વૃદ્ધો માટે આટલું કરો – આજની પેઢીના દરેક દિકરા અને વહુઓએ વાંચવી અને જીવનમાં ઉતારવા જેવી વાત…

“વૃદ્ધો માટે આટલું કરો”

એક નમતી બપોરે મારા નાનકડા દીકરા અચ્યુતને લઈને, હું પાર્કમાં આવી. ત્યાં કેટલાક બાળકો હીંચકા ખાતા હતા.. કેટલાક લસરપટ્ટી માં લસરતા હતા.. કોઈ બાળકો રમતા હતા. મારો અચ્યુત પણ, ત્યાં દોડી ગયો..


હું, તેના પર નજર રાખતી, આમતેમ આંટા મારતી હતી. અને મેં જોયું કે.. કોઈ , ભૂલકાને લઈને તેના મમ્મી-પપ્પા આવ્યા હતા.. તેમને પાપા-પગલી કરાવતા-કરાવતા ખુશ થતા હતા… કોઈ એક ખૂણામાં, એક યુવાન કપલ ગુસપુસ કરતું બેઠું હતું.. અને એક બાજુ થોડા વડીલો બેઠા હતા.. ત્યાં આવીને, થોડી દુર હું બેઠી.. ત્યારે , ત્યાં એક વધુ વડીલ દંપત્તિ આવ્યુ, તેમને જોઈને બેઠેલા એક માસી બોલ્યા , “આ સુનંદાબેન અને જગદીશભાઈ આવી ગયા !!”

સુનંદાબેન અને જગદીશભાઈ બગીચામાં વોકિંગ કરીને અહીં જ્યાં , પહેલેથી જ તેમના જેવા ત્રણ-ચાર દંપતી બેઠા હતા, ત્યાં આવીને અટક્યા. આ તેમનો દરરોજનો ક્રમ હતો. બંને “હા…શ..!!” કરીને બેઠા . અહીં સુખ-દુખની વાતો થતી .. “સહુ પોતપોતાના હૈયા ઉલેચતા.” એમાં એક જયા બેન આવેલા હતાં, તેમના પતિ રમણીકભાઈ, તેમને સમજાવતા હતા, ” તારે વહુને, એટલું તો કહેવું હતું, કે તમારા સસરા હવે તીખું ખાઈ શકતા નથી !! તો તેમનું થોડુક શાક અલગ કાઢીને પછી મરચું નાંખે !! મને તો આખો દિવસ ખાધા પછી છાતીમાં બળ્યા કરે છે !!”


જ્યાબેને ઉદાસીભર્યા અવાજે કહ્યું, ” તમને વાતું આવડે !! આપણે દીકરાની ઘરે આવ્યા હોય, ત્યાં સુધી વહુનું મોઢું જ એવું ચડાવેલું હોય કે કંઈ કહેવાનું મન જ ન થાય !! આપણે થોડાક દિવસ આવ્યા હોય !! તો જે હોય તેમાં ચલાવી લેવાય !!” “પણ, મને બળતરા થાય, તેનું શું ??? અને,તારે ક્યાં કોઈ ઝગડો કરવાનો છે ?? એટલું ના બોલાય, તારાથી ??”

જયાબેન ત્યારે રીતસરના રડી પડ્યા… તો પછી રમણીકભાઈ ઢીલા પડી ગયા.. અને કહેવા લાગ્યા.. કે “કંઇ વાંધો નહી હું ચલાવી લઈશ !! તું ,તારો જીવ ન બાળ !! હું એસિડિટીની દવા ખાઈ લઈશ, બસ ??” જયાબેન આંસુ લૂછતાં હતાં. ત્યાં શારદાબેન બોલ્યા, ” આપણા બધા કરતા સુનંદાબેન અને જગદીશભાઈ બહુ ભાગ્યશાળી છે !! કેટલા સમયથી તેઓ તેમના દીકરાને ત્યાં જ રહે છે !!” સુનંદાબેન હસીને બોલ્યા, ” હા હો !!, અમે તો કાયમ માટે જ દીકરાના ઘરે રહેવા આવી ગયા છીએ !!”


ત્યાં વનિતા માસી બોલ્યા, ” અમે તો અહી આવીએ, ત્યારથી જ વહુ, અમે ક્યારે પાછા જઈશું !! તેની રાહ જ જોતી હોય !! એમાય અમારા ચિંટુ ની પરીક્ષા નજીક આવતી હોય ને ત્યારે તો અમારાથી, અમારા દીકરાના ઘરે, અવાય જ નહીં !! જો ભૂલેચૂકે ય આવી ગયા !! તો અમારી સાથે સરખાએ વાત ય ન કરે !! ચિંટુડા ને પણ,નાની નાની વાતમાં ધોકાવી નાખે !! આપણાથી કાંઈ બોલાય પણ નહીં !! આપણને એમ થાય કે “આયા ક્યાં આવી ભરાણા !! તેમાં હવે કાયમ રહેવા આવવાનું તો ક્યાંથી પોસાય ???” “જગદીશભાઈ અને સુનંદાબેન ને આપણા કરતા ઘણું સારું છે !!” જગદીશભાઈ કહે, ” હા,હો !! સાચી વાત છે !! ” અને અંધારું થવા આવ્યું હોવાથી, એક પછી એક, બધા ઊઠ્યા … પોતપોતાના ઘરે.., નહિ નહિ, પોતપોતાની ઘરે નહિ, પોતપોતાની વહુના ઘરે ચાલતા થયા !!”


સુનંદાબેન અને જગદીશભાઈ બેસી રહ્યા. આજે તેમના દીકરો-વહુ, બહારગામ ગયા હતા, એટલે, આજે ટાઈમ સાચવવાની જરૂર ન હતી. જગદીશભાઈ સુનંદાબેન તરફ જોઈ રહ્યા.. પછી ધીમેથી પૂછ્યું .. ” બધા કહે છે કે આપણા દીકરો-વહુ ખૂબ સારા છે !! પણ છતાય તારા મોઢા પરનું ઓરીજનલ હાસ્ય મને ક્યારેય દેખાતું નથી !! તું કેમ, સુનંદા !! પહેલા જેવી ખીલેલી નથી લાગતી ?? આપણા ખાવા પીવા કે હરવા-ફરવામાં આપણા દિકરાવહુએ રોકટોક નથી કરી, છતાં તું ઉદાસ કેમ રહે છે ???”


સુનંદાબેન કહેવા લાગ્યા, ” સાંભળો ત્યારે !!! આજે હું તમને જે કંઈ વાત કરું છું, તે ફક્ત આપણા બંનેની જ વાત નથી !! પરંતુ, આપણા જેવા બધા વડીલોની સ્થિતિ વિશે વાત કરું છું !! હું આજની યુવા પેઢીને કહેવા માંગુ છું !! એમાં ખાસ કરીને દીકરાઓને… !!

…આપણા સમાજમાં, દીકરો સારું ભણેગણે, નોકરી-ધંધામાં સેટ થાય તે માટે તેમના મા-બાપ જમીન-આસમાન એક કરે અને સારામાં સારી છોકરી તેના માટે શોધે !! તે પોતાના દીકરા માટે ગજા ઉપરવટ નો ખર્ચ કરીને પરણાવે !! અરે ! જે સાસુએ આખી જિંદગીમાં ક્યારેય ખરીદીને ન પહેર્યા હોય તેવા મોંઘા કપડાં, આવનાર વહુની છાબ માટે ખરીદે !! પોતાના ઘરેણા વટાવીને નવા દાગીના લાવે !! તે પણ જરાય દુઃખ લગાડ્યા વગર !!હોશે-હોશે !!!


દીકરાનો બાપ પણ, મોટું મન રાખીને દીકરાની દરેક ઈચ્છા પૂરી કરે !!! દીકરાઓને પોતાની ‘જીવનમૂડી’ સમજીને પોતાની “મરણમૂડી” પણ અલગ ન રાખતા, તેમના ઘર વસાવી, પોતાની મિલકત વેચી ને, દીકરા માટે બધું વસાવે અને દિકરા સાથે રહેવા આવે !! તો તે મા-બાપને આનો બદલો શું મળે છે??? જાણો છો ?? “ઉપેક્ષિત જીવન !!”

એમને ખાવા-પીવા-રહેવા તો મળી રહે છે ! પણ, આજના વૃદ્ધોની ઉપેક્ષા કરવામાં આવે છે !! તેમને અંતરના અદકેરા ઉમળકાથી આખી જિંદગી ઉછરેલા તેમના દીકરા તેમને દિવસમાં એક-બેવાર આવીને પૂછતા નથી કે આજે તમારું મોઢું કેમ ઉદાસ છે ?? તમારી તબિયત તો સારી છે ને ?? ઘરમાં કોઈ નવી વસ્તુ આવે !!નવી વસ્તુ લેવી હશે , તો દીકરોવહુ મોટી મોટી વાતો કરી ‘પોરહ’ કરશે , કે “”અમારે ‘આ’ ટીવી લેવું હતું પણ અમારા મોન્ટુ એ કીધુ કે મારે તો, સ્લીમ,સ્લીમ lcd જ જોઈએ !!”


કોઈ કહે, “અમારા ઘરને કલર માટે અમે તો આછા રંગની ચોઈસ કરી !! પણ અમારી સ્વીટી તો માની જ નહિ!! એને તો ડાર્ક કલર જ પસંદ પડ્યો !! નાનીમોટી વાતમાં ત્રણથી પાંચ-સાત વર્ષના બાળકો કે જેને સરખી રીતે, કપડાં પહેરતાયે નથી આવડતા!! તેમના એક કહેણ પર, પોતાની પસંદગી, બજેટ અને મોટા મોટા નિર્ણયો બદલનારા, ન્યૂ જનરેશનના મમ્મી-ડેડી, ક્યારેય પોતાના મા-બાપની નાની-નાની ઈચ્છાઓ ય નથી પૂછતા !!

અરે !!, પહેલા મુકતામાસીએ વાત કરી ત્યારે તો મારાથી રડી જ પડાયું … મગનભાઈનો ટૂંકો પગાર અને ગામડે તો કોઈ જમીન નહોતી !! તો મુક્તાબેને કાળી મજૂરી કરી કરી માથે તગારા ઉપાડી ઉપાડીને ટાલ પાડી દીધી !!એવા કામ કર્યા !! સખત કામ કર્યા… અને બન્ને દીકરાઓને ભણાવ્યા-ગણાવ્યા !!


આ બધું કરવામાં તેઓએ,નથી કોઈ દિવસ સારું લૂગડું પહેર્યું કે નથી કાંઈ સારું ખાધું-પીધું !! હરવા-ફરવાની તો વાત જ નહીં ક્યાં કરવી? મગનભાઈએ, રાતપાળીને દિ’પાળી, એમ, બન્ને શિફ્ટમાં કામ કરતાં કરતાં પોતાનું સંસારસુખ પણ હોમી દીધું !! અને બસ, એક જ લગની હતી આપણે બે દીકરા છે !!વળી ભણવામાં હોશિયાર !! સારી નોકરી મળી જાય બસ !! પછી તો એ…ય…ને લહેર જ લહેર !! મજા જ મજા છે !!

પણ, સમય જતાં દીકરા નોકરીએ લાગ્યા, તેમને પરણાવ્યા, તેમને માટે મકાન પણ બનાવ્યા, બંને દીકરાઓ માટે એક એક મકાન થઇ ગયા !! અને તેમણે હાંશકારો અનુભવ્યો !! પણ તેમના જીવનમાં લહેર ના આવી તે ન જ આવી. !! તેઓ જે દીકરાની સાથે રહેવા જાય તેની વહુ ને એમ જ થાય કે “હું શા માટે સાચવું ?? મારે જ શા માટે “ગઈલઢા” સાચવવાના ??” સુનંદાબેન રડી પડ્યા ..!! જગદીશભાઈ પણ આંસુ લૂછવા લાગ્યા !!!


ગળૂ ખંખેરી, સુનંદાબેન આગળ બોલ્યા… ” જે મા-બાપ પોતાની જિંદગી, પોતાના માટે જીવવાનું, ભૂલી ગયા !! તેમને હવે તો મોજ થી જીવવા દો !! એમને તમારી પાસેથી કીમતી વસ્તુઓ કે સારા ખાવા-પીવાનું, કાંઈ જોઈતું નથી. પણ , તે તમારું હાસ્ય, તમારો પ્રેમ, પામવા તલસે છે !! તેઓએ તો ગમે તે વસ્તુ વગર ચલાવતાં જીવવાનું સ્વીકારી લીધું છે. તેમને વસ્તુઓ વગર જીવતા આવડે છે. તેથી તમારી પાસે કોઈ વસ્તુ મળશે નહીં તો તેઓ તેની ફરિયાદ નહિ કરે !!

પણ તમે એમને ઇમ્પોર્ટન્સ “મહત્વતા” આપો ! તેમને પણ તમારા નાના-મોટા નિર્ણયોમાં સામેલ કરો ! દીકરો મોડો આવવાનો હોય કે બહારગામ ગયો હોય, તે તેના માબાપને વહું દ્વારા જ ખબર પડે !! અને એ પણ વહુ જો વાત કરે એવી હોય તો!! “તમે તમારી પત્નીને ન કહેતા મા-બાપને કહેતા જાવ ” એમ , મારું સૂચન નથી ,પણ બધાની હાજરીમાં , વાત કરો કે મારે બહાર જવાનું છે !!

રાતના ઉધરસ ખાતા-સસરા તરફ, વહુ સવારે એવી નજરે જુએ કે તેમણે કાંઈ ભયંકર ગુનો કર્યો હોય !! વળી સવારનો નાસ્તો કરતા કરતા દીકરો, તેની વહુને કહે, ” ડાર્લિંગ !!, તારી આજે ઊંઘ બગડી છે ! તો હું ઓફિસ જાવ, અને ટિંકુ સ્કૂલે જાય ! એટલે, પછીથી તું ફરીથી સુઈ જાજે ! હો !! આજે બહુ કામ ન કરતી !! પણ , એ જ દીકરો, પોતાના પપ્પાને વાંસામાં હાથ ફેરવીને કેમ એમ નથી પૂછતો કે, પપ્પા !! આજે રાત્રે બહુ ખાંસી આવતી હતી !! ડોક્ટર પાસે જવું છે ?? કે પછી હળદરવાળુ દૂધ રાત્રે પીતા જાઓ !! તો તમને સારું રહશે !!


અંબામા, બે વાર વધારે લેટ્રીન જાય અને પેટમાં ગરબડ હોય, તો વહું, એવા છણકા કરે કે… ન પૂછો વાત !! “ભજીયા ન ખાતા હો તો !! પણ એ જ સાસુની આંખમાં આવેલ આંસુ બહાર નીકળે નહીં તેની તકેદારી રાખવા જતાં ગળે ડૂમો બાઝી જાય અને તેથી બોલી શકતા નથી કે.

” બેટા તમારે મારા માટે અલગથી રોટલી બનાવવાની માથાકૂટ ન કરવી પડે , એટલા માટે પચતા ન હોવા છતાં મેં આ બે પાંચ ભજીયા ખાઈ લીધા હતા !!” પાછો વળી દીકરો ?? “પડ્યા પર પાટુ” એમ, જતાં હતાં બોલતો જાય તે જુદું !! ઉંમર થાય એટલે ખાવાપીવામાં ધ્યાન રાખવું જોઈએ !! અમે અત્યારથી અમારા હેલ્થની કેટલી કેર કરીએ છીએ !!”

હવે આમાં જો અંબા મા થી જો રોવાઈ જાય તો તો કહે , “અમે તમને એવું તે શું કહી નાખ્યું ?? કે રોવા બેઠા ?? આ તો તમારા સારા માટે કીધું !! ” …”…લો બોલો !!!” તે જ દીકરો જ્યારે નાનો હતો ત્યારે, તેને ઘરની બનાવેલી મીઠાઈ ,સદતી ન હતી, તો તેના માબાપે ક્યારેય લાડવા-લાપસી કે સુખડી-ગોળપાપડી બનાવ્યા તો નહીં !! ખાધા પણ નહીં !! શાંતિબાપાને લાડુ ખૂબ ભાવતાં !!


પણ, અંબામા તો !! આજુબાજુમાં વાટકીવ્યવહાર વાળાને ય કહેતા કે, ” તમે ગોળ વાળુ કઈ બનાવો, તો અમારા ઘરે દેવા ન આવવું, અમારા આ કાનાને સદતું નથી !! ” અને અંબામાં અને શાંતિ બાપાએ કેવા કેવા લાડકોડ કરી, કાનાને ઉછેર્યો હોય !! તે જ કાનો મોટો થઈને, મા-બાપના ત્યાગ અને બલિદાનને યાદ ન કરે, તેની ફરિયાદ નથી !! પણ, તેની વહુ ને અનુકુળ થવા થોડા ભજીયા ખાઈ લીધા !! એની પણ ચોખવટ કરવા જેવા એને ન રહેવા દીધા !!

તમારા માતા-પિતાને, તમે લાડ ન લડાવો, તો કોઈ વાંધો નહીં !! પણ તેમની અંદરની લાગણીઓને સમજવાનો પ્રયત્ન તો કરો !! માતાપિતાને, તમારી એક મીઠી નજરની ભૂખ છે તમારી આંખમાંથી ડોકાતો ઉપેક્ષિત ભાવ એને વીંધી નાખે છે !! પોતાના જ ઘરમાં મહેમાન કરતા પણ, વધારે પરાયાપણું, તેઓ મહેસૂસ કરે છે !! તમારા માબાપ, તમારા ઘરે, હકથી રહી શકે, તેવી ભાવ ભરેલી આંખે માતા-પિતાની કદર કરો !!
તેઓ દીકરાના ઘરે રહેતા હોય તેમ લાગે છે !!


તેમને આ ઘર એ પોતાનું ઘર લાગવા દો તો ય ઘણું !! તમારા બાળકોના જન્મ દિવસે, તમારા જન્મદિવસે અને લગ્નની એનિવર્સરીએ, તમે જે ઉજવણી કરો છો, તેમાં હોંશથી થોડા-થોડા થતાં તમારા માબાપના જન્મદિવસ કે લગ્નતિથિ ની પાર્ટી ના રાખો તો કાંઈ નહીં !! પણ, તેમના મહત્વના તેવા દિવસોએ તેમને માટે થોડીક લાગણી તો બતાવો !!

આ માટે તરસે છે આજના વૃદ્ધો !! તમે ઝરણાઓની જેમ મુક્ત વહો છો તો તેની કાઇ જરાપણ ફરિયાદ નથી !! પણ સ્નેહની આછેરી છાંટ, તમારા માબાપ પર છલકાવો !! તો તમને તેમની અંદર “વહાલનો સાગર” ઘુઘવાટ કરતો દેખાશે !! તેવો ઉપડ્યા નહી ઊપડે !! અને પછી ?? તેમના મોં ઉપરનું તેજ,જુઓ !! તમને, એક અલૌકિક તૃપ્તિ દેખાશે !!


તેઓ તમારા મા-બાપ હોવાનું ગૌરવ અનુભવશે!! તેમાં તમને જ એ લોકો પ્રેમથી તરબોળ કરી દેશે !! ફરીથી સુનંદાબેન રડી પડ્યા. જગદીશભાઇ એ તેમના હાથ પર હાથ મૂકી કહ્યું, ” આંસુ લૂછી લે ! સુનંદા !!, તારી આ બધી વાત હું બરાબર સમજું છું !! પણ, આપણી આ વાત અત્યારની પેઢીને કહે કોણ ?? કે વૃદ્ધોને શાની જરૂરિયાત છે ?? વૃદ્ધો માટે ફક્ત આટલું કરો !!…”

દક્ષા રમેશ “લાગણી” જૂનાગઢ.

ત્યારે , ન ખબર પડતા, ભીની થઈ ગયેલી, મારી આંખો લૂછતાં લૂછતાં, એમની પાસે જઇને મેં કહ્યું , ” તમારી આ વાત હું આપણા સમાજના યુવાન દીકરાવહુઓ સુધી પહોંચાડીશ !!સુનંદાબહેનને પૂછ્યું, ” કેવી રીતે ??” મેં કહ્યું , “તમારી આ વાત સોશિયલ મીડિયામાં મોકલીશ !! અને આજના યુવાન દીકરાઓને ચોક્કસ કહીશ, કે “વૃદ્ધો માટે આટલું તો કરો જ કરો !!!”

મિત્રો દરેક સાથે શેર કરો આ વાર્તા ખબર નહિ કોઈ દિકરા વહુનું મન બદલાઈ જાય અને કોઈ માતા પિતાના જીવનમાં ખુશીઓનું વાવાજોડું આવી જાય..

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ