બાનું સરનામું – એક વૃદ્ધ માતાની લાગણીસભર વાર્તા, ઈશ્વર કોઈને આવા ચાલક દિકરા ના આપે…

‘બા હવે હું જાઉં છું…‘ રાતે અગિયાર વાગ્‍યે અરવિંદે બારણામાં ઊભા રહેતા કહ્યું : ‘માટલીમાં પાણી ભરી દીધું છે, નવી છે, પાણી ઠરતાં વાર લાગશે. પણ પછી તો પાણી ખૂબ ઠંડુ થશે. તમારી ‘કૃષ્‍ણ છાપ‘ છીંકણી (સુંઘવાની બજર) ટિપોઇ ઉપર મૂકી છે અને એની બાજુમાં જે તમે લગાવેલો દાંત ઘસવાનો પાઉડર પણ મૂક્યો છે. રૂમમાં જે લાલ રંગનો ઝીરો બલ્‍બ હતો તે બદલાવીને સફેદ રંગનો ચડાવી દીધો છે. નાસ્‍તો અને ચા સવારે આઠ વાગ્‍યે રૂમ ઉપર જ આવી જશે અને હા, એક તમારી તુલસીની માળા અને એક સોમવારની વાર્તાની ચોપડી બાકી રહી ગયા છે તે કાલ લેતો આવીશ.

બાકી, કોઇ તકલીફ હોય તો અહીં પારેખકાકાને કહી દેવાનું. બસ, તમારે અઠવાડિયા જેવું જ એકલા રહેવાનું છે, આ રૂમમાં ! પછી તો પુષ્‍પા બા આવી જશે. એ પણ અદલોઅદલ તમારી જેવડાં જ છે અને તમારી જેવા જ છે. અઠવાડિયું નિભાવી લો, પછી તમારી અને પુષ્‍પાબાની કંપની જામી જશે. એમની સાથે તમોને ખૂબ મજા આવશે… હોં કે.‘ જવાબમાં વિદ્યાબા ‘એ હા ભાઇ‘ બોલ્‍યા એટલે અરવિંદે ફરીને કહ્યું : ‘હવે હું જાઉં છું. પણ તમે મનમાંથી બધી જ આધિ, વ્‍યાધિ અને ઉપાધિ કાઢીને સૂઇ જાવ. હું હવે કાલે દસ વાગ્‍યે આવીશ.‘ એમ કહીને રૂમ છોડી ગયો ત્‍યારે વિદ્યાબાની પાતળી પાંપણને છેદીને આંસુઓ છેક ગાલ સુધી રેલાઇ આવ્‍યા હતા.

વૃધ્‍ધાશ્રમમાં હવે કોલાહલ શાંત પડી ગયો હતો પણ વિદ્યાબાના કાળજા ઉપર મોટી વહુના વેણ ધગધગતો અંગારો બનીને ઊનાઊના ડામ દઇ રહ્યા હતા. નહીંતર એકના વગરની ત્રણત્રણ વહુઓ હતી છતાં, પોતાને આજે વૃધ્‍ધાશ્રમમાં રહેવાનો વારો આવ્‍યો હતો. પણ પછી વિદ્યાબાએ મનને વાર્યું; પેલા બે ને તો ક્યાં ખબર જ હતી કે બાને વૃધ્‍ધાશ્રમમાં મોકલવાનો પ્‍લાન થઇ ચૂક્યો છે.

આ મોટો જગદીશ અને એની પત્‍ની મોના, એમાંયે ખાસતો મોનાની ચાલાકી હતી પોતાનેવૃધ્‍ધાશ્રમમાં ખોસી દેવાની ! પણ હા, જગદીશ ભલે પોતાનો દીકરો હતો પણ એ પત્‍ની સામો ન થઇ શક્યો. જાણે એ પત્‍નીના હાથનું ચાવી દીધેલું રમકડું હતો. વચેટ જ્યોતિ અને નાની અનિતા આવી લુચ્‍ચાઇ ન કરે એની તો વિદ્યાબાને ગળા સુધીની ખાતરી હતી. તેમના માનસપટ પર રહી-રહીને બધી ઘટનાઓ તાદૃશ્‍ય થઇ રહી.

પતિ ગામડામાં શિક્ષક હતા. ટૂંકા પગારમાં એમણેય નાના ભાઇભાંડુઓને ભણાવ્‍યા, ગણાવ્‍યાં અને નોકરીએ વળગાડ્યાં ત્‍યાં પોતાનાં સંતાનો મોટાં થઇ ગયાં. ત્રણેય દીકરાઓને ઉચ્‍ચ શિક્ષણ આપ્‍યું. પોતે પેટે પાટા બાંધીને રહ્યા પણ ઉછીના પાછીના, મંડળીની લોન, જીપીએફના ઉપાડ, વિદ્યાનું ઘરેણું વેચીનેય પણ જગદીશને એમ.કોમ. બી.એઙ સુધી, શરદને એમ.એસ.સી. અને નાના વિમલને મિકેનિકલ એન્જિનિયરિંગ સુધી ભણાવ્‍યો.

નિવૃત થતાં પૂર્વે ત્રણેયનાં લગ્‍નેય કરી દીધાં. અંતે ગામલોકોના આગ્રહથી પોતે અહીં જ રહી ગયા. પંચાયતે સસ્‍તા ભાવમાં સો વારનો પ્‍લોટ આપ્‍યો અને ગામલોકોએ શ્રમદાન કર્યું. એ વખતે પંચોતેર હજારમાં મકાન થઇ ગયું હતું. એટલે, ગયા ઉનાળામાં વેકેશનમાં મોના, જગદીશ અને બાળકોને લઇને આવેલી ત્‍યારે વાતવાતમાં વિદ્યાબાથી બોલાઇ ગયેલું. એ મોનાએ યાદ રાખ્‍યું. એટલે, બે‘ક મહિના પછી એણે વાત ઉચ્‍ચારી. જગદીશને સમજાવતાં, સોગઠું મૂક્યું : ‘આપણે આટલો ટાઇમ તો ભાડે રહ્યા હવે ઘરનું એક ઘર લઇએ તો?‘

‘પણ પૈસા?‘ જગદીશે વાસ્‍તવિકતા રજૂ કરી : ‘ફ્લેટ પણ પચચીસ લાખ સિવાય આવતાં નથી. અને લોન તો વધુમાં વધુ પંદર લાખ મળે…‘ ‘મૂળ તો દસનો જ વાંધો છે ને? એક કામ કરો આપણું પ્રતાપગઢ વાળું મકાન કાઢી નાંખો!‘

‘ગાંડી થઇ ગઇ છો?‘ જગદીશ ઊંચો થઇ ગયો. ‘બાનું મકાન ?‘ ‘તમે બાના નથી ? બા આપણાં નથી ? બાને આપણે લઇ આવીશું…‘ મોનાએ મન ભરીને જગદીશને સમજાવ્‍યો. જગદીશ કહે :‘ભાઇઓને શું જવાબ આપવો ?‘ ‘એમાં શું મોટી વાત છે ?‘ મોનાએ રસ્‍તો બતાવ્‍યો ‘હાલની બજાર કિંમત એના ૩૩.૩૩ ટકા લેખે બન્‍ને ભાઇઓને તમારે આપી દેવાના. એ ત્‍યારે આપવાના જ્યારે એ લોકો પોતપોતાનાં મકાન બનાવે અને એ ચોખવટ કરી લેવી.‘ જગદીશે કહ્યું : ‘સારું, પણ બાને વાત તું કરજે.‘ મોના કહે :‘બા સમજદાર છે, ના નહીં પાડે.

અને મોના એકલી જ ગઇ. આંસુ તો આંખની અંદર હોલસેલના ભાવે રાખી જ મૂક્યા હતા. વિદ્યાબા આંસુને જોઇને પીગળી ગયાં. મકાન અગિયાર લાખમાં ફૂંકી માર્યું અને જૂની ટંકડીઓ, જૂના બેગ-બિસ્‍ત્રા, જૂનો સરસામાન અને વિદ્યાબા આવી પહોંચ્‍યા. રકમ જગદીશે લઇ લીધી. નવું મકાન લઇ લીધું અને બાને બાલ્‍કનીમાં જગ્‍યા મળી. વિદ્યાબાએ કહ્યું : ‘ભાઇ, મને ત્‍યાં ટાઢ વાય છે. મચ્છરાં કરડે છે. રૂમમાં પથારી કરજે…‘ પણ મોનાને પોતાની પ્રાઇવસી ગુમાવવી પાલવે તેમ ન હતું. બે મહિના પછી તેણે જગદીશને કહ્યું : ‘ફર્નિચર હવે પોસાતું નથી. કાં ફર્નિચર નહીં કાં હું નહીં.‘
‘એટલે ક્યા ફર્નિચરની વાત કરે છે?‘

‘બા ની,‘ ઠંડે કલેજે મોના બોલી : ‘બા વાત-વાતમાં મને ટોક્યા કરે છે. ઝઘડો ઊભો કરવાની કોશિશ કરે છે. હું બહાર જાઉં તો ગમતું નથી, કોઇ પડોશી સાથે બોલું અને એમાંય સામેવાળા હર્ષદભાઇ, જોષીભાઇ, સ્‍નેહલભાઇ, જોરૂભા, સુંદરભાઇ કે મોહિત જોડે બોલું તો મને શંકાની નજરે જુએ છે. જગદીશે વિદ્યાબાને પૂછ્યું તો વિદ્યાબાએ કહ્યું : ‘પરપુરૂષો જોડે મર્યાદામાં તો રહેવું જોઇએ અને મેં તો માત્ર એક જ વાર વહુને આ બાબતે કહેલું.‘ પણ હવે મોના એમને ઘરમાંથી બહાર કાઢવાના પેંતરા ઘડતી રહી અને એમાં એની મમ્‍મીના સંપૂર્ણ માર્ગદર્શન તળે થતું હતું. જગદીશને તે શરીર આપીને બદલામાં ઘરનું સુખ છીનવી લેતી હતી. વાત ક્લાઇમેક્સ ઉપર આવી. ઘરનું વાતાવરણ ડહોળાઇ ગયું.

આમ પણ કહ્યું છે કે લવ ઇઝ બ્‍લાઇન્‍ડ. પુરૂષને ત્‍વચા,તન અને શરીર મળે ત્‍યાર પછી એ આંધળો બની જાય છે. એક બીજું કડવું સત્‍ય એ પણ છે કે જમાઇ, સાસુને મા ગણી સન્‍માન આપી શકે છે પણ વહુ કદી સાસુને જનેતા માની શકતી નથી.

મોના વીફરી ચૂકી હતી. એણે કહ્યું કે હવે હું સહન નહીં કરી શકું. અંતે જગદીશે વિદ્યાબાને વૃધ્‍ધાશ્રમ ભેટમાં આપ્‍યો. છતાં પણ વિદાય વેળાએ રડતા જગદીશને વિદ્યાબાએ કહ્યું : ‘બેટા, આમાં તું દોષતિ નથી. પણ, કાળજે એક કાંટો ખૂંચે છે કે હું મોનાને કેમ ન ઓળખી શકી ? આજે પ્રતાપગઢમાં ઘર હોત તો અહીં મારે આવવું ન પડત. પણ હું મુરખી ભોળવાઇ ગઇ…‘

-બીજે દિવસે કારભારી અરવિંદે વિદ્યાબા પાસે આવ્‍યો. કહ્યું : ‘બા, પુષ્‍પાબાનો ફોન સવારે જ હતો. તમારી વાત કરી. તેઓ જાત્રા ટૂંકાવીને વહેલાસર આવી જશે. બસ, અઠવાડિયું છે.‘

‘મારે અહીંથી જવાનું પણ અઠવાડિયું જ બાકી છે ભાઇ‘ વિદ્યાબાએ પોરસાતા સ્‍વરે કહ્યું.

‘અરે વાહ !‘ અરવિંદ ખુશ થતો બોલ્‍યો : ‘ભાઇ તેડી જવાના છે ?‘ ‘ના… ના… મારો નાનો દીકરો આવી જશે તેડવા‘ વિદ્યાબાની છાતી ગજગજ ફૂલી રહી : ‘ત્રીજા નંબરનો દીકરો વિમલ, મારો લાડકો છે. એને ખબર પડી નથી પણ, મેં સવારે જ પારેખકાકા પાસે કાગળ લખાવ્‍યો છે… તમે જોજો ને… તેડવા આવવાનો.‘

-અને ખરેખર, વિમલનો પત્ર આવ્‍યો. ‘બા, અમે લોકો સતરમી મેએ વેકેશન પડે છે એટલે તરત જ તમારી પાસે આવીએ છીએ. વિદ્યાબાની આંખમાંથી અશ્રુ છલકાઇ વળ્યાં. પુષ્‍પાબાએ તેમને થપથપાવતાં કહ્યું : ‘ભાગ્‍યશાળી છો બા ! કે, ત્રણમાંથી એક તો રામ નીકળ્યો!! અને વિદ્યાબા પોતાનો સામાન પેક કરવામાં લાગી ગયાં.

અઢારમીની સવારે, જગદીશ-મોના એનાં બંને બાળકો, વિમલ-કુંજ એનાં બંને બાળકો, વચેટ શરદ-સુરભિ એની બન્‍ને બેબીઓ… આખો પરિવાર ઊમટી પડ્યો. બાળકો તો વિદ્યાબા ફરતે વિંટળાઇ વળ્યા. વહુઓ કિંજલ અને સુરભિ પણ પગે લાગી અને ત્રણેય પુત્રોએ ટ્રસ્‍ટીની રજા લઇ વિદ્યાબાને લઇને થાપનાથ મહાદેવ, એકલારા ડુંગર, એભલરાજાની ખાંભીએ, વણજારી વાવ, સુખિયા હનુમાન… બધેય જગ્‍યાએ જઇઆવ્‍યા. સાંજ પડી ગઇ.

વિદ્યાબા પુષ્‍પાબાને કહેતાં હતાં : ‘બેન, ભૂલચૂકમાંય કાંઇક આડુંઅવળું બોલાઇ ગયું હોય તો માફ કરજો. હું તો જો મારા નાના દીકરા સાથે આ ચાલી. તેઓ ઓફિસમાં નામ કઢાવવાં જ ગયાં લાગે છે…!!‘ પણ ત્‍યાં જ વિમલ આવ્‍યો. બોલ્‍યો : ‘બા, હવે તું મજામાં ને ?‘ જવાબમાં વિદ્યાબાનો ચહેરો ખીલી ગયો. : ‘હા ભાઇ… મજામાં હો…!!

‘હું ઓફિસમાં એટલા માટે જ ગયો હતો. આમ તો અહીં ખૂબ સરસ વાતાવરણ છે, સ્‍ટાફ પણ સારો છે…. છતાં પણ કોઇ તકલીફ હોય તો બોલ હું તને આના કરતાંય કોઇ બીજા સારા વૃધ્‍ધાશ્રમમાં શિફ્ટ કરાવી દઉં…‘

બા બિચારી શું જવાબ આપ ? જવાબ તો એની આંખો આપી રહી હતી.

લેખક : યોગેશ પંડ્યા

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !


– તમારો જેંતીલાલ