બાળકના જન્મ પછી તેણે કરેલો નિર્ણય યોગ્ય છે કે નહિ તમને પણ આવો જ સવાલ થશે…

અનિકેત જોડે અઠવાડિયાના અંતે સુપર માર્કેટ જઈ આખા અઠવાડિયાની ઘરવપરાશની વસ્તુઓ ખરીદવાના નિયતક્રમ ને અનુસરતી માધવી ખરીદેલો બધો સામાન ડીકીની અંદર વ્યવસ્થિત ગોઠવી રહી હતી.


અચાનક પાછળથી એક હૂંફ ભર્યા સ્પર્શે એને ઢંઢોળી . પોતાની કોલેજકાળની શ્રેષ્ઠ સખી ઋતુને નિહાળી માધવી ખુશીથી છલકી ઉઠી. ફક્ત ઓનલાઇન મળતી સખીઓ લાંબે ગાળે એકબીજાને રૂબરૂ મળી રહી હતી. વાતોતો ઘણી બધી કરવી હતી . પણ સમયની કટોકટી હતી. ઋતુને નોકરી માટે નીકળવાનો સમય થઇ ચુક્યો હતો. અનિકેત ડ્રાઈવિંગ સીટ ઉપર ગોઠવાઈ માધવીની રાહ જોઈ રહ્યો હતો.

એકબીજાને ફુરસદથી મળી જીવ ધરાઈને વાતો કરવાનું વચન આપી બન્ને સખીઓ આખરે છૂટી પડી. ડ્રાયવીંગ કરતા અનિકેતની નજર ડેક ઉપર સચકેલ ખરીદીની લાંબી રસીદ ઉપર પડી. ચ્હેરો વધુ ગંભીર બન્યો. અણગમો શબ્દોમાં ઉતરી આવ્યો. ” બાળકો જોડે ખર્ચા કેટલા વધી ગયા છે . પરિવારમાં ફક્ત એકજ વ્યક્તિ કમાય એ આજના મોંઘા સમયમાં પર્યાપ્ત નથી. “


બાળકોના યોગ્ય ઉછેર માટે માધવીનો નોકરી છોડવાનો નિર્ણય અનિકેતને પહેલેથીજ નાપસંદ હતો. પરંતુ બાળકો જ્યાં સુધી સ્વનિર્ભર બની રહે ત્યાં સુધી માતા-પિતા માંથી કોઈ એક એમની જોડે રહે એ એમની કુમળી માનસિકતા અને યથાર્થ ઉછેર માટે અનિવાર્ય હોય એવી પોતાની વિચારશ્રેણી પર માધવી પણ મક્કમ હતી. અનિકેતને કોઈ પણ ઉત્તર આપ્યા વિનાજ માધવીની આંખો ગાડીની બહાર તકાય રહી . આજે મળેલી ઋતુનો ચ્હેરો આંખો સામે તરી આવ્યો . એ પણ તો બે બાળકોની મા છે . એણે તો બાળકોના જન્મ પછી નોકરી છોડી નહીં ? ઋતુ સાથેની મુલાકાતથી મન મૂંઝાઈ ગયું.


‘બાળકો ના યોગ્ય ઉછેર માટે નોકરી છોડવાનો મારો નિર્ણય યોગ્ય ખરો ?’

એજ સાંજે નોકરીથી પરત થયેલી ઋતુનો પરિવાર એનાથી રીસાયેલો અને ક્રોધિત હતો. એનું બાળક દાદરો પરથી લપસી ઈજાગ્રસ્ત બન્યું હતું. બધાને મોઢે ફક્ત એકજ વાત હતી. ” પોતાના બાળકો કરતા પણ કારકિર્દી વ્હાલી ? કેટલીવાર કહ્યું કે નોકરી રહેવા દે. બાળકો પર ધ્યાન આપ . પણ સાંભળે તો ને ?” પોતાના બાળકો માટે રાજીખુશીથી નોકરી છોડી દેનારી પોતાની સખી માધવીનો ચ્હેરો ઋતુના મનમાં ઉપસી આવ્યો. હૃદય મૂંઝાઈ ગયું. ‘બાળકો ના જન્મ પછી પણ નોકરી કરવાનો મારો નિર્ણય યોગ્ય ખરો ?’


લેખક : મરિયમ ધુપલી

શું નિર્ણય કરવો જોઈએ આ માતાએ તમારા વિચારો કોમેન્ટમાં જણાવો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ