કોના વાંકે ? – મોટી બહેને કરેલ ભૂલની સજા નાની બહેન ભોગવી રહી છે, ક્યાં સુધી એ સવાલ એના મન પર છવાયેલો રહેશે…

અત્યારે સમય ઘણો બદલાયો છે.. સ્ત્રી માટે ! પણ, તૃષાની વાત સાંભળીને, નહિ રોકાતા આ મારા આંસુ … એક જ સવાલ વારંવાર કરે છે !!
આજની તૃષા ઉપર, જો વગર વાંકે , ઘા કરી કરી ને એના કાળજાને લોહીલુહાણ કરનાર આ સમાજે, પહેલાની સ્ત્રીઓ સાથે શું શું અત્યાચારો નહિ કર્યા હોય ??

ભણવામાં તેજસ્વી તૃષા , દશમાંનું પરિણામ લેવા પણ ઘરની બહાર ન જઈ શકી !! કારણ, તૃષા અને એની મમ્મીને પોતાના જ ઘરમાં નજરકેદ કરવામાં આવ્યા હતાં. નવ ધોરણ સુધી , તો તૃષા એક પતંગિયા જેવી.. મસ્ત મસ્ત.. હવાના ઝોકા સાથે ઝુમતી, નાચતી ગાતી જીવતી હતી.. પણ, આ વર્ષે, એની મોટી બહેન વર્ષાએ ભાગીને પ્રેમલગ્ન કર્યા…


અને.. તૃષાની જિંદગી બદલાઈ ગઈ !! તૃષાના પપ્પાએ આમ તો બે દીકરીઓને ક્યારેય લાડ ન્હોતા લડાવ્યા. તૃષા જ્યારે સાંભળતી.. દીકરી એટલે બાપનું હૃદય ! દીકરી, એટલે પપ્પાના વ્હાલનો દરિયો ! દીકરી, એટલે પિતાના આંગણાનું મુક્ત પંખી !!દીકરી એટલે ડેડીનું દિલ !! એ બધું સાંભળીને તૃષાની આંખોમાં કુતુહલ ઉમટી આવતું અને એ હરખભેર આમાનું કંઈપણ મેળવવા પપ્પા પાસે દોડી જતી !! ત્યારે પપ્પાની કોરીધાક આંખો અને મોમાંથી નીકળતી રાડ,. ” એ.. ક્યાં છો ?? બોલાવ આને આયાંથી ??” અને તૃષાની મમ્મી , તૃષાને લઈ જતી,.. ” પપ્પાને હેરાન ન કરાય !'” એમ ફોસલાવતી.


તેર ચૌદ વર્ષની દીકરી, એટલી જ ઉંમરના દીકરા કરતાં વહેલી, સમજદાર બની જાય છે. નાદાન તૃષાને એટલું સમજાતું ગયું કે… વગર વાંકે, મમ્મી અને પોતે, “પાડા ના વાંકે પખાલી ને ડામ” એ ન્યાયે, ન કરેલા ગુનાની સજા ભોગવીએ છીએ. પપ્પાએ, મોટી બેને ભરેલા આ પગલાંને કારણે, ઘણા વર્ષો સુધી આ મા-દિકરી સાથે બોલચાલનો વ્યવહાર બંધ કરી દીધો. જરૂર પૂરતા સંવાદ તૃષાથી નાનો એક દીકરો હતો એનાથી થતું હતું.અને પપ્પા તો હવે સમસ્ત સ્ત્રી જાતને નફરત કરતાં હતાં.

તૃષાને માત્ર ભણવાનું જ બંધ એવું નહોતું પણ, રાસ ગરબા .. બંધ મેળામાં જવાનું ..બંધ દીકરીઓના વ્રત તહેવારે જાગરણ… બંધ મામામાસીના ઘરે જવાનું… બંધ પીકનીક કે ઇત્તર પ્રવૃત્તિ નો વિચાર તો દૂર દૂર સુધી આવતો નહોતો. પણ, તૃષાના મનમાં હજુ પ્રશ્નનું બીજ અંકુરિત થતું હતું.. “આ સજા કોના વાંકે ???”


સંકુચિત સમાજમાં મોટી દીકરીના પ્રેમલગ્નની સજા, આ ઘરને મળેલી અને તૃષાના ભાઈના લગ્ન માટે કોઈ, ઠેકાણું પડતું નહોતું. અને એના ઉકેલ માટે પણ, તૃષા નો જ ભોગ લેવાયો !!! પોતે મોટી હોવા છતાં, ત્યાં સુધી એનું લગ્ન નક્કી ન કર્યું , જ્યાં સુધી.. કોઈ એક જગ્યાએથી સ્વીકારવામાં આવ્યું કે એમની દીકરી આ ઘરે આપી ને તૃષા ને વટાવવામાં આવી.. બાર્ટર સિસ્ટમનો હલકા માં હલકો દાખલો !!!

એક જીવતી જાગતી વ્યક્તિનો વસ્તુ વિનિમય !! તમે મને ‘પેલું’ આપો તો હું તમને ‘આ’ આપું !! તમે મારા દીકરા માટે “વહુ” આપો તો હું તમને મારી “દીકરી” આપું, તમારા દીકરા માટે !! તૃષાને કઈ પૂછવામાં ન આવ્યું, અરે, બલિ ના બકરા ને કોણ પૂછે?? કેમકે બકરાને, કોઈ જાતની ચોઈસ આપવામાં આવતી જ નથી !! ત્યારે, એ સમયે તૃષાના મનનો સવાલ અંકુરિત થઈ માનસપટ પર ઊગ્યો .”.. કોના વાંકે ???” છતાં , હસતાં મુખે એ વખતે, તૃષા .. જીવતેજીવ અગ્નિચિતા પર ગોઠવાઈ સતી બની !! વગર જૌહરે.. આ કેવું જૌહર ???


ચોરીના એક એક ફેરે.. અગ્નિની સાક્ષીએ .. સંસારમાં પગલાં માંડવા ને બદલે.. સંસારમાં ધક્કો મારવામાં આવ્યો !! હવે નવો પ્રશ્ન!! આ સામસામે નણંદ ભોજાઈ … સામસામે સાસરે.. સામસામે પિયર !!

અને તેથી જ તૃષાની ટિપિકલ સાસુ, પેલી હિન્દી સિરિયલ જેવી જ, વહુ પર ત્રાસ ગુજારવામાં જરાય અચકાય નહિ !! અને એક વાત ઉપર તૃષા પર મહેરબાન !! વાર તહેવારે.. પિયર મોકલવાની ખુબ ઉતાવળ !! કેમ ?? તું પિયર જા.. ને ..મારી દીકરી ને જલ્દી અહીં મોકલ !! બસ !! દીકરીને પોતાની પાસે બોલાવવા માટે , કોઈ ને કોઈ બહાને, વાર તહેવારે, તૃષાને જલ્દી જલ્દી પિયર ધકેલે !! તૃષા ને મનમાં એમ કે સારું ! મારેય થોડા દિવસ ની શાંતિ !! પણ, ના.. તૃષા ને વળી કેવી શાંતિ ??

Concerned mixed race woman sitting on sofa

ભાઈ અને મમ્મી, બન્ને ફરિયાદ કરવા લાગ્યા.. ” તૃષા !! તું વારંવાર અહીં દોડી ન આવ ! તું આવે ને ભાભી વારેવારે પિયર ભાગે છે !! અને એનો જીવ જ અહીં લાગતો નથી. તું ઓછી આવે તો ભાભી નું મન પણ અહીં બેસતું થાય !” તૃષા ખૂબ શાંતિથી સમજાવવાનો પ્રયત્ન કરે કે ” મને મારા સાસુ ધકેલે છે, હું જાતે નથી આવતી , મને તો ધકેલવામાં આવે છે !! ” પણ, આ સમજાવવામાં જીભ ઓછું ને આંસુ વધારે કામ કરે !! અને અહીં પિયરમાં, ભાઈ ના આગ્રહથી મજબૂર મા, તૃષા રૂપી દડાને અહિથી ત્યાં ફટકારે ! અને થોડા જ દિવસમાં દીકરીના પ્રેમની ભૂખી મા, તૃષાની સાસુ,તેને ત્યાંથી અહીં, ફરી ને ફરી.. પાછી પિયર ધકેલે !! ફટકારે… દડાં રૂપે !!

હવે તૃષા નો સવાલ નો છોડ, ફુલ્યો .. ફાલ્યો… !! “કોના વાંકે ???” આમાં તૃષા નો પતિ તો બેક્સ્ટેજ માં ધકેલાઈ ગયો !! ભુલાઈ જ ગયો !! કેમ કે તૃષા નો પતિ, એક હાલતું ચાલતું અને સજીવ રમકડું હતું. જે પોતાના મમ્મી, પપ્પા .. ના દોરીસંચાર થી ચાલતો !! એની પોતાની કોઈ ઈચ્છા, આકાંક્ષા નહોતી. એ તૃષાનો પતિ એ ફક્ત પતિ.. હતો.

જેમ કે કમાઈ ને લાવતો પણ, એ મમ્મી ને જ આપતો. તૃષાને પોતાની ભૂખ મિટાવવા માટેનું સાધન માનતો, પછી એ પેટની હોય કે પૌરુષત્વ ની હોય !! બસ, એ જ એમનો સબંધ !!


હવે, તૃષાની નણંદ, જે ભાભી બની પણ … સારી પત્ની ન બની શકી કે ન સારી વહુ !! એ રિસામણે આવી .. અને .. એ સાથે જ .. તૃષાને કઈ જ પૂછ્યા વગર !!!,… વગર વાંકે પિયર ધકેલી.. તૃષા આ વખતે પિયર મોકલવામાં આવી, રિસામણે !! એ દુર્ભાગી છોકરી એ અહીં આવીને પૂછ્યું, કે મારી નણંદ કેમ, શા માટે રિસામણે આવી ?? એ તો કહો !! કે મને શા માટે રિસામણે મોકલી દેવામાં આવી ??” હવે પેલો સવાલ.. ??
સળવળ્યો.. “કોના વાંકે ???”

હવે એ રિસામણે મોકલાઈ, ત્યારે એ એકલી નહોતી.. એને એક દીકરો પણ, હતો. એક દિકરાની મા !! એની ભાભીને દીકરી હતી. પણ, તૃષા ને હજુ ય દંડ, સજા !! પનીસમેન્ટ !! આ વાતમાં તૃષાના બાયોલોજીકલ (?) પિતા અને સસરા , બન્ને વેવાઈને બોલાચાલી થઈ ગઈ.. આ તું તું મેં મેં .. માં ચડસાચડસી વધી ગઈ અને વાત વણસી ને વટ્ટે ભરાણી !! આ ઘટનામાં કેટલાનું જીવન બગડતું હતું ?? બે યુવાન દીકરા, બે આશા ભરેલી દીકરી, અને બન્નેના બચ્ચા… એમ બે ઘરના છ જીવોની જિંદગી બગડતી હતી. એ જ પ્રશ્ન સતાવે તૃષાને …” કોના વાંકે ??..”


કોઈ સામાજિક પ્રસંગોએ મળેલા જ્ઞાતિજનોના મોવડીઓએ વચ્ચે પડીને બન્ને વેવાઈને સમજાવ્યા. “તમારા વટ્ટ ને કારણે આ બધાની જિંદગી ન બગાડો.”
સમાજની શરમે વડીલો ઝુક્યા અને તૃષાનો સંસાર રથ ફરી પાટે ચડ્યો. અને તૃષા, ફરી એક બાળકની માં બની. એણે એક સુંદર દીકરીને જન્મ આપ્યો.. પણ, વિધિની વક્રતા જુઓ.. એ બાળકી.. હજુ તો કાલીઘેલી ભાષામાં પપ્પા બોલતાં શીખે એ પહેલાં જ તૃષાના પતિ નું એક એક્સીડેન્ટમાં મૃત્યુ થયું !! અને શોધખોળ, કેસ અને તપાસ ને અંતે માલૂમ પડ્યું કે, તૃષા નો પતિ અને એના દોસ્ત નશો કરીને ડ્રાઈવ કરતાં હતાં !

હવે, બે નાના નાના બાળકોની માતા ભરયુવાનીમાં જ વિધવા બની..!! પણ, હું આ સમાચાર સાંભળીને તૃષા પાસે, એના પતિના મૃત્યુ નિમિતે બેસવા ગઈ.. મારા આંસુ રોક્યા રોકાતાં ન્હોતા… હું એને કેવી રીતે અને શું આશ્વાસન આપું ?? બોલવા જતા પહેલા ધ્રુસ્ફુ નીકળી ગયું અને તૃષાએ મારા માથા પર હાથ મૂકી મને છાની રાખી. રડતી આંખોએ, હું કઈ બોલી તો ન શકી પણ, મારાથી તૃષા સામે જોવાઈ ગયું.. એ આંખો માં પેલો પ્રશ્ન સળગતો હતો.. મારી આ હાલત !! …”..એ પણ, કોના વાંકે ???”


જુલમી સાસુએ જૂનો જ રાગ આલાપ્યો, ” આ ભમરાળી, મારા દીકરા ને ભરખી ગઈ!!” તૃષાને સાસરે, એનો પતિ જ એકમાત્ર કમાનાર હતો. સસરા, રોગીયલ ને ઘણા વખતથી નિવૃત !! સાસુને તો જીભડી સિવાય કશો ઉપયોગ કરતાં નહોતું આવડતું. તૃષાને, ભણવા તો દીધી નહોતી.. હવે એ જાય તો ક્યાં જાય ?? કોને કહે ?? શુ કરે ?? દુઃખ ના ડુંગરા હેઠળ દબાયેલી તૃષા… બસો, પાંચસો રૂપિયા માટે પારકા કામ કરવા, વાસણ કચરા , ઝાડુ પોતા કરવા જાય છે !! જીવનનું ગાડું ગબડાવે છે !! દયનીય હાલતમાં.. પણ, મને ય પેલો પ્રશ્ન રોવડાવે છે !! કોના પાપે ?? કોના વાંકે ?? કહો ને..

લેખક : દક્ષા રમેશ “લાગણી”

આપની પાસે હોય આ સવાલનો જવાબ તો કોમેન્ટમાં જરૂર જણાવજો, દરરોજ દક્ષા રમેશની વાર્તા વાંચો ફક્ત આપણા પેજ પર.