જ્વાલા દેવી મંદિર – પૌરાણિક ચમત્કારિક દૈવિય શક્તિએ ઇતિહાસમાં બતાવ્યો હતો અકબરને પરચો…

જ્વાલા દેવી મંદિરઃ પૌરાણિક ચમત્કારિક દૈવિય શક્તિએ ઇતિહાસમાં બતાવ્યો હતો અકબરને પરચો… હિમાલયમાં સ્વયંભૂ પ્રજ્વલિત જ્વાલા દેવીનો છે ચમત્કારિક મહિમા…

માતા જ્વાલા દેવીનું મંદિર પ્રસિદ્ધ ૫૧ શક્તિપીઠ પૈકીનું એક છે. જે હિમાચલ પ્રદેશના કાંગડા વિસ્તારની કાલિધારમાં આવેલું છે. પૌરાણિક કાળની કથાઓ અનુસાર આ એકાવન શક્તિપીઠના સ્થળે ભગવાન શંકરના પ્રથમ પત્ની માતા સતિના વિવિધ અંગો પડ્યાં હતા. વિદ્વાનો અનુસાર જ્વાલા દેવી મંદિરના સ્થાને એ સમયે સતિજીની જીહ્વા એટલે કે જીભ પડી હતી. એક માન્યતા એવી પણ છે કે બધા શક્તિપીઠોમાં દેવી સતિની શક્તિ સાથે ભગવાન શિવ શક્તિ પણ સદાય સાથે રહે છે. શક્તિપીઠમાં સ્થાપિત થયેલ માતાની આરાધનાથી માતા ખૂબ પ્રસન્ન થાય છે. જ્વાલામુખી મંદિરને જ્યોતા વાલી માતાનું મંદિર અને નગરકોટ મંદિર પણ કહ્યું છે. મંદિરના ગુંબ્બજ પર સોનાનો ઢોળ ચઢાવાયેલ છે.

જ્વાળાના રૂપમાં સ્વયંભૂ સ્થાપન છે આ માતાજીનું…

આ મંદિરને યુગોથી એક રહસ્યમ રીતે એક વરદાન છે, સૌના આશ્ચર્ય સાથે હિમાલયની બર્ફીલી વાદીઓ વચ્ચે પણ જ્વાલા દેવી મંદિરમાં સદીઓથી કુદરતી રીતે જ ન તો તેલ કે ન વાટ મૂક્યા વિના જ સ્વયંભૂ પ્રગટ થયેલ જ્યોત પ્રજ્વલિત રહે છે. તેમાં નવ જ્યોતિઓ પ્રજ્વલિત છે તેમાંથી વચ્ચે ચાંદીના દીવડાઓની વચ્ચે મુખ્ય અને મોટી જ્યોત પ્રકાશે છે તેને મહાકાળી કહે છે. અન્ય આઠ જ્વાલાઓમાં માતા અન્નપૂર્ણાં, ચંડી, હિંગળાઝ, વિદ્યવાસિની, મહાલક્ષ્મી, સરસ્વતી, અંબિકા અને અંજી દેવી આ જ્વાળા દેવી મંદિરમાં વાસ કરે છે.

શા માટે જ્વાલા માતાની જ્યોત પ્રજ્વલિત રહે છે, રહસ્યમય રીતે જાણો…

એક પૌરાણિક દંતકથાના આધારે યુગો પહેલાં પ્રાચિન કાલે ગોરખનાથ માતાનાઅનન્ય ભક્તના રૂપે સેવા – ચાકરી કરતા હતા. એકવાર ગોરખનાથને ખૂબ ભૂખ લાગી. તેમણે એમની આરાધ્ય માતાને કહ્યું હતું કે તમે આગ્ની પ્રજ્વલિત કરી રાખો, હું કંઈક ભોજન ભીક્ષામાં લઈને આવું છું. માતાજીએ તો ભક્તના કહ્યા મુજબ અગ્ની પ્રજ્વલિત કરીને પાણી ગરમ કરવા મૂકી પણ દીધું. પરંતુ થયું એવું કે ગોરખનાથજી પાણી ગરમ થઈ ગયા પછી પણ પરત ન આવ્યા માતાજી તેમના પરમ ભક્તની રાહ જોવા લાગ્યાં. આજે પણ જ્વાલા દેવી તેમના પ્રિય ભક્તિની રાહ જોઈ રહ્યાં છે. યુગો બદલાઈ ગયા પછી પહેલાં સતયુગ આવ્યો હતો ત્યારે અને આજે આપણને કાલિયુગનો ભાસ થાય ત્યારે પણ ભક્ત ગોરખનાથ પાછા નથી ફર્યા.

ત્યાં સુધી તે અગ્નિ જ્યોત એમ જ યથાવત જોવા મળશે એવું કહેવાય છે. ભક્તોના આશ્ચર્ય સાથે ચમત્કાર એ છે કે આ જ્વાળા સ્વયંભૂ પ્રગટેલી છે, તેને ચાલુ રાખવા આજ સુધી તેલ, ઘી, દિવેલ કે વાટની જરૂર જ નથી પડી. આ મંદિરનું સદીઓ પહેલાંનું નિર્માણ એ સમયના રાજા ભૂમિ ચંદે કરાવ્યું હતું, એવું કહેવાય છે કે ત્યાર પછી પંજાબના મહારાજા રણજિત સિંહ અને હિમાચલના રાજા સંસારચંદે પણ ૧૮૩૫માં જ્વાલા દેવી મંદિરનું પૂનઃનિર્માણ કરાવડાવ્યું હતું. ભારતના હિમાચલ પ્રદેશમાં આવેલ આ પ્રાચિન મંદિરમાં હિન્દુઓ તેમજ પંજાબી શીખ સમુદાયની આસ્થા જોડાયેલી છે.

ચમત્કારી “ગોરખ ડિબ્બી”

જ્વાલા દેવી શક્તિપીઠ માતાની સ્વયંભૂ જ્યોત સિવાય ત્યાં વધુ એક ચમત્કાર જોવા મળે છે. ત્યાં ભક્ત ગોરખનાથજીનું મંદિર પણ આવેલું છે. તેના વિશે એવું કહેવામાં આવે છે કે આ મંદિર સંકુલ પાસે ‘ગોરખ ડિબ્બી’ છે. આ એક નાની વાવ જેવું છે, તેને જોતાં જ લાગે છે કે આ કુંડમાં ઉકળતું ગરમ પાણી હોય તેવું લાગે છે જ્યારે કુંડનું પાણીને સ્પર્શતા તે તદ્દન ઠંડુ લાગે છે.

જ્વાલા દેવી માતાએ અકબરની ખોલી હતી આંખોઃ આ પરચો વાંચીને તમને પણ નવાઈ લાગશે…

મુઘલ સામ્રાજ્યના સમયમાં અકબરનું રાજ્ય હતું ત્યારે એક પરમ ભક્ત એમના ગામમાંથી માતા જ્વાલા દેવીના દર્શને જતા હતા. તેઓને માતા જ્વાલા દેવીની ઉપર ખૂબ જ આસ્થા હતી. એકવાર, તેઓ જ્યોતિ દેવીના દર્શન કરવા કેટલાક ભક્તોના કાફલા સાથે તેમના ગામની બહાર નીકળ્યાં. રસ્તામાં, મુઘલ સૈન્યએ તેમને પકડી પાડ્યા અને તેને અકબર બાદશાહની સામે તેમના દરબારમાં રજૂ કર્યા. બાદશાહ અકબરે તે પરમ ભક્તને પૂછ્યું કે તેઓ બધા ક્યાં જઈ રહ્યા છે. આના જવાબમાં સાધકે કહ્યું, “જ્યોતાવાળી માના દર્શને જઈ રહ્યા છીએ અમે.” એવું કહ્યું. અકબરે તેમને પૂછ્યું, “તમારી માતાની તાકાત કેટલી છે?” પરમ ભક્તે તેના જવાબમાં કહ્યું કે “તે આખા વિશ્વનું રક્ષણ કરી શકે છે. એવું કંઈ નથી જે તે કરી શકતી નથી.”

આ સાંભળીને; અકબરે તે પરમ ભક્તના ઘોડાનું માથું કાપી નાખ્યું અને કટાક્ષમાં કહ્યું કે જો તમારી માતા સાચી છે તો તેનું જીવન પાછું લઈ બતાવો. તે સાધકે ધ્યાન ધરીને માતાને વિનંતી કરી કે હવે માતા પોતાને શરમાવશો નહીં, સહાય કરી અને આ ઘોડાને જીવનદાનનું વરદાન આપો. ઘોડાનું માથું માતાના આશીર્વાદથી ફરી જોડાઈ ગયું અને તે અચાનક ફરીથી હણહણવા લાગ્યો. અકબર અને તેની સેનાને તેમણે જે નજરે જોયું તેની પર ખાતરી નહોતી થતી, પરંતુ આ સાચું હતું. અકબરે તેમના માતાની માફી માંગી અને સોનાનું છત્ર અર્પણ કરવા ભક્તોના સંઘની સાથે માતાજીના દરબારમાં પહોંચ્યા. પરંતુ તેઓ ગયા તો ખરા પણ થોડા અહંકાર સાથે પ્રવેશ્યા હતા.

તેમણે જેવું સુવર્ણ છત્ર માના શિરે મૂકવાનો પ્રયત્ન કર્યો સોનું ઓગળી ગયું અને અન્ય કોઈ ધાતુનું બની ગયું. આજે પણ એ છત્ર દાયકાઓથી ત્યાં જ્વાલા માના મંદિરમાં પડ્યું છે. એક માન્યતા અનુસાર પાંડવોએ આ જ્વાળા દેવીનું મંદિર શોધ્યું હતું. અંગ્રેજોના જમાનામાં પણ આ મંદિરનું તથ્ય શોધવાના પ્રયત્નો થયા હતા. એવું માનવામાં આવે છે કે હિમાલયના ઊંડાણમાં કંઈક એવા પ્રાકૃતિક તત્વો છે જેને કારણે આ જ્યોત અવિરત કોઈજ ઇંધણ વિના પણ જ્વલંત રહી શકે છે. પરંતુ અહીં અનેકવાર એવા ચત્મારિક પરચાઓ મળે છે જેને કારણે અહીં સંશોધનો નથી થઈ શક્યાં. નહીં તો આ સ્થળે જનરેટરો કે ઊર્જા પ્રાપ્તિના વિકલ્પોની શોધના જટિલ મશીનરીઓ આવી પહોંચી હોત.

કઈરીતે પહોંચી શકાય છે જ્વલા દેવીના દર્શને…

હવાઈ માર્ગેથી પહોંચવા જ્વાલા મંદિરથી ૪૬ કિ.મી. દૂર હવાઈ મથક ગગલમાં આવેલ છે. અહીં ઉતરીને ગાડીથી દર્શને જઈ શકાય છે. સડક માર્ગે જવા હિમાચલ ટૂરિઝમની બસ તેમજ ખાનગી વાહનોની પણ સગવડો હોય છે. પઠાણકોટ, સિમલા તેમજ દિલ્હીથી પણ યાત્રીઓ સડક માર્ગે પહોંચી શકે છે. રેલ માર્ગે પઠાણકોટથી સ્પેશ્યલ ટ્રેનમાં બેસી જઈને મારંડા થઈને પાલમપુર સુધી પહોંચી જઈ શકે છે. ત્યાંથી કાર કે બસની મદદથી જ્વાલા દેવી મંદિર પહોંચી જઈ શકાય છે.

ગુજરાતના જામનગરમાં છે, જ્વાલા માનું મંદિર…

ગુજરાતના જાણીતા શહેર જામનગરમાં જ્વાલા દેવી માનું સુંદર જૂના બાંધકામથી બનેલ મંદિર સ્થાપિત છે. જ્યાં જ્વાલા માની જ્યોતની આંગી લાવવામાં આવી છે. અહીં, નાગર જ્ઞાતિના માંકડ અવટંકના લોકો સેવાપૂજા કરે છે. આ તેમના કૂળ દેવી છે. તેઓ જ્વાલા માના દર્શને હિમાચલ પણ અવારનવાર જતાં હોય છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ