અને પુત્રની બધી જ ફરજ અદા કરી શકે છે,અત્યારે યુગ પરિવર્તનનો સમય છે !! તો પછી..?? જુઓ તમે જ વિચાર તો કરો કે, આપણી પૌત્રી શિવાનીના પગે જરા ઠેસ વાગે તો પણ તમારૂ કાળજું કંપે છે !! અને તમે આખું ઘર માથે લો છો !! લાડકી શિવાની માટેનું આ હેતાળ દાદા નુ દિલ આ બીજી નાનકડી શિવાની દીકરી માટે, કેમ પથ્થરનું બન્યું ??? બેટી બચાઓ… બેટી બચાઓ.. અભિયાન ક્યાં ગયુ ?? હવે જે જન્મ લેવાની છે તે પણ નાનકડી ઢીંગલી તમારી જ પૌત્રી છે !!બેટી છે!! તેને જન્મ પહેલા જ તેની હત્યા શા માટે ??? બોલો… શા માટે ??…”અને વિજ્યાબેન રડી પડ્યા…

ભુપતભાઇ ઉભા થઈ ગયા… વિજયાબેનને ખભે હાથ મૂકી કહેવા લાગ્યા… ” વિજુ !, આજ સુધી મેં બેટી બચાઓ.. બેટી બચાઓ. ..વિશે ઘણા ભાષણો સાંભળ્યા અને લોકોની સામે ભાષણો કર્યા પણ ખરા !! તેની મારા ઉપર કાઈ અસર નહોતી થઈ …. પણ તારી વાત સાંભળી, આજે મારી આંખો ખૂલી ગઈ… મોટાઈના નાદમાં, સમાજના દંભી જીવન-વ્યવહારમાં, હૂં પણ એકજાતનો દંભ જ કરતો હતો!! આંખ પાસે દંભના અંચળા દૂર થઈ ગયો. બધુ પારદર્શક દેખાય છે !! અને મારે પારદર્શી જીવન બનાવવું છે.વિજુ !!, આ ઘરમાં હવે ભલે બીજી દીકરી નું આગમન થાય તેને વધાવવા હું તૈયાર છું !!! “


તેઓ ઝડપથી સેલફોન હાથમાં લીધો અને તેના પુત્ર જતીનને ફોન પર જ કહેવા લાગ્યા… ” તું ઘરે આવ.. અને હા, મીઠાઈ લેતો આવજે !!ભગવાને તેને બીજી દીકરીનો બાપ બનવાનું સૌભાગ્ય આપ્યું છે !!”” વિજયાબેન તો મલકતા મલકતા રસોડામાં આવ્યા… હવે તેણે મનીષાની આંખોમાં આંખો માંડી… જાણે કે આંખો દ્વારા તેની અંદર ઊતરીને જાણે પૌત્રીને કહેતા ન હોય ??

“””કેમ બચ્ચી, કૈસી રહી…??? “””

મનીષા સાસુ પાસે આવી. તે ગળગળી થઈ ગઈ. સાસુને પગે લાગવા નીચે નમી કે તરત જ વિજયાબેને, બે હાથેથી તેને રોકી અને હૃદયસરસી ચાંપીને કહે, …..”કેમ બેટી ! તું બોલે નહિ તોય.. હું તારી લાગણી સમજી ન જાવ ?? એક સ્ત્રી જ બીજી સ્ત્રીની વાત સારી રીતે સમજી શકે !! આજે આપણે સ્ત્રી જાતિએ જાતે જ આગળ આવીને પોતે જ સમજવાની જરૂર છે… અને દીકરીઓને શિક્ષણ અને સંસ્કારની સાથે જીવનમાં આવતા નાના મોટા સંઘર્ષોનો સામનો કરી, એમાંથી રસ્તો કરીને, ચાલવાનું શીખવવાનું છે… અને આ પગદંડી બનાવવાનું છે જે આગળ જતાં ધીમે ધીમે રસ્તા બની ને રાજમાર્ગ બનશે !! ત્યારે આ સમાજને કોઇ સમસ્યા નહીં રહે !””


એટલામાં બાજુના ઘરેથી રમીને આવેલ શિવાની , ” દાદા !, દાદા !,” કરતી ભુપતભાઇ પાસે દોડી આવી અને બોલી.. ” દાદા !, આજે તમે મારા માટે શું લઇ આવ્યા છો ??? “

ભુપતભાઇ નીચા નમી શિવાનીને ઉંચકીને પપ્પી કરતા બોલ્યા, “” તું કહેતી હોય ને દીકરી !! કે આ ઘરમાં તને એકલા રમવું નથી ગમતું !! આજ હું મંદિરે જઈને ભગવાનને કહી આવ્યો કે ભગવાન તને એક નાની નાની બહેન આપે, જે નાનકડી બેન રોજ તારી સાથે રમશે , તારી સાથે સ્કૂલે જશે , અને તારી સાથે જ આ ઘરમાં મોટી થશે !!! .””

“Wow… ! દાદાજી યુ આર ગ્રેટ !!શિવાની નાચી ઊઠી !! ભુપતભાઇ હસીને કહે, ” ના!, ના !!, શિવાની, ગ્રેટ તો તારી દાદી છે !!! કેમ ખરુંને મનીષા બેટી ??” મનીષા સજળ નયને હસતી હસતી એના કામે લાગી..

લેખક : દક્ષા રમેશ

વાર્તા વિષે અભિપ્રાય કોમેન્ટમાં જરૂર આપજો, દરરોજ દક્ષાબેનની વાર્તા વાંચો ફક્ત અમારા પેજ પર.