શિયાળા ની સિઝન માં શાક ખૂબ જ સરસ આવતા હોય છે. પરંતુ બાળકોને બધા શાક નથી ભાવતા હોતા. જો બાળકો ના નાસ્તા માટે એમના પસંદ નું જો કાંઈક પીરસવામાં આવે તો એમને મજા આવી જાય છે. દરેક મમ્મી કંઈક હેલ્ધી હોય એવું જ આપવાનો આગ્રહ રાખતી હોય છે. તો આજે લગભગ બધા જ બાળકો ના પ્રિય એવા વેજીટેબલ મન્ચુરિયન ડ્રાય ની રેસિપી લાવી છું..
ખૂબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક એવા વેજીટેબલ મન્ચુરિયન ખૂબ ઝડપ થી બની જાય છે .
સામગ્રી:-
મન્ચુરિયન બોલ્સ બનાવવા માટે
1/2 કપ કોબી ઝીણી છીણેલી
1/2 કપ ફ્લાવર છીણેલું
1/2 કપ ડુંગળી છીણેલી
1/2 કપ કેપ્સિકમ છીણેલું
1/2 કપ બીટ છીણેલું
1/2 કપ ગાજર ઝીણું છીણેલું
1/2 કપ મેંદો
1/2 કપ કોર્નફ્લોર
1 ચમચી આદુ મરચાં ની પેસ્ટ
1/2 ચમચી મરી નો ભૂકો
1 ચમચી સોયાસોસ
2 ચપટી હિંગ
મીઠું સ્વાદાનુસાર
વઘાર કરવા માટે
2 નંગ લીલી ડુંગળી ઝીણી સમારેલી
1 નંગ સૂકી ડુંગળી ઝીણી સમારેલી
2 લીલા મરચાં ઝીણા સમારેલા
1 ચમચી આદુ ઝીણુ સમારેલું
10 -12 નંગ લસણ ની કળી ઝીણી સમારેલી
1 ચમચો તેલ
ચપટી હિંગ
મીઠું સ્વાદાનુસાર
1/2 વાટકી પાણી
1/4 ચમચી કોર્નફ્લોર
1 ચમચી કેચઅપ
1 ચમચી સોયાસોસ
1 ચમચી રેડ ચીલી સોસ
1 ચમચી વિનેગર ( 1/4 લીંબુનો રસ)
1/ 4 ચમચી મરી નો ભૂકો
રીત:-
સૌ પ્રથમ મન્ચુરિયન બોલ્સ બનાવા માટે એક મોટા બાઉલ માં કોબી, ફ્લાવર, ડુંગળી, બીટ, ગાજર અને કેપ્સિકપ લો. મેં અહીં બધા શાક ઇલેકટ્રીક ચોપર માં માં કટ કર્યા છે તમે ચીલી કટર માં પણ કરી શકો છો. (શાક ને ખૂબ જ ઝીણું કરવાનું છે )

હવે તેમાં મેંદો, કોર્નફ્લોર ,મીઠું, સોયા સોસ, આદુ-મરચાં ની પેસ્ટ,હિંગ મરી નો ભૂકો ઉમેરી ને બધું હળવા હાથે મિક્સ કરી લો. અને હવે આ મિશ્રણ માંથી હાથેથી નાના બોલ્સ બનાવી ને તૈયાર કરી લો.

(જો મિશ્રણ વધુ સોફ્ટ લાગે તો થોડો કોર્નફ્લોર અને મેંદો ઉમેરી ને મિક્સ કરી લો .)

હવે આ બોલ્સ ને મધ્યમ આંચ પર ગરમ તેલ માં બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો. પછી પેપર નેપકીન પર નીકાળી લો.

એક કડાઈ માં તેલ ગરમ કરવા મુકો. તેમાં હિંગ , લસણ, આદુ અને ડુંગળી ઉમેરી તેને તેજ આંચ પર 1 મિનિટ માટે સાંતળી લો. પછી તેમાં લીલી ડુંગળી ઉમેરી ને ફરી સાંતળો. હવે તેમાં સોયાસોસ, રેડ ચીલી સોસ, મરી નો ભૂકો ને મીઠું ઉમેરી ને મિક્સ કરો . હવે એક વાડકી માં પાણી અને કોર્નફ્લોર મિક્સ કરી ને કડાઈ માં ઉમેરો ઉકળે પછી તળેલા મન્ચુરિયન ઉમેરી ને તેજ આંચ પર થવા દો. વિનેગર અને ટોમેટો કેચઅપ ઉમેરી ને મિક્સ કરો. ગેસ બંધ કરી ને લીલી ડુંગળી થી ગાર્નિશ કરી ને સર્વ કરો.

નોંધ:-
મન્ચુરિયન બોલ્સ માં લોટ નો ઉપયોગ વધુ પડતો ના કરો.
બોલ્સ બનાવતી વખતે વેજીટેબલ ને બહુ મિક્સ ના કરવું જેથી પાણી વધુ ના નીકળે.
શાક અને લોટ મિક્સ કરી ને તરત જ બોલ્સ બનાવી ને તળી લો.
તમે મન્ચુરિયન સાંતાળવામાં કેપ્સિકમ અને ડુંગળી ની મોટી સ્લાઈસ પણ ઉમેરી શકો . (બહાર રેસ્ટોરન્ટ માં મળે છે એ રીતે)
તમે તમને ગમતાં શાક વધુ કે ઓછા પ્રમાણ માં લઇ શકો છો.

બીટ ઉમેરવાથી મન્ચુરિયન નો કલર થોડો ડાર્ક થશે.