આખરી ઈચ્છા – ઓફિસમાંથી માંદગીમાં પણ રજા ના લેનાર રાજે ઓફિસમાંથી એક અઠવાડિયાની રજા લીધી… કેમ???

આખરી ઈચ્છા

ઓફિસમાં માંદગીમાં પણ રજા ના લેનાર રાજે ઓફિસમાંથી એક અઠવાડિયાની રજા લીધી. રોજ સૂર્યવંશીની જેમ ઉઠનારો રાજ બીજા દિવસે સૂરજની કિરણો પહેલા ઉઠ્યો.પછી તેણે પોતાની બેગ પેક કરી અને બાઈક લઈને નીકળી પડ્યો. નદી, પક્ષીઓ, પર્વતો અને રસ્તાઓને પોતાના મિત્ર બનાવીને તે તેની બાઈક ચલાવતો રહ્યો. આખરે તે અંબાજી પહોંચ્યો અને ત્યાં માતાજીના દર્શન કરીને તેણે 1001 રૂપિયાનો પ્રસાદ ચઢાવ્યો. ચહેરા પર ખુશીના ભાવ સાથે તે ઘર તરફ પાછો વળ્યો.


બીજા દિવસે રાજ અનાથ આશ્રમમાં પહોંચ્યો અને ત્યાં તેણે બધા જ બાળકોને જમવાનું જમાડ્યું અને પૂરો દિવસ તેમની સાથે વિતાવ્યો. માસુમિયતભરી ઘણી યાદો લઇ રાજ પોતાના ઘરે પાછો વળ્યો.


ત્રીજા દિવસે રાજ ઘરડાઘર તરફ વળ્યો. મંદીર વગરના ઘણા ભગવાનોને ત્યાં જોઈને કોઈપણ સાફ દિલના માણસની જેમ તેનું પણ દિલ ભરાઈ આવ્યું. તે દિવસે રાજે તેમની સાથે દિલ ખોલીને ઘણી વાતો કરી અને વધુ વાતો સાંભળી. આખરે તેણે 11000નું લવાજમ ભરી એક વર્ષ માટે એક ઘરડી સ્ત્રીને દત્તક લીધી.


પ્રેમ વહેંચવા ગયેલો રાજ, અમૂલ્ય પ્રેમ લઇને તે દિવસે ઘરે પાછો વળ્યો. ચોથો દિવસ આવ્યો. તે દિવસે રાજે ગીફ્ટ લેવા માટે ગીફ્ટની દુકાનમાં ગયો. તે વીચારી રહ્યો હતો કે શું લેવું ત્યાં જ તેની નજર કાચની બીજી બાજુ બહારની તરફ આવેલ જૂની મીઠાઈની દુકાન પર ગયી.રાજ દુકાનમાંથી ખાલી હાથે બહાર નીકળીને મીઠાઈની દુકાન તરફ ગયો અને ત્યાં જઈને નાનપણથી જ તેની બહેન સાથે ભરપેટ ખાધેલ રબડી પાર્સલ કરાવી.

ના રક્ષાબંધન હતી કે ના ભાઈદૂજ, તે દિવસ રાજ તેની બહેન ચાંદનીના ત્યાં પહોંચ્યો. બહેનના ઘરે પહોંચીને તેણે તેની બહેનની માફી માંગી અને બંન્ને ભાઈ-બહેને રબડી ખાતા-ખાતા ભૂતકાળમાં ઘણી નકારાત્મકતાઓથી જીર્ણ થયેલા તેમના સંબંધમાં પ્રેમનો કદીય ના જનારો રંગ ઉમેરી દીધો. બહેન જોડે બગડેલ સંબંધ સુધારી આખરે રાજ ફરી તેના ઘરે પરત આવ્યો.આ ચાર દિવસ રાજ લગભગ ઘરની બહાર રહ્યો હતો પણ તે તેના ઘરડા પિતાજીને ફોન કરીને તેમનું પળ-પળ ધ્યાન રાખતો હતો. આખરે પાંચમા દિવસે રાજ ઉઠ્યો. તે એ દિવસ હતો જે રાજ પોતાની સાથે વીતાવાનો હતો. ભાગદોડની આ ઝીંદગીમાં દરેક નોકરી કરનારની જેમ રાજ પણ એક મજૂર ઝીંદગી જીવવામાં પોતાની ઝીંદગી જીવવાનું ભૂલી ગયો હતો. તે દિવસ તેણે પોતાની જોડે વિતાવ્યો. તેણે પુસ્તકો વાંચ્યા, બગીચામાં ફર્યો, નાનપણના આલ્બમો જોયા અને ઘરે આરામ કર્યો. એક દિવસ તે પોતાની સાથે પણ જીવ્યો. આખરે આવ્યો છઠો દિવસ. આ તે જ દિવસ હતો જેની તારીખ ડોકટરે તેને આપી હતી.રાજ તેના પિતાજીને લઈને તે દવાખાને ગયો અને આખરે તેના પિતાજીનો મોતિયો કઢાવ્યો. તેના પિતાજી ઘણાય મહિનાઓથી આ મોતિયાને ટાળતા હતા પણ આખરે તેમણે રાજના ઘણાબધા દબાવને કારણે મોતિયો કઢાવ્યો. રાજ ખુશ હતો કે તે જાણીને કે હવે તેના ઘરડા પિતાને છાપું વાંચતા આંખમાંથી પાણી નહીં આવે.

સાતમાં દિવસની સવારે રાજે ચીઠ્ઠી ફરી ખોલી હતી. આ ચીઠ્ઠીમાં બીજું કઈ નહીં પણ સાત ઈચ્છાઓ હતી. કેન્સરનો શિકાર બન્યા પહેલા રાજની માતા તેમની આ ઈચ્છાઓનું કાગળ રાજને આપતા કીધું હતું કે દીકરા મારા ગયા પછી આ ખોલજે.એક પછી એક રાજે તેની માતાની દરેક ઈચ્છાઓ દિલથી પુરી કરી હતી. જતા-જતા પણ રાજની માતા તેના પરિવારને એક કરીને ગઈ હતી. જતા-જતા તે રાજને ઝીંદગીનો મતલબ સમજાવી ઝીંદગી જીવવાનું શીખવી ગઈ હતી. દરેક ઈચ્છાઓ પર ચેકમાર્ક થઇ ગયું હતું પણ છેલ્લી ઈચ્છા પર ના થઇ શક્યું. રાજના માતાની છેલ્લી ઈચ્છા હતી કે દીકરા તારા અને તારા પિતાનો સાથ મારે ક્યારેય નથી છોડવો. તે વાંચીને રાજ ખુદ પણ પોક મૂકીને રડી પડ્યો અને બોલી ઉઠ્યો કે, “ઓ મારી માઁ, તારી આ ઈચ્છા હું કેવી રીતે પૂર્ણ કરૂં?”મિત્રો, ઝીંદગી ખુબ જ કીંમતી હોય છે. થોડુંક પોતાના માટે તો વધુ બીજાના માટે જીવો. ભાગદોડની આ ઝીંદગીમાં પોતાના પરિવાર સાથે સમય વીતાવો. . બસ, આ જે સાતમી ઈચ્છા છે તેને ના જીવવાનો અફસોસ મનમાંને મનમાં ના રહી જાય તેનું જ તો નામ છે આ ઝીંદગી.

લેખક : ધવલ નિર્મળા જીતેન્દ્ર બારોટ

દરરોજ ધવલ બારોટની અનેક સમજવા જેવી વાર્તાઓ વાંચો ફક્ત અમારા પેજ પર…

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ