બટેટા પૌઆ ની ટીક્કી – બટેટા પૌઆની આ નવીન વેરાયટી બધાને જરૂર પસંદ આવશે…

નાસ્તા માં બટેટા પૌઆ બધા ના ઘરે બનતા જ હોય છે. હું એ જ સામગ્રી માંથી બનતી ખૂબ સરળ અને સ્વાદિષ્ટ એવી બટેટા પૌઆ ની ટીક્કી ની રીત લઈ ને આવી છું. જે બહાર થી ક્રીસ્પી અને અંદર થી નરમ હોય છે. જે કોઈ પણ ટાઈમ પર સર્વ કરી શકાય એવી આ ટીક્કી છે.

સામગ્રી:-

4 -5 નંગ બાફેલા બટેટા

1 કપ પૌઆ ( જે બટેટા પૌઆ માં વપરાય છે)

1 કપ ઝીણી સમારેલી કોથમીર

1 ચમચી આદુ મરચાં ની પેસ્ટ

1 ચમચી લાલ મરચું

1/2 ચમચી ધાણાજીરું

1/4 ચમચી હળદર

1/8 ચમચી આમચૂર

1/4 ચમચી ચાટ મસાલો

ચપટી હિંગ અને

સ્વાદાનુસાર ગરમ મસાલો અને મીઠું

રીત:-


સૌ પ્રથમ બાફેલા બટેટાની છાલ ઉતારી ને હાથેથી માવો બનાવી લો. પૌઆ ને પાણી થી ધોઈ ને 5-10 મિનિટ માટે ચારણી માં રહેવા દો. હવે એક બાઉલ માં બટેટા, પલાળેલા પૌઆ, ઝીણી સમારેલી કોથમીર અને ઉપર જણાવેલા બધા જ મસાલા ઉમેરી ને બધું બરાબર મિક્સ કરો. હવે જરાક તેલ વાળા હાથ કરી ને નાના નાના બોલ બનાવી મેં ગોળ ટીક્કી નો આકાર આપી દો. તમે બીજો કોઈ પણ શેપ આપી શકો. હવે કડાઈ માં તેલ ગરમ થાય એટલે મધ્યમ થઈ તેલ આંચ પર બધી ટીક્કી ને બન્ને બાજુ આછા બ્રાઉન કલર ની થાય ત્યાં સુધી તળી લો. બહાર નીકાળી ને પેપર નેપકિન પર રાખો જેથી વધારા નું તેલ બધું નીકળી જાય. હવે આ ટીક્કી ને સોસ અને કોથમીર, મરચાં ની લીલી ચટણી સાથે સર્વ કરો…
નોંધ:-

બાફેલા બટેટા પાણી પોચા ના હોવા જોઈએ.

પૌઆ ને ધોઈ ને તરત ચારણી માં નીકાળી લેવા.

તમે આ ટીક્કી માં ડુંગળી અને પનીર પણ ઉમેરી શકો.

ટીક્કી બહુ ધીમા કે બહુ તેજ આંચ પર ના તળો…

ચાટ મસાલો ઉપર થી પણ સ્પ્રિંકલ કરો તો પણ ચાલે.

ચાટ મસાલો ઉમેર્યો હોવાથી મીઠું ધ્યાન થી ઉમેરો.

રસોઈની રાણી : જલ્પા મિસ્ત્રી (અમદાવાદ)